'ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર પણ...' મસૂદ પેઝેશ્કિયાને કઈ શરત મૂકી? – ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 3 મિનિટ

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું છે કે જો કેટલીક શરતો પૂર્ણ કરવામાં આવે તો ઈરાન અમેરિકા અને ઇઝરાયલ સાથે યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર છે.

ઈરાનના સરકારી મીડિયાએ પેઝેશ્કિયાને યુરોપીય કાઉન્સિલના પ્રમુખ સાથે ફોન કૉલ પર થયેલી વાતચીત મામલે જણાવ્યું છે.

પેઝેશ્કિયાન તરફથી યુદ્ધ સમાપ્ત કરવાની 'ઇચ્છા' છે પરંતુ તમામ શરતો સાથે, ખાસ કરીને ગૅરંટી સાથે ભવિષ્યમાં ફરી સંઘર્ષ ન થાય તો.

આ પહેલાં પણ અમેરિકાના 15 બિંદુઓના શાંતિ પ્રસ્તાવ પર ઈરાને ફરી હુમલો ન થાય તેની ગૅરંટી માગી હતી.

પેઝેશ્કિયાનના આ નિવેદન બાદ અમેરિકાનાં શૅરબજારોમાં તેજી જોવા મળી હતી.

ભારતમાં ફરી કૉમર્શિયલ એલપીજીના ભાવ વધ્યા, આટલા રૂપિયા મોંઘું થયું સિલિન્ડર

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા જંગ વચ્ચે ભારતમાં ફરી એક વાર કૉમર્શિયલ એલપીજીના ભાવ વધી ગયા છે. બુધવારે કૉમર્શિયલ એલપીજીની કિંમતોમાં 195.50 રૂપિયાનો વધારો થયો છે.

જોકે, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો નથી થયો.

પીટીઆઇ પ્રમાણે, દિલ્હીમાં હવે 19 કિગ્રાનું કૉમર્શિયલ એલપીજી સિલિન્ડર 2078.50 રૂપિયાનો થઈ ગયો છે. આ જાણકારી સરકારી ઑઇલ કંપનીઓના હવાલાથી અપાઈ છે.

આ પહેલાં 1 માર્ચના રોજ 19 કિગ્રાવાળા સિલિન્ડરની કિંમત 114.50 રૂપિયા વધી ગઈ હતી.

ઇરાકમાં અમેરિકન મહિલા પત્રકારનું અપહરણ, અધિકારીઓએ શું જણાવ્યું?

ઇરાકના પાટનગર બગદાદમાં એક અમેરિકન મહિલા પત્રકારનું અપહરણ થઈ ગયું છે. ઇરાકી અને અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે શકમંદોમાંથી એકનું સંબંધ ઈરાન સમર્થિત મિલિશિયા સાથે છે.

અલ-મૉનિટર નામની એક ન્યૂઝ વેબસાઇટે જણાવ્યું કે અમેરિકન ફ્રીલાન્સ પત્રકાર શૈલી કિટલસનનું મંગળવારે સાંજે અપહરણ કરાયું.

ઇરાકના ગૃહ મંત્રાલયે કહ્યું કે સુરક્ષા દળોએ અપહરણકારોનો પીછો કર્યો. એ દરમિયાન એક અપહરણકારની ગાડી પલટી ગઈ અને એક શકમંદની ધરપકડ કરી લેવાઈ.

અમેરિકન વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલી વ્યક્તિનું સંબંધ ઈરાન સમર્થિત મિલિશિયા જૂથ "કતાઇબ હિઝબુલ્લાહ" સાથે છે.

અમેરિકન વિદેશ મંત્રાલયના આસિસ્ટન્ટ સેક્રેટરી ડિલન જૉનસને પત્રકારના અપહરણની પુષ્ટિ કરી, પરંતુ તેમણે કિટલસનનું નામ ન લીધું.

તેમણે ઍક્સ પર લખ્યું, "વિદેશ મંત્રાલયે પહેલાં જ પત્રકારને તેમની વિરુદ્ધ ખતરા વિશે ચેતવણી આપી હતી. અમે એફબીઆઇ સાથે મળીને શક્ય તેટલી જલદી તેમની મુક્તિ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."

અમેરિકન વિદેશ મંત્રાલયે બીબીસીને આપેલા નિવેદનમાં કહ્યું, "ગુપ્તતા અને અન્ય કારણોને લીધે, હાલ અમારી પાસે શૅર કરવા માટે વધુ કંઈ નથી."

અમેરિકા સહિત વિશ્વના આ દેશોમાં પેટ્રોલની કિંમતોમાં ભારે વધારો

ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે જંગ શરૂ થયા બાદથી ક્રૂડઑઇલની કિંમત આસમાને પહોંચી ગઈ છે.

બ્રેન્ટ ક્રૂડની એક બેરલની કિંમત 73 ડૉલરથી વધીને 31 માર્ચના રોજ લગભગ 117 ડૉલર સુધી પહોંચી ગઈ છે.

ઊર્જાની જથ્થાબંધ કિંમતોમાં વધારાનો અસર સૌપ્રથમ પેટ્રોલ પંપ પર દેખાય છે અને આ અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે.

અમેરિકામાં પેટ્રોલની સરેરાશ કિંમતમાં સંઘર્ષ શરૂ થયા બાદ એક ડૉલરનો વધારો થયો અને આ લગભગ ચાર વર્ષમાં પ્રથમ વખત ચાર ડૉલરમાં પ્રતિ ગેલન (3.78 લિટર)ની પાર પહોંચી ગઈ છે.

બ્રિટનમાં પેટ્રોલની સરેરાશ કિંમતોમાં 14 ટકા અને ડીઝલમાં 27 ટકાનો વધારો થયો છે.

કેટલાક દેશો, જેમ કે, શ્રીલંકા અને બાંગ્લાદેશે ઈંધણની રૅશનિંગ શરૂ કરી દીધી છે, અને ગત અઠવાડિયે સ્લોવેનિયા આવું કરનાર યુરોપિયન સંઘનો પ્રથમ દેશ બન્યો.

ઑસ્ટ્રેલિયામાં વધતી કિંમતોથી રાહત અપાવવા માટે ત્રણ મહિના માટે ઈંધણ પર લાગતો ટૅક્સ અડધો કરી દેવાયો છે, જ્યારે બે રાજ્યોમાં લોકોને ખાનગી વાહન ન ચલાવવા બદલ અસ્થાયીપણે મફત પબ્લિક ટ્રાન્સપૉર્ટની સુવિધા અપાઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન