જો દુનિયાનો અંત આવે તો શું થાય? ત્રણ શક્યતાને સરળ રીતે સમજો

    • લેેખક, આન્દ્રે બિયરનૅથ
    • પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝિલ
  • વાંચવાનો સમય: 5 મિનિટ

અંધકારમય, ઠંડોગાર અને અમુક અંશે કંટાળાજનક અંત. ભયાનક, હિંસક પરિણામ. કે પછી એવો અંત, જે તેની સાથે નવી શરૂઆત લઈને આવ્યો હોય?

જો બ્રહ્માંડનો નાશ થઈ જાય, તો દૂર-દૂરના ભવિષ્યમાં તેનો અંત કેવો હોઈ શકે, તે વિશેની આ કેટલીક અગ્રણી થિયરી છે.

બ્રહ્માંડનું ભાગ્ય વિજ્ઞાનના સૌથી રહસ્યમય પ્રશ્નો પૈકીનું એક છે. નિષ્ણાતો પણ સ્વીકારે છે કે, સવાલો ઘણા છે અને જવાબો ઓછા છે.

પરંતુ તેનો અંત કેવી રીતે આવી શકે છે, તેના કેટલાક પ્રકારો સમજતાં પહેલાં આપણે તેની શરૂઆત કેવી રીતે થઈ, તે જાણવું જરૂરી છે.

બ્રહ્માંડની શરૂઆત કેવી રીતે થઈ?

બ્રહ્માંડ બધું જ છે. નાસાના મતે, તેમાં અવકાશ, દ્રવ્ય (જગ્યા ધરાવતી હોય અને દળ ધરાવતી હોય, તેવી દરેક વસ્તુ), ઊર્જા અને સમયનો પણ સમાવેશ થાય છે.

તેનો ઉદ્ભવ કેવી રીતે થયો, તે કદાચ કોઈ એવી બાબતને આભારી હોઈ શકે છે, જેને ખગોળશાસ્ત્રીઓ બિગ બૅંગ થિયરી તરીકે ઓળખાવે છે.

આ સૂચવે છે કે, લગભગ 13.8 અબજ વર્ષો પૂર્વે બ્રહ્માંડ અત્યંત ગરમ અને ગાઢ અવસ્થામાં હતું અને ત્યારથી લઈને તે સતત વિસ્તરી રહ્યું છે.

બ્રહ્માંડનું વિસ્તરણ અવિરત ચાલુ રહ્યું છે અને આખરે, લાંબા ગાળે આકાશગંગાઓ, તારાઓ અને ગ્રહોની રચના થઈ.

બ્રહ્માંડ આજે પણ વિસ્તરી રહ્યું છે.

પરંતુ મૂળભૂત રીતે આપણે તેના વિશે ઘણી ઓછી સમજ ધરાવીએ છીએ.

બ્રાઝિલના સાન્ટા કેટેરિનાની ફેડરલ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રી પ્રોફેસર એલેક્ઝાન્ડ્રે ઝાબોટે જણાવ્યા મુજબ, "આપણું કાર્ય નદીમાંથી પસાર થતા પાણીના દરેક અણુનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યા વિના જ સમગ્ર નદીના વર્તન તથા પ્રવાહનું અવલોકન કરવા જેવું છે."

'બ્રહ્માંડ નિરંતર વિસ્તરશે તો નવા તારા બનવાનું બંધ થઈ જશે'

બ્રિટનસ્થિત રૉયલ ઑબ્ઝર્વેટરી ગ્રીનવિચના વર્ણન અનુસાર, જો બ્રહ્માંડ વિસ્તરવાનું નિરંતર ચાલુ રહે, તો ઊર્જા એટલી બધી પ્રસરી જશે કે આકાશગંગાઓ દૂર જવાનું ચાલુ રાખશે અને અંતે, નવા તારા બનવાનું બંધ થઈ જશે, તેમજ હાલના તારાઓ નાશ પામશે.

તે પછી, ખર્વો વર્ષો વીત્યે, બ્રહ્માંડ વધુ અંધકારમય બનશે અને આખરે તે ઠંડીગાર, અંધારી તથા લગભગ ખાલીખમ અવસ્થામાં પહોંચી જશે, એમ તેમાં ઉમેરવામાં આવ્યું હતું.

આ પૂર્વધારણા 'બિગ ફ્રીઝ' (મહાશીતકાળ) અથવા તો 'હીટ ડેથ' તરીકે ઓળખાય છે.

આ વિચાર અનુસાર, આખરે, બ્રહ્માંડના તમામ પરમાણુઓ થર્મલ ઇક્વિલિબ્રિયમ (સર્વત્ર એકસમાન તાપમાન) પર પહોંચી જશે અને બધું જ અટકી જશે, એમ રૉયલ ઇન્સ્ટિટ્યૂશન જણાવે છે.

"બધું સૂચવે છે કે, બ્રહ્માંડ વધુને વધુ ખાલી, ઠંડું અને એકમેકથી દૂર થતું જશે," એમ બ્રાઝિલની યુનિવર્સિટી ઑફ સાઓ પાઉલો ખાતેની ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટના ઍસોસિએટ પ્રોફેસર રાઉલ અબ્રામો જણાવે છે.

તેઓ ઉમેરે છે, "આકાશગંગાઓ વધુને વધુ દૂર થતી જશે, તારાઓ વૃદ્ધ થઈને મૃત્યુ પામશે. આ અંતિમ અવસ્થા હશે, જેમાં બ્રહ્માંડ મુખ્યત્વે એક સ્મશાન બની જશે."

બ્રહ્માંડ વધુ વિસ્તરશે તો શું શું થઈ શકે?

જો ઉપરોક્ત વિચાર તમને રુચિકર ન લાગતો હોય, તો અન્ય એક પૂર્વધારણા છે, પણ તે વધુ કઠોર લાગે છે.

તે એ વિચાર ઉપર આધારિત છે કે, ડાર્ક !નર્જીના કારણે બ્રહ્માંડનું વિસ્તરણ સતત વેગ પકડી રહ્યું છે. જો આમ જ ચાલતું રહ્યું, તો તે એટલું ઝડપથી વિસ્તરણ સાધશે કે, ગુરુત્વાકર્ષણ કશું જ પકડી રાખી શકશે નહીં, એમ રૉયલ મ્યુઝિયમ્સ ગ્રીનવિચે જણાવ્યું હતું.

આ પૂર્વધારણા 'બિગ રિપ' અથવા તો 'ધ ગ્રેટ રપ્ચર' તરીકે ઓળખાય છે.

નાસા સમજાવે છે કે, ગુરુત્વાકર્ષણ એવું બળ છે, જેના દ્વારા ગ્રહ કે અન્ય પિંડ ચીજવસ્તુઓને તેના કેન્દ્ર તરફ ખેંચે છે.

આ બળ ગ્રહોને સૂર્યની ફરતે ભ્રમણકક્ષામાં રાખે છે, પૃથ્વીને જકડી રાખે છે, તેમજ મનુષ્યોને અવકાશમાં વહી જવાને બદલે જમીન ઉપર રાખે છે. ગુરુત્વાકર્ષણ એ તારા, સૌરમંડળ, આકાશગંગાઓ અને ગેલેક્સી ક્લસ્ટર્સ જેવી વ્યવસ્થાઓને એકસાથે જોડી રાખતું બળ છે.

બીજી તરફ, ડાર્ક ઍનર્જી વધુ રહસ્યમય છે અને વિરુદ્ધ અસર ધરાવતી હોવાનું જણાય છે. ઝાબોટ કહે છે, "આપણે હજુ પણ નથી જાણતા કે તે શેની બનેલી છે, પણ એટલું જાણીએ છીએ કે, તે અપાકર્ષણ ઉત્પન્ન કરે છે, જે લગભગ ગુરુત્વાકર્ષણના વિરોધી જેવું છે."

નાસાના મત અનુસાર, ડાર્ક ઍનર્જી બ્રહ્માંડને વધુ ઝડપથી વિસ્તારી રહી છે. આ અવકાશ સંસ્થાના મતે, બ્રહ્માંડનો આશરે 68.3 ટકાથી 70 ટકા જેટલો ભાગ ડાર્ક ઍનર્જીનો બનેલો છે.

અને તેની શોધ છેક 1990ના દાયકાના અંતમાં થઈ હતી.

ડાર્ક ઍનર્જી આટલા લાંબા સમય સુધી વણશોધાયેલી રહી, કારણ કે માનવી, ગ્રહો તેમજ આકાશગંગાના સ્તર પર ગુરુત્વાકર્ષણ તેના કરતાં વધુ શક્તિશાળી નીવડે છે. ડાર્ક ઍનર્જી માત્ર વિશાળ, ઇન્ટરગેલેક્ટિક સ્તર પર જ નોંધી શકાય છે.

ઝાબોટ ઉમેરે છે, "બ્રહ્માંડ જેટલું વધુ વૃદ્ધિ પામે છે અને કદ ધારણ કરે છે, ડાર્ક ઍનર્જી સાથે સંકળાયેલું અપાકર્ષણ બળ તેટલું જ વધુ શક્તિશાળી બને છે. બની શકે કે, બ્રહ્માંડનું કદ વધે, તેમ-તેમ ડાર્ક ઍનર્જી નાના સ્તર પર વધુ સુસંગત બને."

નાસાના મત અનુસાર, અસ્થિર ડાર્ક ઍનર્જી 'બિગ રિપ'નું કારણ બની શકે છે, જેમાં બ્રહ્માંડ એટલું હિંસક રીતે વિસ્તરે છે કે, તારા, ગ્રહો અને પરમાણુઓ 'અલગ' થઈ જાય છે.

ઝાબોટ કહે છે, "આથી જ આ સિદ્ધાંતનું અંગ્રેજી નામ બેવડો અર્થ ધરાવે છે. તે 'બિગ રિપ' તરીકે ઓળખાય છે, જેનો અર્થ થાય છે, મોટા પાયે ફાટવું, ચીરાવું કે વિક્ષેપ થવો. પણ રિપ એ 'રેસ્ટ ઈન પીસ'નું ટૂંકું નામ પણ છે."

બ્રહ્માંડનો અંત ક્યારે આવશે, તેનો અંદાજ સંભવ છે?

બ્રહ્માંડના અંત અંગે હજુ કેટલીક વધુ ભયાનક સંભવિતતા રજૂ કરાઈ છે.

નાસાના મતે, જો ડાર્ક ઍનર્જી નબળી પડે અને આખરે તેનું બળ ઊલટું થઈ જાય, તો ગુરુત્વાકર્ષણ બ્રહ્માંડને એક બિંદુમાં પાછું ખેંચી લેશે. આ સ્થિતિ 'બિગ ક્રન્ચ' તરફ દોરી જશે, જેમાં બ્રહ્માંડમાં વિસ્ફોટ થશે.

અન્ય એક સિદ્ધાંત સૂચવે છે કે, નવા બિગ બૅંગની શરૂઆત થાય અને નવા બ્રહ્માંડનો જન્મ થાય તે પહેલાં બ્રહ્માંડ ફરી એક બિંદુમાં સંકોચાઈ શકે છે. તે 'બિગ બાઉન્સ' તરીકે ઓળખાય છે, જે સૂચવે છે કે, આપણું બ્રહ્માંડ અને ભાવિ બ્રહ્માંડ સંકુચન અને વિસ્તરણના કદીયે પૂરા ન થતા ચક્રમાં ફસાઈ જઈ શકે છે.

અબ્રામો જણાવે છે, "પરંતુ આ એકદમ અજાણ્યું મૉડલ છે અને તેના માટે આપણી પાસે કોઈ ડેટા કે પુરાવા ઉપલબ્ધ નથી."

તો, શું બ્રહ્માંડનો અંત ક્યારે આવશે, તેનો અંદાજ આંકવો સંભવ છે?

અબ્રામો સમજાવે છે, "ના, ભવિષ્યમાં મોટું ભંગાણ કે મોટું પતન થશે, તેવો કોઈ સંકેત આપણી પાસે નથી."

ઝાબોટ ઉમેરે છે, "કેટલાક લોકો આ અંત આવતાં ખર્વો વર્ષો લાગશે, તેવો અંદાજ આંકે છે, જ્યારે અન્ય લોકો તેના કરતાં પણ વધુ લાંબા સમયગાળાનું અનુમાન સેવે છે."

જો બ્રહ્માંડની વય ઓછામાં ઓછી 13.8 અબજ વર્ષ હોય, તો તેને એક ખર્વ વર્ષ જૂનું થવામાં હજુ બીજાં 986.2 અબજ વર્ષ બાકી છે.

નેધરલૅન્ડ્ઝની રેડબાઉડ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના એક અભ્યાસ પ્રમાણે, બ્રહ્માંડ અગાઉની ધારણા કરતાં વધુ ઝડપથી ક્ષીણ થઈ રહ્યું છે.

સંશોધકોની ગણતરી પ્રમાણે, છેલ્લા તારાઓના અવશેષોને નષ્ટ થતાં આશરે 1078 વર્ષ લાગી શકે છે.

મનુષ્યો આ પરિણામના સાક્ષી બનવા માટે કદાચ ત્યાં હશે નહીં.

પૃથ્વી તો કદાચ તેના ઘણા સમય પહેલાં જ - સૂર્ય જ્યારે આશરે છ અબજ વર્ષ પછી રેડ જાયન્ટ સ્ટારમાં રૂપાંતરિત થઈ જવાની અપેક્ષા છે, ત્યારે નકશા પરથી અદૃશ્ય થઈ જશે.

અબ્રામો જણાવે છે, "હકીકત એ છે કે આપણે હજુયે બ્રહ્માંડ વિજ્ઞાન વિશે ઘણું ઓછું જાણીએ છીએ. વર્તમાન સમયમાં ઉપલબ્ધ સીમિત સાધનોને કારણે બ્રહ્માંડનું ચોકસાઈપૂર્ણ માપન કરવું મુશ્કેલ છે."

અને તેના લીધે વધુ કાલ્પનિક સિદ્ધાંતોની શક્યતાઓ સર્જાય છે. ઉદાહરણ તરીકે, એક કરતાં વધુ બ્રહ્માંડનો વિચાર - મલ્ટિવર્સ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન