અમેરિકા-ઇઝરાયલે પ્રચંડ હુમલા કર્યા છતાં હજુ ઈરાનમાં સત્તાપલટો કેમ નથી થઈ શક્યો?

    • લેેખક, સરબાસ નાઝરી
    • પદ, બીબીસી મોનિટરિંગ
  • વાંચવાનો સમય: 4 મિનિટ

અમેરિકા અને ઇઝરાયલના ભીષણ હુમલા છતાં ઈરાનની સત્તાએ આંતરિક સુરક્ષા પરની તેની પકડ ઢીલી પડવા દીધી નથી. નેતાગીરી સામે જનતામાં વ્યાપક આક્રોશ પ્રવર્તતો હોવા છતાં યુદ્ધ દરમિયાન મોટા પાયે કોઈ દેખાવો થયા નથી.

કેટલાક નિષ્ણાતો તેનું શ્રેય યુદ્ધ શરૂ થયું, ત્યારથી ત્યાં વ્યાપેલા દમનકારી માહોલને આપે છે. ઈરાનના શાસકોએ ગત જાન્યુઆરીમાં સરકારવિરોધી દેખાવોને કચડી નાખ્યા પછી લોકોમાં ગભરાટ છવાયેલો છે.

સરકારે ચેકપૉઇન્ટ્સ, ભારે સુરક્ષા બંદોબસ્ત અને રોજેરોજની ધરપકડો થકી નિયંત્રણ ચુસ્ત કરી દીધું છે.

માનવાધિકાર કાર્યકરો અને વિરોધીઓની સાથોસાથ વિદેશી માધ્યમોને યુદ્ધને લગતા ફોટોગ્રાફ્સ અને વીડિયો પૂરા પાડનારા લોકોનેય ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે.

લગભગ સંપૂર્ણપણે ઇન્ટરનેટ બંધ થઈ જવાને કારણે લોકોના ભેગા થવા પર લગામ લાગી ગઈ છે. કૉમ્યુનિકેશન, સમન્વય તથા માહિતીના પ્રવાહને નિયંત્રિત કરી દેવાતાં વિરોધ પ્રદર્શનોનું આયોજન કરનારાં નેટવર્ક્સ લગભગ ધ્વસ્ત થઈ ગયાં છે.

તેની સાથે જ, સરકારતરફી લોકોને સીમિત જોડાણ પૂરૂં પાડીને સરકારનાં નેરેટિવ્ઝ ઈરાન બહાર પહોંચાડાઈ રહ્યાં છે.

પરિણામ એ આવ્યું છે કે, સરકારનો વિરોધ કરવો તો જોખમી બની જ ગયો છે, પણ તેની સાથે જ ખાસ કરીને જ્યારે લોકો તેમની ખુદની સલામતીને પ્રાથમિકતા આપી રહ્યા હોય, તેવા યુદ્ધના સમયમાં લોકોને સંગઠિત કરવા અત્યંત કઠિન કાર્ય છે.

નેરેટિવને કેવી રીતે નિયંત્રિત કરાઈ રહ્યાં છે?

આ તમામ પ્રયુક્તિઓની સાથે, સરકાર યુદ્ધ પ્રત્યેના દૃષ્ટિકોણને પણ પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહી છે. અધિકારીઓએ આ સંઘર્ષને ઇસ્લામિક પ્રજાસત્તાક સામેનો નહીં, બલકે ઈરાનના સાર્વભૌમત્વ ઉપર થયેલો હુમલો ગણાવ્યો છે.

આ તફાવત નોંધપાત્ર છે. સરકાર સામે નારાજગી ધરાવનારા લોકો પણ આ બાહ્ય આક્રમણની સ્થિતિમાં રાષ્ટ્રવાદી ભાવનાઓથી પ્રભાવિત થઈ શકે છે. તેને ઘણી વખત "રેલી-અરાઉન્ડ-ધ-ફ્લૅગ" ઇફેક્ટ કહેવામાં આવે છે - જે જૂન, 2025માં 12 દિવસ ચાલેલા યુદ્ધ દરમિયાન પણ જોવા મળી હતી.

તેનાથી સરકારવિરોધી હિલચાલની સંભાવના હાલ પૂરતી ઘટી હોય, એમ લાગે છે.

દેશનાં માધ્યમો નાગરિકોનાં મોતને આગળ કરીને અને પોતાના હુમલાને રક્ષણાત્મક ગણાવીને આ વર્ણનોને સતત મજબૂત કરી રહ્યાં છે.

વધુમાં, સરકારતરફી સભાઓ અને પ્રદર્શનો 'નિયંત્રણ, સ્થિરતા અને શક્તિ'ની છબિ રજૂ કરે છે.

આંચકા ખાળવા માટે બનેલી સિસ્ટમ

ટોચની નેતાગીરી પર હુમલાઓ છતાં વ્યવસ્થા પડી ભાંગી ન હોવાનું મુખ્ય કારણ તેનું માળખું છે. ઈરાનની વ્યવસ્થા કોઈ એક વ્યક્તિ ઉપર આધારિત નથી. તે ધાર્મિક, લશ્કરી, રાજકીય અને આર્થિક સંસ્થાઓના નેટવર્ક પર આધારિત છે.

લશ્કરી, ધાર્મિક નેતૃત્વ અને સુરક્ષા એજન્સીઓ જેવી વિવિધ સંસ્થાઓમાં સત્તા વહેંચાયેલી છે, જેના કારણે સુપ્રીમ લીડર ગુમાવ્યા પછી પણ વ્યવસ્થા ખોરવાઈ નથી.

ઉત્તરાધિકારની ઔપચારિક અને અનૌપચારિક ગોઠવણ પણ નિરંતરતા જાળવી રાખવામાં મદદરૂપ બને છે.

આ તાકતના કેન્દ્રમાં ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી) છે, જે લશ્કરી પાવરહાઉસ હોવાની સાથોસાથ દેશભરમાં હાજરી ધરાવતું રાજકીય, આર્થિક અને સુરક્ષા બળ પણ છે.

ટોચના કમાન્ડરોનાં મોત થયા પછી પણ સંગઠનનું કામકાજ સુપેરે ચાલતું રહ્યું છે અને આંતરિક તેમજ બાહ્ય મોરચે વિવિધ બાબતો પર અને લોકોના પ્રતિભાવો પર મજબૂત નિયંત્રણ જળવાઈ રહ્યું છે.

સૌથી મહત્ત્વની બાબત એ છે કે, લશ્કર કે સુરક્ષા તંત્રમાં અવરોધ સર્જાયાનો કે વિદ્રોહ થયાનો અત્યાર સુધી કોઈ સંકેત મળ્યો નથી. સામાન્યપણે શાસન ધરાશાયી થવાનો આ મોટો સંકેત હોય છે.

યુદ્ધમાં અસ્તિત્વ ટકાવી રાખવું, એ જ વ્યૂહરચના

ઈરાન આ યુદ્ધમાં પરંપરાગત જીત હાંસલ કરવાનો પ્રયત્ન નથી કરી રહ્યું, તેને બદલે તે અલગ જ વ્યૂહરચના અપનાવી રહ્યું છે - શત્રુનો ખર્ચ વધારવો અને યુદ્ધને લંબાવવું.

ઈરાનના નેતૃત્વ માટે, 'જીત' એટલે યુદ્ધ પછીય સત્તા જાળવી રાખવી. આ માટે જ તે તેની તાકત અને ખાસ કરીને હોર્મુઝના અખાતનો ઉપયોગ કરીને વૈશ્વિક ઊર્જા બજાર ઉપર દબાણ ઊભું કરી રહ્યું છે.

આ સ્થિતિમાં યુદ્ધ કેવળ લશ્કરી ઘર્ષણ ન રહેતાં એવી લડાઈમાં પરિણમ્યું છે, જેમાં અસ્તિત્વ ટકાવી રાખવું એ જ જીતની ચાવી છે. જે થાકી જશે, તે હારી જશે.

સાથે જ, વિચારધારા પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શિયા પરંપરા સાથે જોડાયેલી "પ્રતિરોધ, બલિદાન અને શહીદી"ની વિચારસરણીને સતત મજબૂત કરવામાં આવી રહી છે.

આ માળખામાં સૈનિકોનાં મોતને હાર તરીકે નહીં, બલકે બહાદુરી તરીકે રજૂ કરવામાં આવે છે - જે 1980ના દાયકામાં ઈરાન-ઇરાકના યુદ્ધમાં જોવા મળ્યું હતું.

વિરોધ પક્ષ ક્યાં છે?

ઈરાનમાં અસંતોષ ધગધગી રહ્યો છે, તેમ છતાં તે અસંતોષને સંગઠિત રાજકીય પડકારમાં પલટાવવાની ક્ષમતા ધરાવતી સંગઠિત નેતાગીરી નથી.

વિરોધ પક્ષ વહેંચાઈ ગયો છે, ઘણા નેતાઓ દેશની બહાર છે અને જે દેશમાં છે, તે જેલવાસ ભોગવી રહ્યા છે.

ઇતિહાસ સાક્ષી છે કે, એકલા અસંતોષથી સત્તાપરિવર્તન થતું નથી, તે માટે સંગઠન, નેતૃત્વ અને વૈકલ્પિક યોજના હોવાં પણ જરૂરી છે.

બાહ્ય દબાણને કારણે વ્યવસ્થા નબળી પડે, તો પણ આગળ શું થશે, તે અનિશ્ચિત છે.

લિબિયા અને ઇરાકનાં દૃષ્ટાંતો દર્શાવે છે કે તૈયાર વિકલ્પો છતાં દેશમાં અરાજકતા અને લાંબા ગાળાની અસ્થિરતાનું જોખમ રહે છે.

શું ઈરાનની આ તાકત કાયમ માટે ટકી રહેશે?

હાલના તબક્કે, ઈરાનની સંસ્થાકીય તાકત, દમનકારી ક્ષમતાઓ, વ્યૂહાત્મક સ્થિતિસ્થાપકતા અને ભૂરાજકીય સ્થિતિને કારણે તેની વ્યવસ્થા અડીખમ જણાઈ રહી છે, પણ તેની કિંમત પણ ચૂકવવી પડી શકે છે.

પ્રજા પર અતિશય અંકુશ લાદવાનું અવળું પરિણામ પણ આવી શકે છે અને માહિતી ઉપર આધારિત વ્યવસ્થાઓ સમય વીતવા સાથે નબળી પડી શકે છે, જેના કારણે ભવિષ્યમાં મોટા ફટકાનું જોખમ વધી જાય છે.

આખરે, ઈરાનનું ભવિષ્ય વિદેશી હુમલાઓ પર ઓછું અને શાસનના મજબૂતીકરણ, સામાજિક સંગઠન, આર્થિક કટોકટી તથા દબાણ વિરુદ્ધ નિયંત્રણના સંતુલન જેવાં આંતરિક પરિબળો પર વધુ નભે છે.

આ જ કારણસર, સરકાર માર્ગો ઉપર પણ સમાંતર લડાઈ લડી રહી છે, જેથી કોઈ પણ સંભવિત બળવા કે જાહેર રોષને ઊગતો જ ડામી શકાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન