You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાઉદી ઍરબેઝ પર અમેરિકન વિમાનના બે ટુકડા, તસવીર પાછળનું સત્ય શું છે?
- લેેખક, એમ્મા પેનગેલી, શાયર સરદારિજાદે તથા જેક હૉર્ટન
- પદ, બીબીસી વૅરિફાઈ
- વાંચવાનો સમય: 3 મિનિટ
કેટલીક વૅરિફાઇડ તસવીરો પરથી માલૂમ પડે છે કે સાઉદી અરેબિયાના ઍરબેઝ ઉપર અમેરિકાનું 'કમાન્ડ ઍન્ડ કંટ્રૉલ' વિમાન નાશ પામ્યું છે. અમેરિકાની સેના સંબંધિત માહિતી પોસ્ટ કરનારા એક ફેસબૂક પેજ ઉપર સૌ પહેલાં આ તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી. આ તસવીરોમાં E-3 સૅન્ટ્રી વિમાનના બે ટુકડા થઈ ગયા હોવાનું જોઈ શકાય છે.
બીબીસીની તપાસમાં આ તસવીરો રિયાધથી લગભગ 100 કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં આવેલાં પ્રિન્સ સુલતાન ઍરબેઝની હોવાનું માલૂમ પડ્યું છે. તસવીરોમાં જે પિલર, સ્ટોરેજ યુનિટ તથા પાક્કા બાંધકામ ઉપર જે નિશાન જોઈ શકાય છે, તે સેટેલાઇટ તસવીર સાથે મેળ ખાય છે. અમેરિકાની સૅન્ટ્રલ કમાન્ડે હજુ સુધી આ મુદ્દે સાર્વજનિક રીતે કોઈ ટિપ્પણી નથી કરી. બીબીસીએ આ મુદ્દે તેમની પ્રતિક્રિયા માંગી છે.
ગત શુક્રવારે અમેરિકાના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી રૉઇટર્સને જણાવ્યું હતું કે ઈરાનના હુમલામાં અમેરિકાના 12 સૈનિક ઘાયલ થયા છે, જેમાંથી બેની સ્થિતિ ગંભીર છે.
બીજી બાજુ, અમેરિકાના 'ધ વૉલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ પ્રમાણે, અમેરિકાનાં ઓછામાં ઓછા બે રિફ્યૂઅલિંગ વિમાનોને પણ નુકસાન થયું છે. રવિવારે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર (IRGC) સાથે જોડાયેલી ફાર્સ ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો હતો કે શાહેદ ડ્રૉને E-3 વિમાનને નિશાન બનાવ્યું હતું.
વિમાન વિશે શું માહિતી મળી?
બીબીસી વૅરિફાઈએ તા. 11મી માર્ચના રોજ સેટેલાઇટ તસવીરમાં આ સ્થળે E-3 વિમાન ઊભેલું જોયું હતું. જોકે, આ એ જ વિમાન છે કે નહીં, તે સ્પષ્ટ નથી. વૅરિફાઇડ તસવીરોમાંથી એકમાં વિમાનનો ટેલ નંબર જોઈ શકાય છે, જેના આધારે ફ્લાઇટ ટ્રૅકિંગ વેબસાઇટ 'ફ્લાઇટરડાર24' ઉપર તપાસ કરવામાં આવી હતી. જેના પરથી માહિતી મળે છે કે તા. 18મી માર્ચે આ વિમાને ઍરબેઝ પાસેથી ઉડ્ડાણ ભરી હતી.
શુક્રવારે એક સેટેલાઇટ તસવીર લેવામાં આવી હતી, જેમાં ઍરબેઝના એપ્રન વિસ્તારમાં આગ નીકળતી જોઈ શકાય છે, જે E-3 વિમાનથી લગભગ 1,600 મીટર દક્ષિણે છે. જે હુમલામાં વિમાનને નુકસાન થયું, એ જ હુમલામાં આગ લાગી હતી કે કેમ, તે હજુ સુધી સ્પષ્ટ નથી.
ગત તા. 17 ફેબ્રુઆરીના બીબીસી વૅરિફાઈએ ફ્લાઇટરડાર24ના ડેટાની તપાસ કરી હતી, જેમાં બે E-3 સૅન્ટ્રી અવાક્સ વિમાન બ્રિટનના મિલ્ડેનહાલ ઍરફોર્સ સ્ટેશન ખાતે પહોંચ્યાં હોવાની પુષ્ટિ થઈ હતી.
અવાક્સ શું છે તથા તેનું શું મહત્ત્વ છે?
બૉઇંગ E-3 અવાક્સ (AWACS - ઍરબૉર્ન વૉર્નિંગ ઍન્ડ કંટ્રૉલ સિસ્ટમ) બૉઇંગ 707 વિમાન ઉપર આધારિત છે, જેના ઉપરના ભાગમાં ફરતી રડાર ડિસ્ક હોય છે, જે તે ને આગવી ઓળખ આપે છે. આ રડાર ખૂબ જ લાંબા અંતર સુધી સંભવિત લક્ષ્યાંકો વિશે માહિતી મેળવીને તેમની ઉપર નજર રાખવા સક્ષમ હોય છે, જેના કારણે યુદ્ધના સમયે આગોતરી માહિતી મળી રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના વાયુદળની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આ વિમાન ઑપરેશનલ કમાન્ડરોને આગોતરી માહિતી આપે છે, જેથી કરીને તેઓ હવાઈ યુદ્ધને સંચાલિત કરી શકે. બીબીસીના એક રિપોર્ટ પ્રમાણે, અવાક્સ આધુનિક યુદ્ધ દરમિયાન જમીન તથા હવામાં સર્વેલન્સ સિસ્ટમ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરે છે, જેને સામાન્યતઃ 'ઍર સર્વેલન્સ સિસ્ટમ' તરીકે ઓળખવામાં આવે છે. જેની મદદથી હવાઈ હુમલા કરવામાં આવે છે અથવા હુમલાને અટકાવવાની કાર્યવાહી કરવામાં આવે છે.
તેને હવામાં ઉડતી 'ઍરબૉર્ન વૉર્નિંગ ઍન્ડ કંટ્રૉલ સિસ્ટમ' તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં 'ગ્રાઉન્ડ સર્વેલન્સ' શક્ય ન હોય, ત્યાં આનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ષ 1977માં આ વિમાન પહેલી વખત ઉપયોગમાં લેવાયું હતું અને કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે, વર્ષ 2035 સુધી તે અમેરિકાના વાયુદળમાં સેવાઓ આપે તેવી શક્યતા છે
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન