IPL 2026 : એ ત્રણ બાબતો જે ગુજરાત ટાઇટન્સ માટે 'માથાનો દુખાવો' સાબિત થઈ શકે

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026નો આરંભ થઈ ચૂક્યો છે. આ વખતે ભાગ લેનારી ટીમો અગાઉ કરતાં વધારે સજ્જ થઈને આવી હોય તેમ જણાય છે.

છેલ્લા અઠવાડિયાથી આઇપીએલની વિવિધ ટીમોની જીતની શક્યતા, તાકાત, નબળાઈઓ અને સ્ટાર ખેલાડીઓ વિશે ચર્ચા થવા લાગી છે.

હજુ 15 દિવસ અગાઉ જ આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ભારત ચૅમ્પિયન બન્યું હતું અને સૂર્યકુમાર યાદવની વિજેતા ટીમ દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. હવે એ પછી ખૂબ ટૂંકાગાળામાં આઇપીએલની શરૂઆત થઈ ગઈ છે.

જોકે આગામી બે મહિના સુધી કમસે કમ રમતગમત ક્ષેત્રે તો આઇપીએલ જ છવાઈ જશે. 10 ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે બે મહિનામાં 74 મૅચ રમાશે.

ગુજરાત ટાઇટન્સની ટીમ

ગત સિઝનમાં રોયલ ચૅલેન્જર્સ બેંગલુરુની ટીમ પહેલી વાર ચૅમ્પિયન બની હતી જેના કારણે વિરાટ કોહલી અને બેંગલુરુની ટીમ પ્રત્યે ચાહકોની લાગણીનો ઝુકાવ વધી ગયો હતો. તેનાથી સ્વાભાવિક રીતે આ વખતે પણ બેંગલુરુ પાસેથી આશા રાખવામાં આવી રહી છે.

2022માં પહેલી જ વાર રમવાની સાથે ટ્રૉફી જીતનારી અને 2023માં રનર્સ-અપ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ ફરી એક વાર મેદાનમાં ઊતરવા તૈયાર છે.

2025માં પણ ટાઇટન્સની ટીમ પ્લેઑફ રાઉન્ડ સુધી પહોંચવામાં સફળ રહી હતી અને લીગ મૅચોમાં 14માંથી નવ મૅચમાં જીત મેળવી હતી.

ગત સિઝનમાં મિશ્ર પ્રદર્શન બાદ કૅપ્ટન શુભમન ગિલ અને કોચ આશિષ નહેરાની જોડી આ વખતે કયાં નવાં સમીકરણો સાથે આવશે તે જોવું રસપ્રદ રહેવાનું છે.

ટોપ ઑર્ડર પર વધુ પડતો આધાર

ગુજરાત ટાઇટન્સની સૌથી મોટી તાકાત તેમનો ટોપ-હેવી બેટિંગ ઑર્ડર છે. 2025માં કૅપ્ટન શુભમન ગિલ, ઑપનર સાઈ સુદર્શન અને ઇંગ્લૅન્ડના જોસ બટલર આ ત્રણેય બૅટ્સમૅને 500થી વધારે રન ફટકારીને ધૂમ મચાવી હતી અને નવો રેકૉર્ડ પણ બનાવ્યો હતો.

શુભમન ગિલ અને સાઈ સુદર્શનની બનેલી આ જોડી અત્યારે આઇપીએલની સૌથી સાતત્યપૂર્ણ ઓપનિંગ જોડી પૈકીની એક છે.

ટેસ્ટ અને વન-ડેમાં ભારતીય ક્રિકેટ ટીમનું મહત્ત્વનું અંગ બની ગયેલા ગિલની પરિપક્વતા અને સુદર્શનની રન ફટકારવાની ભૂખ ટાઇટન્સની ટીમને મજબૂત પાયો આપે છે.

ગુજરાત ટાઇટન્સ માટે આ લીગમાં ઑપનિંગ જોડી તરીકે 12વાર 100 રનથી વધુની ભાગીદારી જોવા મળી છે અને તેમાંથી દસ વખત એક જોડીદાર શુભમન ગિલ હતા, તો સાત વખત જોડીદાર તરીકે સાઈ સુદર્શન હતા. આ બંનેએ મળીને સાત વાર સદીની ભાગીદારી નોંધાવી છે.

એ પણ ન ભૂલવું જોઈએ કે માત્ર ચાર સિઝનથી ગુજરાત ટાઇટન્સ આઇપીએલમાં રમી રહ્યું છે અને તેમાં જ આ કમાલ જોવા મળી છે. આઇપીએલની તમામ અન્ય ફ્રેન્ચાઈઝીઓ 2008થી રમી રહી છે તેમ છતાં આટલી સફળ ઑપનિંગ જોડી ભાગ્યે જ કોઈ ટીમ પાસે રહી છે.

ગિલ અને સુદર્શનની પાવર પ્લેમાં આક્રમક શરૂઆત બાદ ઇંગ્લૅન્ડના આક્રમક બેટર જૉસ બટલર મેદાનમાં ઊતરતા હોય છે. ટૂંકમાં બૉલર્સને હાશકારો મળતો નથી.

2025માં બટલર છેલ્લી એટલે કે ટીમની પ્લૅ-ઑફની મૅચ રમી શક્યા ન હતા, પરંતુ તે સિવાય 14 મૅચમાં તેમણે પાંચ અડધી સદી સાથે 538 રન ફટકાર્યા હતા. ગિલે 650 રન અને મોખરે રહેલા સાઈ સુદર્શને 759 રન ફટકાર્યા હતા. આ ત્રણેયની મળીને એક સદી અને 18 અડધી સદી જોવા મળી હતી.

ત્રીજા ક્રમે બટલરની હાજરી હરીફ ટીમના બૉલરો માટે જોખમકારક સાબિત થઈ શકે છે. તેમની પાસે મૅચને એકતરફી કરવાની ક્ષમતા છે.

જોકે, આ સિવાય બેટિંગમાં ગુજરાત ટાઇટન્સે ઘણું વિચારવાની જરૂર છે. ગત વર્ષે મોખરાના ત્રણ બૅટ્સમૅનને બાદ કરતાં તેઓ ખાસ કંઈ કરી શક્યા ન હતા. તો મિડલ ઑર્ડરની અનિશ્ચિતતા અને ફીલ્ડિંગ આ બંને તેમની નબળાઈઓ પણ છે.

ગુજરાતની ટીમ અત્યારે ટોપ ઑર્ડર પર વધુ પડતો આધાર રાખે છે. પણ, જો શુભમન ગિલ, સાઈ સુદર્શન કે જૉસ બટલર વહેલા આઉટ થઈ જાય તો મિડલ ઑર્ડર દબાણ હેઠળ આવી જાય છે. રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાન પ્રતિભાશાળી છે પરંતુ તેમનું ફૉર્મ અનિશ્ચિત રહે છે.

ઑલરાઉન્ડ વિકલ્પો અને સ્પિન જાદુ

ગુજરાત ટાઇટન્સ પાસે આ વખતે જેસન હૉલ્ડર જેવા અનુભવી ઑલરાઉન્ડર છે. તે ડેથ ઑવર્સમાં બૉલિંગ અને લૉઅર ઑર્ડરમાં ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે.

જોકે, ટીમના સૌથી અગત્યના બૉલર રાશિદ ખાન છે. ટી20 ક્રિકેટ ઇતિહાસના તેઓ સૌથી સફળ અને ઘાતક સ્પિનર છે. રાશિદ ખાન માત્ર બૉલિંગ જ નહીં, પરંતુ તેમની બેટિંગથી પણ ગેમ ચેન્જર સાબિત થાય છે. જોકે, 2025માં તેનું પ્રદર્શન ધાર્યા મુજબનું રહ્યું ન હતું, પરંતુ 2026ની લીગમાં તેમના પર સૌની નજર રહેશે.

સ્પિન ડિપાર્ટમેન્ટમાં વોશિંગ્ટન સુંદર અને સાઈ કિશોર આ બે ભારતીય ખેલાડીઓ રાશિદને પૂરો સાથ આપશે અને ખાસ કરીને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ પર જ્યારે સ્પિનરોને મદદ મળતી હોય છે ત્યારે આ બંનેની રમત વધારે મહત્ત્વપૂર્ણ બની જતી હોય છે.

પ્રસિદ્ધ કૃષ્ણા ગત વર્ષે સૌથી વધારે 25 વિકેટ લઈને પર્પલ કૅપ મેળવનારા ખેલાડી બન્યા હતા. આ સિવાય સાઈ કિશોર પણ 19 વિકેટ સાથે ટોપ-10 બૉલરોના લિસ્ટમાં સામેલ હતા.

ફીલ્ડિંગની સમસ્યા અને વિદેશ ખેલાડીવાળો નિયમ

ટીમને જે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે, એની વાત કરીએ તો:

ગુજરાત ટાઇટન્સની ટીમની ફીલ્ડિંગ એ મોટી સમસ્યા રહી છે જેના પર ટીમે ધ્યાન આપવાની જરૂર છે. 2025ની સિઝનમાં ગુજરાતે સૌથી વધુ કેચ (28) છોડ્યા હતા. જો ટ્રૉફી જીતવી હોય તો ટીમે ફીલ્ડિંગ અને કેચિંગમાં નોંધપાત્ર સુધારો કરવો પડશે.

ટીમનું બૉલિંગ યુનિટ પણ ઘાતક છે તેમાં કોઈ શંકા નથી. મોહમ્મદ સિરાજ અને કાગિસો રબાડા જેવા અનુભવી ફાસ્ટ બૉલરની હાજરીથી પાવરપ્લેમાં ટીમની વિકેટ લેવાની ક્ષમતા વધી છે.આ સાથે પ્રસિદ્ધ કૃષ્ણાનું પુનરાગમન ટીમની બૉલિંગ ધાર તેજ કરે છે.

આઇપીએલના નિયમ મુજબ એક મૅચમાં ચાર વિદેશી ખેલાડીને રમાડી શકાય છે. આ બાબત ટાઇટન્સના મૅનેજમેન્ટ માટે માથનો દુઃખાવો બનતી જોવા મળી છે. તેમની પાસે વિદેશી ખેલાડીઓની ફોજ છે પરંતુ તેમાંથી પ્લૅઈંગ ઇલેવનમાં કયા ચાર વિદેશી ખેલાડીઓને રમાડવા તે સમસ્યા રહે છે. કારણ કે ટીમની પ્રથમ પસંદગી જૉસ બટલર, રાશિદ ખાન, કાગિસો રબાડા અને જેસન હૉલ્ડર અથવા તો ગ્લૅન ફિલિપ્સ રહેશે. આ બધા એવા ખેલાડી છે જેમાંથી એકને પણ બહાર બેસાડવા ટીમ માટે જોખમી બની શકે છે.

આશિષ નહેરા અને મૅથ્યૂ હૅડનની વ્યૂહરચના

આ સિઝનમાં બેટિંગ કોચ તરીકે ગુજરાત ટાઇટન્સમાં મેથ્યૂ હૅડનનું જોડાવું એ પણ માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે.

નહેરાની 'બિન્દાસ' સ્ટાઈલ અને હૅડનનો આક્રમક અભિગમ એ ટીમના યુવાન ખેલાડીઓના આત્મવિશ્વાસમાં વધારો કરશે.

ગુજરાત ટાઇટન્સનો પ્રથમ મુકાબલો 31મી માર્ચે પંજાબ કિંગ્સ સામે છે. ઘરઆંગણે (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ) રમાનારી સાત મૅચ તેમના માટે પ્લૅઑફનો રસ્તો સાફ કરી શકે છે.

જો ગુજરાત ટાઇટન્સની ટીમના મિડલ ઑર્ડર અને ડૅથ બૉલિંગમાં સુધારો થાય તો આ ટીમ મોખરાની ચાર ટીમમાં સ્થાન મેળવવા માટે પ્રબળ દાવેદાર છે. 2026માં શુભમન ગિલની કૅપ્ટનશિપની પણ ખરી કસોટી થશે.

ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઈંગ-11 કંઈક આવી હોઈ શકે છે.

શુભમન ગિલ, સાઈ સુદર્શન, જૉસ બટલર, મહિપાલ લોમરોર, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, જેસન હૉલ્ડર, રાશિદ ખાન, મોહમ્મદ સિરાજ, કાગિસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન