You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપે ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે કોના નામની જાહેરાત કરી?
ભાજપે આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના દીકરા હર્ષદ પરમારને ટિકિટ આપી છે.
બીબીસી ગુજરાતીના સહયોગી નચિકેત મહેતા જણાવે છે કે, હર્ષદ પરમારના નામની જાહેરાત બાદ તેઓ આણંદ જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં કૅબિનેટ મંત્રી રમણસિંહ સોલંકી તથા અન્ય પદાધિકારીઓએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે ભાજપે સત્તાવાર રીતે ઉમેદવારના નામની જાહેરાત કરી, એ પહેલાં જ ટિફિન બેઠકો જેવા કાર્યક્રમો શરૂ કરી દીધા હતા. જેમાં ભાજપના પદાધિકારીઓ વિધાનસભા બેઠકના કાર્યકરો સાથે ટિફિન બેઠક કરી રહ્યા છે.
ભાજપ દ્વારા રાજ્યના પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ પટેલને અનુક્રમે પ્રભારી તથા ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.
આ બેઠક ઉપર ભાજપ, કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સિવાય રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનું પણ પરિબળ છે. જયંત બૉસ્કી આ બેઠક ઉપરથી ધારાસભ્ય રહ્યા છે અને તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.
2012માં એનસીપીના જયંત પટેલ બોસ્કીએ આ બેઠક પર જીત મેળવી હતી. તો 2017 અને 2022માં આ બેઠક ભાજપે જીત્યો હતો અને બે ટર્મથી ભાજપના ગોવિંદ પરમાર ધારાસભ્ય હતા.
2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગોવિંદ પરમારે આ બેઠક પરથી 26717 મતે જીત મેળવી હતી. કૉંગ્રેસે ગઠબંધન હેઠળ અહીં 2022માં ચૂંટણી લડી નહોતી અને એનસીપીના જયંત પટેલ બોસ્કી બીજા નંબરે રહ્યા હતા. ગોવિંદ પરમારના અવસાન બાદ આ બેઠક ખાલી પડી છે.
નોંધનીય છે કે કૉંગ્રેસ કે આમ આદમી પાર્ટીએ હજુ સુધી પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડીએપી તથા યૂરિયાના પુરવઠા અંગે કેન્દ્ર સરકારે શું કહ્યું?
કેન્દ્ર સરકારના ખાતર વિભાગનાં સંયુક્ત સચિવ અપર્ણા શર્માએ સોમવારે જણાવ્યું હતું કે વિભાગ દ્વારા ખાતરનો પુરવઠો મેળવવા માટે અલગ-અલગ સ્રોતો તરફ નજર દોડાવી છે અને જરૂરી પગલાં લીધાં છે.
ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ યુદ્ધને કારણે હોર્મુઝની સામુદ્રધૂની બંધ થઈ ગઈ છે, જેના કારણે ઊર્જાસંકટ ઊભું થયું છે, એ પછી આવનારા સમયમાં ખાતરોની અછત સર્જાશે, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ઉનાળા પછી ચોમાસામાં ખરીફના પાકોમાં વાવેતર કરવામાં આવશે, જેથી કરીને દેશમાં ખાતરના પુરવઠા અંગે ચર્ચા ચાલી રહી છે.
મધ્યપૂર્વ એશિયાના સંકટ અંગે સોમવારે કેન્દ્ર સરકારના અનેક મંત્રાલયોએ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં ખાતર વિભાગનાં સંયુક્ત સચિવ અપર્ણા શર્માએ દેશમાં ખાતરના પુરવઠા અંગે માહિતી આપી હતી.
અપર્ણા શર્માએ કહ્યું, "યૂરિયા તથા ડીએપી માટે જે આપણાં સૌથી મોટા સપ્લાયર્સ છે, એ તમામની સાથે અમે ખૂબ જ નજીકથી સંપર્કમાં છે, જેથી આપણી પાસે ખાતરની ઉપલબ્ધતા રહે છે."
અપર્ણા શર્માએ કહ્યું કે ખાતરના સ્રોતોમાં વૈવિધ્ય લાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે.
અપર્ણા શર્માએ કહ્યું, "ખાડી દેશો ઉપરાંત રશિયા, મોરક્કો, ઑસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા, જૉર્ડન, કૅનેડા, અલ્જીરિયા તથા ટોગો જેવા દેશોમાંથી ખાતરનો પુરવઠો મેળવવા તથા વૈવિધ્ય લાવવા માટે સક્રિયપણે પગલાં લેવામાં આવી રહ્યાં છે."
લેબેનૉનમાં ઇઝરાયલે હુમલા વધાર્યા, છ સૈનિક ઘાયલ
ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તેણે લેબેનૉનની રાજધાની બૈરુતમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં ઉપર હુમલા શરૂ કર્યા છે.
સોમવારે સવારે બૈરુતના દક્ષિણ વિસ્તારમાં ધુમાડા મોટાં વાદળ જોવા મળ્યાં હતાં.
લેબેનૉનના મીડિયા રિપોર્ટ્સમાં દક્ષિણ બૈરુતમાં ઇઝરાયલી હુમલાના અહેવાલ છપાયા હતા.
ઇઝરાયલની સેનાનું કહેવું છે કે લેબેનૉનમાં અલગ-અલગ ઘટનામાં તેના છ સૈનિક ઘાયલ થયા છે. આ તમામ સૈનિકોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અમેરિકા-ઇઝરાયલ તથા ઈરાન વચ્ચેના સંઘર્ષની અસર આ વિસ્તાર ઉપર પડી રહી છે, જેના કારણે લેબેનૉનમાં દસ લાખ કરતાં વધુ લોકોને હિજરત કરવાની ફરજ પડી છે.
કુવૈતમાં ઈરાનના હુમલામાં એક ભારતીય કામદારનું મોત
કુવૈત પર ઈરાનના હુમલામાં એક ભારતીયનું મોત નીપજ્યું છે. કુવૈતના વીજ અને જળ મંત્રાલયે જણાવ્યું કે એક પાવર અને ડિસેલિનેશન પ્લાન્ટ પર ઈરાન તરફથી હુમલો થયો છે.
આ હુમલામાં એક ભારતીય કામદારનું મૃત્યુ થયું છે. મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર નિવેદનમાં જણાવ્યું કે "હુમલાથી પ્લાન્ટને ઘણું નુકસાન થયું છે. ટેકનિકલ ટીમો કામ કરી રહી છે, જેથી જરૂરી સેવાઓ સતત ચાલુ રહે."
મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા એન્જિનિયર ફાતિમા અબ્બાસ જોહર હાઇતાએ રવિવારે સાંજે જણાવ્યું કે ઇમારતને કોઈ મોટું નુકસાન નથી થયું.
તેમણે કહ્યું કે "વીજળી અને પાણીની વ્યવસ્થાની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. તકનીકી ભાગ ચોવીસે કલાક પૂર્ણ ક્ષમતાએ કામ કરી રહ્યા છે."
ઈરાનમાં અમે સત્તા પરિવર્તન કરાવી દીધું છે- ટ્રમ્પનો દાવો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઍરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે અમેરિકા માને છે કે ઈરાનમાં સત્તા પરિવર્તન કરાવવાનું કામ થઈ ગયું છે.
તેમણે ગયા સપ્તાહે ફોક્સ ન્યૂઝ સમક્ષ પણ આવી જ ટિપ્પણી કરી હતી. તે વખતે તેમણે કહ્યું હતું કે "તમે કહી શકો કે સત્તા પરિવર્તન થઈ ગયું છે, કારણ કે તેઓ માર્યા ગયા છે."
વિમાનમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "તમે જુઓ તો અમે સત્તા પરિવર્તન કરાવી દીધું છે, કારણ કે તેઓ ખતમ થઈ ગયા છે, નાશ પામ્યા છે, તેઓ બધા માર્યા ગયા છે. નવું શાસન લગભગ મૃત છે અને ત્રીજા શાસકો અગાઉ કરતાં અલગ લોકો છે. તેથી અમે માનીએ છીએ કે સત્તા પરિવર્તન થયું છે."
તેમણે કહ્યું કે તેઓ માને છે કે ઈરાન અમેરિકા સાથે વાતચીત કરશે.
પાકિસ્તાની ક્રિકેટર ફખર ઝમાં સામે બૉલ ટેમ્પરિંગના આરોપો, અમ્પાયરે પેનલ્ટી લગાવી
પાકિસ્તાન સુપર લીગમાં લાહોર કલંદરના ખેલાડી પર બૉલ ટેમ્પરિંગના આરોપો લાગ્યા છે.
આના કારણે કરાચી કિંગ્સ સાથેના મુકાબલા દરમિયાન ટીમ પર પાંચ રનની પેનલ્ટી લગાવાઈ હતી. ત્યાર પછી લાહોર કલંદર ટીમ હારી ગઈ.
અમ્પાયરોને જાણવા મળ્યું કે છેલ્લી ઓવર અગાઉ લાહોર કલંદરના ખેલાડી ફખર ઝમાંએ ખોટી રીતે દડાની સ્થિતિ બદલવા પ્રયાસ કર્યો હતો.
છેલ્લી ઓવરમાં કિંગ્સને જીત માટે 14 રનોની જરૂર હતી. અમ્પાયરોએ ટેમ્પરિંગ કરવાના આરોપમાં કલંદરને પાંચ રનની પેનલ્ટી લગાવી હતી. સાથે સાથે કરાચી કિંગ્સની માગણીને ધ્યાનમાં રાખીને બૉલ પણ બદલવામાં આવ્યો હતો.
સાઉદી અરેબિયામાં અમેરિકાનું વિમાન ક્ષતિગ્રસ્ત
બીબીસી વેરિફાઇએ કેટલીક તસવીરોની ચકાસણી કરી છે જેમાં સાઉદી અરેબિયામાં એક ઍરબેઝ પર અમેરિકન કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ વિમાન બે ટુકડામાં તૂટેલું જોવા મળે છે.
આ તસવીરો સૌથી પહેલાં એક ફેસબુક પેજ પર શૅર કરવામાં આવી હતી, જે અમેરિકન સેનાને લગતા સમાચાર આપે છે. તેમાં ઇ-3 સેન્ટ્રી વિમાન બે ભાગોમાં તૂટેલું જોવા મળે છે.
બીબીસી વેરિફાઇએ પુષ્ટિ કરી કે આ તસવીરો સાઉદી અરેબિયાની રાજધાની રિયાધથી લગભગ 100 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં આવેલા પ્રિન્સ સુલતાન ઍરબેઝની છે.
તસવીરોમાં દેખાતા થાંભલા, સ્ટોરેજ યુનિટ અને પાકી જગ્યા પર બનેલા નિશાન સેટેલાઇટ તસવીરો સાથે મેળ ખાય છે.
એક અમેરિકન અધિકારીઓ રૉયટર્સને જણાવ્યું હતું કે ઍરબેઝ પર ઈરાની હુમલામાં 12 અમેરિકન કર્મચારીઓ ઘાયલ થયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન