You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલની સેના રજા પર ગઈ અને ઇજિપ્ત-સીરિયાએ હુમલો કરી દીધો, એ પછી શું થયું?
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી
- વાંચવાનો સમય: 10 મિનિટ
1967માં છ દિવસના યુદ્ધના પ્રથમ છ કલાકમાં, ઇઝરાયલની વાયુસેનાએ ઇજિપ્તની વાયુસેનાને એવી પછડાટ આપી, જેમાંથી ઇજિપ્ત ક્યારેય બેઠું ન થઈ શક્યું.
પાંચમી જૂને સવારે 7.45 વાગ્યે, ઇઝરાયલનાં વિમાનોએ ઇજિપ્તનાં ઘણાં વિમાનમથકો ઉપર એકસાથે હુમલો બોલાવી દીધો. ઇજિપ્તના પાઇલટો રનવે ઉપર પહોંચી શકે, તે પહેલાં જ મોટા ભાગનાં વિમાનોનો નાશ કરી દેવાયો.
થોડી જ વાર પછી, ઇઝરાયલનાં વિમાનોએ વધુ એક હુમલો કરીને રનવેને વાપરવા લાયક ન રહેવા દીધા. ઇજિપ્તની વાયુસેના આ હુમલામાંથી બેઠી ન થઈ શકી અને યુદ્ધમાં તેનો કારમો પરાજય થયો.
એટલું જ નહીં, ઇઝરાયલની સેનાએ સિનાઈ રણનો વિશાળ ભાગ તથા સીરિયાની ગોલાન હાઇટ્સના પહાડો પણ કબજે કરી લીધા. આ હુમલામાં ઇઝરાયલના નિર્ણાયક વિજય પછી ઇજિપ્ત તથા સીરિયા તેમના ગુમાવેલા પ્રદેશો પાછા મેળવવા માગતા હતા. આ માટે તેમણે તારીખ પણ નક્કી કરી લીધીઃ છઠ્ઠી ઑક્ટોબર, 1973.
ઇતિહાસનાં શિક્ષિકા તથા પુલિત્ઝર પ્રાઇઝ માટે નામાંકિત અમેરિકન પત્રકાર એલેનોર બર્કેટે ઇઝરાયલનાં તત્કાલીન વડાં પ્રધાન ગોલ્ડા મેયર વિશેના તેમના જીવન ચરિત્ર 'ગોલ્ડા'માં મહત્ત્વની જાણકારી પૂરી પાડી છે.
તેઓ લખે છે, "ઇઝરાયલને ઇજિપ્ત અને સીરિયા દ્વારા તેના ઉપર હુમલો થશે, તેનો પ્રથમ સંકેત ત્યારે મળ્યો, જ્યારે ઇઝરાયલી લશ્કરના ગુપ્તચર વિભાગે સોવિયેટ ગુપ્તચર એજન્સી - કેજીબીનાં રેડિયો ટ્રાન્સમીશન્સ આંતર્યાં. તેમાં સોવિયેટ સ્પેશ્યાલિસ્ટ્સના પરિવારોને ઇજિપ્ત અને સીરિયામાંથી તાકીદે ખસેડવાના આદેશ અપાઈ રહ્યા હતા. તે પરિવારોને લેવા માટે જ્યારે મહાકાય સોવિયેટ એન્ટોનોવ 22 એસ વિમાન મોકલવામાં આવ્યું, ત્યારે ઇઝરાયલીઓને ખતરાની ગંધ આવી ગઈ."
"વડાં પ્રધાન ગોલ્ડા મેયરને આ સમાચાર સાંભળીને ચિંતા જરૂર થઈ, પણ તેમના જનરલોએ તે પ્રત્યે ખાસ ધ્યાન આપ્યું નહીં. આ દરમિયાન, ઇઝરાયલનાં ગુપ્તચર સૂત્રોએ ઇજિપ્તના લશ્કરની એક ડિવિઝન સુએઝ કેનાલ તરફ આગેકૂચ કરી રહી હોવાની અને તેણે લગભગ 1,20,000 રિઝર્વ સૈનિકોને ફરજ પર બોલાવી લીધા હોવાની માહિતી આપી. તેમ છતાં, ઇઝરાયલના સંરક્ષણ મંત્રી મોશે દાયન એવું જ માનતા રહ્યા કે, ઇજિપ્ત રૂટિન લશ્કરી કવાયત કરી રહ્યું હશે."
છઠ્ઠી ઑક્ટોબર, 1973 યોમ કિપ્પુરનો દિવસ હતો, જે યહૂદી વર્ષનો સૌથી પવિત્ર દિવસ ગણાય છે. આખું ઇઝરાયલ બંધ હતું. રેડિયો અને ટેલિવિઝન સ્ટેશનોમાં પણ રજા હતી. ઇઝરાયલના લશ્કરના ત્રણ-ચતુર્થાંશ સૈનિકો રજા પર ઘરે ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇજિપ્ત અને સીરિયાનો સંયુક્ત હુમલો
એલેનોર બર્કેટ ગોલ્ડા મેયરના જીવનચરિત્રમાં લખે છે, "સવારના આઠ વાગ્યા, ત્યાં સુધીમાં ગોલ્ડા તેમની ઓફિસમાં હતાં અને તેમના આર્મી ચીફ ઑફ સ્ટાફ ડેવિડ 'ડાડો' એલાઝાર તથા સંરક્ષણ મંત્રી મોશે દાયન વચ્ચેના મતભેદો ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. ડાડો ઇચ્છતા હતા કે, ઇજિપ્ત ઇઝરાયલ ઉપર હુમલો કરે, તે પહેલાં ઇઝરાયલ જ ઇજિપ્ત ઉપર હવાઈ હુમલો કરીને તેની યોજનાઓને ઉથલાવી દે."
"બીજી તરફ, મોશે દાયન યુદ્ધ ફાટી નીકળવાને લઈને અવઢવમાં હતા. તેમણે હવાઈ હુમલાની પહેલ કરવાનો વિચાર કોરાણે મૂકતાં કહ્યું કે, ઇઝરાયલની આ કાર્યવાહી અમેરિકાને પસંદ નહીં પડે."
"દાયને રિઝર્વ સૈનિકોને બોલાવવાની જનરલ ડાડોની વિનંતી પણ બિનજરૂરી ગણાવીને ફગાવી દેતાં કહ્યું, 'તમે રિઝર્વ સૈનિકોને ત્યારે જ બોલાવો છો, જ્યારે પહેલી ગોળી છૂટી ચૂકી હોય. ધારો કે, યુદ્ધ ન થયું, તો તે રિઝર્વ સૈનિકોનું આપણે શું કરીશું?' ગોલ્ડા મેયરે સંરક્ષણ મંત્રીની વાતને ટેકો આપતાં હુમલાની પહેલ કરવાનો વિચાર નામંજૂર કર્યો."
બપોરના બે વાગ્યે, અચાનક આખા ઇઝરાયલમાં સાઇરનો વાગવા માંડી. ઉત્તરના ભાગે, સીરિયન સૈન્યની પાંચ ડિવીઝનોએ 1,400 ટૅન્કો અને 1,000 તોપો સાથે ઇઝરાયલના ગોલાન પર્વતો ઉપર તૈનાત બે બ્રિગેડો ઉપર હુમલો કર્યો.
યુરી બાર જોસેફ તેમના પુસ્તક "ધ ઍન્જેલ"માં લખે છે, "તે જગ્યાએ ઇઝરાયલ પાસે માત્ર 177 ટૅન્કો હતી. દક્ષિણના ભાગે, ઇજિપ્તના એક લાખ સૈનિકો 1,300 ટૅન્કો સાથે સિનાઈ રણમાં ઘૂસી ચૂક્યા હતા. હુમલાના પ્રથમ તબક્કામાં, ઇજિપ્તના 32,000 સિપાઈઓએ 720 નૌકાઓમાં સવાર થઈને છ કલાકમાં સુએઝ નહેર પાર કરી."
"દરેક નૌકાએ 12 રાઉન્ડ ટ્રિપ લગાવી. ઇજિપ્તના સિપાઈઓએ સુએઝ કેનાલ પાર કરી, તે સમયે ઇઝરાયલી સૈનિકોએ તેમનો જરા પણ વિરોધ ન કર્યો કે ન તો કોઈ વળતો હુમલો કર્યો."
ઇજિપ્તને શરૂઆતમાં મળેલી સફળતા
ઇજિપ્તનાં દળોને આગળ વધતાં અટકાવવા માટે ઇઝરાયલે તેની વાયુસેના પર ભારે મદાર રાખ્યો હતો.
અમેરિકાની વિદેશ નીતિના નિષ્ણાત અને ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ જ્યોર્જ ડબલ્યૂ બુશની ટીમના સભ્ય રહી ચૂકેલા માઇકલ ડોરાન તેમના લેખ, 'ધ હિડન કેલ્ક્યુલેશન્સ બિહાઇન્ડ ધ યોમ કિપ્પુર વૉર'માં લખે છે, "ઇઝરાયલના પાઇલટો જમીન ઉપરથી હવામાં હુમલા કરતી સૅમ મિસાઇલો માટે બિલકુલ પણ સજ્જ નહોતા. 1967માં, ઇજિપ્તની ઍરસ્પેસ ઉપર તેમનું વર્ચસ્વ હતું. છ વર્ષ પછી પરિસ્થિતિ એ હદે બદલાઈ ગઈ કે, પ્રથમ 24 કલાકમાં જ તેમના 10થી 30 ટકા યુદ્ધવિમાનોનો ખાત્મો બોલાવી દેવાયો હતો. ઇઝરાયલનું લશ્કરી નેતૃત્વ હલબલી ગયું હતું."
ઇજિપ્તનું લશ્કર બેરોકટોક સુએઝ કેનાલ પાર કરી ગયું હતું. એક પણ સૈનિક માર્યો ગયો નહોતો. જ્યારે ઇઝરાયલી ટૅન્કો તેમની "સ્વિમ ફિન્સ" પોઝિશન પર પહોંચી - જ્યાંથી તેમણે પલટવાર કરવાનો હતો, ત્યાં તેમણે જોયું કે, તેના ઉપર ઇજિપ્તિયન કમાન્ડોઝે કબજો જમાવી દીધો હતો. તેમણે ઇઝરાયલની ટૅન્કો જોતાંવેંત તેના ઉપર ઍન્ટિ-ટેન્ક મિસાઇલો વડે આક્રમણ કર્યું.
રવિવારની પરોઢ સુધીમાં ઇજિપ્તના સૈનિકોએ કોઈપણ જાનહાનિ વિના સુએઝ નહેરના પૂર્વ કાંઠે સ્થાન જમાવી દીધું હતું. તેની સાથે જ, ઇજિપ્તનાં 222 ફાઇટર જૅટ્સ સુએઝ કેનાલ પાર કરીને આવી પહોંચ્યાં અને ઇઝરાયલનાં મથકો અને રડાર સ્ટેશનો ઉપર બૉમ્બ ઝીંકવા માંડ્યાં.
એલેનોર બર્કેટ લખે છે, "ઇઝરાયલી સૈનિકો સ્તબ્ધ થઈને હુમલો થતો જોઈ રહ્યા હતા. જ્યારે ઇઝરાયલી ટૅન્કો પ્રતિકાર કરવા માટે આગળ વધી, ત્યારે ઇજિપ્તના સિપાઈઓએ તેનો જવાબ ખભા ઉપરથી ફાયર કરાતાં રૉકેટ પ્રૉપેલ્ડ લૉન્ચર્સથી આપ્યો અને સાથે જ એવાં કેટલાંક શસ્ત્રો વાપર્યાં, જેનો સામનો ઇઝરાયલી સૈનિકોએ અગાઉ કદી કર્યો નહોતો. યુદ્ધ વિશેની ઇઝરાયલની દરેક જૂની ધારણાનો યુદ્ધના 24 કલાકની અંદર કચ્ચરઘાણ વળી ગયો હતો."
પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો વિચાર
ઇજિપ્તે કરેલા આ હુમલાથી ઇઝરાયલના 'વૉર હિરો' - સંરક્ષણ મંત્રી એ હદે વ્યગ્ર થઈ ગયા કે, તેમનું નર્વસ બ્રૅકડાઉન થઈ ગયું અને તેમણે વડાં પ્રધાન ગોલ્ડા મેયર સમક્ષ સ્વીકાર્યું કે, પરિસ્થિતિની ગંભીરતા સમજવામાં તેઓ થાપ ખાઈ ગયા હતા.
તેમણે રાજીનામું આપવાની રજૂઆત કરી, પણ ગોલ્ડાએ તે વિશે વિચાર કરવાનો પણ નનૈયો ભણી દીધો.
મિકાઇલ ડોરાન લખે છે, "મોશે દાયને વડાં પ્રધાનને ત્યાં સુધી ભલામણ કરી કે, ઇજિપ્ત અને સીરિયાને અટકાવવા માટે ઇઝરાયલ પરમાણુ હથિયારોનો વિકલ્પ વાપરવા વિશે વિચારે."
આ વાતની પુષ્ટિ કરતાં ગોલ્ડા મેયરનાં જીવનચરિત્રકાર એલેનોર બર્કેટ લખે છે, "કેટલાંક સૂત્રો અનુસાર, ગોલ્ડા પણ થોડી વાર માટે અપસેટ થઈ ગયાં હતાં અને દાયનની વિનંતી પર, તેમણે ઇઝરાયલનાં પરમાણુ શસ્ત્રો વાપરવા સજ્જ રહેવાની તાકીદ કરી દીધી હતી."
યોમ કિપ્પુર યુદ્ધમાં ઇઝરાયલી ટૅન્ક ડિવિઝનની આગેવાની સંભાળનારા અને આગળ જતાં ઇઝરાયલના વડા પ્રધાન બનેલા એરિયલ શેરોને તેમની આત્મકથા "વૉરિયર"માં લખ્યું હતું, "મેં પહેલી વાર ઇઝરાયલી સૈનિકોના ચહેરા પર ડર નહીં, પણ આશ્ચર્યની ઝલક જોઈ હતી. તેમની સાથે કશુંક એવું થઈ રહ્યું હતું, જે તેમણે અગાઉ કદી નહોતું અનુભવ્યું. તેમને તેમની આંખો ઉપર વિશ્વાસ નહોતો બેસતો કે, ઇજિપ્તના સૈનિકો તેમની નજર સામે સુએઝ કેનાલ પાર કરી રહ્યા હતા."
ઇઝરાયલે રિઝર્વ સૈનિકો બોલાવવા પડ્યા
સાંજ સુધીમાં રિઝર્વ લશ્કરનાં વડાંમથકો પરથી સૈનિકોનાં નિવાસસ્થાનો પર ફોન આવવા માંડ્યા.
યેરુસલેમમાં પોતાના અનુભવો પર લખતાં અને કત્લેઆમ પર સંશોધન કરતાં ડૅબી શપીરો તેમના લેખ "રિમેમ્બરિંગ ધ યોમ કિપ્પુર વૉર"માં લખે છે, "ઘૂંટણ સુધીનાં લાંબા કિટલ્સ પહેરીને પોતાનાં યુનિટ્સ સુધી પહોંચવા માટે માર્ગો પર દોટ મૂકનારા પુરુષોનું દૃશ્ય યાદ કરતાં આજેય હું ફફડી ઊઠું છું. તેમની પત્નીઓ થર્મોસમાં ગરમ કૉફી અને સેન્ડવિચ લઈને તેમની પાછળ ભાગી રહી હતી. તે સૈનિકોને તેમના ઉપવાસ છોડીને યુદ્ધના ધોરણે તેમનાં સંબંધિત મથકોએ પહોંચવાની તાકીદ કરાઈ હતી."
"મહિલાઓને કહેવામાં આવ્યું હતું કે, તેઓ ઘરે જાય અને તેમના પતિ માટે રસોઈ બનાવે, જેથી તેઓ ભૂખ્યા પેટે મોરચા પર ન જાય. રિઝર્વ સૈનિકોને શુલ (યહૂદીઓના પૂજાસ્થાન) પરથી સીધા જ મોરચા પર લઈ જવા માટે ઘેરા લીલા રંગની લશ્કરી જીપો રસ્તાઓ ઉપર દોડી રહી હતી. તેમાંના ઘણા સૈનિકો કદી ઘરે પરત ન ફર્યા."
સીરિયાના મોર્ચે આક્રમણનો પ્લાન
આ દરમિયાન, સીરિયાનું લશ્કર પણ ગોલાન પહાડીઓના મોરચા પર ઇઝરાયલ ઉપર હુમલો કરી રહ્યું હતું. ગોલાન હાઇટ્સને નિયંત્રણમાં લઈ લેવા સીરિયન સૈનિકો એડીચોટીનું જોર લગાવી રહ્યા હતા.
પણ, બીજા જ દિવસે, ઇઝરાયલે સીરિયા સામે પલટવાર શરૂ કરી દીધો. સાતમી ઑક્ટોબરની સાંજ સુધીમાં તો ઇઝરાયલે સીરિયાની પ્રથમ ડિફેન્સ લાઇન ભેદી નાખી.
ઇઝરાયલની વાયુસેનાએ સીરિયન ઍર બેઝને ટાર્ગેટ બનાવવા માંડ્યા, જેમાં રાજધાની દમાસ્કસના ઍરપૉર્ટનો પણ સમાવેશ થતો હતો. નવમી ઑક્ટોબર સુધીમાં તો, ઇઝરાયલી દળોએ સીરિયન દળોને 1967ની સીઝફાયર લાઇનની પાછળ ખદેડી દીધા.
10મી ઑક્ટોબરનો દિવસ પૂરો થતાં સુધીમાં ઇઝરાયલે સીરિયન ઍરસ્પેસ ઉપર અંકુશ મેળવી લીધો હતો.
ઓડ્રી શુલ તેમના પુસ્તક 'ધ યોમ કિપ્પુર વૉર'માં લખે છે, "ગભરાઈ ગયેલા સીરિયાએ ઈરાક, કુવૈત અને મોરોક્કો જેવાં અન્ય આરબ રાષ્ટ્રો પાસે લશ્કરી સહાય માગી. તે મદદ બીજા દિવસે આવી. પણ તેમ છતાં ઇઝરાયલી સૈનિકોએ ગોલાન હાઇટ્સ પર આગેકૂચ જારી રાખી."
"11મી ઑક્ટોબરે, ઇઝરાયલી સિપાઈઓ સીરિયન સરહદની અંદર સાડા નવ કિલોમીટર અંદર ઘૂસી ગયા. 15મી ઑક્ટોબરે ઇઝરાયલનું લશ્કર દમાસ્કસ નજીક સાસા ગામ સુધી પહોંચી ચૂક્યું હતું. ત્યાંથી દમાસ્કસ માંડ 32 કિલોમીટર દૂર હતું."
ઇઝરાયલે બાજી પલટી
14મી ઑક્ટોબરથી લડાઈનો મિજાજ બદલાવા માંડ્યો, કારણ કે, તે દિવસથી ઇઝરાયલમાં અમેરિકન શસ્ત્રો ઠલવાવા માંડ્યાં.
જનરલ એલાઝેરે તે રાતે વડાં પ્રધાન મેયરને સંદેશો મોકલ્યો, "ગોલ્ડા, સ્થિતિ હવે સુધરી રહી છે. આપણે આપણું ફૉર્મ પાછું મેળવી રહ્યાં છીએ અને આરબો તેમના જૂના રસ્તે પાછા જઈ રહ્યા છે."
14મી ઑક્ટોબરે ઇજિપ્તની ત્રીજી આર્મર્ડ બ્રિગેડે 124 ટૅન્કો સાથે મિતલા પાસ ઉપર હુમલો કર્યો. આઠ કલાકની અંદર જ તેમની 60 ટૅન્કો નાશ પામી. અહીંથી જ બાજી પલ્ટાવા માંડી.
એરિયલ શેરોન સુએઝ કેનાલના પશ્ચિમી કાંઠે ઇજિપ્તની થર્ડ આર્મીને ચારે બાજુથી ઘેરી લેવાના પ્લાનનો અમલ કરવા કામે લાગી ગયા. તે પછીના પાંચ દિવસ બંને પક્ષો વચ્ચે બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી ટૅન્ક લડાઈ થઈ હતી.
સૌથી ભીષણ યુદ્ધ 15મી ઑક્ટોબરની રાતે 'ચાઇનિઝ ફાર્મ' નામના સ્થળે થયું હતું.
યુદ્ધનું વર્ણન કરતાં એરિયલ શેરોને તેમની આત્મકથા 'વૉરિયર'માં લખ્યું હતું, "લડાઈ એટલી નજીકથી લડાતી હતી કે, ઇજિપ્ત અને ઇઝરાયલના સૈનિકોનાં શબ બાજુ-બાજુમાં પડેલાં જોઈ શકાતાં હતાં. બંને પક્ષોના સૈનિકો સળગતી ટૅન્કોમાંથી છલાંગ લગાવીને સાથે મોતને ભેટ્યા હતા."
શેરોને ઇજિપ્તીયન સૈનિકોને ઘેરવાનું ચાલુ રાખ્યું અને ઇઝરાયલી દળો સુએઝ કેનાલ પાર કરવામાં સફળ રહ્યાં.
માઇકલ ડોરાન લખે છે, "પરાજયની બીકથી ઇજિપ્તે યુદ્ધવિરામની અપીલ કરી. અમેરિકા તથા સોવિયેટ સંઘના દબાણ હેઠળ, ઇઝરાયલે આગેકૂચ અટકાવી દીધી. આ લડાઈમાં ઇજિપ્ત અને સીરિયાના ભેગા મળીને કુલ 15,600 સૈનિકો માર્યા ગયા અને અંદાજે 35,000 સૈનિકો ઘાયલ થયા."
આ બાજુ ઇઝરાયલે તેના 2,569 સિપાઈ ગુમાવ્યા હતા અને 7,251 ઘાયલ થયા હતા. યુદ્ધમાં 440 આરબ યુદ્ધવિમાનો નષ્ટ થયાં, જ્યારે ઇઝરાયલે 102 વિમાનો ગુમાવ્યાં."
ઇજિપ્ત અને ઇઝરાયલ યુદ્ધવિરામ માટે રાજી થયા
યુનાઇટેડ નૅશન્સે 22મી ઑક્ટોબરના રોજ યુદ્ધ રામની જાહેરાત કરી. ત્યાં સુધીમાં ઇઝરાયલી દળોએ સુએઝથી કૈરો (ઇજિપ્ચતની રાજધાની) જતા રસ્તા પર નિયંત્રણ મેળવી લીધું હતું.
ઓડ્રે શુલ લખે છે, "સોવિયેટ સંઘ અને અમેરિકા, બંને ઇચ્છતા હતા કે, આ યુદ્ધમાં ઇઝરાયલનો સંપૂર્ણ વિજય ન થાય, કારણ કે, તેમને એવી બીક હતી કે, ઇઝરાયલની જીતથી છંછેડાયેલા આરબ દેશો એકાએક ઑઇલનું ઉત્પાદન બંધ કરી દેશે. ઇઝરાયલને યુદ્ધવિરામનો નિર્ણય ન ગમ્યો, કારણ કે, તેને લાગતું હતું કે, જીત હાથવેંતમાં હતી, ત્યારે જ તેને અટકાવી દેવાયું."
"23મી ઑક્ટોબરના રોજ તેમણે સુએઝ કેનાલના પૂર્વીય કાંઠે ઇજિપ્તની થર્ડ આર્મીને ઘેરી લીધી અને તેના હજ્જારો સૈનિકોને પકડી લીધા. તેઓ ઇજિપ્તની રાજધાનીથી માત્ર 100 કિલોમીટર દૂર હતા. ફફડી ગયેલા ઇજિપ્તે સોવિયેટ સંઘ પાસે મદદ માગી, જે તરત સ્વીકારવામાં આવી."
26મી ઑક્ટોબરે, બંને મહાસત્તાઓના પ્રયાસોથી ઇઝરાયલ અને ઇજિપ્ત યુદ્ધ વિરામ માટે સંમત થયા.
ઑઇલનો હથિયારની જેમ ઉપયોગ કરવામાં આવ્યો
આરબ-ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ 26મી ઑક્ટોબર સુધીમાં સમાપ્ત થઈ ગયું હોવા છતાં, તેણે મધ્યપૂર્વ એશિયા અને વૈશ્વિક ઊર્જાબજારોને સાવ બદલી નાખ્યાં.
આખરે, આ યુદ્ધનું સૌથી મોટું વિજેતા પુરવાર થયું, સાઉદી અરેબિયા. જેણે યુદ્ધ દરમિયાન ઇઝરાયલને મદદ કરવા બદલ અમેરિકાને ઑઇલની નિકાસ કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો.
સીઆઈએના (અમેરિકાની ગુપ્તચર સંસ્થા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી) ભૂતપૂર્વ અધિકારી બ્રુસ રીડલે તેમના લેખ - "ફિફ્ટી યર્સ અગો, સાઉદી અરેબિયા વૉઝ ધ બિગેસ્ટ વિનર ઑફ ધ યોમ કિપ્પુર વૉર"માં લખ્યું હતું, "1814માં બ્રિટને વૉશિંગ્ટનને બાળ્યું હતું, ત્યારથી લઈને અત્યાર સુધીમાં બીજા કોઈ દેશે અમેરિકાને એટલું મોટું આર્થિક નુકસાન નહોતું પહોંચાડ્યું, જેટલું સાઉદી અરેબિયાએ પહોંચાડ્યું."
"આરબ-ઇઝરાયલ યુદ્ધ શરૂ થયું, તે પહેલાં યોજાયેલી એક ગુપ્ત બેઠકમાં, ઇજિપ્તના પ્રમુખ અનવર સાદતે સાઉદી શાહ ફૈઝલને જરૂર પડ્યે ઑઇલનું શસ્ત્ર ઉગામવાની સલાહ આપી હતી."
"17મી ઑક્ટોબરના રોજ સાઉદીના વિદેશી બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી ઓમર સક્કાફ પ્રમુખ નિક્સનને મળ્યા હતા અને તેમને શાહ ફૈઝલનો પત્ર આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો અમેરિકાએ બે દિવસની અંદર ઇઝરાયલને શસ્ત્રો આપવાનું બંધ ન કર્યું, તો સાઉદી અરેબિયા અમેરિકાને ઑઇલની નિકાસ કરવા પર પ્રતિબંધ મૂકી દેશે."
"નિક્સને એમ કરવાની ના પાડી દીધી. સાઉદી અરેબિયાએ પહેલાં તેના ઉત્પાદન પર 10 ટકા સુધી કાપ મૂકી દીધો અને તે પછી અમેરિકાને ઑઇલ મોકલવાનું જ બંધ કરી દીધું."
વિશ્વની અર્થવ્યવસ્થા હલી ગઈ
અમેરિકાને તેલની નિકાસ કરવા પરના પ્રતિબંધનાં દૂરોગામી પરિણામો જોવાં મળ્યાં.
જુલાઈ, 1973માં ઑઇલના ભાવ 2.90 ડૉલર પ્રતિ બેરલ હતા, તે ડિસેમ્બર, 1973માં વધીને 11.65 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયા.
આ પ્રતિબંધને કારણે સમગ્ર અમેરિકન અર્થતંત્ર મંદીની ઝપેટમાં આવી ગયું, જેના કારણે લાખો અમેરિકનોનાં જીવન પ્રભાવિત થયાં.
1971ના યુદ્ધના આર્થિક ફટકા સામે ઝઝૂમી રહેલા ભારતનું ઑઇલની આયાતનું બજેટ પણ લગભગ ત્રણ ગણું વધી ગયું.
ફુગાવો વધવાને લીધે સરકાર સામે દેખાવોની જાણે હારમાળા સર્જાઈ, જેનો ભારતના રાજકારણ ઉપર ઘેરો પ્રભાવ પડ્યો. ગુજરાતમાં ભારે બહુમતીથી ચૂંટાઈ આવેલી ચિમનભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારનું પતન થયું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન