You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દીકરીએ પ્રેમના વિરોધી પિતાની હત્યા કરી એમની જગ્યાએ જ પોલીસમાં નોકરી મેળવી, ભેદ આમ ખૂલ્યો
- લેેખક, ભાગ્યશ્રી રાઉત
- પદ, બીબીસી મરાઠી માટે
- વાંચવાનો સમય: 4 મિનિટ
લગભગ ત્રણેક વર્ષ પહેલાં મહારાષ્ટ્રના ચંદ્રપુર વિસ્તારમાં જયંત બલ્લાવાર નામના પોલીસ હેડ કૉન્સ્ટેબલનું મૃત્યુ થઈ ગયું હતું.
એ પછી રહેમરાહે તેમનાં દીકરી આર્યાને પોલીસની નોકરી મળી હતી અને તેઓ પણ પોલીસ કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યાં હતાં.
એવામાં એક વળાંક આવ્યો અને પોલીસ કૉન્સ્ટેબલના મૃત્યુનું રહસ્ય ખુલ્યું હતું. જેના આરોપી તરીકે મૃત પોલીસ કૉન્સ્ટેબલનાં દીકરી આર્યા બલ્લાવારનું (ઉં.વ. 22) નામ બહાર આવ્યું હતું.
કેવી રીતે દીકરીએ પિતાની હત્યા કરી હતી અને શું છે સમગ્ર મામલો તે જાણીએ.
ત્રણ વર્ષ અગાઉ શું બન્યું હતું?
એપ્રિલ-2023માં હેડ કૉન્સ્ટેબલ જયંત બલ્લાવાર વહીવટી કાર્યાલયમાં કામ કરી રહ્યા હતા, ત્યારે તેમને અચાનક ચક્કર આવ્યા હતા. જયંતને તાત્કાલિક હૉસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.
ચંદ્રપુરના સબ-ડિવિઝનલ પોલીસ ઑફિસર પ્રમોદ ચૌગુલેના કહેવા પ્રમાણે, એ સમયે મૃત્યુનું કારણ સ્પષ્ટ નહોતું થયું, એટલે ઍક્સિડેન્ટલ ડૅથ રિપોર્ટ (એડીઆર) દાખલ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2025માં જયંતનાં દીકરી આર્યા બલ્લાવારને રહેમરાહે નોકરી મળી હતી અને રામનગર પોલીસ સ્ટેશનમાં તેમની નિમણૂક થઈ હતી.
ત્રણ વર્ષ બાદ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો અને આર્યાએ જ તેના પિતા જયંતની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પુત્રી ઉપર પિતાની હત્યાનો આરોપ કેમ?
પોલીસના જણાવ્યાનુસાર આશિષ શેડમાકે નામના યુવક સાથે આર્યાનો પ્રેમસંબંધ હતો. આશિષ પણ ચંદ્રપુર પોલીસમાં કૉન્સ્ટેબલ તરીકે કાર્યરત હતા. જોકે, ટ્રેનિંગ પછી આશિષથી કોઈ ચૂક થઈ હતી અને તેને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા.
જયંત બલ્લાવારને તેમની દીકરી આર્યા અને આશિષ વચ્ચેનો પ્રેમસંબંધ મંજૂર ન હતો અને તેઓ તેમનાં લગ્નની વિરુદ્ધ હતા, એટલે બંને સાથે મળીને પિતાનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું.
આના માટે આશિષ મારફથ આર્યાએ ઝેર મંગાવ્યું હતું તથા આના માટે આશિષને રૂ. પાંચ હજાર ચૂકવ્યા હતા.
એપ્રિલ-2023માં જયંત નોકરીએ ગયા, એ પહેલાં આર્યાએ મિલ્કશૅકમાં ઝેર ભેળવીને પિતાને આપ્યું હતું.
પિતાએ મિલ્કશૅક પીધું અને કામ પર ગયા, જ્યાં એક કલાકમાં તેમને ચક્કર આવ્યા અને મૃત્યુ પામ્યા.
એ સમયે આર્યાનાં માતા કસરત કરવા માટે ગયાં હતાં, એટલે આર્યાએ તેમના પિતાને ખાવા-પીવા માટે કશું આપ્યું છે કે કેમ, તેના વિશે માતાને કોઈ માહિતી ન હતી.
પોલીસ અધિકારી પ્રમોદ ચૌગુલેએ બીબીસી મરાઠીને જણાવ્યું કે આર્યા બલ્લાવરે પિતાની હત્યાનો ગુનો કબૂલ્યો છે.
આર્યાનું કહેવું છે કે જયંત બલ્લાવારને ખૂબ જ દારૂ પીવાની આદત હતી. જ્યારે તેમને આર્યા તથા આશિષના પ્રેમસંબંધ વિશે માહિતી મળી, ત્યારે તેમણે આર્યાને માર પણ માર્યો હતો. આ સિવાય પિતા તેના અને આશિષનાં લગ્ન નહીં થવા દે, એવું લાગતાં તેણે હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું.
ત્રણ વર્ષ પછી કેસ ઉકેલાયો
થોડા દિવસ પહેલાં ખુદ આશિષે પોલીસને એક અરજી આપી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે આર્યાએ જ તેના પિતા જયંતની હત્યા કરી છે. આ સાથે તેણે કેટલાક પુરાવા પણ રજૂ કર્યા હતા. આ અરજીના આધારે પોલીસને કેસ ઉકેલવામાં મદદ મળી હતી.
પિતાના મૃત્યુ પછી આર્યા બલ્લાવારે વર્ષ 2025માં કૉન્સ્ટેબલ તરીકે ચંદ્રપુર પોલીસમાં જોડાયાં. પિતાના મૃત્યુ પછી આર્યાએ તેમના બૉયફ્રેન્ડ આશિષ સાથે લગ્ન કરી લીધું હતું.
આશિષના પિતાનું વર્ષ 2024માં મૃત્યુ થયું હતું, એ પછી રહેમરાહે તેને પિતાની નોકરી મળી હતી. બંને ટ્રેનિંગ દરમિયાન પણ સાથે જ હતાં.
એ પછી આશિષથી કેટલીક ભૂલો થઈ હતી, જેના કારણે તેમને કૉન્સ્ટેબલપદેથી બરતરફ કરી દેવામાં આવ્યા હતા. આને પગલે આર્યા અને આશિષના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.
ટ્રેનિંગ પૂરી કર્યા બાદ આર્યાએ આશિષનાં ઘરે રહેવાને બદલે તેમનાં માતા પાસે જતાં રહ્યાં હતાં. આર્યાએ આશિષને અવગણવાનું શરૂ કરી દીધું હતું અને તેમના ફોન પણ ઉપાડતા ન હતા.
આથી આશિષને ગુસ્સો ચઢ્યો હતો. આશિષ સીધા પોલીસ સુપરિન્ટેન્ડન્ટ પાસે પહોંચ્યા હતા અને ફોન રેકૉર્ડિંગ્સ સહિતના કેટલાક પુરાવા રજૂ કર્યા હતા, જેના કારણે ત્રણ વર્ષ પહેલાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
પોલીસે તરત જ ગુનો દાખલ કરીને આર્યાની પૂછપરછ કરી હતી, જેમાં તેમણે પોલીસ સમક્ષ ગુનો કબૂલી લીધો હતો. આર્યાનું કહેવું હતું કે તેમના પિતા પ્રેમપ્રસંગમાં આડખીલી રૂપ હતા, એટલે તેમની હત્યા કરી નાખી તથા આ કામમાં આશિષે તેમની મદદ કરી હતી.
પોલીસે આ કેસમાં આર્યા, તેમના પતિ આશિષ, ઝેર મેળવવામાં મદદ કરનાર ચૈતન્ય ગેદમ તથા અન્ય એક સગીરની ધરપકડ કરી છે. આર્યા તથા અન્ય બે આરોપીઓને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.
આર્યાને પિતાનાં મૃત્યુના બે વર્ષ પછી રહેમરાહે નોકરી મળી હતી. એવી પણ ચર્ચા હતી કે તેણે પિતાની નોકરી મેળવવા માટે હત્યા કરી હતી. પોલીસ અધિકારી ચૌગુલેના કહેવા પ્રમાણે, આ વાતના કોઈ પુરાવા નથી મળ્યા તથા આર્યાએ પ્રેમપ્રસંગમાં અવરોધરૂપ હોવાને કારણે પિતાની હત્યા કરી હોવાની વાત કબૂલી છે.
આ ઘટના વર્ષ 2023માં બની હોવાથી તત્કાલીન ભારતીય દંડ સંહિતાની (ઇન્ડિયન પીનલ કોડ, આઈપીસી) કલમ 302, 120, 201 તથા 34 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
બીબીસી મરાઠીએ આરોપીઓનાં પરિવારજનો તથા વકીલોની પ્રતિક્રિયા મેળવવા માટે પ્રયાસ કર્યા છે. તેમની પ્રતિક્રિયા મળ્યે અપડેટ કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન