રશિયામાં સૈન્ય વિમાન ક્રૅશ થવાને કારણે 29 લોકોનાં મૃત્યુ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, AirTeamImages
રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે ક્રાઇમિયામાં એક રશિયન સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જેમાં સવાર 29 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે.
મંત્રાલયે રશિયન સમાચાર સંસ્થા તાસ અને આરઆઈએ- નોવોસ્તીને જણાવ્યું કે ટેક્નિકલ ખરાબીને કારણે એએન-26 વિમાન પહાડ સાથે ટકરાયું, જેમાં 6 ક્રૂ સભ્યો અને 23 મુસાફરો સવાર હતા. જે પૈકી કોઈ જીવિત નથી.
તાસે જણાવ્યું કે મગળવારે સ્થાનિક સમય સાંજે 6 વાગ્યે વિમાનથી સંપર્ક તૂટી ગયો હતો, જે બાદ રૅસ્ક્યૂ અભિયાન ચલાવવામાં આવ્યું.
આ વિમાન 1960ના દશકના અંતથી ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. તેની સાથે ઘણી દુર્ઘટનાઓ થઈ ગઈ છે.
2020માં યુક્રેનમાં ખાર્કિએવમાં એક એએન-26 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેમાં પણ 26 લોકો માર્યા ગયા હતા. 2021માં રશિયાના પૂર્વમાં અંતરિયાળ વિસ્તારમાં થયેલી એક દુર્ઘટનામાં 28 લોકોનાં મોત થયાં હતાં.
'હોર્મુઝ સામુદ્રધુની ખૂલશે પરંતુ ટ્રમ્પ માટે નહીં', ઈરાનના એક સાંસદે અમેરિકા વિશે શું કહ્યું?

ઈરાનના એક સાંસદે કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ ખૂલશે પરંતુ તેમને (ટ્રમ્પ) માટે નહીં.
ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના પ્રમુખ ઇબ્રાહિમ અઝીજીએ કહ્યું છે, "હોર્મુઝ સ્ટ્રેટ માત્ર તેમના માટે ખોલવામાં આવશે જે ઈરાનના નવા કાયદાનું પાલન કરશે."
અઝીજીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "47 વર્ષનો આતિથ્યસત્કાર હંમેશાં માટે સમાપ્ત થઈ ગયો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વાત અઝીજીએ 1979ની ઈરાની ક્રાંતિ બાદથી લઈને અત્યાર સુધીની ટાઇમલાઇનને લઈ ને કહી.
અઝીજીએ આગળ કહ્યું, "ટ્રમ્પે આખરે પોતાનું સત્તા પરિવર્તનનું સપનું સાકાર કરી લીધું છે. પરંતુ આ પરિવર્તન માત્ર આ ક્ષેત્રના સમુદ્રી નિયમોમાં થયું છે."
ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ એક યોજનાને મંજૂરી આપી છે, જે પ્રમાણે હોર્મુઝ સ્ટ્રેટ અંતર્ગત પસાર થનારાં જહાજો પર વેરો લગાવવામાં આવશે.
જેટ ફ્યૂઅલની કિંમતોમાં 115% વૃદ્ધિ, કોને-કોને થશે અસર?

ઇમેજ સ્રોત, Getty Images
જેટ ફ્યૂઅલ એટલે કે ઍવિયેશન ટર્બાઇન ફ્યૂઅલ (એટીએફ)ની કિંમતોમાં ભારે વધારો થયો છે.
એટીફની કિંમતો બમણી થઈને 2.07 લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં એટીએફની કિંમત 1.10 લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર વધી છે, જે હવે 2.07 લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. આ 114.5% વૃદ્ધિ બતાવે છે.
પેટ્રોલિયમ મંત્રાલયે ઍક્સ પર જણાવ્યું, "ઘરેલું યાત્રાને આ વધારાથી બચાવવા માટે ઍરલાઇન્સ પર માત્ર આંશિક તથા ચરણબદ્ધ રીતે 25% (15 રૂપિયા પ્રતિ લિટર)ની વૃદ્ધિ લાગુ કરી છે.
ઉલ્લેખનીય છે કે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતમાં કૉમર્શિયલ એલપીજીની કિંમતોમાં પણ 195.50 રૂપિયાનો વધારો થયો છે.
ભારતમાં ફરી કૉમર્શિયલ એલપીજીના ભાવ વધ્યા, આટલા રૂપિયા મોંઘું થયું સિલિન્ડર

ઇમેજ સ્રોત, Praful Gangurde/Hindustan Times via Getty Images
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા જંગ વચ્ચે ભારતમાં ફરી એક વાર કૉમર્શિયલ એલપીજીના ભાવ વધી ગયા છે. બુધવારે કૉમર્શિયલ એલપીજીની કિંમતોમાં 195.50 રૂપિયાનો વધારો થયો છે.
જોકે, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો નથી થયો.
પીટીઆઇ પ્રમાણે, દિલ્હીમાં હવે 19 કિગ્રાનું કૉમર્શિયલ એલપીજી સિલિન્ડર 2078.50 રૂપિયાનો થઈ ગયો છે. આ જાણકારી સરકારી ઑઇલ કંપનીઓના હવાલાથી અપાઈ છે.
આ પહેલાં 1 માર્ચના રોજ 19 કિગ્રાવાળા સિલિન્ડરની કિંમત 114.50 રૂપિયા વધી ગઈ હતી.
'ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર પણ...' મસૂદ પેઝેશ્કિયાને કઈ શરત મૂકી?

ઇમેજ સ્રોત, Iranian Presidency/Anadolu via Getty Images
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું છે કે જો કેટલીક શરતો પૂર્ણ કરવામાં આવે તો ઈરાન અમેરિકા અને ઇઝરાયલ સાથે યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર છે.
ઈરાનના સરકારી મીડિયાએ પેઝેશ્કિયાને યુરોપીય કાઉન્સિલના પ્રમુખ સાથે ફોન કૉલ પર થયેલી વાતચીત મામલે જણાવ્યું છે.
પેઝેશ્કિયાન તરફથી યુદ્ધ સમાપ્ત કરવાની 'ઇચ્છા' છે પરંતુ તમામ શરતો સાથે, ખાસ કરીને ગૅરંટી સાથે ભવિષ્યમાં ફરી સંઘર્ષ ન થાય તો.
આ પહેલાં પણ અમેરિકાના 15 બિંદુઓના શાંતિ પ્રસ્તાવ પર ઈરાને ફરી હુમલો ન થાય તેની ગૅરંટી માગી હતી.
પેઝેશ્કિયાનના આ નિવેદન બાદ અમેરિકાનાં શૅરબજારોમાં તેજી જોવા મળી હતી.
ઇરાકમાં અમેરિકન મહિલા પત્રકારનું અપહરણ, અધિકારીઓએ શું જણાવ્યું?

ઇમેજ સ્રોત, X/Shelly Kittleson
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇરાકના પાટનગર બગદાદમાં એક અમેરિકન મહિલા પત્રકારનું અપહરણ થઈ ગયું છે. ઇરાકી અને અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે શકમંદોમાંથી એકનું સંબંધ ઈરાન સમર્થિત મિલિશિયા સાથે છે.
અલ-મૉનિટર નામની એક ન્યૂઝ વેબસાઇટે જણાવ્યું કે અમેરિકન ફ્રીલાન્સ પત્રકાર શૈલી કિટલસનનું મંગળવારે સાંજે અપહરણ કરાયું.
ઇરાકના ગૃહ મંત્રાલયે કહ્યું કે સુરક્ષા દળોએ અપહરણકારોનો પીછો કર્યો. એ દરમિયાન એક અપહરણકારની ગાડી પલટી ગઈ અને એક શકમંદની ધરપકડ કરી લેવાઈ.
અમેરિકન વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલી વ્યક્તિનું સંબંધ ઈરાન સમર્થિત મિલિશિયા જૂથ "કતાઇબ હિઝબુલ્લાહ" સાથે છે.
અમેરિકન વિદેશ મંત્રાલયના આસિસ્ટન્ટ સેક્રેટરી ડિલન જૉનસને પત્રકારના અપહરણની પુષ્ટિ કરી, પરંતુ તેમણે કિટલસનનું નામ ન લીધું.
તેમણે ઍક્સ પર લખ્યું, "વિદેશ મંત્રાલયે પહેલાં જ પત્રકારને તેમની વિરુદ્ધ ખતરા વિશે ચેતવણી આપી હતી. અમે એફબીઆઇ સાથે મળીને શક્ય તેટલી જલદી તેમની મુક્તિ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."
અમેરિકન વિદેશ મંત્રાલયે બીબીસીને આપેલા નિવેદનમાં કહ્યું, "ગુપ્તતા અને અન્ય કારણોને લીધે, હાલ અમારી પાસે શૅર કરવા માટે વધુ કંઈ નથી."
અમેરિકા સહિત વિશ્વના આ દેશોમાં પેટ્રોલની કિંમતોમાં ભારે વધારો

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે જંગ શરૂ થયા બાદથી ક્રૂડઑઇલની કિંમત આસમાને પહોંચી ગઈ છે.
બ્રેન્ટ ક્રૂડની એક બેરલની કિંમત 73 ડૉલરથી વધીને 31 માર્ચના રોજ લગભગ 117 ડૉલર સુધી પહોંચી ગઈ છે.
ઊર્જાની જથ્થાબંધ કિંમતોમાં વધારાનો અસર સૌપ્રથમ પેટ્રોલ પંપ પર દેખાય છે અને આ અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે.
અમેરિકામાં પેટ્રોલની સરેરાશ કિંમતમાં સંઘર્ષ શરૂ થયા બાદ એક ડૉલરનો વધારો થયો અને આ લગભગ ચાર વર્ષમાં પ્રથમ વખત ચાર ડૉલરમાં પ્રતિ ગેલન (3.78 લિટર)ની પાર પહોંચી ગઈ છે.
બ્રિટનમાં પેટ્રોલની સરેરાશ કિંમતોમાં 14 ટકા અને ડીઝલમાં 27 ટકાનો વધારો થયો છે.
કેટલાક દેશો, જેમ કે, શ્રીલંકા અને બાંગ્લાદેશે ઈંધણની રૅશનિંગ શરૂ કરી દીધી છે, અને ગત અઠવાડિયે સ્લોવેનિયા આવું કરનાર યુરોપિયન સંઘનો પ્રથમ દેશ બન્યો.
ઑસ્ટ્રેલિયામાં વધતી કિંમતોથી રાહત અપાવવા માટે ત્રણ મહિના માટે ઈંધણ પર લાગતો ટૅક્સ અડધો કરી દેવાયો છે, જ્યારે બે રાજ્યોમાં લોકોને ખાનગી વાહન ન ચલાવવા બદલ અસ્થાયીપણે મફત પબ્લિક ટ્રાન્સપૉર્ટની સુવિધા અપાઈ રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન































