સમ્રાટ સંપ્રતિ : ભારતમાં જૈન ધર્મનો ફેલાવો કરનારા સમ્રાટ અશોકના વારસદારની કહાણી

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી ગુજરાતી
- વાંચવાનો સમય: 4 મિનિટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગાંધીનગરના કોબા ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. સમ્રાટ સંપ્રતિ એ સમ્રાટ અશોકના પૌત્ર હતા. જેમણે જૈન ધર્મનો પ્રચાર કરાવ્યો હતો તથા અહિંસા માટે ઉપદેશ આપ્યા હતા.
ઇતિહાસકારોનું માનવું છે કે, બૌદ્ધ ધર્મપ્રચારમાં જે નામ અશોકનું છે, તેવું જ નામ જૈન ધર્મના પ્રચાર માટે સંપ્રતિનું છે. તેમનો કાર્યકાળ ઈસ. પૂર્વે 224થી 215 સુધીનો હતો. મહાવીર જૈન આરાધના કેન્દ્ર કૅમ્પસસ્થિત આ સંગ્રહાલયમાં જૈન પરંપરાગત પ્રદર્શનોને ડિજિટલ અને ઑડિયો-વિઝ્યુઅલ સ્વરૂપે પણ ઇન્સ્ટૉલ કરવામાં આવ્યાં છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, આ સંગ્રહાલયમાં દુર્લભ પ્રાચીન અવશેષો, જૈન કલાકૃતિઓ અને પરંપરાગત વારસાને સાચવવામાં આવશે.
ત્યારે જૈન ધર્મ અને ભારતના ઇતિહાસના મૌર્ય યુગના સમ્રાટ સંપ્રતિનું શું મહત્ત્વ છે તથા કેમ તેમને ઇતિહાસકારો 'જૈન ધર્મના અશોક' કહે છે?
સમ્રાટ સંપ્રતિને 'જૈન ધર્મના અશોક' કેમ કહેવામાં આવે છે?

ઇમેજ સ્રોત, ANI
ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પ્રો. હરપાલ બૌદ્ધ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે મૌર્યકાળ દરમિયાન સમ્રાટ અશોકે સમગ્ર ભારતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરીને એને વિશ્વવ્યાપી બનાવ્યો હતો. તે જ રીતે તેમના પૌત્ર સમ્રાટ સંપ્રતિએ જૈન ધર્મનો પ્રચાર કર્યો હતો. તેઓ જૈન ધર્મના મોટા પ્રોત્સાહક અને સમર્થક હતા અને તેમણે જૈન ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો."
પ્રો. બૌદ્ધ કહે છે કે સમ્રાટ અશોકની માફક સમ્રાટ સંપ્રતિએ પણ જૈન ધર્મ માટે રાજતંત્રનો ઉપયોગ કર્યો હતો.
એલ. કે. સિંહ દ્વારા લિખિત પુસ્તક "ઇન્ડિયન કલ્ચરલ હેરિટેજ પર્સ્પેક્ટિવ ફૉર ટુરિઝમ" અનુસાર, સમ્રાટ સંપ્રતિ જૈન સાધુ આર્ય સુહસ્તી સૂરીના ઉપદેશોથી પ્રભાવિત હતા અને તેમણે જૈન ધર્મ અપનાવ્યો હતો. તેમણે સમગ્ર ભારતમાં 1,25,000 જૈન મંદિરો બનાવ્યાં હોવાનું મનાય છે.
આ પુસ્તક અનુસાર, તેમાંથી કેટલાક હજુ પણ અમદાવાદ, વિરમગામ, ઉજ્જૈન અને પાલિતાણા શહેરોમાં જોવા મળે છે. એવું પણ કહેવાય છે કે અશોકની જેમ, સંપ્રતિએ જૈન ધર્મના પ્રસાર માટે ગ્રીસ, પર્શિયા અને મધ્ય-પૂર્વમાં સંદેશવાહકો અને ઉપદેશકો મોકલ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પુસ્તક અનુસાર મૌર્ય શાસન હેઠળ જૈન ધર્મ એક મહત્ત્વપૂર્ણ શક્તિ બન્યો હતો. ચંદ્રગુપ્ત અને સંપ્રતિને દક્ષિણ ભારતમાં જૈન ધર્મના પ્રસારનો શ્રેય આપવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Isha Books
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રો. બૌદ્ધ એક લોકકથા કહેતાં જણાવે છે કે એક વાર સમ્રાટ સંપ્રતિ તેમના મહેલની અગાસીમાં બેઠા હતા અને ત્યાંથી એક જૈન મુનિ સુહાસતીસુરી પસાર થતાં તેમણે જૈન મુનિને મહેલમાં આમંત્રિત કર્યા. જૈન મુની સાથેની નિકટતાએ સંપ્રતિને જૈન ધર્મ અંગીકાર કરવાની પ્રેરણા આપી.
પ્રો. બૌદ્ધ અનુસાર શરૂઆતનાં વર્ષોમાં સમ્રાટ સંપ્રતિ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીને ઘરે આવ્યા, ત્યારે તેમનાં માતા યુદ્ધમાં થયેલી હત્યાઓ અંગે દુઃખી થયાં હતાં અને કહ્યું હતું કે હિંસા કરીને વિજય પ્રાપ્ત કરવા કરતાં કરુણાનો પ્રચાર કરવો જોઈએ.
પ્રોફેસરના મતે "આ વાર્તાલાપની પણ તેમના પર અસર થઈ હતી. તેમણે શસ્ત્રોનો ત્યાગ કર્યો હતો." તેઓ પ્રખ્યાત ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મિથને ટાંકતાં કહે છે કે સમ્રાટ સંપ્રતિએ આજના ઈરાન અને આરબ દેશોમાં એ વખતે જૈન સંસ્કૃતિ કેન્દ્રોની સ્થાપના કરી હતી.
"અશોકે જે રીતે બૌદ્ધ ધર્મને વિશ્વભરમાં પ્રચાર કર્યો તે જ રીતે તેમના પૌત્રએ પણ જૈન ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમના શિલાલેખમાં પણ અહિંસા અને જીવદયા પર ભાર મૂકવામાં આવ્યો હતો."
પ્રોફેસર બૌદ્ધ અનુસાર સમ્રાટ સંપ્રતિનું બીજું મહત્ત્વનું કામ તે હતું કે, તેઓએ તેમની સંપત્તિમાંથી ગરીબો માટે આરામગૃહો અને ભોજનાલયો બનાવ્યાં હતાં. આ ઉપરાંત જૈન પરંપરા અનુસાર 1050 જેટલાં જૈન દેરાસર અને 15 લાખ જૈન મૂર્તિઓનું નિર્માણ-સર્જન કરાવ્યું હતું.
સમ્રાટ સંપ્રતિનો ઐતિહાસિક ઉલ્લેખ ક્યાં જોવા મળે છે?
ડૉ. આર. ટી . વ્યાસ દ્વારા લિખિત "સ્ટડીઝ ઇન જૈન આર્ટ ઍન્ડ આઇકૉનૉગ્રાફી ઍન્ડ ઍલાઇડ સબ્જેક્ટ્સ" પુસ્તક અનુસાર, ઉત્ખનન દરમિયાન ભારતમાંથી મળી આવેલ કેટલાક શિલાલેખોમાં સંપ્રતિના નામ પરથી વિહાર હોવાનો ઉલ્લેખ છે.
તેમને ઉજ્જૈનના રાજા સંપ્રતિ માનવામાં આવે છે, જે અશોકના પૌત્ર હતા. સંપ્રતિએ જૈન ધર્મના પ્રસારમાં મોટો ફાળો આપ્યો હતો અને તેઓ આર્ય સુહસ્તીનાના શિષ્ય હતા.
પ્રો. હરપાલ બૌદ્ધ જણાવે છે, સંપ્રતિનો અર્થ યોગ્ય અને સાચી વ્યક્તિ થાય છે.
તેમના શાસકાળ વિશે પ્રો. બૌદ્ધ કહે છે, "કેટલાક ગ્રંથો પ્રમાણે ઈસ પૂર્વે 224થી 215 સુધી શાસન કર્યું હતું, તો અન્ય કેટલાકના જણાવ્યા પ્રમાણે તેમણે ઈસ પૂર્વે 190 સુધી શાસન કર્યું હતું."
આણંદસ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પ્રોફેસર હેમંત દવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે મૌર્ય કાળમાં શાસકની નજીકના સગાને અગત્યના પ્રાંત આપવાનો રિવાજ હતો. ત્યારે અશોકે પોતાના પુત્ર કુણાલને અવંતિના સુબા તરીકે મોકલેલા. કુણાલ તે વખતે રાણીઓના રાજનૈતિક કાવાદાવાને કારણે અંધ થયા હતા. આમ તેઓ તે શાસક તરીકે અસમર્થ સાબિત થયા હતા.
પ્રો. દવે અનુસાર, કુણાલના બે પુત્રો હતા. તેમના બીજા પુત્ર સંપ્રતિ હતા.
"અવંતિમાં (હાલ ગુજરાત અને માળવા) સંપ્રતિનું શાસન હતું અને સંપ્રતિએ જૈન ધર્મનાં જે સૂત્રોનો પ્રચાર કર્યો હતો તે ધર્મનાં આવશ્યક સૂત્રો તરીકે ઓળખાય છે, અને તે ભગવાન મહાવીરના શિષ્યો દ્વારા લખાયેલાં છે. તેવું માનવામાં આવે છે."
પ્રો. હેમંત દવે કહે છે, "વલભીમાં (હાલનું ભાવનગર) સૂત્રો પર ટીકા લખવામાં આવી હતી, તે 'ચૂડણી' તરીકે ઓળખાય છે, જેમાં સમ્રાટ સંપ્રતિના ઉલ્લેખો જોવા મળે છે."
એમાં લખેલું છે કે સૌરાષ્ટ્રનો વિસ્તાર, નર્મદાની દક્ષિણનો વિસ્તાર, રાજસ્થાન, આખું ગુજરાત સહિત માળવાનો પ્રદેશ સંપ્રતિના તાબા હેઠળ હતો
પ્રો. હેમંત દવે કહે છે કે જૈનોની વસ્તી મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે. તેનું કારણ સંપ્રતિ છે. તેથી આ વિસ્તારોમાં જૈન ધર્મનો પ્રભાવ જોવા મળે છે.
લેખક મોતી ચંદ્રના પુસ્તક ટ્રેડ ઍન્ડ ટ્રેડ રૂટ્સ ઇન ઍન્શિયન્ટ ઇન્ડિયામાં એક નોંધ ટાંકવામાં આવી છે.
એ અનુસાર સંપ્રતિએ જૈન સાધુઓને પ્રચાર કરવા સાડા પચીસ (25 અને એક અડધું રાજ્ય) રાજ્યો બનાવ્યા અને પોતાની શક્તિ વધારવા માટે તેમણે જૈન સાધુઓના વેશમાં પોતાના સૈનિકોને આંધ્ર, દ્રવિડ, મહારાષ્ટ્ર, કુડુક્ક (કુર્ગ) અને સૌરાષ્ટ્ર મોકલ્યા હતા અને આ રીતે પોતાનું સામ્રાજ્ય દક્ષિણમાં વિસ્તાર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























