'મારી આયા જાસૂસ હતી અને એણે 'તેના પતિ'ને ઝેર આપી દીધું', ખતરનાક ઑપરેશનોમાં સામેલ સોવિયટ મહિલા ગુપ્તચરની કહાણી

ઇમેજ સ્રોત, Alejandra López/Public document
- લેેખક, સેસિલિયા બારિયા
- પદ, બીબીસી ન્યૂઝ મુન્ડો
- વાંચવાનો સમય: 5 મિનિટ
તેમનું નામ મારિયા લુઈસા નહોતું.
1950 અને 1960ના દાયકા દરમિયાન તેઓ ઉરુગ્વેના મોન્ટેવીડિયોમાં આયા, દરજી કે ગૃહિણી બનીને જરૂર રહેતાં હતાં, પણ વાસ્તવમાં તેઓ જે દેખાતાં હતાં, તે નહોતાં.
આ બધું તેમની સાચી ઓળખ છૂપાવવા માટેનું એક મહોરું હતું.
એફ્રિકા દ લાસ હેરાસ નામનાં આ મહિલા હકીકતમાં સોવિયેટ સંઘની ગુપ્તચર સેવા (કેજીબી)નાં એક ગુપ્ત એજન્ટ હતાં.
તેઓ ઉરુગ્વેને તેમના ઑપરેશનના આધાર તરીકે ઉપયોગ કરીને શીતયુદ્ધ દરમિયાન જાસૂસીનું નેટવર્ક ઊભું કરવાનું કામ કરતાં હતાં.
આ સ્પેનિશ સામ્યવાદી કાર્યકર્તા સોવિયેટ હિતોની સેવાની લાંબી કારકિર્દી શરૂ કરતાં પહેલાં બાર્સેલોનામાં જનરલ ફ્રાન્સિસ્કો સામેના પ્રતિકારમાં જોડાયાં હતાં. કેજીબીમાં તેમનું છૂપું નામ "પેટ્રિયા" (પિતૃભૂમિ) હતું.
રેકૉર્ડ્ઝ દર્શાવે છે કે, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન યુક્રેનનાં જંગલોમાં નાઝી કબ્જા વિરુદ્ધ લડતાં ટેલિગ્રાફ ઑપરેટર હતાં, પછીથી તેમણે મેક્સિકોમાં લિયોન ટ્રૉટ્સ્કીની હત્યાના કાવતરામાં ભાગ લીધો હતો.
પેરિસમાં તેમણે જાસૂસી કરી હતી, મૉસ્કોમાં તેમણે જાસૂસી પ્રશિક્ષક તરીકે કામ કર્યું હતું અને સાથે જ બે દાયકા સુધી ઉરુગ્વેથી ગુપ્તચર કામગીરીનું સંચાલન કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કર્નલના દરજ્જા અને સન્માનોની લાંબી યાદી સાથે, એફ્રિકા દ લાસ હેરાસ સોવિયેટ સંઘના પતનના થોડા સમય પહેલાં જ મૃત્યુ પામ્યાં અને પોતાની સાથે એવાં ઘણાં રહસ્યો લઈ ગયાં, જે કદાચ ક્યારેય પ્રકાશમાં નહીં આવે.
તેમને અંગતપણે જાણનારા ઘણા લોકોને ખબર ન પડી, કે વાસ્તવમાં આ મહિલા કોણ હતાં.
આવું જ આર્જેન્ટિનાનાં લેખિકા લૉરા રામોસ સાથે થયું, જ્યાં સુધી તેમના ભાઈએ તેમની આંખો ન ખોલી.
રામોસ તેમના પુસ્તક "માય કેજીબી નૅની"માં બાળપણમાં એફ્રિકા દ લાસ હેરાસ સાથેના તેમના સંબંધો વર્ણવે છે અને શાળાએથી ઘરે આવ્યા બાદ તેમને નાસ્તો આપતાં આ મહિલા કોણ હતાં, તે શોધવાનો પ્રયાસ કરતી વખતે કરેલી સઘન તપાસ વિશે જણાવે છે.
આ સ્પેનિશ જાસૂસ મહિલાએ લેટિન અમેરિકામાં ગાળેલા સમય દરમિયાન તેમના જીવનનાં ઊંડાં રહસ્યો ખોળનાર અને તેમને અંગતપણે ઓળખનારી કોઈ વ્યક્તિ દ્વારા લખાયેલું આ પ્રથમ પુસ્તક છે.
આ સાહસ દરમિયાન રામોસે એવી શોધ કરી હતી, જે તેમના મતે આશ્ચર્યજનક જ નહીં ભયાનક પણ હતી.
પરમાણુ બૉમ્બને કારણે સોવિયેટ સંઘની ચિંતા વધી

ઇમેજ સ્રોત, Courtesy of Lumen
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પણ, એફ્રિકા દ લાસ હેરાસ ઉરુગ્વેમાં શું કરી રહ્યાં હતાં?
તેઓ દક્ષિણ અમેરિકન દેશમાં કેવી રીતે પહોંચ્યાં, તેની કહાણી પેરિસમાં શરૂ થઈ હોવાનું રામોસ બીબીસી મુન્ડોને જણાવે છે.
ફ્રાન્સના શહેરમાં રોકાવા દરમિયાન, "તેમણે તે સમયે ઉરુગ્વેના સૌથી પ્રતિભાશાળી અને અત્યંત ગરીબ લેખક ફેલિસ્બર્ટો હર્નાન્ડિઝને આકર્ષિત કર્યા. બંનેએ લગ્ન કર્યાં અને તેઓ 1947ના અંતમાં મોન્ટેવીડિયો આવી પહોંચ્યાં."
ખાસ કરીને ઉરુગ્વે વૈશ્વિક રાજકારણની રડારમાં ન હતું તેથી સોવિયેટ એજન્ટો માટે બેઝ બનાવવા નકલી દસ્તાવેજો મેળવવા માટે તે એક સારું સ્થળ લાગતું હતું.
શીતયુદ્ધની શરૂઆતમાં અમેરિકાનો પરમાણુ બૉમ્બ મૉસ્કો માટે સૌથી વધુ મોટી ચિંતાનો વિષય હતો અને આ એજન્ટોનો આશય આ પરમાણુ બૉમ્બ વિશે માહિતી મેળવવાનો હતો.
આર્જેન્ટિનાનાં લેખિકા કહે છે, "તેમણે ઉરુગ્વેના અંતરિયાળ વિસ્તારોનાં કબ્રસ્તાનમાં જઈને મૃત બાળકોની કબરો શોધીને આ દસ્તાવેજો મેળવ્યા હતા."
"બાળકોની કબરો મળે, એટલે તેઓ નગરની સિવિલ રજિસ્ટ્રીમાં જતાં, જન્મ પ્રમાણપત્ર માગતાં અને પછી એવાં બાળકોના ખોટા દસ્તાવેજ બનાવતાં, જે કદી જન્મ્યાં જ નહોતાં."
મોન્ટેવીડિયોમાં કોઈ જાતની શંકા ન ઉદ્ભવે, તે પ્રકારનો ભરોસાપાત્ર છદ્મવેશ ધારણ કરવા માટે સ્પેનિશ જાસૂસે ઉરુગ્વેના બુદ્ધિજીવીઓનો સંપર્ક સાધ્યો, જે પૈકીના ઘણા લોકો તેમના પતિ ફેલિસ્બર્ટો હર્નાન્ડિઝના મિત્રો હતા.

ઇમેજ સ્રોત, Alejandra López
તેમની સામે દ લાસ હેરાસે સ્વયંની રાજકીય બાબતોમાં જેને લેશમાત્ર રસ ન હોય, એવી વ્યક્તિ તરીકેની છબિ ઉપસાવી.
તેમણે તેમને તેમનાં બાળકોની સંભાળ લેવામાં મદદ કરવાની ઓફર કરી અને તે પછી તેઓ દરજીકામમાં વ્યસ્ત થઈ ગયાં.
રામોસનાં માતા તે સમયગાળા દરમિયાન જ (આર્જેન્ટિના જતાં પહેલાં) દ લાસ હેરાસને મળ્યાં હતાં.
રામોસ અને તેમના ભાઈનો જન્મ આર્જેન્ટિનામાં થયો હતો.
વર્ષો પછી માતા બંને બાળકો સાથે મોન્ટેવીડિયો પરત ફર્યાં અને ફરી તે મહિલા જાસૂસના સંપર્કમાં આવ્યાં. ઉરુગ્વેમાં મહિલા જાસૂસનું નામ હતું - મારિયા લુઈસા.
"અમોઘ હથિયાર"

ઇમેજ સ્રોત, Public document
રામોસ યાદ કરે છે કે, 1964માં તેઓ અને તેમના ભાઈ જ્યારે એસ્કુએલા ફ્રાન્સિયા નામની સ્કૂલમાં જતાં હતાં, ત્યારે કેજીબી એજન્ટ તેમની સંભાળ લેતાં હતાં. આ સ્કૂલ એફ્રિકા દ લાસ હેરાસના ઘરની નજીક જ આવેલી હતી.
"અમારી શાળાના દરવાજા પાસે તેઓ ઊભેલાં હોવાની સ્મૃતિ આજેય મારા મનમાં અંકિત થયેલી છે. તેઓ શાળાએથી અમને લઈને નાસ્તો કરાવવા માટે તેમના ઘરે લઈ જતાં."
રામોસ કહે છે કે, તેઓ એક મધ્યમ વયનાં મહિલા હતાં. "તેમના વાળ સફેદ હતા, બાંધો થોડો ખડતલ, પણ જાડા નહીં અને તેમની ઊંચાઈ ઓછી હતી. મને સ્પષ્ટપણે યાદ છે કે, તેઓ સ્કર્ટ અને બ્લાઉઝ પહેરતાં હતાં અને તેમની લઢણ સ્પેનિશ નહોતી."
લેખિકા યાદ કરે છે કે, આયા/દરજીનો અવાજ કોમળ હતો અને તેઓ તેમને સોવિયેટ લેખિકા જીયુલિયા કોરોલેવની આત્મકથા "ધ ફોર્થ હાઇટ"માંથી વાર્તા સંભળાવતાં. "તેઓ બિલકુલ પ્રેમાળ નહોતાં, બલ્કે સ્વભાવે થોડાં કડક હતાં."
રામોસ અને તેમના ભાઈને એફ્રિકા દ લાસ હેરાસના ઘરે જવાની મજા આવતી, કારણ કે, તેમની પાસે "એક અમોઘ હથિયાર" હતું.
"તે બપોરના નાસ્તામાં અમને મળતી ઓરો ડેલ રિનની અત્યંત સ્વાદિષ્ટ અને ઘણી મોંઘી પેસ્ટ્રીઝ હતી. તેની સાથે કૉફી અને થોડું દૂધ પણ મળતું."
એ બે મોત જેમાં મહિલા જાસૂસની સંડોવણી હતી

ઇમેજ સ્રોત, Alejandra López
ઉરુગ્વેમાં જાસૂસનાં પગલાં વિશે વાત કરતાં રામોસ જણાવે છે કે, દ લાસ હેરાસને નાગરિકત્વ મળ્યું, તે સાથે જ તેમણે ઉરુગ્વેના લેખક ફેલિસ્બર્ટો હર્નાન્ડીઝથી છૂટાછેડા લઈ લીધા અને થોડાં વર્ષો બાદ, તેમણે એક ઇટાલિયન જાસૂસ વેલેન્ટિનો માર્ચેન્ટી સાથે લગ્ન કર્યાં, જેમને સોવિયેટ સંઘે તમના બૉસ તરીકે મોકલ્યા હતા.
તેમણે મોન્ટેવીડિયોમાં વિલિયમ સ્ટ્રીટ પર એક ઘર ખરીદ્યું હતું. આ જ ઘરમાં રામોસ અને તેમના ભાઈ શાળાએથી છૂટ્યા પછી નાસ્તો કરવા માટે જતાં હતાં.
સ્પેનિશ મહિલાની કહાણી તપાસતાં રામોસને કેસેટમાં એક રેકૉર્ડિંગ મળી આવ્યું હતું, જેમાં ઉરુગ્વેની એક લાઇબ્રેરિયન મહિલા (જેને જાસૂસ તરીકે સામેલ કરવામાં આવી હતી)એ મોતની બે ઘટનાઓને એફ્રિકા દ લાસ હેરાસ સાથે જોડતાં કેટલાંક રહસ્યો છતાં કર્યાં હતાં.
રામોસના જણાવ્યા અનુસાર, રેકૉર્ડિંગમાં ઉરુગ્વેની મહિલા કહે છે કે, કેજીબીની એજન્ટે (દ લાસ હેરાસે) તેમના પતિ - ઇટાલિયન વેલેન્ટિનો માર્ચેન્ટીને "ઝેર આપી દીધું હતું" અને લાશને એક રૂમમાંથી બીજા રૂમમાં લઈ જવા માટે મદદ માગી હતી.
લેખિકા કહે છે કે, ઉરુગ્વેની યુનિવર્સિટીના પ્રોફેસર આર્બેલિયો રામિરેઝના મોતમાં પણ દ લાસ હેરાસની કથિત સંડોવણી હતી. તેમનું મોત 1961માં મોન્ટેવીડિયોમાં અર્નેસ્ટો "ચે" ગુવેરા દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન થયું હતું.
તેઓ ઉમેરે છે કે, આર્બેલિયો રામિરેઝને પણ ગુપ્ત કાર્યો માટે તેમની સાથે સાંકળવામાં આવ્યા હતા.
મેં રામોસને પૂછ્યું, "એ વાતનો શું પુરાવો છે કે, દ લાસ હેરાસે તેમના ઇટાલિયન પતિને ઝેર આપ્યું હતું અને અને આર્બેલિયો રામિરેઝની હત્યામાં પણ તેમની સંડોવણી હતી?"
ત્યારે, લેખિકાએ જવાબ આપ્યો, "દ લાસ હેરાસે તેમના પતિ (ઇટાલિયન જાસૂસ)નું ડેથ સર્ટિફિકેટ જારી કરવા માટે જે ડૉક્ટરને બોલાવ્યા હતા, તે જ ડૉક્ટરને ત્રણ વર્ષ પહેલાં આર્બેલિયો રામિરેઝની ઑટોપ્સી માટે રોક્યા હતા."
તેમણે નોંધ્યું હતું, "મારા પુસ્તકમાં મેં તે પુરાવા રજૂ કર્યા છે, જે રેકૉર્ડિંગમાં મોજૂદ હતાં. તે તમામ દસ્તાવેજી છે."
"રેકૉર્ડિંગ મુજબ, તેમણે તે જ ખુરશીમાં તેમના પતિને ઝેર આપ્યું હતું, જેમાં બેસીને હું દૂધ પીતી હતી. આ વિચારીને મને ધ્રૂજારી આવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















