ટ્રમ્પે ઈરાન સાથે ફરી વાતચીતના સંકેત આપ્યા, કહ્યું, 'મારા પ્રતિનિધિઓ પાકિસ્તાન જઈ રહ્યા છે'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડોનાલ્ડ ટ્રમ્પ, ઈરાન યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેમના પ્રતિનિધિઓ ઈરાન સાથે વાતચીત માટે પાકિસ્તાન જઈ રહ્યા છે.
વાંચવાનો સમય: 5 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેમના પ્રતિનિધિઓ ઈરાન સાથે વાતચીત માટે પાકિસ્તાન જઈ રહ્યા છે.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરતાં કહ્યું, "મારા પ્રતિનિધિઓ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ જઈ રહ્યા છે. તેઓ આવતીકાલે સાંજે ત્યાં વાતચીત માટે પહોંચી જશે."

ટ્રમ્પે કહ્યું, "અમે એક બહુ યોગ્ય અને વ્યાજબી સોદાનો પ્રસ્તાવ આપી રહ્યા છીએ. મને આશા છે કે તેઓ તેને સ્વીકારશે, કારણ કે જો તેઓ એવું નહીં કરે, તો અમેરિકા ઈરાનના દરેક પાવર પ્લાન્ટ અને દરેક પુલને તબાહ કરી દેશે."

બીબીસીની ફારસી સેવાના જણાવ્યા મુજબ, તુર્કીના વિદેશમંત્રી હાકાન ફિદાને કહ્યું છે કે ઈરાન અને અમેરિકા બંને યુદ્ધ સમાપ્ત કરવા વાતચીત માટે તૈયાર છે.

પરંતુ ઈરાન તરફથી હજી સુધી એ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી કે તેમના પ્રતિનિધિઓ પણ સોમવારે પાકિસ્તાન જઈ રહ્યા છે કે નહીં. અમેરિકા અને ઈરાન વચ્ચેની પહેલી વાતચીત ઇસ્લામાબાદમાં થઈ હતી, પરંતુ તે નિષ્ફળ ગઈ હતી.

ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું છે કે જો આ વખતે પણ વાતચીત નિષ્ફળ જશે, તો "હવે કોઈ નરમી દાખવવામાં નહીં આવે."

તેમણે જણાવ્યું કે ઈરાનના પુલો અને પાવર પ્લાન્ટ "ખૂબ જ ઝડપથી અને સરળતાથી ધરાશાયી કરી દેવામાં આવશે."

બીબીસીની ફારસી સેવાના અનુસાર, આ વાતચીતમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ નહીં કરે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ટ્રમ્પે ઈરાન પર "સંઘર્ષ વિરામ કરારનું ઉલ્લંઘન" કરવાનો આરોપ પણ લગાવ્યો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, શનિવારે હોર્મુઝ જળમાર્ગમાં ગોળીબાર થયો હતો.

ટ્રમ્પે કહ્યું, "આ યોગ્ય નહોતું, ખરું ને? ઈરાનનું કહેવું છે કે ગોળીઓ ફ્રાંસના એક જહાજ અને બ્રિટનના એક માલવાહક જહાજને નિશાન બનાવીને ચલાવવામાં આવી હતી."

અમેરિકાના રાષ્ટ્રપતિએ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો ઈરાનનો નિર્ણય "અજીબ" ગણાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકી નાકાબંદીએ "હોર્મુઝ સ્ટ્રેટ પહેલેથી જ બંધ કરી દીધો છે."

ટ્રમ્પે જણાવ્યું, "તેઓ અજાણતામાં અમારી મદદ કરી રહ્યા છે. આ માર્ગ બંધ થવાથી તેમને જ નુકસાન થાય છે – દરરોજ 500 મિલિયન ડૉલર. અમેરિકાને તો કોઈ નુકસાન થતું નથી."

ઈરાનનો વિરોધ

તો બીજી તરફ ઈરાને અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે તેણે ઈરાની બંદરો પર નૌસેનિક નાકાબંદી કરીને સંઘર્ષ વિરામની શરતોનો ભંગ કર્યો છે.

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ અમેરિકાની નાકાબંદીને "ગેરકાયદેસર અને અપરાધિક" ગણાવી છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં બકાઈએ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર અને એક સંયુક્ત રાષ્ટ્રના ઠરાવનો ઉલ્લેખ કર્યો છે, જે કોઈ દેશનાં બંદરો અને દરિયાકાંઠાની નાકાબંદી કરવા પર પ્રતિબંધ મૂકે છે.

તેમણે અમેરિકા પર યુદ્ધ અપરાધનો આરોપ લગાવ્યો અને કહ્યું કે અમેરિકા ઈરાની જનતા પર જાણબૂઝીને સામૂહિક દંડ લાદી રહ્યું છે. તેમણે આને "માનવતાના વિરોધમાં અપરાધ" ગણાવ્યો છે.

પાકિસ્તાનમાં વાતચીતની તૈયારીઓ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડોનાલ્ડ ટ્રમ્પ, ઈરાન યુદ્ધ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઇસ્લામાબાદમાં રાજદ્વારી એરિયાની ચારે તરફની સડકો બંધ કરી દેવાઈ છે, ઍન્ટ્રી પૉઇન્ટ્સ પર કાંટાળા તાર લગાવી દેવાયા છે

બીબીસીની પાકિસ્તાન સંવાદદાતા કૅરી ડેવિસે ઇસ્લામાબાદથી માહિતી આપી છે કે ટ્રમ્પના ઍલાન બાદ પાકિસ્તાનમાં વાતચીતની તૈયારીઓ શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે. શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.

જે હોટલમાં ગયા સપ્તાહે અમેરિકા અને ઈરાનનાં પ્રતિનિધિમંડળ વચ્ચે વાતચીત થઈ હતી, ત્યાં રોકાયેલા મહેમાનોને હોટલ ખાલી કરવા કહેવામાં આવ્યું છે.

ત્રણ યુનિવર્સિટીઓએ પોતાના વર્ગો ઑનલાઇન કરી દીધાં છે.

ઇસ્લામાબાદ પોલીસે જણાવ્યું છે કે વિદેશી પ્રતિનિધિમંડળોનાં આગમનને કારણે મુખ્ય રસ્તાઓ બંધ થઈ શકે છે અને ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાઈ શકે છે.

શહેરની સીમાઓ પર પહેલેથી જ ટ્રાફિક જામ શરૂ થઈ ગયો છે.

કુલ મળીને, ઇસ્લામાબાદ કોઈ મોટા ઘટનાક્રમ માટે તૈયાર દેખાઈ રહ્યું છે.

યુરેનિયમ સંવર્ધન બન્યું મોટી અડચણ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડોનાલ્ડ ટ્રમ્પ, ઈરાન યુદ્ધ

ઇમેજ સ્રોત, 2025 Maxar Technologies/Getty

ઇમેજ કૅપ્શન, મૅક્સર સેટેલાઇટની તસવીરોથી ખબર પડે છે કે અમેરિકન હવાઈ હુમલા બાદ ઇસ્ફહાન પરમાણુ સ્થળની સુરંગોનાં પ્રવેશ દ્વારો પર નવું નુકસાન થયું છે, આ 22 જૂન 2025ની તસવીરો છે

બીબીસીના સુરક્ષા વિશ્લેષક ફ્રૅન્ક ગાર્ડનર પ્રમાણે, ઈરાનનું ન્યુક્લિયર ઍનરિચમેન્ટનો મુદ્દો વાતચીતમાં સૌથી મોટી અડચણ છે.

તેમણે કહ્યું, "ઈરાન પર આવેલા પ્રતિબંધો દૂર કરવાની માંગ કરી રહ્યું છે. તેની અર્થવ્યવસ્થા અત્યંત ખરાબ સ્થિતિમાં છે અને હવે પરિસ્થિતિ વધુ વણસી છે કારણ કે તે ખાડી વિસ્તારમાં આવેલાં બંદરોમાંથી નિકાસ કરી શકતું નથી."

"સમય પણ ઈરાનના પક્ષમાં નથી."

તેઓ જણાવે છે કે અમેરિકા અને ઈરાન બે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે –

  • ન્યુક્લિયર ઍનરિચમેન્ટ
  • અત્યંત સંવર્ધિત યુરેનિયમ, જે હજી પણ ઇસ્ફહાનના પર્વતોની નીચે આવેલી સુરંગોમાં છે, જ્યાં ગયા વર્ષે અમેરિકાએ બૉમ્બમારો કર્યો હતો.

અગાઉની વાતચીત રહી હતી નિષ્ફળ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડોનાલ્ડ ટ્રમ્પ, ઈરાન યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનમાં 11 અને 12 એપ્રિલના રોજ ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીત પડી ભાંગ્યાની જાહેરાત અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કરી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈરાન અને અમેરિકા વચ્ચે 11 અને 12 એપ્રિલે ઇસ્લામાબાદમાં થયેલી વાતચીત નિષ્ફળ રહી હતી. 21 કલાક ચાલેલી આ વાતચીત કોઈ પરિણામ વગર પૂર્ણ થઈ હતી.

તે સમયે અમેરિકાની તરફથી નેતૃત્વ કરી રહેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું હતું કે કોઈ કરાર શક્ય બન્યો નથી અને તેઓ અમેરિકા પરત ફરી રહ્યા છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું હતું કે પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચેનું અંતર ઘટાડવા અને સમજૂતી સુધી પહોંચાડવા માટે સંપૂર્ણ પ્રયત્ન કર્યા હતા, પરંતુ "ખરાબ સમાચાર એ છે કે અમે કોઈ સમજૂતી સુધી પહોંચી શક્યા નથી."

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે આ સમાચાર અમેરિકા માટે એટલા નકારાત્મક નથી જેટલા ઈરાન માટે છે.

તેમણે કહ્યું, "કોઈ સમજૂતી થઈ નથી અને હવે અમે અમેરિકા પરત ફરી રહ્યા છીએ."

પાકિસ્તાનના આગ્રહ પર અમેરિકા અને ઈરાન બે અઠવાડિયાના સંઘર્ષવિરામ માટે સંમત થયાં હતાં અને બંને દેશોનાં પ્રતિનિધિમંડળો વાતચીત માટે ઇસ્લામાબાદ પહોંચ્યાં હતાં.

અમેરિકા અને ઈરાન બંને દેશો શાંતિ ચર્ચાની નિષ્ફળતા માટે અલગ-અલગ કારણો રજૂ કરી રહ્યાં હતાં.

અમેરિકા અને ઈરાનની નાકાબંધીમાં અંતર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટને 'બંધ કરવાની કોશિશ'ને "અજીબ" ગણાવી છે અને કહ્યું છે કે અમેરિકી નાકાબંદીએ તેને "પહેલેથી જ બંધ કરી દીધો છે."

જોકે, અમેરિકી નૌસેનિક નાકાબંદીએ સીધી રીતે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો નથી.

આવો હવે બંને પક્ષોનાં દૃષ્ટિકોણને સરળ રીતે સમજીએ.

ઈરાનનું વલણ

ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલે સરકારી ટેલિવિઝન પર જણાવ્યું છે કે તહેરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં જહાજોની દેખરેખ અને નિયંત્રણ કરશે.

આ વ્યવસ્થા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી યુદ્ધ સંપૂર્ણ રીતે સમાપ્ત ન થાય અને વિસ્તારમાં સ્થાયી શાંતિ સ્થાપિત ન થાય.

ઈરાનના જણાવ્યા મુજબ:

  • દરેક જહાજ પાસેથી સંપૂર્ણ માહિતી લેવામાં આવશે.
  • ટ્રાંઝિટ સર્ટિફિકેટ જારી કરવામાં આવશે.
  • "સુરક્ષા, સલામતી અને પર્યાવરણ સંરક્ષણ"ના નામે ટોલ વસૂલવામાં આવશે.

અમેરિકાનું વલણ

જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે નાકાબંદીની જાહેરાત કરી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે તે હોર્મુઝ સ્ટ્રેટમાં આવતાં અને જતાં "દરેક જહાજ" પર લાગુ પડશે.

તેમણે નૌસેનાને આદેશ પણ આપ્યો હતો કે જે જહાજો ઈરાનને ટોલ ચૂકવીને પસાર થવાની કોશિશ કરશે, તેમને આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં અટકાવવામાં આવે.

પરંતુ બાદમાં અમેરિકી સેનાએ આ બાબતને અલગ રીતે સ્પષ્ટ કરી હતી. સેન્ટકૉમ (CENTCOM) અનુસાર:

  • નાકાબંદીનો મુખ્ય ઉદ્દેશ ઈરાનના બંદરો છે.
  • અન્ય દેશોનાં બંદરો તરફ જઈ રહેલા જહાજોને રોકવામાં નહીં આવે.
  • હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર (નેવિગેશનની સ્વતંત્રતા)માં કોઈ અવરોધ ઊભો કરવામાં નહીં આવે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન