પાણીપત : બાબરે માત્ર 20 હજાર સૈનિકોની મદદથી પાંચ જ કલાકમાં ઇબ્રાહીમ લોદીના એક લાખના સૈન્યને કેવી રીતે હરાવ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ, બાબર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાણીપતની પ્રથમ લડાઈમાં ઝહીરૂદ્દીન બાબરનો વિજય થયો હતો
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી
  • વાંચવાનો સમય: 8 મિનિટ

તૈમૂરે ભારત ઉપર ચઢાઈ કરી, તેનાં લગભગ 125 વર્ષો પછી તેમની છઠ્ઠી પેઢીના વંશજ ઝહીરૂદ્દીન બાબરે પણ ભારત ઉપર આક્રમણનું અભિયાન શરૂ કર્યું.

12 વર્ષની વયથી જ બાબરનું જીવન લડાઈઓથી ભરેલું હતું અને તેમણે ઘણી વખત હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો, પણ તેમણે દરેક હારમાંથી શીખ મેળવવાનો જુસ્સો ન છોડ્યો.

હાલના ઉઝબેકિસ્તાનમાં આવેલું તેમનું ફરગાના રાજ્ય ગુમાવી દીધા બાદ તેમણે કાબુલમાં સ્થાન જમાવ્યું. ત્યાંથી તેમણે પંજાબ ઉપર ઘણા હુમલા કર્યા. તે સમયે પંજાબ ઉપર દિલ્હીના સુલતાન ઇબ્રાહીમ લોદીના પ્રતિનિધિ તરીકે દૌલત ખાનનું શાસન હતું.

દૌલત ખાન ઇબ્રાહીમ લોદી પ્રત્યે વફાદાર નહોતા. એક દિવસ ઇબ્રાહીમ લોદીના શાસનમાંથી મુક્ત થવાશે, એ આશાએ તેઓ છૂપી રીતે બાબરને ટેકો આપી રહ્યા હતા, પણ વર્ષ 1525માં બાબરે તેમને હરાવી દઈને સ્વયં પંજાબ ઉપર કબજો જમાવી દીધો.

જાણીતા ઇતિહાસકાર જદુનાથ સરકાર તેમના પુસ્તક 'મિલિટરી હિસ્ટ્રી ઑફ ઈન્ડિયા'માં લખે છે, "1517માં દિલ્હીના સુલતાન બનેલા ઇબ્રાહીમ લોદી બહાદુર વ્યક્તિત્વ ધરાવતા હતા, પણ તેમના સંબંધીઓના બળવાને કારણે તેઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા."

"સંબંધીઓ લોદીને સત્તા પરથી હટાવીને પોતાનાં સ્વતંત્ર રાજ્યો સ્થાપવાની કોશિશ કરી રહ્યા હતા. લોદીની મુશ્કેલીઓ પાછળનું અન્ય એક કારણ બાબરના શબ્દોમાં 'તેમની ગામઠી મૂર્ખામી' હતી, જેના કારણે તેઓ બાબરના અનુભવી સિપાઈઓનો કોઈ નક્કર આયોજનથી સામનો કરતા નહોતા."

"બાબરના સિપાઈઓ કડક શિસ્તથી ટેવાયેલા હતા અને અત્યંત સક્ષમ સેનાપતિઓ તેમની આગેવાની લેતા હતા."

બાબરનું નાનું સૈન્ય

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ, બાબર

ઇમેજ સ્રોત, Sanage Publishing House

ઇમેજ કૅપ્શન, જદુનાથ સરકારનું પુસ્તક 'મિલિટરી હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા'

બાબરે 17મી નવેમ્બર, 1525ના રોજ હાલના પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા હૈદરાબાદથી તેમના અભિયાનની શરૂઆત કરી. બાબરે સિંધુ નદી પાર કર્યા પછી કાળજીપૂર્વક પોતાના સૈનિકોની ગણતરી કરી.

ગણતરી કરતાં માલૂમ પડ્યું કે, તેમના સૈનિકો અપેક્ષા કરતાં ઓછા હતા. તે સમયે તેમની પાસે કુલ 12,000 સૈનિકો હતા. ભારતમાં કરેલા અગાઉના અભિયાન દરમિયાન પાછળ રહી ગયેલા સૈનિકો અને નારાજ અફઘાન સૈનિકો પણ આગળ જતાં બાબર સાથે જોડાયા.

આ તમામ કારણોસર જ્યારે બાબર પાણીપત પહોંચ્યા, ત્યારે તેમના સૈનિકોની સંખ્યા વધીને 20,000 થઈ ગઈ હતી. તેમ છતાં તેમનું સૈન્ય લોદીની સેના કરતાં ઘણું નાનું હતું. બાબરના અંદાજ અનુસાર, લોદીની સેનામાં ઓછામાં ઓછા એક લાખ સિપાઈઓ હતા.

લોદીની સેનામાં એક હજાર હાથી પણ હતા, પણ ઇબ્રાહીમ લોદીના ચઢિયાતા સંખ્યાબળ સામે બાબર પાસે એક સબળ પાસું હતુઃ ચઢિયાતાં શસ્ત્રો. તેમ છતાં, લોદીની સેનાને માત્ર ઉત્કૃષ્ટ લશ્કરી વ્યૂહરચનાથી જ હરાવી શકાય તેમ હતું.

જદુનાથ સરકાર લખે છે, "બાબરની આગેકૂચ નોંધપાત્ર હતી, તેની સામે ઇબ્રાહીમ લોદીની ગતિ ઘણી જ ધીમી હતી અને તેઓ રોજનું માત્ર બે કે ત્રણ માઈલ અંતર જ કાપતા હતા. વળી, વચ્ચે તેઓ બે દિવસનો વિરામ પણ લેતા હતા. તેમનું લશ્કર અસ્તવ્યસ્ત રીતે આગળ વધી રહેલા શહેર જેવું હતું."

તોપખાનું અને બહેતર યુદ્ધ કૌશલ્ય

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ, બાબર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાણીપતમાં બાબરે પ્રથમ વખત મેદાની પ્રદેશમાં યુદ્ધ લડ્યું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ પહેલાં બાબરે તેમનાં મોટાભાગનાં યુદ્ધો પર્વતાળ પ્રદેશોમાં જીત્યાં હતાં, જ્યાં વિશાળ સેના ખડકી શકાતી નહોતી. તે લડાઈઓ સેનાના કદ દ્વારા નહીં, બલ્કે બુદ્ધિચાતુર્ય, જે-તે પ્રદેશના વ્યૂહાત્મક ઉપયોગ અને દુશ્મનને થાપ આપવાની કુશળતાના આધારે નક્કી થતી હતી હતી.

પાણીપતમાં બાબર પ્રથમ વખત મેદાની પ્રદેશમાં લડાઈ લડી રહ્યા હતા, જ્યાં સૈનિકોનું સંખ્યાબળ અવગણી શકાય તેમ નહોતું.

અબ્રાહમ ઇરાલી તેમના પુસ્તક 'એમ્પેરર્સ ઑફ ધ પિકોક થ્રોન'માં લખે છે, "બાબર સામે સૌથી મોટો પડકાર ઇબ્રાહીમના સૈનિકોની વિશાળ સંખ્યાને પોતાનાં ચઢિયાતાં તોપખાના અને લશ્કરી કૌશલ્યોથી નિષ્ક્રિય કરવાનો હતો. બાબરની રણનીતિ એ હતી કે, યુદ્ધભૂમિ જેટલી સાંકડી, તેટલો વધુ ફાયદો, કારણ કે, તેનાથી લોદીના સૈનિકોને બાબરના નાના લશ્કરને ઘેરી લેવાની તક નહીં મળે."

"તેમ છતાં યુદ્ધભૂમિનું સાંકડા હોવું પૂરતું નહોતું, કારણ કે, બાબરના લશ્કર પાસે લોદીના સીધા હુમલાઓ ખાળવા માટે પૂરતું ઊંડાણ નહોતું."

રણનીતિ ઘડવા માટે બાબરે તેમના ટોચના સેનાપતિઓની એક બેઠક બોલાવી, જેમાં પરંપરાગત મુઘલ યુદ્ધ આયોજનમાં ફેરફારો કરવામાં આવ્યા. તે પછી તેમણે પાણીપતની યુદ્ધભૂમિનું સર્વેક્ષણ કરવા માટે પોતાના જાસૂસો મોકલ્યા હતા.

બળદગાડાં બાંધવામાં આવ્યાં

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ, બાબર

ઇમેજ સ્રોત, Pigeon Publications

ઇમેજ કૅપ્શન, અબ્રાહમ ઇરાલીનું પુસ્તક "એમ્પેરર્સ ઑફ ધ પિકોક"

જાસૂસોએ બાતમી આપી કે, પાણીપતનાં મેદાનો બાબર કરતાં ઇબ્રાહીમ લોદી માટે વધુ સાનુકૂળ હતાં. તે મેદાનોમાં બાબરને ફાયદો થાય, તેવું કશુંયે નહોતું. આખો પ્રદેશ સપાટ મેદાન હતો અને ત્યાં ગણ્યાં-ગાંઠ્યાં વૃક્ષો અને થોડાં ઝાડી-ઝાંખરાં હતાં.

પાણીપત પહોંચીને બાબરે તેમનું સૈન્ય શહેરની પૂર્વે શહેર અને યમુના નદીની વચ્ચે ખડક્યું. તે સમયે યમુના નદી શહેર પાસેથી વહેતી હતી.

બાબરે તેમની આત્મકથા "બાબરનામા"માં લખ્યું છે, "મેં ઉસ્તાદ અલી કુલીને 700 બળદગાડાંને સાંકળોથી નહીં, બલ્કે ચામડાનાં દોરડાંથી એકબીજા સાથે બાંધવાનો આદેશ આપ્યો."

"પ્રત્યેક બે બળદગાડાં વચ્ચે પાંચથી છ લાકડાંનાં પાટિયાં મૂકવાં જોઈએ. તેમની પાછળ દારૂગોળા સાથે સજ્જ સૈનિકો હલ્લો બોલાવવા તૈયાર હોવા જોઈએ." આમ, બાબરે પાંચથી છ દિવસમાં યુદ્ધની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી.

"બધી તૈયારી થઈ જતાં તેમણે તેમના સિપાઈઓને સંબોધ્યાઃ 'પાણીપતનાં ઘરો અને વસાહતો એક તરફથી આપણી ઢાલ બનશે. બીજી તરફ, ચામડાનાં દોરડાં બાંધેલાં બળદગાડાં આપણું રક્ષણ કરશે. તેમની પાછળ આપણું લશ્કર હુમલો કરવા માટે સજ્જ રહશે.' 12મી એપ્રિલ સુધીમાં બાબરની તૈયારીઓ પૂરી થઈ ગઈ."

લોદીના હુમલાની જોવાતી રાહ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ, બાબર

ઇમેજ સ્રોત, Rupa Publishing

ઇમેજ કૅપ્શન, 'બાબરનામા' પુસ્તક

બાબરની સમગ્ર રણનીતિ ઇબ્રાહીમ લોદી પ્રથમ હુમલો કરે, તેના પર નભેલી હતી.

બાબરના અનુમાન પ્રમાણે, લોદી પ્રથમ હુમલો કરશે, કારણ કે, મુઘલો લોદીના પ્રદેશમાં ઘૂસ્યા હતા અને તેમને હાંકી કાઢવાની લોદીની ફરજ હતી.

બીજી તરફ, ઇબ્રાહીમ લોદી આ સમગ્ર પ્રકરણને અલગ જ દૃષ્ટિકોણથી જોતા હતા.

અબ્રાહમ ઇરાલી લખે છે, "લોદીએ બાબર ઉપર હુમલો નહોતો કર્યો. તેમનો આશય બાબરને દિલ્હી તરફ આગળ વધતાં અટકાવવાનો હતો. તેમનું માનવું હતું કે, બચાવ એ હુમલાનું શ્રેષ્ઠ સ્વરૂપ હતું."

"લોદી રાહ જોઈ શકે તેમ હતા. પણ, આ તરફ બાબરને તાત્કાલિક પરિણામ મેળવવાની ઉતાવળ હતી, જેથી તેમની સેનાનો જુસ્સો ઓસરી ન જાય. પૂરા સાત દિવસ સુધી બાબર આતુરતાથી લોદીના હુમલાની રાહ જોતા રહ્યા."

"પોતાના સિપાઈઓનું મનોબળ વધારવા માટે તેમણે લોદીનાં યુદ્ધ કૌશલ્યોની મજાક ઉડાવી. તેમણે દૂરથી લોદીના સૈનિકો પર તીર છોડીને તેમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી જોયો. પણ લોદીની સેનાએ તેની ઉપેક્ષા કરી."

લોદીના સૈનિકો બાબરે બિછાવેલી જાળમાં ફસાઈ ગયા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ, બાબર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીએ જીવ ગુમાવ્યો

આખરે, બાબરે તેમની રણનીતિ બદલવાની ફરજ પડી અને તેમણે 19મી એપ્રિલની રાતે લોદીની સેના પર ઓચિંતો હુમલો કરી દીધો. બાબરની ડાબી પાંખના અંદાજે ચાર હજાર સૈનિકોએ પહેલાં હુમલો કર્યો.

બાબર બાકીના સૈનિકો સાથે વચ્ચે ઊભા રહ્યા. તેમણે વિચાર્યું હતું કે, જો તેમના હુમલો કરનારા સૈનિકો સફળ રહે, તો તેનો લાભ લઈને બાકીના સૈનિકોને પણ યુદ્ધમાં જોડી દેવા.

જો તેઓ સફળ ન થાય, તો તેમના સૈનિકો પીછેહઠ કરી રહેલા સૈનિકોને સહાય પૂરી પાડશે.

બાબરનો હુમલો નિષ્ફળ ગયો. લોદીનું લશ્કર અણધાર્યા હુમલાથી ગભરાવવાને બદલે હુમલા માટે સજ્જ જોવા મળ્યું.

પણ, બાબરના સદનસીબે, આ નિષ્ફળ હુમલાથી તેમને જે જોઈતું હતું તે મળી ગયું - લોદીના લશ્કર દ્વારા બાબરના સૈનિકોનાં સ્થાનો પર હુમલો.

20મી એપ્રિલનો દિવસ પ્રમાણમાં શાંતિથી પસાર થઈ ગયો. પણ 21મી એપ્રિલના રોજ મોરચા પર તહેનાત મુઘલ સૈનિકોએ સંદેશો મોકલ્યો કે, લોદીના સૈનિકોએ આગેકૂચ શરૂ કરી દીધી હતી.

કદાચ આગલા દિવસ પહેલાંની રાતે બાબરના નિષ્ફળ હુમલાથી લોદીને આશા બંધાઈ હતી કે, મુઘલોને સહેલાઈથી હરાવી શકાશે.

પણ, આ આશા લોદી માટે ગંભીર ભૂલ સાબિત થઈ. તેમના સૈનિકો બાબરની જાળમાં સપડાઈ ગયા.

લોદીના હાથી નાસ્યા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ, બાબર

ઇમેજ સ્રોત, Getty Images

આભાસ માલદહિયાર તેમના પુસ્તક 'બાબરઃ ધ ક્વેસ્ટ ફૉર હિંદુસ્તાન'માં લખે છે, "બાબર પોતાનાં તોપખાનાં અને બળદગાડાંના કાફલા સાથે લોદીના સૈનિકોની રાહ જોઈ રહ્યા હતા. કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તેમણે પાછળ પોતાના અનામત સૈનિકો ગોઠવ્યા હતા."

"લોદીના સૈનિકો આગળ વધ્યા, તે સાથે તેઓ ડાબી બાજુ પાણીપતની દીવાલો અને જમણી બાજુ મુઘલો દ્વારા ખોદવામાં આવેલી ખાઈઓ અને અવરોધોની વચ્ચે ફસાઈ ગયા. લોદીના સૈનિકો મુઘલ સંરક્ષણની નજીક પહોંચ્યા, તે સાથે મુઘલોએ ગોળીબાર શરૂ કરી દીધો."

"સાંકડા ભાગમાંથી પસાર થતા અફઘાન સિપાઈઓ વિખેરાઈ ગયા. થોડી જ વારમાં લોદીનું લશ્કર... કોઈ લશ્કર ન રહેતાં ટોળું બની ગયું. તે યોગ્ય રીતે ભાગી પણ નહોતું શકતું કે પીછેહઠ પણ કરી નહોતું શકતું."

બાબરનો આદેશ સ્પષ્ટ હતો. તેમણે "બાબરનામા"માં લખ્યું હતું, "મેં મારા સૈન્યને દુશ્મન ઉપર તીરનો વરસાદ કરવાનો આદેશ આપ્યો. મારા સેનાપતિ મહદી ખ્વાજાએ તીરનો સતત મારો કર્યો અને લોદીના હાથીઓને પીછેહઠ કરવાની ફરજ પાડી."

"થોડા જ સમયમાં દુશ્મનોને તેમના વર્તુળમાં ધકેલી દેવાયા. તેમની હાલત કરોળિયાના જાળામાં ફસાઈ ગયેલા શિકાર જેવી થઈ ગઈ હતી."

આ તકનો લાભ લઈને બાબરે પાછળના ભાગેથી પણ લોદીની સેના ઉપર હુમલો કર્યો.

બાબરે લખ્યું હતું, "અફઘાનો (લોદીના સૈનિકો) બહાદુરીપૂર્વક લડ્યા, પણ તેમની પાસે કોઈ તક નહોતી. લડાઈ સૂર્યોદય સાથે શરૂ થઈ હતી અને બપોર સુધીમાં તો લોદીનું લશ્કર સંપૂર્ણપણે પરાજીત થઈ ગયું હતું."

"મારા અંદાજ પ્રમાણે, 15,000થી 16,000 અફઘાન સેનિકો માર્યા ગયા હતા. આખી યુદ્ધભૂમિ દુશ્મનોના મૃતદેહોથી ઢંકાઈ ગઈ હતી."

માર્યા ગયેલામાં ઇબ્રાહીમ લોદીનો પણ સમાવેશ થતો હતો. યુદ્ધના મેદાનમાં મૃત્યુ પામનારા દિલ્હીના તે એકમાત્ર શાસક હતા.

અબ્રાહમ ઇરાલી લખે છે, "જ્યારે મુઘલોને સુલતાનનો મૃતદેહ મળ્યો, ત્યારે તેમણે તે સમયની પરંપરા અનુસાર તેમનો શિરચ્છેદ કરીને માથું યાદગીરી સ્વરૂપે બાબર સમક્ષ રજૂ કર્યું."

"મૃતદેહ પ્રત્યે આદર દર્શાવતાં બાબરે કહ્યું, 'હું તમારી બહાદુરીનું સન્માન કરું છું.' યુદ્ધ અગાઉ ઇબ્રાહીમ લોદી વિશે ખરાબ શબ્દો બોલનારા બાબરે તેમના મૃતદેહને સલામી આપી. તેમણે લોદીના મૃતદેહને કિંમતી વસ્ત્ર વડે ઢાંકવાનો આદેશ આપ્યો."

"તેમણે તેમના સેનાપતિઓ દિલાવર ખાન અને અમીર ખલીફાને ઇબ્રાહીમ લોદીના મૃતદેહને સ્નાન કરાવીને તેમનું જ્યાં મૃત્યુ થયું હતું, તે જ સ્થળે સંપૂર્ણ સન્માન સાથે દફનાવવાનો આદેશ આપ્યો."

બાબરના નામે ખુતબા પઢવામાં આવ્યો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ, બાબર

ઇમેજ સ્રોત, Getty Images

બાબરે તેમની આત્મકથામાં લખ્યું હતું, "ભારતનું સામ્રાજ્ય માત્ર પાંચ કલાકની લડાઈના આધારે જીતી લેવામાં આવ્યું હતું. મેં હુમાયુને સમય બગાડ્યા વિના વહેલી તકે લોદીની રાજધાની આગ્રા કબજે કરી લેવાની અને તેમની તિજોરી અંકુશમાં લઈ લેવાની સૂચના આપી."

બીજા દિવસે, બાબર પણ આગ્રા જવા રવાના થયા. તેઓ થોડા દિવસ દિલ્હી રોકાયા, જ્યાં તેમણે તિજોરી નિયંત્રણમાં લઈ લીધી અને શહેરનાં મહેલો, બગીચાઓ તથા પવિત્ર સ્થાનોની મુલાકાત લીધી.

તે ઉપરાંત તેમણે અલાઉદ્દીન ખિલજી તથા ગિયાસુદ્દીન બલબનની કબરોની મુલાકાત લીધી તેમજ કુતુબ મિનાર, હૌઝ ખાસ અને સિકંદર લોદીના બગીચાઓ પણ જોયાં.

બાબરે લખ્યું હતું, "સત્તાનાં આ તમામ પ્રતીકોનું નિરીક્ષણ કર્યા પછી મેં હોડીમાં સવાર થઈને મારા વિજયની ઉજવણી કરવા માટે અર્ક પીધું. રાત પડતાં હું યમુનાના કાંઠે ઊભો રહીને તુઘલકાબાદના કિલ્લાને નિહાળતો રહ્યો. પસાર થતા દરેક દિવસ સાથે ભારત પરની મારી પકડ વધુને વધુ મજબૂત થઈ રહી હતી."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ, બાબર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હી પહોંચીને બાબરે કુતુબ મિનારની મુલાકાત લીધી

બાબરે તેમના શાસનને કાયદેસર બનાવવા માટે શહેરની મુખ્ય મસ્જીદમાં શુક્રવારની નમાઝ દરમિયાન તેમના નામે ખુતબા (ધાર્મિક પ્રવચન) વંચાય, તે સુનિશ્ચિત કર્યું હતું. આ કામ મૌલાના મહમૂદ અને શેખ ઝૈન દ્વારા સંપન્ન કરવામાં આવ્યું.

પાણીપતથી 280 કિલોમીટર લાંબી મુસાફરી તેમણે ફક્ત બે અઠવાડિયામાં જ પૂરી કરી હતી અને ચોથી મેએ તેઓ આગ્રામાં પ્રવેશ્યા હતા. એક અઠવાડિયા સુધી તેમણે શહેરની બહાર ખુલ્લા મેદાનમાં પડાવ નાખ્યો હતો.

10મી મેના રોજ બાબરે ભવ્ય સરઘસ સાથે આગ્રામાં પ્રવેશ કર્યો, ઇબ્રાહિમ લોદીના મહેલની સામે ઘોડા પરથી ઊતરીને તેઓ હિંદુસ્તાનના સમ્રાટ તરીકે ગાદી ઉપર બિરાજ્યા.

તે સમયે બાબર 43 વર્ષના હતા અને તે પછી તેમણે કાયમ માટે ભારતમાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન