'મને બહાર કાઢો,' કાટમાળમાંથી અવાજ આવ્યો, 'દફનાવી' દેવાયેલી વ્યક્તિ 16 દિવસ બાદ જીવતી કેવી રીતે નીકળી

16 દિવસે વ્યક્તિ જીવિત મળી, ખાણ દુર્ઘટના, પાકિસ્તાન ખૈબર પખ્તૂનખ્વા, મર્દાન, અજબગજબ સમાચાર, વાઇરલ સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, QASIM

    • લેેખક, અઝીઝુલ્લાહ ખાન
    • પદ, બીબીસી ઉર્દૂ, પેશાવર
  • વાંચવાનો સમય: 3 મિનિટ

કોઈ ગમખ્વાર દુર્ઘટના ઘટે અને ત્યાં ફસાયેલા લોકોના સંબંધીઓને માહિતી મળે કે તમે જેમના માટે વિલાપ કરી રહ્યા છો, એ વ્યક્તિ જીવિત છે. તો તેમના હરખનો અંદાજ લગાવી શકાય છે.

જોકે, અબ્દુલ વહાબના પરિવાર માટે આ સમાચાર માત્ર ખુશીના જ નહીં, પરંતુ ખૂબ જ આશ્ચર્ય ભરેલા પણ હતા, તેમના માટે આ વાત ઉપર વિશ્વાસ કરવો કપરો હતો.

કારણકે, ભયાનક દુર્ઘટના પછી તેમણે અબ્દુલ વહાબને મૃત માની લીધા હતા અને 'તેમના મૃતદેહ'ની દફનક્રિયા કરી નાખી હતી. 16 દિવસ પછી, તેમને માહિતી મળી હતી કે અબ્દુલ વહાબ જીવિત છે.

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના મર્દાન જિલ્લાના રુસ્તમ વિસ્તારમાં તા. 31મી માર્ચના રોજ માર્બલની ખાણમાં એક દુર્ઘટના ઘટી હતી. ત્યાં કામ કરી રહેલા શ્રમિકો ઉપર અચાનક જ પહાડનો એક મોટો ભાગ તૂટી પડ્યો હતો.

ખાણમાં 12 મજૂર હતા, જેમાંથી નવનાં મૃત્યુ થઈ ગયા અને બે ઘાયલ અવસ્થામાં મળી આવ્યા હતા.

આ સિવાય એક ખાણિયા વિશે કોઈ માહિતી નહોતી મળી, એટલે તેની તપાસનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું.

આટલા દિવસોની તપાસ પછી કાટમાળમાંથી એક શખ્સ જીવિત મળી આવ્યો, એ બીજું કોઈ નહીં, પરંતુ અબ્દુલ વહાબ હતા. પરિવાર તેમને મૃત જાણીને તેમની દફનવિધિ કરી ચૂક્યો હતો.

અબ્દુલ વહાબના પરિવારજન ફઝલ મન્નાને બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "મૃતદેહ ખૂબ જ ક્ષત-વિક્ષત હતો. કશું સમજાતું ન હતું, એટલે પરિવારજનોને કપડાં જોઈને લાગ્યું હતું કે તે અબ્દુલ વહાબ હોય શકે છે, એટલે અમે એક શબની દફનવિધિ કરી હતી."

ફઝલ મન્નાને જણાવ્યું કે તા. સોળમી એપ્રિલે સવારે અબ્દુલ વહાબના ભાઈ નાસિરે ફોન કર્યો. "એ રડી રહ્યો અને રડતાં-રડતાં તેણે કહ્યું કે અબ્દુલ વહાબ જીવિત છે અને નાસિર ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યો."

ફઝલ મન્નાને કહ્યું, "તા. પંદરમી એપ્રિલની રાત્રે હું અબ્દુલ વહાબનાં માતા-પિતા સાથે બેઠો હતો. તેનાં માતા ખૂબ જ દુઃખી હતાં, કારણ કે એક-દોઢ વર્ષ પહેલાં તેમનો બીજો દીકરો સાઉદી અરેબિયાથી બીમાર થઈને આવ્યો હતો, એ પછી તેનું મોત થઈ ગયું હતું."

16 દિવસ પછી આરસપહાણની ખાણમાંથી અબ્દુલ વહાબ જીવિત અને સલામત મળવાને કારણે પરિવાર તથા આ વિસ્તારના લોકોમાં હરખની હેલી ફરી વળી છે.

અબ્દુલ વહાબ કેવી રીતે મળ્યા?

ફઝલ મન્નાને જણાવ્યું કે કામ મેળવવાની આશાએ આ વિસ્તારના લોકો ત્યાં જતા હતા, તેમાં એવા ખાણિયા પણ હતા, જેઓ અહીં ખાણમાં કામ કરતા હતા અને પછી તેમના સંબંધીઓ પણ શોધખોળમાં મદદ કરી રહ્યા હતા.

નઝીબુલ્લાહ પણ અબ્દુલ વહાબની જ ખાણમાં કામ કરે છે. તેમણે જણાવ્યું, "16-17 દિવસથી અમારા એક સાથીની તપાસ ચાલી રહી હતી. આ કામ માટે અહીં માઇન્સમાં ભારે મશીનરીનો ઉપયોગ થઈ રહ્યો હતો."

તેઓ કહે છે, "અમે તો અબ્દુલ વહાબના નમાઝ-એ-જનાજા પણ પઢી લીધા હતા, પરંતુ ગુરૂવારે તેઓ અમને આ ખાણમાંથી જ જીવિત અવસ્થામાં મળી આવ્યા."

નઝીબુલ્લાહ કહે છે, "અમે ખાણની સામેથી કાટમાળ હઠાવી રહ્યા હતા અને આશા હતી કે સાંજ સુધીમાં અમે ખાણના મુખ સુધી પહોંચી જઈશું. અમે ખોદકામ કરી રહ્યા હતા, ત્યારે બપોરના ભાગે અવાજ આવ્યો કે, 'હું જીવતો છું, મને બહાર કાઢો.'"

"અમે બધા ખુશ થયા અને એ પછી અમે હાથેથી કાટમાળ હઠાવવાનો શરૂ કર્યો. એવામાં અમને ત્યાંથી અબ્દુલ વહાવ જીવતા મળી આવ્યા."

મૃતદેહની ગેરસમજ કેમ થઈ?

16 દિવસે વ્યક્તિ જીવિત મળી, ખાણ દુર્ઘટના, પાકિસ્તાન ખૈબર પખ્તૂનખ્વા, મર્દાન, અજબગજબ સમાચાર, વાઇરલ સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, QASIM

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સામાજિક કાર્યકર્તા મોહમ્મદ કાસિમનું કહેવું છે કે તેઓ તા. 31મી માર્ચથી ખાણમાં જ હાજર હતા અને મજૂરોને શોધવાની કામગીરીમાં જોડાયેલા હતા.

મોહમ્મદ કાસિમે જણાવ્યું, "અમે જ્યારે મૃતદેહ કાઢવાની કવાયત કરી રહ્યા હતા, એ સમયે અબ્દુલ વહાબના પરિવારજનોએ એક શબનાં કપડાં જોઈને કહ્યું કે તે અબ્દુલ વહાબ હોય શકે છે."

આ અંગે રૅસ્ક્યૂ 1122 મર્દાનના પ્રવક્તા અબ્બાસ ખાને જણાવ્યું કે ડેપ્યુટી કમિશનરે એક 'ઓળખ સમિતિ'નું ગઠન કર્યું છે. જે તપાસ કરશે કે જેની દફનવિધિ કરવામાં આવી તે શખ્સ કોણ હતો.

મોહમ્મદ કાસિમે જણાવ્યું કે ઓળખવિધિ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.

હાલ મર્દાનની હૉસ્પિટલમાં અબ્દુલ વહાબની સારવાર ચાલી રહી છે.

તા. 31મી માર્ચે ખાણકામ માટે આવેલા શ્રમિકો મશીનરીની સફાઈ કરીને પોતાની જગ્યાએ બેસી ચા પી રહ્યા હતા, ત્યારે પહાડનો એક ભાગ તેમની ઉપર પડ્યો હતો.

તે સમયે મોહમ્મદ કાસિમે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં વરસાદ ચાલી રહ્યો હતો એટલે હજુ સુધી ખાણકામને ઔપચારિક મંજૂરી આપવામાં નહોતી આવી.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં મોટી સંખ્યામાં માર્બલ તથા અન્ય ખનીજની ખાણો છે. મર્દાનના રુસ્તમ, કાટલંગ અને બાઈજઈ સહિતના વિસ્તારોમાં ખાણકામ થાય છે. એક અનુમાન મુજબ, આ ખાણોમાં લગભગ 75 હજાર શ્રમિક કામ કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન