You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટી20 વર્લ્ડકપ : ભારતની પાકિસ્તાન સામે 61 રનથી જીત, ઈશાન કિશનની શાનદાર ઇનિંગ
આઇસીસી ટી20 વર્લ્ડકપના 27મી મૅચમાં ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું છે. આ જીત સાથે ભારતીય ટીમ આગળના રાઉન્ડમાં પહોંચી ગઈ છે.
ભારતના 176 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ 18 ઓવરમાં 114 રનમાં ઑલઆઉટ થઈ ગઈ.
હાર્દિક, બુમરાહ, અક્ષર અને વરુણ દરેકે બે વિકેટ લીધી. પાકિસ્તાન તરફથી ઉસ્માન ખાને સૌથી વધુ 44 રન બનાવ્યા.
ભારત તરફથી ઈશાન કિશને સૌથી વધારે 40 બૉલમાં 77 રન બનાવ્યા છે. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવે 29 બૉલમાં 32 અને શિવમ દુબેએ 17 બૉલમાં 27 રન બનાવ્યા છે.
જીત બાદ ઈશાન કિશને કહ્યું કે "પીચ સરળ ન હતી. ક્યારેક તમારે ફક્ત તમારી શક્તિઓ પર વિશ્વાસ કરવો પડે છે અને ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. હું ફક્ત બૉલને જોતો હતો અને મારી શક્તિઓને વળગી રહ્યો હતો અને શક્ય હોય તેટલું દોડતો હતો."
"ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ હંમેશાં ખાસ હોય છે. માત્ર અમારા માટે નહીં, પરંતુ અમારા દેશ માટે પણ. તેમની ટીમમાં ઘણા સારા સ્પિનરો હતા. પાકિસ્તાન સામે આ જીત, અમને આગળ જતાં આત્મવિશ્વાસ આપશે."
પાકિસ્તાને ટૉસ જીતીને પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતી ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી રહી.
ભારતીય ટીમે પ્રથમ ઓવરના અંતિમ બૉલમાં પોતાના ધુરંધર ઓપનર અભિષેક શર્માની વિકેટ ગુમાવી દીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અભિષેક શર્મા પાકિસ્તાની કપ્તાન સલમાન અલી આગાના બૉલ પર શાહીન આફ્રિદીને કૅચ દઈ બેઠા અને ખાતું ખોલાવ્યા વગર જ પાછા ફર્યા.
ભારતીય ટીમે 88 રનના સ્કોરે ઈશાન કિશનને ગુમાવ્યા બાદ તિલક વર્મા અને કપ્તાન સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી હતી, પરંતુ ઇનિંગની 15મી ઓવરમાં સઈમ અયૂબે પહેલાં ક્રીઝ પર સેટ દેખાતા તિલક વર્માને 25 રનના સ્કોરે એલબીડબ્લ્યુ આઉટ કર્યા અને તેના બીજા જ બૉલે ક્રીઝ પર નવા આવેલા હાર્દિક પંડ્યા મોટો શૉટ રમવા જતા શૂન્ય રને આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા.
પાકિસ્તાનનો પ્રારંભિક ધબડકો
ભારત-પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડકપ મૅચમાં સૌથી મોટા ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી પાકિસ્તાની ટીમ પાસેથી તેના પ્રશંસકોને ઈશાન કિશન જેવી ધમાકેદાર શરૂઆતની આશા હતી.
જોકે, પાકિસ્તાની ટીમ તેમાં જાણે સાવ ઊણી ઊતરી. ભારત તરફથી પ્રથમ ઓવર હાર્દિક પંડ્યાને ફાળે આવી હતી. તેમણે સારું બૉલિંગ પ્રદર્શન કર્યું અને મોટો શૉટ રમવા જતા પાકિસ્તાનના ઓપનર શાહિબઝાદા ફરહાન પ્રથમ ઓવરના ચોથા બૉલે રિંકુસિંહને કૅચ આપી બેઠા. તેઓ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયા અને પાકિસ્તાને પણ ખાતું ખોલાવ્યા વગર જ પ્રથમ વિકેટ ગુમાવી ખરાબ શરૂઆત કરી.
એ બાદ ક્રીઝ પર કપ્તાન સલમાન અલી આગા આવ્યા, પરંતુ પ્રારંભિક વિકેટના દબાણથી પાકિસ્તાની ટીમ પરેશાન દેખાઈ અને ભારતની બીજી અને જસપ્રીત બુમરાહની પ્રથમ ઓવરના બીજા બૉલમાં જ પાકિસ્તાનના અન્ય ઓપનર સઈમ અયૂબ છ રનના સ્કોરે એલબીડબ્લ્યુ આઉટ થઈ ગયા.
બાદમાં એ જ ઓવરમાં કપ્તાન સલમાન અલી આગા ચાર રનના વ્યક્તિગત સ્કોરે હાર્દિક પંડ્યાને મોટો શૉટ રમવા જતાં કૅચ દઈ બેઠા.
આમ માત્ર બે ઓવરમાં જ પાકિસ્તાનની ટીમ ત્રણ વિકેટના નુકસાને 13 રનના સ્કોર સાથે દબાણમાં જણાઈ રહી હતી.
સૂર્યકુમારના 32 રન, હાર્દિક પંડ્યા શૂન્ય રન
એક છેડેથી સૂર્યકુમાર યાદવ સતત સિંગલ-ડબલ લેતા જઈ રહ્યા હતા, જ્યારે શિવમ દુબે આક્રમક રમી રહ્યા હતા.
જોકે, આ પાર્ટનરશિપ તોડી પાછલા ઘણા દિવસોથી ચર્ચામાં રહેલા પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિકે.
ઉસ્માન તારિકે પોતાના અંતિમ ઓવરના પાંચમા બૉલમાં સેટ દેખાઈ રહેલા સૂર્યકુમાર યાદવને બાઉન્ડરી પર કૅચઆઉટ કરાવી પાકિસ્તાનને પાંચમી સફળતા અપાવી. તેઓ 29 બૉલમાં 29 રન બનાવી શક્યા. તેમણે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા.
ભારત પાછલી બે ઓવરમાં હીટિંગ કરવાના ઇરાદા સાથે રમી રહ્યું હતું. જેમાં ટીમ ઘણી ખરી હદે સફળ પણ રહી હતી. જોકે, ટીમ એક તરફથી વિકેટો પણ ગુમાવતી રહી.
પાકિસ્તાન તરફથી છેલ્લી ઓવર શાહીનશાહ આફ્રિદી ફેંકી રહ્યા હતા. જોકે, તેમની ઓવરમાં ભારતના રિંકુસિંહ અને શિવમ દુબેએ જબરદસ્ત બેટિંગ કરી અને છેલ્લી ઓવરમાં 16 રન બનાવ્યા, પરંતુ ઝડપથી રન બનાવવાની પ્રયાસમાં શિવમ દુબે રનઆઉટ થઈ ગયા, તેમણે 17 બૉલમાં 27 રન બનાવ્યા. તેમણે ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
ક્રીઝ પર અંતિમ બૉલ રમવા આવેલા અક્ષર પટેલ પણ મોટો શૉટ રમવા જતા સઈમ અયૂબને કૅચ દઈ બેઠા હતા અને ભારતીય ટીમ પોતાની ઇનિંગના અંતે સાત વિકેટના નુકસાને 175 રન બનાવી શકી હતી.
પાકિસ્તાનના બૉલિંગ પ્રદર્શનની વાત કરીએ તો ટીમે આજે કુલ સાત બૉલરોનો ઉપયોગ કર્યો હતો. જેમાં છ સ્પિનર અને એક જ ફાસ્ટ બૉલરે બૉલિંગ કરી હતી.
પાકિસ્તાની ટીમનો આ દાવ સફળ પણ થતો દેખાયો હતો, કારણ કે સ્પિનર સઈમ અયૂબે સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી હતી. જ્યારે મૅચ પહેલાં જેમની સૌથી વધુ ચર્ચા હતી એવા ઉસ્માન તારિક માત્ર એક વિકેટ જ લઈ શક્યા, પરંતુ ચાર ઓવર ફેંકીને માત્ર 24 જ રન આપ્યા હતા.
પાકિસ્તાન તરફથી સલમાન અલી આગા અને શાહીન આફ્રિદીએ પણ એકેક વિકેટ લીધી હતી.
ઈશાન કિશનની ફટકાબાજી
ભારતીય ઓપનર ઈશાન કિશને શરૂઆતી ફટકાને ટીમ પર અને પોતાની જાત પર દબાણનું કારણ નહોતું બનવા દીધું.
તેમણે એક છેડેથી એવી તો ફટકાબાજી ચાલુ રાખી કે એક સમયે શાંત જણાતી પાકિસ્તાનની ટીમ દબાણમાં હોવાનું દેખાવા લાગ્યું.
ઈશાન કિશને માત્ર 27 બૉલમાં અર્ધ સદી નોંધાવી દીધી હતી. તેમના આક્રમક અંદાજનો એ બાબત પરથી ખ્યાલ આવતો તો કે આ તબક્કા સુધી ભારતનો સ્કોર એક વિકેટના નુકસાને 60 રનનો હતો.
જબરદસ્ત ફૉર્મમાં લાગી રહેલા ઈશાન કિશને 73 રનના વ્યક્તિગત સ્કોરે મેદાન પર જ ફિઝિયૉથૅરપિસ્ટની મદદ લીધી હતી. એ બાદ પાકિસ્તાન તરફથી સઈમ અયૂબ નવમી ઓવર ફેંકવા આવ્યા. તેમના પ્રથમ બે બૉલ પર ઈશાન અને તિલક વર્માએ સિંગલ લીધા, પરંતુ ત્રીજા બૉલમાં ઈશાન કિશને સ્ટાન્સ સ્વિચ કરીને બૉલને બાઉન્ડરી બહાર ધકેલી દીધો.
જોકે, અયૂબના ચોથા બૉલમાં સેટ દેખાતા ઈશાન કિશન સ્પિનથી માત ખાઈ ગયા અને બોલ્ડ થઈ ગયા. તેઓ 40 બૉલમાં 77 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયા.
ભારત-પાકિસ્તાન મૅચમાં કોણ ક્યારે જીત્યું?
ગ્રૂપ એનો આ મુકાબલો કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે.
પાકિસ્તાનની ટીમ આ મુકાબલા માટે કોઈ ફેરફાર નથી કર્યો, પરંતુ ભારતે બે બદલાવ કર્યા છે. અભિષેક શર્માની વાપસી થઈ છે. સંજુ સેમસન આ મૅચમાં નથી રમી રહ્યા.
તેમજ અર્શદીપસિંહના સ્થાને કુલદીપ યાદવ રમી રહ્યા છે.
જોકે, એશિયા કપથી શરૂ થયેલી બંને ટીમોના કપ્તાનનો હાથ ન મેળવવાનો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો. ટૉસ બાદ સલમાન આગા અને સૂર્યકુમાર યાદવ એકબીજાને નજરઅંદાજ કરીને પેવેલિયન પરત ફર્યા.
ટી20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન આઠ વખત સામસામે આવ્યાં છે. તેમાંથી ભારતને સાત મૅચમાં જીત મળી છે, જ્યારે પાકિસ્તાન માત્ર એક જ મૅચમાં જીત નોંધાવી શક્યું છે.
ટુર્નામેન્ટમાં હજુ સુધી ભારત અને પાકિસ્તાનની ટીમોએ બબ્બે મૅચ રમી છે. બંને ટીમ પોતાની પ્રારંભિક મૅચોમાં જીત મેળવવામાં સફળ રહી છે.
ભારત-પાકિસ્તાનની પ્લેઇંગ-11
ભારત : ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કપ્તાન), શિવમ દુબે, રિંકુસિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ
પાકિસ્તાન : સાહિબઝાદા ફરહાન (વિકેટકીપર), સઈમ અયૂબ, સલમાન અલી આગા (કપ્તાન), બાબર આઝમ, શાદાબ ખાન, ઉસ્માન ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન શાહ આફરીદી, ઉસ્માન તારિક, અબરાર અહમદ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન