You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનની ધરતી પર લડાયેલા 'ઇતિહાસના પ્રથમ યુદ્ધ'ની કહાણી, જેમાં ઘાતકી હથિયાર પથ્થરોની તલવાર હતું
- લેેખક, ઍડિસન વૅઇગા
- પદ, બીબીસી ન્યૂઝ બ્રાઝિલ
- વાંચવાનો સમય: 13 મિનિટ
ધનુષ્ય અને તીર, ભાલા, કાંસાની તલવારો અને વ્યૂહાત્મક સંગઠન, ગણતરીપૂર્વકની હિલચાલ અને આયોજિત ક્રિયાઓ. ઘણી વાર મૃત્યુ તરફ દોરી જતા મતભેદો. આ બધા શરૂઆતથી જ માનવતાની સાથે રહ્યા હોવાનું નિષ્ણાતો જણાવે છે.
આજે જેને 'સંસ્કૃતિ' કહેવામાં આવે છે તેની શરૂઆતથી જ સંગઠિત સંઘર્ષનો વિચાર બહાર આવ્યો હતો. એ સંગઠિત સંઘર્ષમાં દુશ્મનને હરાવવા માટે સામૂહિક પ્રયાસ કરવામાં આવતા હતા.
યુદ્ધોનો જન્મ સંસ્કૃતિ સાથે થયો હતો અને પહેલા યુદ્ધનો તખતો બીજી સંસ્કૃતિના જન્મ સાથે થયો હતો. એ ક્ષેત્રને "ફર્ટાઇલ ક્રૅસન્ટ" નામે ઓળખવામાં આવે છે અને મધ્યપૂર્વનો એક વિશાળ પ્રદેશ છે, જેમાં મેસોપોટેમિયા તથા તેની આસપાસનાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
આ એ પ્રદેશ હતો, જ્યાં માણસોએ ખેતીવાડી અને પશુપાલનની તકનીકોમાં નિપુણતા મેળવવાનું શરૂ કર્યું હતું. તેની સાથે બેઠાડુ જીવનશૈલીનો પ્રારંભ થયો હતો અને એ કારણે શહેરોનો ઉદભવ થયો હતો.
એક પ્રભાવશાળી શક્તિ હેઠળ સંગઠિત થવાનો અર્થ સંરક્ષણ માળખા વિશે વિચારવાનો અને પાણીની બહેતર ઉપલબ્ધિ સાથે, વધુ સંપત્તિ તથા જમીન પ્રાપ્ત કરવાનો હતો.
બ્રિટિશ ઇતિહાસકાર જૉન બૅઇન્સના સંશોધન અનુસાર, આજે ઇરાક અને ઈરાન જે પ્રદેશમાં આવેલા છે તે પ્રદેશમાં ઈસવી પૂર્વે 3000ની આસપાસ શહેરોમાં સંઘર્ષ થયા હોવાના પુરાવા છે.
તે સમયની આસપાસ અને તે પ્રદેશમાં પ્રથમ લઘુતમ સંગઠિત સૈન્ય રચનાનો ઉલ્લેખ બ્રિટિશ ઇતિહાસકાર અને પુરાતત્ત્વવિદ ઈયાન મૉરિસે તેમના પુસ્તક 'વૉર, વ્હૉટ ઇઝ ઇટ ફૉર?'માં કર્યો છે.
બ્રિટિશ ઇતિહાસકાર જૉન કીગને તેમના પુસ્તક 'હિસ્ટરી ઑફ વૉર'માં જણાવ્યું છે કે "યુદ્ધના ઇતિહાસનો પ્રારંભ લેખનથી થાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આપણે ઇતિહાસની શરૂઆત એ ક્ષણથી કરીએ છીએ, જ્યારે માણસે લખવાનું શરૂ કર્યું હતું અથવા વધારે સ્પષ્ટ રીતે એ ક્ષણથી, જ્યારે આપણે જેને લેખન ગણીએ છીએ તેનાં નિશાન છોડ્યાં હતાં."
'માનવતાના ઇતિહાસમાંનું પ્રથમ યુદ્ધ'
એ સુમેરિયનો હતા, જેમણે તત્કાલીન માપદંડો અનુસાર, જેને માનવતાના ઇતિહાસમાંનું પ્રથમ યુદ્ધ માનવામાં આવે છે એવી લડાઈઓ વિશે લખ્યું હતું.
સુમેર સંસ્કૃતિ તામ્ર યુગ અને કાંસ્ય યુગની વચ્ચે એટલે કે ઈસવી પૂર્વે 3300 અને 1200ની વચ્ચે મેસોપોટેમિયાના દક્ષિણ પ્રદેશમાં ફેલાયેલી હતી.
ઈસવી પૂર્વે 2600થી 2350ની વચ્ચે લગભગ 250 વર્ષ સુધી લગાશ અને ઉમ્મા નામના બે પ્રદેશોએ યુદ્ધ લડ્યા હોવાનો લેખિત રેકૉર્ડ છે.
તેના કુલ 18 શિલાલેખો છે, જે લગાશના શાસકોએ માટીના ઘડા પર નોંધ્યા હતા.
ઉમ્મા-લગાશ સંઘર્ષ બે રાજ્યો વચ્ચેનો એક સંગઠિત અને વ્યવસ્થિત સંઘર્ષ હોવાના દસ્તાવેજી પુરાવા છે.
ઇતિહાસકાર કેટિયા પોઝર ફેડરલ યુનિવર્સિટી ઑફ રિયો ગ્રાન્ડે દો સુલમાં પ્રોફેસર છે અને તેઓ ઍન્શિયન્ટ ઑરિએન્ટ સ્ટડીઝની લૅબોરેટરીના સંકલનકાર પણ છે. તેમના જણાવ્યા અનુસાર, પ્રથમ યુદ્ધની તારીખ નક્કી કરવી શક્ય નથી.
જોકે, "મેસોપોટેમિયામાં યુદ્ધ એક સર્વવ્યાપી વાસ્તવિકતા હોવાનું દર્શાવતા ઘણા દસ્તાવેજો છે," એવું તેઓ જણાવે છે.
"યુદ્ધ કેવી રીતે કરવું તે જાણવું મેસોપોટેમિયાની સંસ્કૃતિમાં સભ્ય વિશ્વના ગુણો પૈકીનું એક હતું."
ઈસવી પૂર્વે 3300નું યુદ્ધ કેવું હતું?
મૉરિસ સૂચવે છે કે "આદેશ મળે ત્યારે દુશ્મન સામે લડવા અને તેમને મારવા માટે તૈયાર", અથવા તો "ઉકળતા તેલ, પથ્થરો અને તીરોના વરસાદ છતાં ઊંચી દીવાલો પર હુમલો કરવા માટે" સજ્જ શિસ્તબદ્ધ સૈનિકોનું સૈન્ય એ સમયગાળા સાથે સુસંગત છે, જેમાં કેન્દ્રીય સરકારો ઊભરી આવી હતી.
મધ્યપૂર્વ એશિયામાં આવું લગભગ ઈસવી પૂર્વે 3300માં થયું હતું. ત્યારથી ઘનિષ્ઠ યુદ્ધો, આયોજિત હુમલા અને ઘેરાબંધી દ્વારા સંઘર્ષોનું નિરાકરણ થવા લાગ્યું હતું.
લગાશ અને ઉમ્મા એકમેકથી લગભગ 30 કિલોમીટર દૂર હતા. તેમની વચ્ચે સરહદે આવેલા ગુડેના નામના ફળદ્રુપ પ્રદેશ પર નિયંત્રણ મેળવવા બાબતે વિવાદ હતો.
ઉમ્માએ એ પ્રદેશ કબજે કરીને લગાશને મળતા પાણીના પ્રવાહને નિયંત્રિત કર્યો હતો.
સમગ્ર દક્ષિણ મેસોપોટેમિયામાં સત્તા ધરાવતા રાજાની મધ્યસ્થી દ્વારા સમસ્યાના રાજદ્વારી નિરાકરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચુકાદો લગાશની તરફેણમાં આપવામાં આવ્યો હતો. જોકે, ઉમ્માના શાસકની સંમતિ વિનાની શાહી મંજૂરીએ યુદ્ધને ન્યાયી ઠેરવ્યું હતું.
"હોમો ફેરોક્સ: ધ ઓરિજિન્સ ઑફ હ્યુમન વાયોલન્સ ઍન્ડ વૉટ ટુ ડૉઝ ટુ ઓક્યુમ ઇટ" પુસ્તકના લેખક અને પત્રકાર જોસ લોપેસ જણાવે છે કે "તે એક સરહદી વિવાદ હતો, જે યુદ્ધમાં પરિણમ્યો હતો."
બ્રાઝિલના ભૂગોળશાસ્ત્રી, પૉલિટિકલ સાયન્ટિસ્ટ અને એસ્કોલા સુપિરિયર ડી પ્રૉપેગાન્ડા ઇ-માર્કેટિંગના પ્રોફેસર ગંથર રુડઝિટ સમજાવે છેઃ "તેનું કારણ મૂળભૂત રીતે પ્રાદેશિક અને આર્થિક હોવાનું જણાય છે. ખાસ કરીને ફળદ્રુપ કૃષિ વિસ્તારો અને સિંચાઈ નહેરો વિશેનો વિવાદ, જે પાણીના નિયંત્રણ પર આધારિત પ્રદેશમાં ખેત ઉત્પાદન માટે મહત્ત્વપૂર્ણ હતાં."
"તેનું તત્કાળ પરિણામ એ આવ્યું કે લગાશનો વિજય થયો અને તેણે ઉમ્મા પર અનેક શરતો લાદી હતી, જેમાં દંડ તરીકે ચોક્કસ ચુકવણી અને બન્ને રાજ્યો વચ્ચેની સરહદની વ્યાખ્યાનો સમાવેશ થતો હતો."
જોકે, શાંતિ સ્થાપિત થઈ ન હતી. એ વિવાદે ધીમે-ધીમે સમગ્ર પ્રદેશના અન્ય સમુદાયોને પણ પોતાની ચપેટમાં લઈ લીધા હતા. તેમાં આજે જ્યાં ઈરાન આવેલું છે તે હમાઝી સામ્રાજ્ય અને ઉરુક સામ્રાજ્યના સૈનિકો તેમાં જોડાયા હતા. ઉરુક સામ્રાજ્યના સૈનિકો એ સમયે પ્રદેશમાં પ્રબળ શક્તિ હતા.
આ શ્રેણીબદ્ધ લડાઈઓની છેલ્લો અધ્યાય ઉમ્માના રાજા લુગાલઝાગેસીના વિજય સાથે શરૂ થયો હતો. રાજા લાગુલઝાગેસીએ બાદમાં આખું મેસોપોટેમિયા જીતી લીધું હતું. તેમની સત્તા પર અક્કાદના રાજા સરગોને પૂર્ણવિરામ મૂક્યું હતું.
રાજા સરગોને આ શ્રેણીની છેલ્લી લડાઈમાં લુગાલઝાગેસીને હરાવ્યા હતા અને એક પ્રાદેશિક સામ્રાજ્યની સ્થાપના કરી હતી. તેમણે ઉમ્મા અને લગશ જેવાં ઘણાં શહેરોને પોતાના તાબા હેઠળ લઈ લીધાં હતાં.
કેટિયા પોઝેર જણાવે છે કે "દેખીતી રીતે તેઓ એવા પહેલા શાસક હતા, જેમણે પોતાના સામ્રાજ્યની સીમાના વિસ્તારના ઉદ્દેશ સાથે મોટા પાયે યુદ્ધ શરૂ કર્યું હતું. તેમણે નગર-રાજ્યોની જૂની વ્યવસ્થા તોડીને એક એવું સામ્રાજ્ય ઊભું કર્યું હતું, જ્યાં અનેક નગર-રાજ્યોને મેળવીને બનાવવામાં આવેલા વિશાળ પ્રદેશ પર તેઓ તેમનું રાજકીય વર્ચસ્વ જાળવી રાખતા હતા."
મૉરિસના જણાવ્યા મુજબ, સરગોન ધ ગ્રેટ (ઈસવી પૂર્વે 2360થી ઈસવી પૂર્વે 2279) નામે વિખ્યાત આ શાસક એટલા શક્તિશાળી હતા કે તેમની પાસે 5,400 સૈનિકોનું એક કાયમી સૈન્ય હતું.
તેઓ કહે છે, "તેમની પ્રજા ભોજન, ઊન અને શસ્ત્રો ઉપલબ્ધ કરાવતી હતી, જેથી સૈનિકો તેમના પ્રશિક્ષણ પર સંપૂર્ણ ધ્યાન આપી શકે."
યુદ્ધમાં સૌથી ઘાતક હથિયારો પથ્થરની તલવારો
કીગન માને છે કે સ્થિર સભ્યતાની શરૂઆતથી માંડીને લગશ તથા ઉમ્મા વચ્ચેના સંઘર્ષના કાળ સુધી યુદ્ધ બહુ સામાન્ય ન હતાં. તેનું મુખ્ય કારણ એ હતું કે તે સમયે દુનિયાની વસ્તી બહુ ઓછી હતી.
જોકે, ઈસવી પૂર્વે 10,000માં વિશ્વની વસ્તી 50 લાખથી એક કરોડની વચ્ચે હતી, જે ઈસવી પૂર્વે 3,000 સુધીમાં કદાચ 10 કરોડ સુધી પહોંચી ગઈ હતી. છતાં બહુ ઓછી જગ્યાએ વસ્તીનું ઘનત્વ હતું.
તેઓ લખે છે, "શિકાર કરીને ગુજરાન ચલાવતા લોકોને જીવન જીવવા માટે પ્રતિ વ્યક્તિ અઢીથી દસ ચોરસ કિલોમીટર જમીનની જરૂર પડતી હતી. ખેડૂતો બહુ નાના વિસ્તારમાં તેમના પરિવારનું ગુજરાન ચલાવી શકતા હતા."
કીગન દલીલ કરે છે કે "એ આકરા સંજોગો તથા પરિસ્થિતિમાં લડવાની જરૂર કદાચ નહીં અનુભવાતી હોય. લગભગ દરેક વ્યક્તિ માટે જમીન મફત હતી. લોકો થોડા કિલોમીટર આગળ જઈ, જંગલ સાફ કરીને વસવાટ કરી શકતા હતા."
તેમના જણાવ્યા મુજબ, ઉત્પાદન એટલું ઓછું થતું હતું કે લૂંટફાટની કોઈ યોજના બનાવવાથી ખાસ કોઈ ફાયદો થતો ન હતો, સિવાય કે "લૂંટ પાકની કાપણી બાદ કરવામાં આવી હોય."
છતાં પાકને એકથી બીજી જગ્યાએ લઈ જવામાં થતી મુશ્કેલીઓને કારણે લૂંટનો વિચાર નિરર્થક હતો. એ સમયે માલના પરિવહન માટેનાં પ્રાણીઓ, પરિવહનનાં સાધનો, રસ્તાઓ અને સામાન રાખવાનાં વાસણો પણ બહુ ઓછાં ઉપલબ્ધ હતાં.
આ પરિદૃશ્યને ધ્યાનમાં લેતાં સંશોધક માને છે કે 'ફર્ટાઇલ ક્રૅસન્ટ' એવો પ્રદેશ હતો, જ્યાં યુદ્ધના વિકાસ માટે જરૂરી તમામ પરિસ્થિતિ બહુ સારી રીતે ઉપલબ્ધ હતી.
તેઓ કહે છે, "એ હજારો વર્ષો દરમિયાન, જ્યારે માણસ ખેતી કરતા શીખ્યો અને મધ્યપૂર્વ તથા યુરોપના વેરાન પ્રદેશોમાં વસવાટ કરતો થયો, ત્યારે એક જ એવો પ્રદેશ હતો, જ્યાં મોટા પાયે વધારાનું ઉત્પાદન થતું હતું. હુમલાખોરોનું આવવા-જવાનું સરળ હોય તેવા માર્ગો પર માલની લૂંટફાટનું જોખમ રહેતું હતું."
એ પ્રદેશ ટાઇગ્રિસ તથા યુફ્રેટિસ નદીનું અલ્લુવિઅલ મેદાન હતો. પ્રાચીન ઇતિહાસકારો તેને 'સુમેર' નામે ઓળખતા હતા.
મેકેન્ઝી ઇન્સ્ટિટ્યૂટ ખાતે સંશોધક તરીકે કાર્યરત્ ઇતિહાસકાર વિક્ટર મિસિયાટોના જણાવ્યા મુજબ, આ ક્ષેત્રમાં સ્થિરતા સ્થાપવાની જટિલતા હતી. "તે એક એવો પ્રદેશ છે, જ્યાં પાણી અને જમીન સંસાધનોની બહુ વધારે જરૂર છે તેમજ ત્યાંના લોકો અને જાતિઓમાં વધારે પડતું વૈવિધ્ય છે."
કીગન કહે છે, "આપણને લેખિત ઇતિહાસના પ્રારંભે યુદ્ધની પ્રકૃતિ વિશેનો પહેલો ભરોસાપાત્ર પુરાવો સુમેરિયનો પાસેથી જ મળે છે અને તેમની પાસેથી જ આપણે સભ્ય યુદ્ધની વિશેષતા વિશે સમજવાનું શરૂ કરી શકીએ."
એ રાતોરાત વિકસિત થયેલું કૌશલ્ય ન હતું.
મૉરિસ જણાવે છે કે જે લોકોએ ઈસવી પૂર્વે 9500માં દક્ષિણ-પશ્ચિમ એશિયાના પહાડો પર જવ અને ઘઉં ઉગાડવાનું શરૂ કર્યું હતું તેઓ "સ્પષ્ટ રીતે ઓછા સંગઠિત અને સજ્જ યૌદ્ધાઓ હતા."
તેઓ કહે છે, "પુરાતત્ત્વવિદોને તેમની કબરો અને વસ્તીઓમાંથી જે સામગ્રી મળી છે તે સૂચવે છે કે તેઓ લડવાનું ઠીક-ઠીક જાણતા હતા."
"તેમાં સૌથી ઘાતક હથિયારો પથ્થરની તલવારો હતી."
મૉરિસના જણાવ્યા મુજબ, એ લડાઈ કોઈ વ્યૂહરચના વિના લડાતી. તેઓ મનફાવે તેમ હુમલા કરતા હતા અને ભાગી જતા હતા.
તેઓ કહે છે, "તેઓ તેમની લડાઈ થોડા દિવસ કરતાં વધુ સમય સુધી જ્વલ્લે જ ચાલુ રાખી શકતા હતા, કારણ કે તેમનું ભોજન જલદી ખતમ થઈ જતું હતું."
તેમનું તારણ એ છે કે એ લોકોને યુદ્ધ ગમતું ન હતું. તેમના યુદ્ધ સંબંધી પગલાં અવ્યવસ્થિત હતાં. કોઈ દુશ્મનને હરાવવા માટે તેઓ સંગઠિત થતા હતા, ત્યારે કેટલાક ડઝન લોકોની એકઠા થતા હતા અને એમની હાલત પણ સારી નહોતી.
લડાઈ આખો દિવસ ચાલતી હતી કે પછી રાતના સમયે, બપોરે ભોજનના સમયે, કોઈના ઘાયલ થવાથી કે અચાનક વરસાદ પડવાથી એવા કોઈ પણ કારણસર અટકી જતી હતી.
કીગનના જણાવ્યા મુજબ, જે લોકોની ઉત્પત્તિ સુમેરિયનોમાંથી થઈ હતી તેઓ ઇરાકના પૂરવાળા પ્રદેશમાં વસવાટ કરતા થયા ત્યારે તેમણે "આસપાસની તળેટીઓમાંની વરસાદની સીમા રેખાને છોડવાનું સાહસ કર્યું હતું (એ પ્રદેશમાં આજે સીરિયા, તુર્કી અને ઈરાન આવેલા છે) જંગલ વિનાની જમીનમાં અનાજ ઉગાડવાના તથા પશુપાલનના પ્રયોગો શરૂ કર્યા હતા."
તેઓ કહે છે, "મેસોપોટેમિયા એટલે કે બે નદીઓ વચ્ચેની જમીને ત્યાં વસેલા લોકોને અનેક લાભ આપ્યા હતા."
ઈસવી પૂર્વે 3000 સુધી સિંચાઈ આધારિત સુમેરિયન સમાજ, જેનો આધાર ધાર્મિક શાસન-પ્રણાલી હોય તેવાં નગર-રાજ્યોના સ્વરૂપમાં સંગઠિત થઈ ચૂક્યો હતો.
ધર્મગુરુઓ અને રાજાઓની પાસે સંપત્તિથી પ્રાપ્ત થયેલી શક્તિ હતી. તેમને એ સંપત્તિ પ્રાકૃતિક સિંચાઈ પર આધારિત ખેતીમાંથી પ્રાપ્ત થતી હતી.
એ સમયના હિસાબે પાક બહુ સારો આવતો હતો. વાવેલા પ્રત્યેક દાણા સામે 200 દાણાનો પાક થતો હતો. જરૂર કરતાં વધારે પાક થતો હતો.
પાણીની ઉપલબ્ધતાની દૃષ્ટિએ તે બહુ જ ખાસ ભૌગોલિક વિસ્તાર હતો. અહીં વહેતી મોસમી નદીઓ ખેતીવાડીની સમૃદ્ધિની ગૅરંટી આપતી હતી. પૂર્વ અને ઉત્તર તરફના પહાડો અહીં વસતા લોકો માટે સલામત આવાસનું કામ કરતા હતા અને એ જ પહાડોની ખીણોમાંથી મોટી-મોટી નદીઓ વહેતી હતી.
ઇતિહાસકાર કીગન કહે છે, "આવી ભૌગોલિક પરિસ્થિતિની રાજકીય અસરને સમજવી આસાન છે. સુમેરનાં શહેરો વચ્ચે ટૂંક સમયમાં જ સીમા, પાણીના અધિકારો અને પશુઓના ચરવાની જગ્યાના અધિકારો બાબતે ઝઘડા શરૂ થઈ ગયા હતા. એ બધા મામલાઓને આધાર નદીના પૂરના પ્રમાણમાં પર રહેતો હતો."
"સુમેર રાજાઓએ પણ તેમની સત્તા સામે એક નવા પડકારનો સામનો કરવો પડ્યો હતો. એ પડકાર પહાડોની બીજી તરફથી આવેલા લોકો તરફથી આવ્યો હતો. એ લોકોએ આ પ્રદેશમાં આવીને પોતાનાં શહેર વસાવ્યાં હતાં."
તેમના જણાવ્યા મુજબ, ઈસવી પૂર્વે 3100 અને 2300ની વચ્ચે સુમેરિયામાં જીવન પર યુદ્ધનો પ્રભાવ સતત વધતો ગયો હતો.
સૌથી પ્રારંભિક લેખિત રેકૉર્ડ્સ યુદ્ધના આ માહોલથી થયેલા પરિવર્તનને દર્શાવે છે. રાજા હવે ધર્મગુરુ નહીં, પરંતુ યૌદ્ધા બની ગયા હતા. તેના પુરાવા તેમના ખિતાબોમાં ધીમે-ધીમે થયેલા ફેરફારમાંથી મળે છે. ધર્મગુરુને દર્શાવતો ઉપસર્ગ EN ગાયબ થઈ ગયો અને તેની જગ્યાએ LUGAL શબ્દ આવી ગયો હતો, જેનો અર્થ મહાન વ્યક્તિ થતો હતો.
પોઝર જણાવે છે કે એ સંદર્ભમાં રાજાની મૂળ વ્યાખ્યા એક એવી વ્યક્તિની હતી, જે દેવતાઓ પ્રત્યે સમર્પણ, ભોજનની વ્યવસ્થા અને યુદ્ધમાં એક વીરની ભૂમિકા ભજવતો હોય.
પોઝર કહે છે, "યુદ્ધ છેડવાનો હેતુ વધારે ધનવાન પ્રદેશોની શોધ કરવાનો હતો. એટલે વધારે નદીઓ અને ઉપજાઉ જમીન હોય તેવા પ્રદેશોની શોધ કરવાનો હતો."
તેની સાથે-સાથે સુમેરિયન સમાજે તેની ધાતુ શિલ્પની તકનીકોમાં સુધારા કર્યા હતા અને બહેતર હથિયારો બનાવ્યાં હતાં. તેની સાથે લડાઈઓ પણ વધારે વ્યવસ્થિત થઈ ગઈ હતી.
આજથી વરસો પહેલાં લડાઈ કેવી રીતે થતી હતી?
એ લડાઈઓની પરિકલ્પના ઇતિહાસકારોએ તે સમયના લોકો પાસે ઉપલબ્ધ તકનીકી વિકાસ અને શિલાલેખો તથા પુરાતત્ત્વીય અવશેષોને આધારે કરી છે. એ સિવાય બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે.
મૉરિસ જણાવે છે કે પ્રાચીન સંસ્કૃતિઓનો અભ્યાસ કરતી વખતે આવો જ પડકાર સર્જાય છે. એ સંસ્કૃતિઓ જેણે મહાન સ્મારકો બનાવ્યાં, વિસ્તૃત વ્યાપાર નેટવર્ક ચલાવ્યાં અને જીવનને સતત બહેતર બનાવ્યું હોવા છતાં તેઓ લખવા-વાંચવાથી વંચિત રહ્યા. આખરે લેખન દુર્લભ, સંક્ષિપ્ત અને અસામાન્ય હતું.
પોઝર કહે છે, "સૈન્ય સ્થાયી હતું, જે વ્યવસ્થા જાળવી રાખવી, સીમાઓનું રક્ષણ કરવું અને શાહી કાફલાનું જ નહીં, પરંતુ લાંબો પ્રવાસ કરતા વેપારીઓના કાફલાઓને પણ સલામતી પૂરી પાડવા જેવા કથિત જરૂરી કાર્યોની ગૅરંટી હતું."
રિયો ડી જનેરિયોની ફેડરલ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને ઇતિહાસકાર આંદ્રે લિયોનાર્ડો ચેવિટારેસના જણાવ્યા અનુસાર, પ્રાચીન કાળની લડાઈઓમાં પહેલાંથી જ એક વ્યૂહાત્મક સંગઠન રહેતું હતું. તેમાં એક પછી એક સૈનિકોની ટુકડીઓ હતી.
હુમલા સિવાય ઘેરાબંધી પણ કરવામાં આવતી હતી. તેમાં પાણીનો પુરવઠો અટકાવી દેવામાં આવતો હતો અને દુશ્મનના પ્રદેશમાં ભોજનના પ્રવેશને પણ અટકાવી દેવાતો.
સુવિધા માટે કેટલીક સમજૂતિ પણ થતી હતી. પોઝર જણાવે છે કે પ્રાચીન કાળમાં મધ્ય પૂર્વમાં વર્ષના કેટલાક સમયગાળામાં સામાન્ય રીતે લડાઈ લડવામાં આવતી ન હતી.
તેઓ કહે છે, "તેઓ મૌસમી પરિસ્થિતિનું બરાબર ધ્યાન રાખતા હતા."
"પૂર આવ્યું હોય ત્યારે સૈનિકો માટે અહીં-તહીં ફરવું બહુ મુશ્કેલ થઈ જતું હતું. એ સમયે સૈન્યો સંઘર્ષ કરતા ન હતા. સામાન્ય લોકોએ પણ તેમનું ધ્યાન ખેતીવાડી પર કેન્દ્રિત કરવું પડતું હતું."
બીજી તરફ, મિસિયાટો કહે છે, "પ્રાચીન લડાઈઓમાં પહેલાંથી જ એવાં કેટલાંક તત્ત્વો સામેલ હતાં, તેનો ઉપયોગ આજે પણ કરાય છે, જેમ કે પાયદળ અને અશ્વદળ. સેનાઓ પહેલાંથી જ સંગઠિત હતી."
ઢાલવાળા સૈનિકો અને તીરંદાજોના વારાફરતી ઉપયોગ તથા કોઈ શહેરની રક્ષણાત્મક દીવાલ તોડવા માટે ઘેરાબંધીની વ્યૂહરચનાના વિકાસનું ઉદાહરણ આપતાં લોપેસ કહે છે, "કોઈને કોઈ પ્રકારનું વ્યૂહાત્મક વિભાજન પ્રાચીન કાળથી જ સ્પષ્ટ જોવા મળે છે."
રુડઝિટ જણાવે છે કે એક સ્પષ્ટ સૈન્ય નેતૃત્વ પહેલાંથી જ હતું. તેમનું કામ રાજા, કબીલાઓના સરદારો કે સેનાપતિઓ અને સૈન્યને સંગઠિત કરીને આક્રમણની યોજના બનાવવાનું તેમજ લડાઈનો સમન્વય કરવાનું હતું.
મેસોપોટેમિયા જેવી વધારે જટિલ સંસ્કૃતિઓમાં પદાનુક્રમ, શિસ્ત અને શ્રમ વિભાજનના સંકેત મળતા હતા.
હથિયારોનો તકનીકી વિકાસ એક મહત્ત્વનું પ્રકરણ છે.
આપણા સૌથી જૂના પૂર્વજોએ બનાવેલાં પથ્થરનાં ઉપકરણો, પ્રાગૈતિહાસિક કાળમાં પણ એટલાં સાધારણ હતાં કે "તેનો ઉપયોગ શિકારના હથિયાર તરીકે કરી શકાતો ન હતો. યુદ્ધનાં હથિયાર તરીકે તો બિલકુલ નહીં," એવું કીગન ભારપૂર્વક કહે છે.
એ નવપાષાણકાળની શરૂઆતમાં લગભગ 10,000 વર્ષ પહેલાં જ થયું હતું. કીગનના જણાવ્યા મુજબ, એ સમયે હથિયારોની તકનીકમાં એક ક્રાંતિ આવી હતી. ધનુષ, ગિલોલ, કટાર અને ગદા એમ ચાર અત્યંત શક્તિશાળી હથિયારનું નિર્માણ થયું હતું.
જોકે, ધાતુઓની બાબતમાં કુશળતા પ્રાપ્ત થઈ ત્યારે હથિયારોની પ્રભાવશીલતા અને મારક ક્ષમતામાં વધારો થયો હતો. સૈનિકો ધીમે-ધીમે માત્ર ધનુષ્ય, બાણ, ભાલા અને પથ્થરો પર જ નહીં, પરંતુ તલવારો, કટારો અને ઢાલોનો ઉપયોગ કરવા લાગ્યા હતા.
મિસિયાટો કહે છે, "યુદ્ધના કારણે પોલાદ ઉદ્યોગમાં નોંધપાત્ર પ્રગતિ થઈ."
કીગન જણાવે છે કે ત્રીજી સહસ્રાબ્દી ઈસવી પૂર્વેની સુમેરિયન પુરાતાત્ત્વિક સામગ્રીમાંથી, કેપ્સ અને સ્કર્ટ્સ પહેર્યાં હોય તેવા સૈનિકોનાં ચિત્રો મળે છે. "એ ધાતુના ટુકડાઓ વડે મજબૂત કરવામાં આવ્યા હોય તેવું લાગે છે. તે આજકાલના કવચના પ્રારંભિક નમૂના હશે. જોકે, બહુ અસરકારક નહીં હોય."
ખોદકામમાં ધાતુની હેલમેટના અવશેષો પણ મળ્યા છે. એ હેલમેટ ચામડાની ટોપીઓ ઉપર પહેરવામાં આવતી હતી.
તેઓ કહે છે, "એ હેલમેટ તાંબાની બનેલી છે. તાબું એક એવી બિનકિંમતી ધાતુ હતું, જેનો ઉપયોગ કરવાનું માણસ શીખ્યો હતો."
"તેનો લશ્કરી ઉપયોગ બહુ ઓછો હતો, કારણ કે તેનો ઉપયોગ બ્લૅડ સ્વરૂપે શરીર પર સલામતી માટે કરવામાં આવે તો તે આસાનીથી કપાઈ જતું હતું અને હથિયાર બનાવવા માટે ટીપવામાં આવે તો તે ઘાર ઝડપથી બુઠ્ઠી થઈ જતી હતી."
જોકે, તેઓ થોડા સમયમાં જ તાંબાને ટીન સાથે ભેળવીને મજબૂત કાંસુ બનાવવાની તકનીકમાં માહેર થઈ ગયા હતા.
કીગન કહે છે, "ત્રીજી સહસ્રાબ્દીના અંત સુધીમાં એ તકનીક વ્યાપક થઈ ગઈ હતી અને મેસોપોટેમિયામાં ધાતુ નિષ્ણાતો તેમની પ્રવૃત્તિઓ માટે ખનીજોને શુદ્ધ કરવાની, તેના મોલ્ડિંગની, જોડવાની અને વેલ્ડિંગ જેવી રીતો શોધવામાં વ્યસ્ત હતા."
દાખલા તરીકે, કુહાડી એ જ સમયગાળાની દેણગી છે.
લોપેસ કહે છે, "તલવારો કાંસ્ય યુગમાં (ઈસવી પૂર્વે 3300થી 1200ની વચ્ચે) બહાર આવી હતી અને ધાતુઓ પર મહારત મેળવવાની સાથે તે લોકપ્રિય થઈ ગઈ હતી."
તેમના કહેવા મુજબ, "મહાન લશ્કરી ક્રાંતિ" કાંસ્ય યુગમાં થઈ હતી. "તેને યુદ્ધમાં અશ્વોના ઉપયોગ સાથે સંબંધ છે."
શરૂઆતમાં અશ્વોનો ઉપયોગ સવારી કરવા માટે થતો ન હતો. બે અશ્વોની જોડી યુદ્ધના રથને ખેંચતી હતી. રથમાં એક સારથિ અને એક યૌદ્ધો હોય. યૌદ્ધા દુશ્મન પર તીર ફેંકવા માટે સામાન્ય રીતે ધનુષ્યનો ઉપયોગ કરતો હતો.
લોપેસ કહે છે, "એ વ્યાપક વિનાશ સર્જતા હતા. તે એ જમાનાની ટૅન્કો હતા."
એ સિવાય, પોઝર કહે છે, "યુદ્ધનું બહુ અસરકારક હથિયાર આતંક હતો. દાખલા તરીકે, દુશ્મન સૈનિકોનાં માથાં વાઢી નાખવાનું બહુ સામાન્ય બાબત હતું. તે મનોવૈજ્ઞાનિક આતંકનો એક હિસ્સો હતું."
તો યુદ્ધ એટલે ખરેખર શું?
સવાલ એ છે કે લેખિત રેકૉર્ડ સિવાય યુદ્ધ કોને ગણી શકાય? પહેલાંના સમયમાં યુદ્ધની વ્યાખ્યા શું હતી? તેને એક છૂટીછવાઈ લડાઈ કે લોકોનાં જૂથો વચ્ચેની મામૂલી, પરંતુ હિંસક અસહમતિથી અલગ કેવી રીતે ગણવામાં આવતી હતી?
લોપેસ કહે છે, "આપણે યુદ્ધની વ્યાખ્યા જે રીતે કરીએ છીએ તેમાં વ્યાપક મનમાની હોય છે."
"સાચું કહું તો તે બે જૂથો વચ્ચેની જીવલેણ લડાઈ હશે, જેમાં લોકોનાં મોત થશે, પરંતુ દેશો કે સંગઠનો વચ્ચે મનમાનીથી ટકરાવ થાય તેને જ યુદ્ધ ગણવામાં આવે છે."
રુડઝિટ માને છે કે આ કૉન્સેપ્ટનો અર્થ અત્યારે પણ જાણીતી નેતાગીરી, લડાઈ માટેની તૈયારી, શક્તિનો વ્યવસ્થિત ઉપયોગ અને એક ઘટનાને આગળ લઈ જાય તેવો હેતુ છેઃ "જેમ કે કોઈ વિસ્તાર કબજે કરવો, ટ્રેડ રૂટ પર નિયંત્રણ રાખવું, ટૅક્સ લાદવા કે રાજકીય સત્તાનો દાવો કરવો."
ઇતિહાસકાર મિસિયાટો માને છે કે કોઈ લડાઈને યુદ્ધ ગણવા માટે તેમાં પ્રદેશ અને રાજકીય બન્ને પાસાં હોવાં જોઈએ, જેમ કે પ્રદેશ પર કબજો કરવો અને દુશ્મનને તાબામાં લેવો.
જોકે, યુદ્ધ પહેલાંના લેખિત રેકૉર્ડના પૂર્વેના લાંબા સમયથી લોકોની વસાહતો વચ્ચે લડાઈ થતી હોવાની પુષ્ટિ પુરાતત્ત્વવિદો કરે છે. કિલ્લેબંધીની શોધ અને સૌથી જૂની દીવાલોવાળાં શહેરો તેના પુરાવા છે.
તેનું ઉદાહરણ આજના પેલેસ્ટાઇન પ્રદેશમાંનો જૉર્ડન નદીની ખીણમાંનો જેરિકો વિસ્તાર છે.
અહીંના રહેવાસીઓએ ઈસવી પૂર્વે લગભગ 8000માં એક ટાવર બનાવ્યો હતો. મૉરિસના જણાવ્યા અનુસાર, તે "ડરામણો" છે અને વિશ્વમાં ક્યાંય પણ પુરાતત્ત્વવિદોએ શોધેલી સૌથી જૂના શહેરની દીવાલ છે.
એ સ્ટ્રક્ચર "લશ્કરી હેતુસરનું" હતું કે નહીં, એ બાબતે ઇતિહાસકારો અને પુરાતત્ત્વવિદો વચ્ચે સહમતિ નથી.
કીગનને કોઈ શંકા હોય તેવું લાગતું નથી. તેઓ કહે છે, "જેરિકોમાં ખોદકામ બાદ (પુરાતત્ત્વીય ખોજ 1950ના દાયકાની છે) એ સ્પષ્ટ થઈ ગયુ હતું કે હથિયારોથી સજ્જ, સારી રીતે સંગઠિત અને પાક્કા નિર્ધારવાળા દુશ્મનો ન હોય ત્યારે દીવાલો, ટાવરો અને ખીણોના નિર્માણનો શું અર્થ? કમસે કમ યુદ્ધ પહેલાં મોટા સામ્રાજ્યના ઉદયના બહુ પહેલાંથી માણસને પરેશાન કરવા લાગ્યું હતું."
તેમના માટે આ બહુ જ મહત્ત્વપૂર્ણ બાબત છે, કારણ કે આ બેઝમાં ત્રણ મીટર પહોળી, ચાર મીટર ઊંચી અને લગભગ 650 મીટરનો ઘેરો ધરાવતી સળંગ દીવાલ છે.
તેઓ જણાવે છે કે એ દીવાલ માટીથી નહીં, પરંતુ પથ્થરથી બનાવાઈ હતી. તે એક "ગહન અને સુસંકલિત યોજનાને" દર્શાવે છે. તેમના મતે, "આ ખરેખર મજબૂત કિલ્લો છે, જે દીર્ઘકાલીન ઘેરાબંધી સિવાયની દરેક ચીજનો સામનો કરી શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન