ઈરાન અમેરિકાને હરાવી શકશે નહીં તે જાણતું હોવા છતાં, તેણે યુદ્ધ કેમ ચાલુ રાખ્યું છે?

    • લેેખક, લુઈસ બારુચો
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
  • વાંચવાનો સમય: 5 મિનિટ

અમેરિકા અને ઇઝરાયલનું કહેવું છે કે તેમના સંયુક્ત હવાઈ હુમલાઓએ ઈરાનની લશ્કરી ક્ષમતાઓમાં નોંધપાત્ર ઘટાડો કરી દીધો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પ્લૅટફૉર્મ પર પોસ્ટમાં લખ્યું હતું, "ઈરાનનું હવાઈ સંરક્ષણ, તેની વાયુસેના, નૌકાદળ અને નેતૃત્વ નષ્ટ થઈ ગયાં છે."

ટ્રમ્પે આગળ લખ્યું હતું, "ઈરાન વાટાઘાટો માટે તૈયાર છે. મેં કહ્યું, 'હવે બહુ મોડું થઈ ગયું છે!"

ઈરાને બદલો લેવા માટે ઇઝરાયલ અને મધ્ય પૂર્વના દેશો પર હુમલા કર્યા છે જ્યાં અમેરિકન સૈન્ય ઠેકાણાં છે.

પરંતુ સૈન્ય ક્ષમતાઓમાં ઘણા આગળ મનાતા ઇઝરાયલ અને અમેરિકા સામે આ યુદ્ધમાં ટકી રહેવા માટે ઈરાન પાસે કયા વિકલ્પ છે?

ઈરાનની રણનીતિ શું છે?

લંડન સ્થિત રૉયલ યુનાઇટેડ સર્વિસીસ ઇન્સ્ટિટ્યૂટ થિંક ટૅન્કના મધ્ય પૂર્વ સુરક્ષા નિષ્ણાત ડૉ. એચ.એ. હેલિયર કહે છે, ઈરાનનો વર્તમાન લશ્કરી અભિગમ આ યુદ્ધમાં અમેરિકા કે ઇઝરાયલને હરાવવાનો નથી, પરંતુ 'સંઘર્ષને લાંબો ખેંચવો, પ્રાદેશિક રીતે વધુ ફેલાવવો અને આર્થિક રીતે વધુ ખર્ચાળ' બનાવવાનો છે.

તેઓ એમ પણ કહે છે, "ઈરાન સામાન્ય રીતે જીતી શકે તેમ નથી. પરંતુ તેની રણનીતિ એ છે કે, તેની સામે લડી રહેલા લોકોની જીત પણ મોંઘી અને અનિશ્ચિત છે."

ફ્રાન્સના સાયન્સ પૉ ખાતે ઇન્ટરનૅશનલ સ્ટડીઝ સેન્ટરના આસિસ્ટન્ટ પ્રૉફેસર નિકોલ ક્રૅજેવસ્કી પણ આ વાત સાથે સહમત છે.

તેઓ ઈરાનની રણનીતિને "વૉર ઑફ ઍટ્રિશન" તરીકે વર્ણવે છે.

વૉર ઑફ ઍટ્રિશન એક લશ્કરી અભિગમ છે, જે દુશ્મન દેશનાં સંસાધનોને ખાલી કરવા અને તેમની લડાયક ક્ષમતા નબળી ન પડે ત્યાં સુધી સતત નુકસાન પહોંચાડીને તેમને થકવી નાખવા માટે રચાયેલ છે.

આનો એક મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ છે.

ક્રૅજેવસ્કી કહે છે, "ગયા વર્ષે ઇઝરાયલ સાથે 12 દિવસના યુદ્ધ દરમિયાન, ઈરાને વધુ વસ્તી ધરાવતા વિસ્તારો પર હુમલા કર્યા હતા. તેનો હેતુ લોકોમાં માનસિક ભય અને એક આઘાત પેદા કરવાનો હતો."

ત્યારે વ્યાપકપણે તેવું માનવામાં આવે છે કે મિસાઇલો અને ડ્રોન ઈરાનના સંરક્ષણની કરોડરજ્જુ છે.

અહેવાલો અનુસાર, ઇઝરાયલ સાથે ચાલેલા 12 દિવસના યુદ્ધ દરમિયાન ઇરાનના બૅલેસ્ટિક મિસાઇલ ભંડારને ભારે નુકસાન થયું હતું, પરંતુ ક્રૅજેવસ્કી કહે છે, "ભૂગર્ભ સંગ્રહ અને સતત ચાલી રહેલા પુનઃઉત્પાદન પ્રયાસોને કારણે કેટલું નુકશાન થયું તેનો સચોટ આંકડો જાણવો અઘરો છે'

ઇઝરાયલનું અનુમાન છે કે, ફેબ્રુઆરી 2026માં ઇરાન પાસે લગભગ 2,500 મિસાઇલો હતી. તેમાં ટૂંકા અંતરની (1,000 કિમી સુધી) અને મધ્યમ અંતરની (1,000-3,000 કિમી) મિસાઇલો સમાવિષ્ટ છે.

ઈરાની અધિકારીઓનું કહેવું છે કે તેમણે સેજિલ નામની મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો, જેની રેન્જ લગભગ 2,000 કિમી છે, તે ઉપરાંત તેમણે ફતહ નામની એક હાઇપરસૉનિક મિસાઇલનો પણ ઉપયોગ કર્યો હતો, જે અવાજની ગતિ કરતા અનેક ગણી ઝડપ ધરાવે છે.

'મિસાઇલ શહેર'

ઉપરાંત, ઈરાની અધિકારીઓ અને ઈરાની મીડિયા વારંવાર "મિસાઇલ શહેર" તરીકે ઓળખાતી ભૂગર્ભ મિસાઇલ સુવિધાઓનો ઉલ્લેખ કરતા રહ્યા છે.

જોકે, આ બાબતે તેના આકાર અને તેની સંખ્યા વિશેની વિગતોની પુષ્ટિ થઈ નથી.

પરંતુ વરિષ્ઠ અમેરિકન કમાન્ડર જનરલ ડૅન કૅને જણાવ્યું હતું કે 28 ફેબ્રુઆરી (યુદ્ધના પહેલા દિવસથી) ઈરાનના બૅલેસ્ટિક મિસાઇલ પ્રક્ષેપણોમાં 86 ટકા સુધીનો ઘટાડો થયો છે.

અને અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, મંગળવાર, 4 માર્ચે, તેમાં વધુ 23 ટકા ઘટાડો થયો.

બીજી તરફ, હેલિયર કહે છે, ઈરાન પાસે હજુ પણ "ઇઝરાયલી પાયાની સુવિધાઓ, અમેરિકન પ્રાદેશિક બેઝ કૅમ્પ અને તેના સાથી ખાડી દેશોને ટાર્ગેટ બનાવવાની નોંધપાત્ર ક્ષમતાઓ હજુ પણ છે, તે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા વૈશ્વિક ઊર્જા પુરવઠાને પણ જોખમમાં મૂકે છે."

તેમણે આગળ કહ્યું કે, "હોર્મુઝની સામુદ્રધુનીમાં એક નાની બાધા પણ ગંભીર વૈશ્વિક આર્થિક પરિણામો લાવી શકે છે."

વિશ્વનું 20 ટકા તેલ લઈ જતાં વહાણો આ સાંકડી સામુદ્રધુનીમાંથી પસાર થાય છે, અને ઈરાન કહે છે કે કોઈપણ જહાજ ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કરશે તેના પર હુમલો કરવામાં આવશે.

પ્રત્યક્ષ નુકસાનથી ઉપરની રણનીતિ

ક્રૅજેવસ્કી કહે છે, જ્યારે ઈરાન અદ્યતન મિસાઇલોની અછતનો સામનો કરી રહ્યું છે, પણ તેની ડ્રોન ક્ષમતાઓ હજુ પણ યથાવત છે.

તેવું માનવામાં આવે છે કે યુદ્ધ પહેલાં ઈરાને હજારો 'શાહેદ' ડ્રોનનું ઉત્પાદન કર્યું હતું.

આ ડિઝાઇન રશિયામાંથી નિકાસ કરવામાં આવી છે, અને યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાએ પણ આ ટેકનૉલૉજીના કેટલાંક પાસાંની નકલ કરી છે.

આનો હેતુ પ્રત્યક્ષ નુકસાન કરતાં પણ વધારે રણનૈતિક હેતુ છે.

આમ, તે દુશ્મનોને મોંઘા ઇન્ટરસેપ્ટર મિસાઇલોનો ઉપયોગ કરવા મજબૂર કરે છે ઉપરાંત "સમય જતાં હવાઈ સંરક્ષણ સિસ્ટમને બિનકાર્યક્ષમ કરીને નબળી પાડે છે".

ક્રૅજેવસ્કી કહે છે, "આનો એક ભાગ દુશ્મનની અવરોધ ક્ષમતાને ખતમ કરવાનો છે,"

જોકે, અમેરિકાનું કહેવું છે, યુદ્ધના પહેલા દિવસથી ઈરાનના ડ્રોન લૉન્ચમાં પણ 73 ટકાનો ઘટાડો થયો છે.

તેલ અવીવ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફૉર નૅશનલ સિક્યૉરિટી સ્ટડીઝ કહે છે, "અમેરિકા અને ઇઝરાયલે 2,000થી વધુ હવાઈ હુમલા કર્યા છે. તે જ સમયે, ઈરાને 571 મિસાઇલો અને 1,391 ડ્રોન છોડ્યાં છે, જેમાંથી ઘણાને રોકવામાં આવ્યાં હતાં."

નિષ્ણાતો અનુસાર, જો આ જ પ્રકારે યુદ્ધ ચાલુ રહેશે તો બંને પક્ષો માટે, આ ગતિએ લડાઈ ચાલુ રાખવી મુશ્કેલ બની જશે.

હજુ યુદ્ધ કેટલા દિવસ ચાલશે?

ઈરાન, મધ્ય પૂર્વમાં સૌથી મોટી સૈન્યશક્તિ ધરાવતા દેશોમાંનો એક છે.

ઈરાન-ઇરાક યુદ્ધની શરૂઆતથી જ ઈરાને યુદ્ધનો સામનો કરવાની ક્ષમતા વિકસાવી દીધી છે.

ઈરાનની રણનીતિ કેટલો સમય ચાલશે તે તેની આંતરિક એકતા પર આધાર રાખે છે.

ક્રૅજેવસ્કી કહે છે, "તે સુરક્ષા દળો અને રાજકીય અભિજાત્ય વર્ગ વચ્ચે કેટલી એકતા છે કે તેમની અંદરોઅંદર વિભાજન છે કે કેમ તેના પર આધાર રાખે છે, અને જો વિભાજન હોય, તો તે લશ્કરી વ્યૂહરચનામાં વધુ મૂંઝવણ આવી શકે છે."

તેમણે એ પણ નોંધ્યું છે કે "મિસાઇલ ઑપરેટરો ખૂબ જ તણાવ અને થાક હેઠળ હોય તેવું લાગે છે, જેના કારણે ખોટાં લક્ષ્યો પર આકસ્મિક હુમલા થઈ રહ્યા છે. ઘણી કામગીરી ખૂબ જ અવ્યવસ્થિત હોય અને થાકેલા હોય તેવું લાગે છે."

ઈરાનની 'આગળની રણનીતિ' શું છે

ઈરાનનું મુખ્ય ધ્યેય તેના પડોશીઓની પરિસ્થિતિ "અસહ્ય" બનાવી દેવાનું છે.

ક્રૅજેવસ્કી કહે છે, "આ રીતે, તે દેશો અમેરિકા પર દબાણ લાવી શકે છે કે ઓછામાં ઓછું અમેરિકાને વાટાઘાટો દ્વારા ઉકેલ કે યુદ્ધના અંત તરફ દોરી જવાનો પ્રયાસ કરી શકે છે."

તેઓ એમ પણ કહે છે, "મને ખબર નથી કે ઈરાનની હાલની યોજના સફળ થશે કે નહીં. પરંતુ આ તેમણે તાજેતરમાં કરેલા સૌથી ખતરનાક પ્રયાસ છે."

જોકે, આ જોખમી પ્રયાસનાં નકારાત્મક પરિણામો પણ આવી શકે છે.

હેલિયર કહે છે, જ્યારે ખાડીના દેશો "શરૂઆતમાં ઈરાન પર અમેરિકા-ઇઝરાયલ યુદ્ધનો વિરોધ કરતા હતા, પરંતુ હવે તેઓ એવો નિષ્કર્ષ કાઢી શકે કે ઈરાનના વળતા હુમલાથી આ દેશોની પોતાની સુરક્ષા જોખમમાં છે. તેથી, આ દેશો ઈરાનના તાત્કાલિક ખતરાને રોકવા માટે આ અમેરિકાની લશ્કરી કાર્યવાહીને ટેકો આપવો જ શ્રેષ્ઠ વિકલ્પ સમજશે."

તેમણે વધુમાં કહ્યું કે, "મને નથી લાગતું કે ખાડીના દેશો હજુ સુધી તે બિંદુએ પહોંચ્યા છે, જો કે, આ બધું સમય નિર્ભર છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન