ટી20 વર્લ્ડકપ : ભારતે ઝિમ્બાબ્વેને 72 રને હરાવ્યું, સેમિફાઇનલની આશા જીવંત

વાંચવાનો સમય: 3 મિનિટ

આઇસીસી ટી20 વર્લ્ડકપની સુપર-8 મૅચમાં ભારતે ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવ્યું છે.

ભારતના 257 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઝિમ્બાબ્વે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 184 રન જ બનાવી શક્યું હતું.

ઝિમ્બાબ્વેના ઓપનર બ્રાયન બેનેટે 97 રનની અણનમ ઇનિંગ રમી હતી, પરંતુ તેમની ઇનિંગ ટીમને વિજય અપાવવામાં નિષ્ફળ રહી. ભારત માટે અર્શદીપસિંહે ચાર ઓવરમાં 24 રન આપીને ત્રણ વિકેટ લીધી.

ભારતે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 23 બૉલમાં 50 રનની અણનમ ઇનિંગ રમી. તો તિલક વર્મા 16 બૉલમાં 44 રન બનાવીને અણનમ રહ્યા.

ભારતે ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર હાંસલ કર્યો હતો. અગાઉ ટી20 વર્લ્ડકપમાં ભારતનો સર્વોચ્ચ સ્કોર 218 હતો, જે તેણે 2007માં ઇંગ્લૅન્ડ સામે બનાવ્યો હતો.

ભારતે તેની ઇનિંગમાં 17 છગ્ગા ફટકાર્યા છે. આ ટી20 વર્લ્ડકપ મૅચમાં ભારતે ફટકારેલા સૌથી વધુ છગ્ગા છે.

આજે ભારતના તમામ છ બૅટ્સમૅનોએ 150થી વધુના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં આ પહેલાં આવું ક્યારેય બન્યું નથી.

ભારતના ઑલ રાઉન્ડર બૅટ્સમૅન હાર્દિક પંડ્યાએ આ વખતે ઝંઝાવાતી બેટિંગ કરી હતી અને ટીમને એક મજબૂત સ્કોર આપવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

હાર્દિકના 50 રનમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગા સામેલ હતા.

ભારતની શાનદાર શરૂઆત

આઇસીસી ટી20 વર્લ્ડકપની સુપર-8 મૅચમાં ઝિમ્બાબ્વેએ ટૉસ જીતીને ભારત સામે પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ભારતે ઓપનિંગમાં શાનદાર શરૂઆત કરી હતી. અભિષેક શર્મા અને સંજુ સેમસને ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો.

અભિષેક શર્મા 30 બૉલમાં 55 રન બનાવીને આઉટ થયા. ફૉર્મમાં ચાલી રહેલા ઈશાન કિશન 24 બૉલમાં 38 રન કરીને આઉટ થયા, જ્યારે ઓપનિંગમાં આવેલા સંજુ સેમસન 24 રન બનાવીને આઉટ થયા.

તો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પણ 33 રન કરીને આઉટ થઈ ગયા હતા.

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મહત્ત્વપૂર્ણ મૅચ માટે ભારતે તેની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા હતા. ઝિમ્બાબ્વેએ તેની પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો. ભારતની ટીમમાં અક્ષર પટેલ અને સંજુ સેમસન પાછા ફર્યા હતા.

ભારતે આ મૅચ માટે પ્લેઇંગ ઇલેવનમાંથી વૉશિંગ્ટન સુંદર અને રિંકુસિંહને બહાર કર્યા હતા.

સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે ભારત માટે આજની મૅચ ખૂબ જ મહત્ત્વની હતી.

ગુરુવારે ઝિમ્બાબ્વેને હરાવ્યા બાદ પણ સેમિફાઇનલમાં પહોંચવા માટે કોલકતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે (પહેલી માર્ચ, રવિવાર) વેસ્ટ ઇન્ડીઝને પણ હરાવવું પડશે.

જ્યારે ટી20 વર્લ્ડકપની શરૂઆત થઈ, ત્યારે ભારતની ટીમને પ્રબળ દાવેદાર માનવામાં આવતી અને તે હોટ ફેવરિટ હતી. ટીમના પર્ફૉર્મન્સ ઉપરાંત શ્રીલંકાની સાથે ટુર્નામેન્ટનું યજમાનપદને 'પ્લસ પૉઇન્ટ' માનવામાં આવી રહ્યો હતો.

ભારત અને ઝિમ્બાબ્વેની ટીમો

ક્રિકેટના આંકડાનું વિશ્લેષણ કરતી વેબસાઇટ ઇએસપીએનક્રિક ઇન્ફોના અહેવાલ પ્રમાણે, બંને ટીમોની પ્લેઇંગ-ઇલેવન આ ખેલાડીઓમાંથી નક્કી થશે.

ભારત: સૂર્યકુમાર યાદવ (કપ્તાન), અક્ષર પટેલ (વાઇસ-કૅપ્ટન), અભિષેક શર્મા, અર્શદીપસિંહ, ઈશાન કિશન (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, તિલક વર્મા, જસપ્રીત બુમરાહ, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા.

ઝિમ્બાબ્વે: તડિવનાશે મરુમાની, બ્રાયન બેનેટ, ડિઓન મેયર્સ, રાયન બર્લ, સિકંદર રઝા (કૅપ્ટન), ટૉની મુનયોંગા, તાશિંગા મુસેકિવા, બૅડ એવન્સ, તિનોતેંડા મપોસા, બ્લેસિંગ મુઝરાબાની, રિચર્ડ અંગારાવા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન