You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજપાલ યાદવને જેલમાં કેમ જવું પડ્યું અને સોનુ સૂદ બચાવવા કેમ આગળ આવ્યા?
ચેક બાઉન્સ કેસમાં ગત અઠવાડિયે ગુરુવારે તિહાડ જેલમાં બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવે આત્મસમર્પણ કર્યું હતું.
તેમના આર્થિક સંકટ અંગે મીડિયા અહેવાલો આવ્યા બાદ, સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ છે અને કેટલાક લોકોએ આર્થિક મદદની જાહેરાત પણ કરી છે.
આજે બૉલીવૂડ અભિનેતા સોનુ સૂદે તેમના ભાવિ પ્રોજેક્ટ માટે સાઇનિંગ રકમની જાહેરાત કરી હતી જ્યારે લાલુ યાદવના પુત્ર અને જનશક્તિ જનતાદળના નેતા તેજ પ્રતાપે નાણાકીય મદદની જાહેરાત કરી.
હકીકતમાં, દિલ્હી હાઈકોર્ટે તેમને આત્મસમર્પણ માટે 4 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો. રાજપાલ 5 ફેબ્રુઆરીએ તિહાડ જેલમાં પહોંચ્યા હતા.
દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, "કોર્ટના નિર્દેશોની અવગણના કાયદા પ્રત્યે આદરનો અભાવ દર્શાવે છે અને અભિનેતાને તેના વ્યવસાય અથવા ફિલ્મ ઉદ્યોગ સાથેના તેના જોડાણના આધારે કોઈ ખાસ છૂટ આપી શકાતી નથી.'
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે રાજપાલ યાદવ જેલમાં આત્મસમર્પણ કરતા પહેલાં 'ભાવનાત્મક' થઈ ગયા હતા.
આ પછી ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલા ઘણા લોકોએ રાજપાલ યાદવની મદદ કરવાનું આહ્વાન કર્યું હતું.
સોનુ સૂદ અને તેજપ્રતાપ યાદવે શું મદદ કરી?
બૉલીવૂડ અભિનેતા સોનુ સૂદે રાજપાલ યાદવને 'પ્રતિભાશાળી અભિનેતા' ગણાવ્યા હતા જેમણે વર્ષોથી ફિલ્મ ઉદ્યોગને યાદગાર કામ આપ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોનુ સૂદે તેમની માટે એકતાનું આહ્વાન કરતાં ઍક્સ પર લખ્યું , "ક્યારેક વસ્તુઓ ખોટી દિશામાં વળાંક લે છે. આ પ્રતિભાના અભાવે નહીં પરંતુ સમયની ક્રૂરતાને કારણે થાય છે. તેઓ મારી ફિલ્મનો ભાગ બનશે. આ તે ક્ષણ છે જ્યારે આપણે બધા નિર્માતાઓ, દિગ્દર્શકો અને સાથી કલાકારોએ તેમની સાથે ઊભા રહેવું જોઈએ."
તેમણે આગળ લખ્યું, "ભવિષ્યના કામમાં ઍડજસ્ટ કરી શકાય તેવી નાની રકમ દાન નથી, આ એક સન્માન છે. જ્યારે આપણામાંથી કોઈ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હોય, ત્યારે ઇન્ડસ્ટ્રીએ એ યાદ અપાવવું જોઈએ કે આપણે એકલા નથી. આ બતાવવાનો અવસર છે કે આપણે ફક્ત એક ઇન્ડસ્ટ્રી નથી."
આ દરમિયાન તેજપ્રતાપ યાદવે તેમના ઍક્સ હેન્ડલ પર લખ્યું , "માનનીય રાજપાલ યાદવના પરિવારના દુઃખ વિશે માહિતી મળી."
તેમણે આગળ લખ્યું, "આ અત્યંત મુશ્કેલ સમયમાં, હું અને મારો સમગ્ર જનશક્તિ જનતાદળ પરિવાર તેમના દુ:ખી પરિવાર સાથે સંપૂર્ણ સહાનુભૂતિ અને એકતા સાથે ઊભા છીએ. માનવીય કરુણા અને સહકારની ભાવનામાં, હું જનશક્તિ જનતાદળ પરિવાર વતી તેમના પરિવારને 11 લાખ રૂપિયાની આર્થિક સહાય આપી રહ્યો છું."
અભિનેતા ગુરમીત ચૌધરીએ ફિલ્મ ઉદ્યોગના લોકોને આગળ આવવા અપીલ કરી અને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું , "રાજપાલ યાદવજી જેવા વરિષ્ઠ અને અત્યંત પ્રતિભાશાળી કલાકારને આવા પીડાદાયક તબક્કામાંથી પસાર થતા જોવું ખૂબ જ હૃદયદ્રાવક છે. તેમણે આપણને અસંખ્ય સ્મિત, હાસ્ય અને યાદગાર ક્ષણો આપી છે. આજે તેમને આપણી જરૂર છે."
તેમણે લખ્યું, "એક સાથી અભિનેતા અને એક માનવી તરીકે, હું મારાથી શક્ય તેટલી મદદ કરવા માટે આગળ વધી રહ્યો છું. હું બધા નિર્માતાઓ, દિગ્દર્શકો અને આપણા ફિલ્મ સમુદાયના સભ્યોને માનવતા અને કરૂણા સાથે મળીને ઉકેલ શોધવા માટે નમ્ર અપીલ કરું છું. આપણી ઇન્ડસ્ટ્રી એ એક પરિવાર છે. અને પરિવાર તેના લોકોને ત્યજી દેતો નથી."
શું છે આખો મામલો?
કોર્ટની કાર્યવાહીમાં જાણવા મળ્યું છે કે રાજપાલ યાદવ સામેનો કેસ ફિલ્મ 'અતા પતા લાપતા" સાથે સંબંધિત છે. 2010 માં, મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ફિલ્મ માટે આશરે પાંચ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું.
કોર્ટ કાર્યવાહી અનુસાર, ફિલ્મ બૉક્સ ઑફિસ પર સફળ રહી ન હતી અને કથિત રીતે અભિનેતાને નાણાકીય નુકસાન થયું હતું. તેઓ કંપનીને આ પૈસા ચૂકવવામાં અસમર્થ હતા.
લાઈવ લો અનુસાર કોર્ટે કહ્યું, "કોર્ટ એવા નિષ્કર્ષ પર પહોંચી છે કે અરજદાર નંબર 1 (રાજપાલ યાદવ) નું વર્તન નિંદનીય છે. વારંવાર ખાતરી આપવા અને કોર્ટ પાસેથી રાહત મળવા છતાં, તેમણે સમયાંતરે પસાર કરાયેલા આદેશોનું પાલન કર્યું નથી."
લોન ચૂકવવા માટે કંપનીને આપવામાં આવેલા અનેક ચેક બાઉન્સ થયા, જેના કારણે તેમની સામે કેસ દાખલ થયો હતો.
2018 માં દિલ્હીની એક ટ્રાયલ કોર્ટે રાજપાલ યાદવને દોષિત ઠેરવ્યા હતા અને છ મહિનાની જેલની સજા ફટકારી.
બાદમાં આ કેસ દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો, જ્યાં સજા પર રોક લગાવવામાં આવી.
કોર્ટે કહ્યું હતું કે તેઓ ફરિયાદી કંપનીને બાકી રકમ ચૂકવશે, "અભિનેતાએ ઘણી વખત ચૂકવણીની ખાતરી આપી હતી પરંતુ નિર્ધારિત સમયમર્યાદામાં રકમ જમા કરવામાં નિષ્ફળ ગયા હતા."
કોર્ટે આ વાતને ગંભીરતાથી લેતા કહ્યું કે વારંવાર આપેલા આશ્વાસનનો ભંગ થયો છે. તેના આધારે હાઇકોર્ટે તેમને આત્મસમર્પણનો આદેશ આપ્યો. રાજપાલ યાદવ સામે ચેક બાઉન્સનો કેસ દાખલ કરવામાં આવ્યો.
આ સજા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ, 1881ની કલમ 138 ના ઉલ્લંઘન બદલ આપવામાં આવી હતી, પરંતુ જાન્યુઆરી 2019માં, સેશન્સ કોર્ટે પણ આ નિર્ણયને સમર્થન આપ્યું હતું.
દિલ્હી હાઈકોર્ટે 2024 માં લોનની રકમ પરત કરવાની ખાતરી પર સજા પર રોક લગાવી હતી, પરંતુ આવું બની શક્યું નહીં.
રાજપાલ યાદવે ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026માં કોર્ટને રકમ ચૂકવવાનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ તેમ કરવામાં પણ નિષ્ફળ ગયા.
આ પછી કોર્ટે 4 ફેબ્રુઆરીએ આત્મસમર્પણનો આદેશ આપ્યો.
આ પહેલાં પણ વર્ષ 2013માં, રાજપાલ યાદવને ખોટું સોગંદનામું દાખલ કરવાના કેસમાં 3થી 6 ડિસેમ્બર સુધી તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા હતા.
રાજપાલ યાદવ શું કહે છે?
નીચલી કોર્ટમાંથી સજા મળ્યા પછી 28 એપ્રિલ, 2018 ના રોજ રાજપાલ યાદવે શાહજહાંપુરમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે તેમને એક ષડ્યંત્ર હેઠળ ફસાવવામાં આવ્યા છે.
બે વર્ષ પહેલાં, રાજપાલ યાદવે ઇન્ડિયા ટુડે ગ્રુપની એક યુટ્યૂબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમણે 'કોઈ છેતરપિંડી કરી નથી'.
તેમણે કહ્યું, "તેઓએ (કંપનીએ) ફિલ્મ 'અતા પતા લાપતા' બનાવવા માટે 5 કરોડ રૂપિયા આપ્યા... આ એક પ્રકારનું રોકાણ હતું... હું ક્યારેય 'અતા પતા લાપતા'નો દિગ્દર્શક નહોતો..."
આ જ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં બૉલીવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ રાજપાલ યાદવ વિશે વાત કરી હતી.
નવાઝુદ્દીને કહ્યું હતું કે , "જ્યારે રાજપાલ કામ કરતો હતો, ત્યારે ઘણા લોકો તેના ઘરે જમતા હતા અને તે ક્યારેય 'ઉફ્ફ' શબ્દ પણ બોલતા નહોતા... તેઓ હંમેશાં આપતા હતા. જ્યારે અમે સંઘર્ષ કરી રહ્યા હતા અને ઘણા કલાકારો સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે રાજપાલનું ઘર એક લંગર જેવું હતું, કોઈપણ આવીને ખાઈ શકે છે... તે એક અદ્ભુત વ્યક્તિ છે."
આ જ ઇન્ટરવ્યૂમાં, તેમણે રાજપાલ યાદવને 'બૉલીવૂડના સૌથી શિક્ષિત અભિનેતાઓમાંના એક' તરીકે વર્ણવ્યા હતા.
રાજપાલ યાદવ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના પુવાયાંના રહેવાસી છે.
તેણે લખનૌની ભારતેન્દુ નાટ્ય ઍકેડમી અને દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા (એનએસડી)માં અભિનયનો અભ્યાસ કર્યો. તેમણે 'ભૂલ ભુલૈયા', 'ફિર હેરાફેરી', 'ચુપ ચૂપ કે", અને 'હંગામા' જેવી ફિલ્મોમાં યાદગાર કોમેડી ભૂમિકાઓ ભજવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન