બજેટ 2026ની મહત્ત્વપૂર્ણ જાહેરાતો : કૅન્સરની 17 દવાઓ સસ્તી થશે, ઇન્કમ ટૅક્સ માટે નિર્મલા સીતારમણે શું એલાન કર્યું

વાંચવાનો સમય: 5 મિનિટ

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે દેશના નાણાકીય ઇતિહાસમાં પહેલી વખત રવિવારે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જેના પગલે દેશના શૅરબજારો કાર્યરત રહ્યા હતા.

જોકે, બજેટમાં એસટીટી સંબંધિત જાહેરાતોને કારણે શૅરબજારોમાં કડાકો બોલી ગયો હતો અને બપોરે સાડા બાર વાગ્યા આસપાસ મિડ-સેશન દરમિયાન દોઢથી પોણા બે ટકા જેટલો કડાકો બોલી ગયો હતો.

નિર્મલા સીતારમણે કહ્યું હતું કે દેશની સરકાર ઔદ્યોગિક વિકાસ ઉપર ભાર મૂકી રહી છે. ગત વર્ષે 15 ઑગસ્ટથી અત્યાર સુધીમાં 350થી વધુ આર્થિકસુધાર કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું, "આર્થિક વિકાસને ઝડપી બનાવવા તથા તેને જાળવી રાખવા માટે છ ક્ષેત્રોમાં સુધાર કરવા માટે પ્રસ્તાવ મૂકું છું. સાત વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ઉત્પાદનવૃદ્ધિ કરવી, જૂના ઔદ્યોગિક ક્ષેત્રોને ફરી બેઠા કરવા, ચૅમ્પિનય એમએસએમઈ બનાવવા, માળખાકીય સુવિધાને પ્રોત્સાહન આપવું, લાંબાગાળાની સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવી, શહેરોના આર્થિકક્ષેત્રોનો વિકાસ કરી શકાય."

ત્યારે ગુજરાત, મહિલાઓ, યુવાનો તથા દેશના અલગ-અલગ વર્ગોને શું મળ્યું, તેની કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાતો ઉપર નજર કરીએ.

બજેટમાં ગુજરાત તથા ગુજરાતીઓને માટે નોંધપાત્ર જાહેરાતો

  • ફ્યૂચર્સના સોદા ઉપર એસટીટી વધારીને 0.05 ટકા કરવામાં આવ્યો, જ્યારે ઑપશન્સના સોદામાં પ્રિમિયમ ઉપર 0.15 ટકા એસટીટી લાગશે.
  • જામનગરના ડબલ્યુએચઓ મેડિકલ સેન્ટરને અપગ્રેડ કરવામાં આવશે, જેથી કરીને પુરાવા આધારિત સંશોધન અને જાગૃતિ લાવી શકાય.
  • દરિયાકિનારાના વિસ્તારોમાં કોકો, ચંદન, નાળિયેર અને કાજુના વાવેતરને પ્રોત્સાહન અપાશે. પૂર્વોત્તરમાં અગર તથા ઉત્તરમાં બદામ, પાઇનનટ તથા અખરોટના વાવેતરને પ્રોત્સાહન અપાશે.
  • લોથલ અને ધોળાવીરા સહિત 15 આર્કિયૉલૉજિકલ સ્થળોને સાંસ્કૃતિક સ્થાનો તરીકે વિકસાવવામાં આવશે, જ્યાં જનતા સાઇટ્સની અંદરથી મુલાકાત લઈ શકશે.
  • પૂર્વમાં દાનકૂનીથી સુરતની વચ્ચે નવો ડેડિકેટ ફ્રેઇટ કૉરિડૉર શરૂ થશે. આ સિવાય નવા દેશમાં આંતરિક જળમાર્ગો શરૂ કરાશે.
  • શહેરના 'ગ્રૉથ ડ્રાઇવર'ના આધારે ટિયર ટુ અને ટિયર થ્રી તથા ટૅમ્પલ ટાઉન્સમાં સવલતો વધારવામાં આવશે.

પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ કર અંગેની જાહેરાતો

  • સરકારે વર્તમાન ઇન્કમટૅક્સ સ્લૅબમાં કોઈ ફેરફાર નથી કર્યો અને ગત વર્ષની જાહેરાતને પગલે કોઈ નવી રાહત અપેક્ષિત પણ ન હતી. ગત વર્ષે નવી ટૅક્સ રિજીમ અમલમાં આવી, જેમાં વાર્ષિક રૂ. 12 લાખ સુધીની આવક ઉપર કોઈ ટૅક્સ નથી લાગતો.
  • પગારદાર વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. 75 હજાર છે. આમ નોકરિયાતો માટે રૂ. 12 લાખ 75 હજાર સુધીની આવક ઇન્કમટૅક્સ ફ્રી રહેશે.
  • આઇટીઆર-1 તથા આઇટીઆર-2 દાખલ કરનારાઓ હવે 31મી જુલાઈ સુધીમાં પોતાનું રિટર્ન ફાઇલ કરી શકશે.
  • પહેલી એપ્રિલથી ઇન્કમ ટૅક્સ ઍક્ટ 2025 અમલમાં આવશે. તમામ ફૉર્મને સરળ બનાવવામાં આવશે, જેને સામાન્ય લોકો પણ ભરી શકશે.
  • કસ્ટમ તથા આઇટી બાબતોમાં કર્મચારીઓની દખલ ઘટાડવામાં આવી
  • મામૂલી ફી ભરીને રિવાઇઝ આઇટી રિટર્ન 31મી માર્ચ સુધીમાં જમા કરાવી શકાશે.
  • એસઇઝેડ કે આંતરરાષ્ટ્રીય જળવિસ્તારમાંથી પકડવામાં આવેલી માછલી ઉપર કોઈ ડ્યૂટી નહીં. જો તેને સીધી જ વિદેશના બંદર ઉપર વેચવામાં આવશે તો તેને નિર્યાતની વસ્તુ માનવામાં આવશે.
  • મરીન, લેધર અને ટેક્સ્ટાઇલ સેક્ટર માટે જરૂરી કાચા માલને ડ્યૂટી ફ્રી આયાતની છૂટી મળશે. ચામડા અને ટેક્સ્ટાઇલની નિકાસ માટેની છૂટને વધારીને એક વર્ષ કરવામાં આવી.
  • રાજકોષીય ખાધ 4.4 ટકા પર રહ્યો હતો. જે આગામી નાણાકીય વર્ષ દરમિયાન 4.3 ટકા સુધી રહેવાની શક્યતા છે.
  • નાણાકીય વર્ષ 2026- '27 દરમિયાન રૂ. 11 લાખ કરોડનો મૂડીખર્ચ થશે.

બજેટમાં મહિલાઓને શું મળ્યું?

દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ સ્થાપવામાં આવશે, જેથી કરીને STEMમાં છોકરીઓ અને મહિલાઓના પ્રદાનને વધારી શકાય.

મહિલાઓને માટે 'શી (સૅલ્ફ હેલ્પ ઍન્ટરપ્રેનિયોર) માર્ટ' શરૂ કરાશે. જેમાં સ્વસહાય મહિલા જૂથો રિટેલ સ્ટોર ઊભા કરશે અને પોતાના ઉદ્યમો ચલાવશે.

બજેટમાં યુવાનોને શું મળ્યું?

મુંબઈસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્રિયેટિવ ટેકનૉલૉજિસ દેશની પંદર હજાર શાળા તથા 500 કૉલેજોમાં એસજીવીસી કન્ટેન્ટ ક્રિયેટર લૅબ્સ ઊભી કરશે. એનિમેશન, ગૅમિંગ ગ્રાફિક્સ તથા સર્જનાત્મકતા ક્ષેત્રે વર્ષ 2030 સુધીમાં 20 લાખ વ્યવસાયિક તૈયાર કરાશે.

ઑરેન્જ ઇકૉનૉમી કે ક્રિયેટિવ ઇકૉનૉમી એવા સેક્ટર્સને કહેવામાં આવે છે કે જે વ્યક્તિગત ક્રિયેટિવિટી, સ્કિલ્સ તથા ઇન્ટલેક્ચ્યૂઅલ પ્રૉપર્ટી ઉપર આધારિત હોય છે.

વિદેશ પ્રવાસ માટે, વિદેશમાં ભણવા માટે ટૅક્સ કલેક્ટેડ ઍટ સૉર્સમાં ઘટાડો થશે, જે બે ટકા સુધીનો રહેશે.

પૉર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ હેઠળ PROI દેશના મૂડીબજારમાં રોકાણ કરી શકશે.

અન્ય મહત્ત્વપૂર્ણ જાહેરાતો

  • ભારત વિસ્તા મારફત અલગ-અલગ ભાષામાં કૃષિક્ષેત્રના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સટૂલ્સ ઉપલબ્ધ કરાવાશે.
  • આગામી પાંચ વર્ષ દરમિયાન બાયોફાર્મામાં 10 હજાર કરોડનું રોકાણ કરવાનો પ્રસ્તાવ
  • ઓડિશા, કેરળ, આંધ્ર પ્રદેશ તથા તામિલનાડુમાં રેર અર્થ માટે વિશેષ કૉરિડૉર ઊભા કરવામાં આવશે.
  • તમામ ન્યુક્લિયર પ્લાન્ટ્સ માટે વર્ષ 2035 સુધી કરમુક્તિ.
  • કૅન્સર માટેની 17 દવાઓ ઉપર બેઝિક કસ્ટમ ડ્યૂટીમાંથી છૂટી. સાત અન્ય ગંભીર અને જ્વલ્લે જ જોવા મળતી બીમારીની દવાની આ વ્યક્તિગત વપરાશ માટે આયાત ઉપર કોઈ કર નહીં.
  • સાંસ્કૃતિક, આધ્યાત્મિક તથા હેરિટેજ સ્થાનોના અભ્યાસ માટે ડિજિટલ રેકૉર્ડ્સ ઊભા કરવામાં આવશે. જેથી કરીને અભ્યાસ થઈ શકે.
  • જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અરુકુવેલ્લી, ઉત્તરાખંડ સહિત પાંચ સ્થળોએ પહાડી વિસ્તારોમાં ટ્રેન્સ શરૂ કરવામાં આવશે.
  • ઇલેક્ટ્રિકોનિક્સ કમ્પૉનન્ટસ મેન્યુફેક્ચરિંગ માટે રૂ. 40 હજાર કરોડની ફાળવણીનો પ્રસ્તાવ
  • સાત નવા હાઇસ્પીડ રેલ કૉરિડૉર શરૂ કરાશે. જેમાં દિલ્હી-વારાણસી, મુંબઈ-પુણે, હૈદરાબાદ-બેંગ્લુરુ, બેંગ્લુરુ-ચેન્નાઈ વગેરે પ્રમુખ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન