You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત સરકાર 14 વર્ષની છોકરીઓને સર્વાઇકલ કૅન્સરની રસી આપશે, તે શું છે અને કેવી રીતે થાય?
કેન્દ્ર સરકાર થોડા જ સમયમાં રાષ્ટ્રવ્યાપી HPV (હ્યુમન પેપિલોમા વાઇરસ) રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહી છે.
સરકારી બ્રોડકાસ્ટર આકાશવાણી અનુસાર, દેશના હૅલ્થ માળખા માટે આ મહત્ત્વનો પ્રોગ્રામ ટૂંક સમયમાં જ લૉન્ચ થવા જઈ રહ્યો છે.
આ રસીકરણ કાર્યક્રમનો હેતુ તરૂણીઓને સર્વાઇકલ કૅન્સરથી બચાવવાનો છે. આકાશવાણીએ લખ્યું છે કે, સરકારી સૂત્રો પ્રમાણે આ રસીકરણ 14 વર્ષની તરૂણીઓને આપવામાં આવશે અને આ કાર્યક્રમ હેઠળ દેશની 1.15 કરોડ તરૂણીઓને દર વર્ષે આવરી લેવામાં આવશે.
આ કૅન્સર ભારતમાં મહિલાઓમાં બીજું સૌથી વધુ જોવા મળતું કૅન્સર છે, જેના દર વર્ષે અંદાજે એક લાખ કરતાં વધુ નવા કેસ આવે છે અને સરેરાશ 70થી 80 હજાર મૃત્યુ થાય છે.
ઇન્ટરનૅશનલ એજન્સી ફોર રિસર્ચ ઑન કૅન્સર અનુસાર, 2022માં ભારતમાં 1,27,526 નવા સર્વાઇકલ કૅન્સરના કેસ નોંધાયા હતા અને 79,906 જેટલાં મૃત્યુ નોંધાયાં હતાં.
ત્યારે જાણીએ સર્વાઇકલ કૅન્સર શું છે અને તેનો ભોગ કોણ બની રહ્યું છે? તેનાથી બચવા માટે શું કરવું?
સર્વાઇકલ કૅન્સર શું છે?
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા અનુસાર, ભારતમાં દર આઠ મિનિટે એક મહિલા આ રોગથી જીવ ગુમાવે છે.
સરળ શબ્દોમાં કહીએ તો સર્વાઇકલ કૅન્સર એટલે ગર્ભાશયના મુખનું કૅન્સર.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગર્ભાશયનો સૌથી નીચેનો, લાંબો સરખો ભાગ એટલે સર્વિક્સ (cervix). આને ગર્ભાશયનું મોઢું પણ કહેવામાં આવે છે. આ ભાગમાં થતા કૅન્સરને સર્વાઇકલ કૅન્સર કહેવામાં આવે છે.
સામાન્ય રીતે 20થી 50 વર્ષની વય દરમિયાન યૌનસંબંધમાં સક્રિય હોય તેવી મહિલાઓ આ રોગનો શિકાર થઈ શકે છે.
ડૉક્ટરો અનુસાર, નબળી સામાજિક અને આર્થિક પરિસ્થિતિ, નાની ઉંમરે લગ્ન થવાં, વારંવાર સગર્ભા બનવું, કુપોષણ, ગુપ્ત અંગોની સ્વચ્છતાનો અભાવ વગેરે કારણો આ રોગના સંક્રમણની શક્યતા અનેક ગણી વધારી દે છે.
ઉપરાંત ધૂમ્રપાન, એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે યૌનસંબંધ બાંધવો, કૉન્ડોમ તથા અન્ય પ્રતિરોધક ગર્ભનિરોધક ઉપાયોનો અભાવ આ રોગનું જોખમ વધારી દેતા હોય છે.
70 ટકા જેટલી મહિલાઓના કિસ્સામાં આ કૅન્સરના સંક્રમણનું કારણ હ્યુમન પેપિલોમા વાઇરસ (HPV) હોવાનું તારણ સામે આવ્યું છે.
આ વાઇરસ યૌનસંબંધ દ્વારા ફેલાતો હોય છે. એક વાર આનાથી સંક્રમિત થયા બાદ આ વાઇરસ કોષિકાની રચનામાં (DNAમાં) એવા બદલાવ લાવે છે જેથી કોષિકાઓની અનિયંત્રિત વૃદ્ધિ થવા માંડે છે અને તે કૅન્સરના રોગમાં પરિવર્તિત થઈ જાય છે.
સર્વાઇકલ કૅન્સરનાં લક્ષણો શું છે?
આ રોગનાં લક્ષણો જલદી સમજાતાં નથી અને સંક્રમણ ઘણું આગળ વધી ગયા બાદ સમજમાં આવે છે.
ઘણી વખત શરૂઆતનાં લક્ષણો બીજી સામાન્ય માંદગી જેવાં હોવાથી જલદી ઓળખી શકાતાં નથી.
સર્વાઇકલ કૅન્સર વિશે જો વહેલા સ્ટેજમાં ખ્યાલ આવી જાય તો તેનાથી બચી શકાય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, મહિલાઓને જો નીચેનાં લક્ષણો દેખાય તો ડૉક્ટરને બતાવવું જોઈએ...
- માસિકના સમયગાળા વચ્ચે ગમે ત્યારે બ્લીડિંગ થવું, મૅનોપૉઝ દરમિયાન કે સેક્સ દરમિયાન ગમે ત્યારે લોહી નીકળવું
- યોનિમાંથી ડિસ્ચાર્જ દરમિયાન ગંદી વાસ આવવી અને તેનું પ્રમાણ વધવું
- પીઠ, પગ કે પેડુમાં સતત દુ:ખાવો રહેવો
- વજન ઊતરવું, સતત થાક લાગવો કે ભૂખ મટી જવી
- પગમાં સોજા
- વેજાઇનલ ડિસકમ્ફર્ટ
રોગને રોકી શકવામાં રસીનો ફાળો
આ રોગનું મુખ્ય કારણ હ્યુમન પેપિલોમા (HPV) નામનો વાઇરસ છે. જેથી HPV વાઇરસની સમયાંતરે રસી લેવાથી 70 ટકા કિસ્સાઓમાં આ રોગને અટકાવી શકાય છે.
ડૉક્ટરોના કહેવા પ્રમાણે, આ રસી 9થી 16 વર્ષની બાળકીઓને આપવાથી અથવા તો પ્રથમ યૌનસંબંધ બંધાયા પહેલાં આપી દેવાથી રસી સૌથી વધુ અસરકારક નીવડે છે.
આ રસી 2થી 3 ડોઝમાં અપાય છે અને તે 10 વર્ષ સુધી અસરકારક રહે છે. આમ, આ એકમાત્ર એવું કૅન્સર છે જે રસી લેવાથી રોકી શકાય છે.
ઉપરાંત નિયમિત રૂપે સ્ત્રીરોગનિષ્ણાત પાસે પેપ ટેસ્ટ (PAP Test) નામની તપાસ કરાવવાથી આ રોગનું પ્રાથમિક ચરણમાં જ નિદાન થઈ શકે છે અને સમયસર ઉપચાર કરવાથી જીવન બચી શકે છે.
પેપ ટેસ્ટની પ્રક્રિયા સાવ સરળ અને તકલીફ વગરની હોય છે. તેમાં ગર્ભાશયના મુખની તપાસ કરી તેની કોષિકાઓ પ્રયોગશાળામાં મોકલી આપી નિદાન કરી દેવામાં આવે છે.
આમ લક્ષણો હોય કે ન હોય, પરંતુ દરેક મહિલાએ ઉપર દર્શાવ્યા પ્રમાણે રસી લેવી જરૂરી છે અને દર વર્ષે એક વાર અચૂક સ્ત્રીરોગનિષ્ણાત પાસે જઈ પેપ ટેટ કરાવી લેવો જરૂરી છે.
આ સિવાય સર્વાઇકલ કૅન્સરનું રિસ્ક ઘટાડવા નીચેનાં પગલાં ભરી શકાય.
- ધૂમ્રપાન બંધ કરી દેવું
- સેક્સ દરમિયાન કૉન્ડોમનો વપરાશ કરવો
- પુરુષોએ સુન્નત કરાવવું
વિશ્વના ઘણા દેશોએ રસીકરણ ચાલુ કર્યું
ભારત સરકાર સર્વાઇકલ કૅન્સર માટે રસીકરણ કાર્યક્રમ કરવા જઈ રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે તમામ દેશોએ એ કમિટમેન્ટ આપ્યું છે કે સર્વાઇકલ કૅન્સરનો જાહેર સ્વાસ્થ્ય સમસ્યા તરીકે અંત લાવવામાં આવશે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની વૈશ્વિક નીતિ અનુસાર, પ્રતિવર્ષ નવા કેસને 4થી નીચે લઈ જવાનું લક્ષ્યાંક છે અને 2030 સુધીમાં તેણે આ ત્રણ ટાર્ગેટ નક્કી કર્યા છે.
- 90 ટકા છોકરીઓને 15 વર્ષની ઉંમર પહેલાં જ એચપીવીની રસી આપી દેવામાં આવે
- 35 વર્ષની ઉંમર સુધીમાં 70 ટકા મહિલાઓનો હાઇ પર્ફોર્મન્સ ટેસ્ટ કરવામાં આવે અને 45 વર્ષ સુધીમાં આ ટેસ્ટ ફરીથી કરવામાં આવે
- 90 ટકા સર્વાઇકલ પ્રી-કૅન્સર કે કૅન્સર ધરાવતાં મહિલાઓને સારવાર આપવાનું લક્ષ્યાંક
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન