રાહુલ ગાંધી લોકસભામાં શું કહેવા માગતા હતા, જેનાથી હોબાળો થયો? - ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 9 મિનિટ

લોકસભામાં આજે ભારે હોબાળો થયો હતો. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જ્યારે એક મૅગેઝિનમાં પ્રકાશિત લેખને વાંચવાનું શરૂ કર્યું ત્યારે રાજનાથસિંહ અને અમિત શાહ ઊભા થઈ ગયા હતા અને સ્પીકરે પણ તેમને અટકાવ્યા હતા.

તેના કારણે લોકસભામાં ભારે હોબાળો થયો હતો.

રાહુલ ગાંધીએ કારવાં મૅગેઝિનમાં પ્રકાશિત લેખમાંથી ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ જનરલ એમએમ નરવણેના અપ્રકાશિત પુસ્તકના અંશો વાંચવાનું શરૂ કર્યું હતું. ત્યારે જ રાજનાથસિંહ, અમિત શાહ અને કિરેન રિજિજુએ વિરોધ કર્યો હતો.

તેમણે વિરોધ કરતાં કહ્યું હતું કે આ તો અપ્રકાશિત પુસ્તક છે. સ્પીકર ઓમ બિરલાએ પણ રાહુલ ગાંધીને અટકાવી દીધા હતા.

ત્યાર બાદ 45 મિનિટ સુધી હોબાળો થયો હતો અને લોકસભાની કાર્યવાહી 3 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "આ મૅગેઝિનમાં નરવણેજીએ કહ્યું છે કે આ તેમનું સંસ્મરણ છે અને સરકાર તેને છાપવા દેતી નથી. આ લોકો આટલા ડરે છે કેમ?"

આ હોબાળા વખતે સંસદમાં વડા પ્રધાન મોદી પણ હાજર હતા.

રાજનાથસિંહે કહ્યું હતું કે, "ગૃહને રાહુલ ગાંધી ભટકાવવાની કોશિશ ન કરે. અનાવશ્યક બાબતોનો ઉલ્લેખ અહીં ન થવો જોઈએ. આ પુસ્તક હજુ સુધી પ્રકાશિત જ થયું નથી."

રાજકોટ: જંગલેશ્વરમાં ડિમોલિશનની નોટિસ ગુજરાત હાઇકોર્ટે રદ કરી, સરકારને શું આદેશ આપ્યો?

ગુજરાત સરકારે જંગલેશ્વર અને તેની આજુબાજુની કેટલીક સોસાયટીના 1358 મકાનધારકોને સાત દિવસમાં તેમના મકાન ખાલી કરવાની ફટકારેલ નોટિસને સોમવારે ગુજરાત હાઇકોર્ટે રદબાતલ કરી છે.

રાજકોટથી બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયાએ જણાવ્યું છે કે આ સમાચાર બાદ અસરગ્રસ્ત લોકો કોર્ટના હુકમની ઉજવણી કરતા રસ્તા પર ઊતરી આવ્યા હતા.

કોર્ટે 27 જાન્યુઆરીએ સરકારે લૅન્ડ રેવન્યુ કોડની કલમ 202 હેઠળ ફટકારેલી નોટિસને રદબાતલ કરવાની સાથે સાથે હુકમ કર્યો કે અસરગ્રસ્ત લોકોએ તે જમીન પર કરેલા દવાનો ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ ત્રણ મહિનાની અંદર ચુકાદો આપે.

તેમજ સરકારને એ પણ નિર્દેશ આપ્યો કે અસરગ્રસ્ત લોકોએ વૈકલ્પિક રહેઠાણોની કરેલી માગણી પર કાયદા મુજબ કાર્યવહી કરવામાં આવે.

અહીં ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર (પૂર્વ) મામલતદારની કચેરીએ આજી અને ખોખડદડી નદીઓના પશ્ચિમ કાંઠા પર આવેલા જંગલેશ્વર, બુદ્ધનગર, રાધાકૃષ્ણનગર, નાળોદાનગર, સિદ્ધાર્થનગર વગેરે વિસ્તોરના રહીશોને 27 જાન્યુઆરીએ નોટિસ ફટકારી જણાવ્યું હતું કે તેમના મકાન સરકારી જમીન પર દબાણ છે અને હુકમ કર્યો હતો કે તે મકાન સાત દિવસની અંદર જાતે દૂર કરે અન્યથા સરકાર તેને દૂર કરશે.

આ પહેલાં 23 જાન્યુઆરીએ સરકારે હુકમ કરતા આ રહીશોનાં મકાન જે જમીન પર ઊભાં છે તે જમીન પરના માલિકી હક્કના દાવાને ફગાવી દેતો હુકમ કર્યો હતો.

માલિકી હક્કના દાવાને નકારી કાઢતા હુકમ અને મકાન ખાલી કરવાની નોટિસ સામે લક્ષ્મણભાઈ જમોડ અને આમદભાઈ નાઈની આગેવાની હેઠળ આ વિસ્તારના લોકોએ 30 જાન્યુઆરીએ ગુજરાત હાઇકોર્ટમાં બે અલગ-અલગ અરજી દાખલ કરી હતી.

આ બંને અરજીની સોમવારે ન્યાયમૂર્તિ વૈભવી નાણાવટીની કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન અસરગ્રસ્ત પરિવારોના વકીલોએ દલીલ કરી કે તેઓએ રાજકોટના મહેસૂલી અધિકારીએ ફરમાવેલા માલિકી હક્ક નકારી કાઢતા હુકમ સામે ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલમાં અપીલ કરેલી હોવા છતાં તે અપીલના નિકાલ પહેલાં જ રાજકોટ શહેર (પૂર્વ) મામલતદારે કબજો છોડી દેવાની નોટિસ ફટકારી દીધી છે.

બીબીસી સાથે વાત કરતા આમદભાઈના વકીલ રવિશંકર ગોગિયાએ કહ્યું, "અમે હાઇકોર્ટને જણાવ્યું કે ટૂંકી સુનાવણી કરી રહીશોનો તે જમીન પરનો કબજો ગેરકાયદેસર છે તેવો હુકમ કરી તે હુકમ સામે રહીશોએ અપીલ દાખલ કરી હોવા છતાં હુકમ પછી થોડા જ દિવસમાં સરકારે કબજો ખાલી કરવાની નોટિસ તે સુપ્રીમ કોર્ટના નિર્દેશોની વિરુદ્ધ છે."

"અમે હાઇકોર્ટને એવી પણ પ્રાર્થના કરી કે આ વિસ્તારના જ કેટલાક લોકોને જેમ રાજકોટ મહાનગરપાલિકાએ વૈકલ્પિક રહેઠાણો આપવાની વાતને સ્વીકારી છે તે જ રીતે રાજ્ય સરકાર પણ આ રહીશોએ વૈકલ્પિક રહેઠાણોની માગણી કરી છે તે અંગે વિચાર કરે. નામદાર હાઇકોર્ટે અમારી અરજી માન્ય રાખી લૅન્ડ રેવન્યુ કોડની કલમ 202 મુજબ ફટકારેલ કબજો છોડી દેવાની નોટિસને રદબાતલ કરી છે."

"સાથે જ કોર્ટે ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલને નિર્દેશ આપ્યો છે કે અરજદારોની અપીલનો 90 દિવસમાં નિકાલ કરવામાં આવે. હાઇકોર્ટે રાજ્ય સરકારને પણ એવો નિર્દેશ આપ્યો છે કે રહીશોએ આવેદનપત્ર આપી વૈકલ્પિક રહેઠાણોની કરેલી માગણી પર પણ કાયદા મુજબ કાર્યવાહી કરે."

જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

સોમવારે સવાર જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના કારણે સુરક્ષાતંત્ર સજગ થઈ ગયું હતું.

બીબીસી ગુજરાતીના સહયોગી હનિફ ખોખર જણાવે છે કે કોર્ટને ઉદ્દેશીને ઇમેઇલ આવ્યો હતો, એ પછી પોલીસ, ફાયર બ્રિગેડ તથા ક્વિક રિસ્પૉન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સાવચેતીના પગલાં રૂપે કોર્ટ પરિસર ખાલી કરાવ્યું હતું.

ડૉગ તથા બૉમ્બ સ્ક્વૉડે પણ જૂનાગઢ કોર્ટ પરિસરની તપાસ હાથ ધરી હતી અને આગમન-નિર્ગમન માર્ગો ઉપર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે આજુબાજુના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બીજી બાજુ, સાયબર પોલીસે ઇમેલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો, વગેરે જેવી બાબતો ઉપર તપાસ હાથ ધરી છે.

સ્થાનિક વહીવટીતંત્રને ટાંકતા હનિફ ખોખર જણાવે છે કે હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. સાથે જ તંત્રે લોકોને અફવા ઉપર ધ્યાન નહીં આપવા કહ્યું છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર જૂનાગઢના કોર્ટ પરિસરમાં બૉમ્બ મૂકાયો હોવાની ધમકીની વાત કહી છે.

સોમવારે જ બપોરના ભાગે રાજકોટ જિલ્લા કલેક્ટ્રેટની ઑફિસમાં બૉમ્બ મૂકાયો હોવાની ધમકી મળી હતી, જેનાથી દોડધામ મચી ગઈ હતી.

રાજકોટસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી બિપીન ટંકારિયા કહે છે કે બૉમ્બ તથા ડૉગ સ્ક્વૉડ જિલ્લા વહીવટી કચેરીએ પહોંચી ગયા છે અને તપાસ હાથ ધરી છે, જોકે, હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં નથી આવી.

અજિત પવારનું 'મોત રહસ્યમય, પડદા પાછળ કંઈક તો થયું છે', સંજય રાઉતે શું કહ્યું?

એનસીપી નેતા અજિત પવારનાં વિમાન અકસ્માતમાં મૃત્યુને શિવસેનાના (યુબીટી) નેતા સંજય રાઉતે 'રહસ્યમય' ગણાવી છે.

તેમણે કહ્યું, "અજિત પવારનો જે અકસ્માત થયો, તેના ઉપર સવાલ ઊઠશે અને ઊઠવા જોઈએ જ....કંઇક તો ગડબડ છે."

સંજય રાઉતે કહ્યું હતું કે અજિત પવાર જેવા મોટા નેતાનું જે રીતે વિમાનદુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયું, તેના ઉપર 'તપાસ કરીશું' અને 'રિપોર્ટ આપશે' જેવી વાતોથી કંઈ નહીં વળે.

સંજય રાઉતે કહ્યું, "તેમનું મૃત્યુ રહસ્યમય છે. પડદા પાછળ કંઇક તો થયું છે....અજિત પવારે કહ્યિં હતું કે હું મારા જૂના ઘરે જવા માંગું છું."

સંજય રાઉતે આરોપ મૂક્યો, "એ પછી ભાજપવાળાઓએ તેમને ધમકાવ્યા કે હજુ પણ તમારી સિંચાઈ કૌભાંડની ફાઇલ બંધ નથી થઈ."

"એ પછી અજિત પવારે પણ જવાબ આપ્યો, 'મારું છોડો, તમારા સિંચાઈ કૌભાંડની ફાઇલ મારી પાસે છે'....10 દિવસ પછી એમનું રહસ્યમય રીતે મૃત્યુ થઈ ગયું. આનો શું અર્થ નીકળે?

ટી-20 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત વિરુદ્ધની મૅચ નહીં રમવાના નિર્ણય અંગે પાકિસ્તાનના કૅપ્ટને શું કહ્યું?

પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કૅપ્ટન સલમાન આગાનું કહેવું છે કે ટી-20 વર્લ્ડકપમાં ભારતની સામે મૅચ નહીં રમવાનો નિર્ણય પાકિસ્તાનના ક્રિકેટરોનો નથી.

પાકિસ્તાને જાહેરાત કરી છે કે તેની ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપમાં ભારત સામેની મૅચનો બહિષ્કાર કરશે. તા. 15મી ફેબ્રુઆરીના રોજ બંને પરંપરાગત હરીફ વચ્ચે ક્રિકેટના મેદાન ઉપર ટક્કર થવાની હતી.

પાકિસ્તાનની સરકારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "ઇસ્લામિક ગણરાજ્ય પાકિસ્તાનની સરકારે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2026માં ભાગ લેવાની મંજૂરી આપી છે. જોકે, પાકિસ્તાનની ક્રિકેટ ટીમ 15 ફેબ્રુઆરી 2026ના ભારત સામેની નક્કી થયેલી મૅચમાં મેદાન ઉપર નહીં ઊતરે."

લાહોરમાં એક પત્રકારપરિષદ દરમિયાન સલમાન અલી આગાને ભારત વિરુદ્ધની મૅચ નહીં રમવાના નિર્ણય અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો.

આના વિશે સલમાન અલી આગાએ કહ્યું, "એ અમારો નિર્ણય નથી. અમે તેમાં કશું ન કરી શકીએ. અમારી સરકાર, અમારા ચૅરમૅનમ જે કહે, તે અમારે કરવાનું છે. તેઓ જેમ કહેશે, અમે કરીશું."

તા. સાતમી ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં ટી-20 વર્લ્ડકપ શરૂ થશે.

ઍપ્સ્ટીન ફાઇલ્સમાં 'મેલાનિયા' ડાયરેક્ટરની તસવીર સામે આવી, યુકેમાં એક નેતાએ રાજીનામું આપ્યું

અમેરિકાના ન્યાયતંત્રે બહાર પાડેલી ઍપ્સ્ટીન ફાઇલ્સ સંબંધે જે એક લાખ 80 હજાર તસવીરો છે, તેમાં મેલાનિયા ટ્રમ્પના જીવન ઉપર બનેલી નવી ડૉક્યુમેન્ટ્રી 'મેલાનિયા'ના ડાયરેક્ટર બ્રેટ રૅટનરની તસવીરો પણ બહાર આવી છે.

જેમાં બ્રેટ રૅટનર સોફા ઉપર બેઠા છે અને એક યુવા મહિલાના ગળામાં હાથ નાખેલો છે. સગીરાઓ સાથે દુષ્કર્મમાં દોષિત ઠરેલા જેફ્રી ઍપ્સ્ટીને પણ આ તસવીરમાં જોઈ શકાય છે. જેફ્રી પણ સોફા ઉપર બેઠો છે અને તેની સાથે પણ એક યુવા મહિલા છે.

આ તસવીરોમાં મહિલાઓની ઓળખ છૂપાવવામાં આવી છે. તસવીરો ક્યારે લેવામાં આવી હતી તે સ્પષ્ટ નથી. પરંતુ ડિસેમ્બર મહિનામાં જે કેટલીક તસવીરો સાર્વજનિક કરવામાં આવી હતી, તે સ્થળની જ જણાય આવે છે.

બીબીસીએ આ મામલે બ્રેટ રૅટનરના પ્રતિનિધિનો સંપર્ક સાધ્યો છે.

ઉલ્લેખનીય છે કે બ્રેટે 'રશ અવર' ફિલ્મ સિરીઝ તથા 'ઍક્સમૅન : ધ લાસ્ટ મૅન સ્ટેન્ડ' જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી છે.

બીજી બાજુ, બ્રિટનમાં લેબર પાર્ટીના નેતા પીટર મૅન્ડેલસને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. પોતાના પત્રમાં તેમણે લખ્યું છે કે તેઓ 'પાર્ટીને વધુ શર્મિંદા' કરવા નથી માંગતા.

બ્રિટનના પૂર્વ કૅબિનેટ મંત્રી મૅન્ડેલસનને ઍપ્સ્ટીન સાથેના સંબંધોને કારણે ગત વર્ષે અમેરિકામાં બ્રિટનના રાજદૂતપદેથી હઠાવી દેવામાં આવ્યા હતા.

દસ્તાવેજોની વિગતો પ્રમાણે, ઍપ્સ્ટીને વર્ષ 2003 અને 2004 દરમિયાન મૅન્ડેલસનને 25 હજાર ડૉલરના ત્રણ અલગ-અલગ ટ્રાન્ઝેક્શનમાં કુલ 75 હજાર ડૉલરનું પેમેન્ટ કર્યું હતું.

લેબર પાર્ટીના મહાસચિવને સંબોધીને લખેલા પત્રમાં મૅન્ડેલસને કહ્યું છે કે આ અઠવાડિયે ફરી વખત તેમનું નામ જેફ્રી ઍપ્સ્ટીન સાથે જોડાયું છે અને તે વાતનો તેમને અફસોસ છે.

મૅન્ડેલસને લખ્યું, "તેમણે (જેફ્રી ઍપ્સ્ટીને) 20 વર્ષ અગાઉ મને પેમેન્ટ કર્યું હોવાના આરોપ ખોટા છે. તેનો મારી પાસે કોઈ રેકૉર્ડ નથી કે યાદ નથી. મારે તેની તપાસ કરવી રહી."

"આવું કરતી વેળાએ હું લેબર પાર્ટીને વધુ શરમજનક સ્થિતિમાં નથી મૂકવા માંગતો અને એટલે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું. આ તકે હું એ મહિલાઓ અને છોકરીઓની ફરીથી માફી માગવા ચાહું છું, જેમનો અવાજ બહુ પહેલાં સાંભળવો જોઈતો હતો."

"મેં મારું જીવન લેબર પાર્ટીના મૂલ્યો અને સફળતા માટે સમર્પિત કર્યું છે અને આ નિર્ણય લેતી વેળાએ મારું માનવું છે કે હું પાર્ટીના સૌથી સારા હિતમાં કામ કરી રહ્યો છું."

આ પહેલાં મૅન્ડેલસને કહ્યું હતું કે બહાર પાડવામાં આવેલા દસ્તાવેજ સાચા છે કે બનાવટી, તેના વિશે તેમને માહિતી નથી.

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જાતીય ગુનાઓમાં દોષિત જેફ્રી ઍપ્સ્ટીન સંબંધિત લાખો નવી ફાઇલો તાજેતરમાં સાર્વજનિક કરી છે. જેમાં 30 લાખ પન્ના, એક લાખ 80 હજાર તસવીરો તથા બે હજાર જેટલા વીડિયોનો સમાવેશ થાય છે.

વર્ષ 2019માં જેફ્રીનું અમેરિકાની જેલમાં મૃત્યુ થયું હતું અને મૃત્યુના સંજોગો વિશે વ્યાપક ચર્ચા ચાલી હતી.

અંડર-19 વર્લ્ડકપ: પાકિસ્તાનને હરાવીને ભારત સેમિફાઇનલમાં પહોંચ્યું

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) વર્લ્ડકપ 2026ના 'સુપર સિક્સ' મુકાબલામાં રવિવારે ભારત અને પરંપરાગત હરીફ પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ હતી.

આ મૅચમાં ભારતે 58 રને પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. જોકે, મૅચનું પરિણામ આવ્યું, તે પહેલાં જ ભારતે સેમિફાઇનલ માટે ક્વૉલિફાય કરી લીધું હતું.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, 253 રનનો ટાર્ગેટ હાંસલ કરવા માટે પાકિસ્તાનની ટીમ મેદાન ઉપર ઉતરી હતી, પરંતુ 33.3 ઓવરમાં આ લક્ષ્યાંક પૂર્ણ નહોતો કરી શકી, જેથી આખરી ચારમાં ભારતનું સ્થાન પાક્કું થયું હતું.

પાકિસ્તાનની સમગ્ર ટીમ 46.2 ઓવરમાં 194 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કૅપ્ટન આયુષ મ્હાત્રે તથા ખિલાન પટેલે ત્રણ-ત્રણ વિકેટો લીધી હતી. જ્યારે પાકિસ્તાન તરફથી ઉસમાન અલી ખાને સૌથી વધુ 66 રન (92 બૉલ) બનાવ્યા હતા.

આ મૅચ ઝીમ્બાબવેના બુલાવાયો ખાતે રમાઈ હતી. હવે ચોથી ફેબ્રુઆરીના ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સેમિફાઇનલ મૅચ રમાશે.

પાકિસ્તાનમાં ગોળીબાર અને બૉમ્બહુમલામાં 193નાં મૃત્યુ

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ગોળીબાર તથા બૉમ્બ હુમલામાં 31 નાગરિક તથા 17 સુરક્ષાકર્મી મૃત્યુ પામ્યા છે.

પ્રાંતના મુખ્ય મંત્રી સરફરાઝ બગતીને ટાંકતા બીબીસી ઉર્દૂએ આ માહિતી આપી છે. તેમના કહેવા પ્રમાણે, હુમલાના જવાબમાં સુરક્ષાબળોએ જે કાર્યવાહી કરી, તેમાં ઓછામાં ઓછા 145 હુમલાખોર મૃત્યુ પામ્યા છે. આ અથડામણોમાં કુલ 193 લોકો મૃત્યુ પામ્યા છે.

આ પહેલાં ભાગલાવાદી સમૂહ બલૂચિસ્તાન લિબ્રેશન આર્મીએ (બીએલએ) આ હુમલાની જવાબદારી લીધી હતી અને કહ્યું હતું કે આમાં અનેક પાકિસ્તાની સૈનિક માર્યા ગયા છે.

પાકિસ્તાનની સરકારનું કહેવું છે કે ભારત દ્વારા બીએલએને સમર્થન આપવામાં આવે છે, પરંતુ ભારતે આવા આરોપોને પાયાવિહોણા ગણાવી તેને ફગાવી દીધા છે.

બીએલએનો આરોપ છે કે પાકિસ્તાનની સંઘીય સરકાર દેશના સૌથી મોટા પ્રાંત બલૂચિસ્તાનના વિશાળ ખનીજ સંશાધનોનું દોહન કરી રહી છે, પરંતુ તેમાંથી સ્થાનિકોને કોઈ લાભ નથી મળતો.

બલૂચિસ્તાન એ પાકિસ્તાનના કુલ ભૂભાગનો 44 ટકા જેટલો છે અને તેની સીમાઓ પાડોશી દેશ ઈરાન અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે. બલૂચો અહીંના સૌથી મોટા જાતીય સમૂહ છે અને તેમના ઉપરથી પ્રાંતનું નામ ઉતરી આવ્યું છે.

પાકિસ્તાનની 24 કરોડ કરતાં વધુની વસતિ છે, જેમાંથી લગભગ પાંચ ટકા વસતિ અહીં વસે છે.

પ્રાકૃત્તિક સંશાધનોની બાબતમાં બલૂચિસ્તાન સૌથી સમૃદ્ધ રાજ્ય છે, જેમાં ગૅસ તથા ખનિજ સંશાધનોના વિશાળ ભંડાર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન