You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નૌકાદળના કર્મચારી પર યુવતીની હત્યા કરીને મૃતદેહના કટકા ફ્રીઝમાં મૂક્યાનો આરોપ
- લેેખક, લક્કોજુ શ્રીનિવાસ
- પદ, બીબીસી માટે
- વાંચવાનો સમય: 4 મિનિટ
(ચેતવણી : આ અહેવાલમાં આપવામાં આવેલી કેટલીક માહિતી અમુક વાચકોને વિચલિત કરી શકે છે.)
વિશાખાપટ્ટનમ જિલ્લાના ગાજુવાકમાં 29 વર્ષીય મહિલાની હત્યા કરીને તેમના શરીરના ટુકડા કરીને તેને ફ્રીઝમાં છુપાવવાનો કેસ સામે આવ્યો છે.
પોલીસે બીબીસીને જણાવ્યા પ્રમાણે, નૌકાદળની પૂર્વ કમાનમાં ટેકનિશિયન તરીકે કામ કરતા રવીન્દ્રની (ઉં.વ.35) ધરપકડ કરવામાં આવી છે.
ગાજુવાકા પોલીસ સ્ટેશનના સર્કલ ઇન્સ્પેક્ટર (સીઆઇ) પાર્થસારથિએ બીબીસીને જણાવ્યું કે મોનિકાની (ઉં.વ. 29) હત્યા કર્યા બાદ રવીન્દ્રે મૃતકના શરીરના કેટલા ભાગોને ફ્રીઝમાં રાખ્યા હતા, જ્યારે બાકીનાં અંગોને બેગમાં બાંધીને સળગાવી દીધાં હતાં.
પોલીસના જણાવ્યા પ્રમાણે રવીન્દ્ર અને ખાનગી બૅન્કમાં નોકરી કરતાં મોનિકાની મુલાકાત ડેટિગ ઍપ પર થઈ હતી.
પોલીસે જણાવ્યું હતું, "જ્યારે તેનાં (રવીન્દ્ર) પત્ની પ્રસૂતિ માટે પિયર વિજયનગરમ ગયાં હતાં અને આઠ મહિનાથી ત્યાં જ હતાં. ત્યારે રવીન્દ્રે તેમનાં પ્રેમિકાને ઘરે બોલાવ્યાં હતાં અને આ જઘન્ય કૃત્ય આચર્યું હતું.
બીબીસીએ રવીન્દ્રના પરિવારનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેઓ ઉપલબ્ધ ન હતા. તેમનો સંપર્ક થયે અમે આ સ્ટોરીને અપડેટ કરીશું.
ડેટિંગ ઍપ ઉપર મુલાકાતથી વાત 'હત્યા' સુધી કેવી રીતે પહોંચી?
પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી રવીન્દ્રની ધરપકડ કરવામાં આવી છે. આરોપી રવીન્દ્રે આપેલી માહિતી તથા પ્રાથમિક તપાસ અંગે સીઆઇ પાર્થસારથિએ બીબીસીને જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે જણાવ્યું, "રવીન્દ્રે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તેઓ ત્રણ વર્ષ પહેલાં એક ડેટિંગ ઍપના માધ્યમથી મળ્યાં હતાં."
પોલીસના જણાવ્યા પ્રમાણે, લગભગ બે વર્ષ પહેલાં રવીન્દ્રનું લગ્ન થયું હતું. તેમનાં પત્ની બાળકને જન્મ આપવા પિયર ગયાં હતાં.
પોલીસે જણાવ્યું, "આ અરસામાં રવીન્દ્ર પોતાના ઘરે મોનિકાને મળતા હતા. રવીન્દ્રે રવિવારે (29 માર્ચ) સવારે મોનિકાને પોતાના ફ્લૅટે બોલાવ્યા હતા. આરોપીનું કહેવું છે કે ત્યાં તેમનો મોનિકા સાથે ઝઘડો થયો હતો."
સીઆઇ પાર્થસારથિએ કહ્યું, "રવીન્દ્રનું કહેવું છે કે એ મહિલા નાણા મુદ્દે તેની કનડગત કરી રહી હતી અને તેમનાં પત્નીને બધું કહી દેવાની ધમકી આપી રહી હતી."
'અમે ફ્રીઝ ખોલ્યું, તો તેમાં ધડ મળ્યું હતું'
(આત્મહત્યા ગંભીર મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમસ્યા છે. જો તમે તણાવગ્રસ્ત હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330ની મદદ લઈ શકો છો. આ અંગે મિત્રો તથા પરિવારજનો સાથે વાત કરવી જોઈએ.)
સીઆઇ પાર્થસારથિએ કહ્યું, "અમને રવિવારે સાંજે ફોન આવ્યો હતો. ફોન ઉપર જણાવવામાં આવ્યું હતું કે એલવી નગરમાં રવીન્દ્ર નામના નૌકાદળના કર્મચારીએ કોઈની હત્યા કરી નાખી છે તથા તેણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે."
"અમે તરત જ એ સરનામે પહોંચ્યાં, તો ઘર બંધ હતું. અમે બારી તથા વૅન્ટિલેટરમાંથી જોવાનો પ્રયાસ કર્યો, પરંતુ કંઈ દેખાયું નહીં. એટલે અમે પાડોશીઓને બોલાવ્યા. મકાનમાલિકને પણ બોલાવ્યા."
"અમે રવીન્દ્રના ભાઈને પણ બોલાવ્યા. તેમની મદદથી અમે ઘરમાં પ્રવેશ્યા. ઘર એકદમ ચોખ્ખું હતું. સ્પ્રૅ પેઇન્ટની ગંધ આવી રહી હતી. કશું સંદિગ્ધ મળ્યું ન હતું. જ્યારે અમે ફ્રીઝ ખોલ્યું, તો તેમાં ધડ મળ્યું હતું, જેનું માથું કપાયેલું હતું. વધુ તપાસ કરી તો એક સૂટકેસ મળી, જેમાં શરીરનાં કેટલાંક અંગ હતાં."
પાર્થસારથિએ બીબીસીને જણાવ્યું, "અમે તરત જ રવીન્દ્રનું પગેરું દાબવાનો પ્રયાસ કર્યો. એવામાં અમને તેમનાં માતાપિતાનો ફોન આવ્યો. તેમની મદદથી અમે રવીન્દ્રને પોલીસ સ્ટેશને બોલાવ્યો અને અટકમાં લીધો."
"પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તે હત્યા કર્યા બાદ માથું આદિવીરમ પાસે ધરાપાલમમાં લઈ ગયો અને તેને સળગાવી દીધું. અમારી ટીમોએ ત્યાં જઈને તપાસ હાથ ધરી છે."
આરોપી રવીન્દ્રે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તેણે હત્યાના એક દિવસ પહેલાં જ ચાકુ ખરીદ્યું હતું.
'ભયના માર્યા નાસી છૂટ્યા'
રવીન્દ્રના જ ફ્લૉર ઉપર આવેલા અન્ય એક ફ્લૅટના માલિક રામકૃષ્ણે બીબીસીને જણાવ્યું કે પોલીસના આગમન પછી શું થયું.
રામકૃષ્ણે કહ્યું, "રવિવારે રાત્રે લગભગ આઠ વાગ્યે કેટલાક લોકો અમારી પાસેના ફ્લૅટમાં કેટલાક લોકો બારીમાંથી ડોકિયાં કરી રહ્યા હતા. જ્યારે અમે તેમને પૂછ્યું કે શું થઈ રહ્યું છે, તો તેમણે કહ્યું કે તેમને માહિતી મળી હતી કે ત્યાં કોઈ ગુનો થયો છે. તેઓ પોલીસવાળા છે. તેમણે રવીન્દ્ર વિશે માહિતી માગી."
"પોલીસે અંદર જઈને રાહતનો શ્વાસ લીધો હતો, કારણ કે બધું વ્યવસ્થિત અને ચોખ્ખું હતું. ત્યાં કોઈ સંદિગ્ધ પરિસ્થિતિ ન હતી. જોકે, થોડી જ વારમાં ફ્રીઝ તથા એક સૂટકેસમાં ધડ તથા શરીરનાં અન્ય અંગ મળ્યાં. તેને જોતાં જ અમે ભયના માર્યા નાસી છૂટ્યા. એ ભય આજે પણ ઓછો નથી થયો."
'તે એક વર્ષથી ભાડે રહેતો હતો'
ફ્લૅટના માલિક શ્રીરામમૂર્તિએ જણાવ્યું કે બરાબર એક વર્ષ અગાઉ 29 માર્ચ, 2025ના રોજ અમે આ ઘર રવીન્દ્રને ભાડે આપ્યું હતું અને હત્યાના સમાચાર મળ્યે અમે બરાબર એક વર્ષે ફરીથી અહીં આવ્યા છીએ.
શ્રીરામમૂર્તિએ કહ્યું, "તે ઘર ભાડે લેવા આવ્યો હતો. તેણે પોતાનું ઓળખપત્ર દેખાડ્યું. ત્યારે તે નૌકાદળમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. તેણે અમને જણાવ્યું હતું કે તે રાજમનો છે. હું પણ બીએસએફનો (બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ) નિવૃત્ત કર્મચારી છું. મેં એને તરત જ ઘર ભાડે આપી દીધું. તે દર મહિને ભાડું આપતો હતો. તેણે કહ્યું કે તેની પત્ની પિયર ગઈ છે, એ પછી આ બધું ઘટી ગયું."
'તેને કડક સજા મળવી જોઈએ'
બીબીસીએ મોનિકાના પિતા વેણુગોપાલ રાવ સાથે વાત કરી. તેમણે કહ્યું, "તેણે હત્યાના ઇરાદે મારી દીકરીને ઘરે બોલાવી હતી. એટલે એણે ચાકુ અને સ્પ્રૅ પહેલાંથી જ ખરીદી રાખ્યાં હતાં. હવે અમારી દીકરી ક્યારેય પરત નહીં ફરે."
"કમસે કમ એને ગુના માટે કડક સજા મળે. જેથી કમસે કમ મારી દીકરીના મનને શાંતિ મળશે."
ગાજુવાકાના સીઆઇ પાર્થસારથિએ કહ્યું કે મોનિકાના પરિવારના સભ્યો પાસેથી વધુ માહિતી મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે અને તપાસ ચાલી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન