ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની ખૂબ નિકટ પહોંચી ચૂક્યું હતું'

વાંચવાનો સમય: 3 મિનિટ

વ્હાઇટ હાઉસમાં ઈરાન યુદ્ધ અંગે બોલતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "ઈરાનનું નૌકાદળ સમાપ્ત થઈ ચૂક્યું છે, તેમનું હવાઈ દળ તબાહ થઈ ચૂક્યું છે. તેમના મોટા ભાગના નેતા મૃત્યુ પામ્યા છે."

ટ્રમ્પે એવું પણ કહ્યું કે ઈરાન પર હુમલો કરવો ખૂબ જરૂરી હતો, કારણ કે એ પરમાણુ હથિયાર બનાવવાની ખૂબ નજીક પહોંચી ચૂક્યું હતું.

ટ્રમ્પે દાવો કર્યો કે યુદ્ધનો હેતુ પૂરો થવાની નજીક છે.

તેમણે કહ્યું, "અમે ઇઝરાયલને અને મધ્ય પૂર્વના પોતાના અન્ય સહયોગીઓ જેમ કે, સાઉદી અરેબિયા, બહરીન, કતાર, કુવૈત અને યુએઈનો તેમના સહયોગ માટે આભાર વ્યક્ત કરીએ છીએ."

તેમણે કહ્યું કે કોઈ પણ જાતની ઉશ્કેરણી વિના ઈરાને આ દેશો પર હુમલો કર્યો તેનાથી સાબિત થાય છે કે એ આ વિસ્તાર માટે કેટલો મોટો ખતરો છે.

ટ્રમ્પના ભાષણ બાદ તરત જ ઑઇલની કિંમતોમાં ભારે ઉછાળો તથા એશિયન બજારોમાં ભારે કડાકો જોવા મળ્યો.

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ભાષણમાં કહ્યું કે તેઓ આ સંબોધન એટલા માટે કરી રહ્યા છે, જેથી લોકોને સમજાય કે "એપિક ફ્યૂરી" અમેરિકા અને વિશ્વની સુરક્ષા માટે કેમ જરૂરી છે. અમેરિકાએ ઈરાન વિરુદ્ધ પોતાની સૈન્ય કાર્યવાહીને 'એપિક ફ્યૂરી' નામ આપ્યું છે.

ટ્રમ્પે કહ્યું કે પાછલાં 47 વર્ષોમાં ઈરાન કે તેના સમર્થિત સમૂહોએ ઘણાં ચરમપંથી હુમલા અને અન્ય કાર્યવાહીઓ કરી. તેમણે ઈરાનની સત્તાને 'હત્યારી' ગણાવી. તેમણે હાલમાં જ દેશમાં થયેલાં વિરોધ પ્રદર્શનો પર કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં હજારો નાગરિકો મૃત્યુ પામ્યા હતા.

તેમણે કહ્યું કે આવા નેતાઓને પરમાણુ હથિયાર હાંસલ કરવાની પરવાનગી ન આપી શકાય. "હું આવું નહીં થવા દઉં."

'આ યુદ્ધ એક રોકાણ છે'

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા એક સૈન્ય તાકત તરીકે અજેય છે. તેમણે આ યુદ્ધને અમેરિકાની આગામી પેઢીઓ માટે 'એક ખરું રોકાણ (ઇન્વેસ્ટમેન્ટ)' ગણાવ્યું.

એ બાદ તેમણે 20મી અને 21મી સદીનાં યુદ્ધોના સમયગાળાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે એ યુદ્ધો ઘણાં વર્ષો સુધી ચાલ્યાં, પરંતુ આ સંઘર્ષ હજુ માત્ર 32 દિવસથી ચાલી રહ્યો છે.

ટ્રમ્પે દાવો કર્યો કે હવે અમેરિકન નાગરિક ઈરાની આક્રમકતા અને 'પરમાણુ બ્લૅકમેલ'ના ખતરામાં નથી. તેમના પ્રમાણે, અમેરિકા હવે પહેલાંથી ઘણું વધારે સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ હશે.

ક્રૂડઑઇલની કિંમતોમાં વધારો

બીબીસીના બિઝનેસ રિપોર્ટર પીટર હૉસકિંસ પ્રમાણે ટ્રમ્પના સંબોધનથી આંતરરાષ્ટ્રીય ક્રૂડઑઇલ બજારને એ વાત અંગે કોઈ વિશ્વાસ નથી મળ્યો કે હોર્મુઝની સામુદ્રધુની ક્યારે ખૂલશે.

રાષ્ટ્રપતિએ બોલવાનું શરૂ કર્યું એ પહેલાં બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 100 ડૉલર પ્રતિ બેરલ પર હતી.

સંબોધન દરમિયાન તેમાં ઉતારચઢાવ જોવા મળ્યો, પરંતુ હવે કિંમતો ફરીથી વધી રહી છે અને હાલ લગભગ ચાર ટકા વધીને 105.38 ડૉલર સુધી પહોંચી ગઈ છે.

હોર્મુઝની સામુદ્રધુની વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વિશ્વનો લગભગ 20 ટકા ઊર્જા પુરવઠો સામાન્યપણે આ જ સાંકડા સમુદ્રી માર્ગથી થઈને પસાર થાય છે.

28 ફેબ્રુઆરીના રોજ સંઘર્ષ શરૂ થયા બાદથી આ રસ્તો લગભગ બંધ પડ્યો છે. ઈરાને અમેરિકન અને ઇઝરાયલી હવાઈ હુમલાના જવાબમાં આ જળમાર્ગનો ઉપયોગ કરનારાં જહાજો પર હુમલો કરવાની ધમકી આપી હતી.

'ટ્રમ્પના પ્લાનમાં કંઈ પણ સ્પષ્ટ નથી'

અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી એન્ટની બ્લિંકનનનાં વરિષ્ઠ સલાહકાર રહી ચૂકેલા મેલિસા ટૂફેનિયને બીબીસીને કહ્યું કે ટ્રમ્પના ભાષણ બાદ અમેરિકન દર્શક ઈરાન યુદ્ધ અંગે કદાચ વધુ મૂંઝવણમાં પડી ચૂક્યા છે.

તેમણે કહ્યું, "મને નથી લાગતું કે આજે એ ભાષણ જોનારી કોઈ પણ અમેરિકન વ્યક્તિ એવું અનુભવી રહી હશે કે કોઈ સ્પષ્ટ યોજના છે, કોઈ સ્પષ્ટ સમયમર્યાદા છે, કે આપણે પહેલાં કરતાં વધુ સુરક્ષિત અને સંરક્ષિત છીએ."

તેમજ નાટોમાં અમેરિકાના પૂર્વ રાજદૂત ઈવો ડાલ્ડરે કહ્યું કે ભાષણમાંથી ઘણા મહત્ત્વપૂર્ણ સવાલોના જવાબો ન મળ્યા.

તેમાં સૌથી મોટો સવાલ એ છે કે જો ટ્રમ્પનો દાવો છે કે ઈરાનની પરમાણુ ક્ષમતા, નૌસૈન્ય અને મિસાઇલ સિસ્ટમ તબાહ થઈ ચૂક્યાં છે, તો પછી અમેરિકા હજુ પણ ઈરાનમાં સૈન્ય કાર્યવાહી કેમ કરી રહ્યું છે.

તેમણે બીબીસી સંવાદદાતા સુમી સોમાસ્કંદાને કહ્યું, "મને નથી લાગતું કે આનાથી આપણે વધુ સુરક્ષિત થયા છીએ... અને મને લાગે છે કે અમેરિકન જનતાના મનમાં પણ આ જ પ્રકારની શંકા છે."

ડાલ્ડરનું કહેવું છે કે આ ભાષણમાં ટ્રમ્પે નાટો સહયોગી વિરુદ્ધ કડક વલણ નથી અખત્યાર કર્યું અને ના ગઠબંધનમાંથી બહાર નીકળવાની ધમકીઓનો પુનરુચ્ચાર કર્યો, પરંતુ શક્યતા છે કે તેઓ બાદમાં સોશિયલ મીડિયા પર આ વલણ ફરી વખત દેખાડી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન