You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
30 લાખ અધિકારીઓ અને 33 સવાલો, ભારત માટે નવી વસ્તીગણતરી કેમ ખાસ છે?
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 5 મિનિટ
"તમારા ઘરે કૉન્ક્રિટની પાકી છત છે કે પછી કાચું છાપરું?"
તમે મુખ્યત્વે કયું અનાજ ખાવ છો? તમારી પાસે ઇન્ટરનેટ ઍક્સેસ છે કે પછી માત્ર સાદો ફોન છે? તમારા ઘરમાં કેટલાં પરિણીત દંપતીઓ એક છાપરા નીચે રહે છે?
ભારતમાં પહેલી એપ્રિલથી દુનિયાની સૌથી મોટી વસ્તીગણતરી શરૂ થઈ છે, જેમાં એક અબજ કરતાં વધુ લોકોને આવા 33 પ્રશ્નો પૂછવામાં આવશે. ભારતમાં 15 વર્ષ પછી પહેલી વખત વસ્તીગણતરી થઈ રહી છે.
આ પ્રક્રિયા બે તબક્કામાં થશે જેને વિશ્વની સૌથી મહત્ત્વાકાંક્ષી કવાયત તરીકે ઓળખાવાય છે. તેમાં 30 લાખથી વધુ અધિકારીઓ દેશમાં એક-એક વ્યક્તિની ગણતરી કરશે.
ભારતમાં આ 16મી વસ્તી ગણતરી હશે અને 1947માં દેશ આઝાદ થયા પછી આઠમી વસ્તીગણતરી હશે. તેમાં લોકોની જાતિનો ડેટા પણ એકત્ર કરવામાં આવશે જે નીતિ તૈયાર કરવા, લોકકલ્યાણની યોજનાઓ ઘડવા અને રાજકીય પ્રતિનિધિત્વ માટે બહુ મહત્ત્વનો ગણવામાં આવે છે.
ભારત 1.40 અબજ કરતાં વધુ લોકોની વસ્તી ધરાવે છે અને યુનાઇટેડ નૅશન્સ પૉપ્યુલેશન ફંડ મુજબ 2023માં ભારત વસ્તીના મામલે ચીન કરતા આગળ નીકળી ગયું હતું.
વસ્તીગણતરીમાં 33 સવાલો
આમ છતાં ઘટતી જતી ફળદ્રુપતા અને 28 વર્ષની સરેરાશ ઉંમર સાથે ભારત દુનિયાના સૌથી યુવાન દેશો પૈકી એક ગણાય છે. ભારતમાં લગભગ 70 ટકા લોકો કામ કરવાની વયના છે.
ભારતમાં છેલ્લે 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યાર પછી 2021માં વસ્તીગણતરી થવાની હતી, પરંતુ પહેલાં કોવિડના કારણે અને પછી ચૂંટણીઓના કારણે વસ્તી ગણતરી ન થઈ શકી અને પાછળ ઠેલાતી રહી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વખતની વસ્તીગણતરી 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવશે, જેમાં 7,000થી વધારે જિલ્લા, 9,700થી વધારે નાનાં મોટાં શહેરો અને 6.40 લાખથી વધારે ગામડાં આવરી લેવાશે. તેમાં શિક્ષકો, સરકારી સ્ટાફ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા ફિલ્ડવર્ક કરીને વસ્તી ગણતરી કરવામાં આવશે.
ભારતમાં પહેલી વખત ડિજિટલી વસ્તીગણતરી કરવામાં આવશે. ડેટા એકત્ર કરવા અને અપલોડ કરવા માટે કર્મચારીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરશે.
ઑથોરિટીએ આ વખતે જાતે ગણતરીનો વિકલ્પ પણ આપ્યો છે. જેમાં લોકો 16 ભાષામાં કામ કરતા પૉર્ટલ પર પોતાની વિગતો ઑનલાઇન દાખલ કરી શકશે, જેનાથી એક યુનિક આઈડી રચાશે જેને વસ્તી ગણતરી કર્મચારીઓ વેરિફાઈ કરી શકશે.
ત્યાર પછી ડોર-ટુ-ડોર જઈને સર્વે કરવાના બે તબક્કા આવશે.
પહેલો તબક્કો હાઉસ લિસ્ટિંગ અને હાઉસ સેન્સસ તરીકે ઓળખાય છે, જેમાં મકાનોની સ્થિતિ, સગવડો અને પરિવારો પાસેની સંપત્તિની મિલકત એકત્ર કરાશે.
બીજા તબક્કામાં ફેબ્રુઆરી 2027માં વસ્તી ગણતરી કરવામાં આવશે. તેમાં ડેમૉગ્રાફિક્સ, શિક્ષણ, સ્થળાંતર અને ફર્ટિલિટીનો ડેટા એકત્ર કરાશે.
તેમાં જ્ઞાતિવિષયક વસ્તીગણતરી પણ થશે, જે એક રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દો છે અને ઘણા સમયથી ચર્ચાય છે.
આઝાદી પહેલાં કઈ રીતે વસ્તીગણતરી થતી હતી
શરૂઆતમાં પસંદગીના વિસ્તારોમાં વસ્તીગણતરી થશે, જેમાં આંદામાન-નિકોબાર ટાપુઓ, દિલ્હી, ગોવા, કર્ણાટક, મિઝોરમ અને ઓડિશાનો સમાવેશ થાય છે.
અહીં 1થી 15 એપ્રિલ સુધી સ્વ-ગણતરી ચાલશે, ત્યારબાદ 16 એપ્રિલથી 15 મે દરમિયાન ઘરની યાદી અને રહેઠાણનો સર્વેક્ષણ થશે.
ભારતમાં અંગ્રેજોના શાસન વખતે પ્રાથમિક વસ્તીગણતરી શરૂ થઈ હતી. ત્યાર પછી તેમાં પ્રશ્નાવલિ વ્યાપક બનતી ગઈ જે દેશની બદલાતી પ્રાથમિકતાઓ દર્શાવે છે.
1872માં પ્રથમ વસ્તીગણતરી વખતે 17 પ્રશ્નો હતા અને મૂળભૂત રીતે તે મકાનોના રજિસ્ટર જેવું હતું. તેમાં કોણ રહે છે તે ઉપરાંત ઉંમર, ધર્મ, જ્ઞાતિ અને વ્યવસાય વગેરે બાબતોની નોંધણી થતી હતી.
1881માં જ્યારે પ્રથમ સમકાલીન રાષ્ટ્રવ્યાપી વસ્તીગણતરી હાથ ધરવામાં આવી ત્યાં સુધીમાં લોકોની ઓળખ (નામ, લિંગ, વૈવાહિક સ્થિતિ), સામાજિક ચિહ્નો (જાતિ, ધર્મ, ભાષા) અને પ્રાથમિક શિક્ષણ અને વિકલાંગતાની શ્રેણીની વિગત એકત્ર કરાતી હતી.
ત્યાર પછીના દાયકાઓમાં ભાષા, સાક્ષરતા અને વ્યવસાય પરના પ્રશ્નોને સુધારવામાં આવ્યા, જેમાં લોકોનાં ગૌણ કાર્ય અને નિર્ભરતાની વિગતો ઉમેરવામાં આવી હતી.
1901ની વસ્તીગણતરીમાં 16 સવાલો પૂછાતા હતા જેમાં એક સવાલ અંગ્રેજી આવડે છે કે નહીં તેનો હતો.
ત્યાર પછી 1941ની વસ્તીગણતરીથી મોટા ફેરફાર આવ્યા અને 22 પ્રશ્નો પૂછાવા લાગ્યા. તેમાં "તમે કોણ છો?"ના બદલે "તમે કઈ રીતે જીવો છો?" પર ફોકસ કરવામાં આવ્યું.
વસ્તીગણતરીના સવાલોમાં ફર્ટિલિટી, રોજગારી, આર્થિક નિર્ભરતા, સ્થળાંતર અને રોજગારની શોધ જેવા મુદ્દા પણ સામેલ કરાયા, જે આર્થિક વર્તણૂક તરફ વહીવટીતંત્રનું ધ્યાન દર્શાવતા હતા.
સ્વતંત્રતા પછી તે વધુ વ્યાપક બન્યું. 1951 અને 1961ની વસ્તી ગણતરીમાં રાષ્ટ્રીયતા, વિભાજનના કારણે વિસ્થાપન, જમીનની માલિકી અને બીજી કૅટેગરીઓ ઉમેરાઈ હતી.
1970ના દાયકાથી વસ્તીગણતરીએ એક વિશિષ્ટ સામાજિક-આર્થિક દૃષ્ટિકોણ અપનાવ્યો.
તેમાં સ્થળાંતરનો ઇતિહાસ, રહેઠાણનો સમયગાળો, ફર્ટિલિટી પૅટર્ન અને રોજગારનું વિગતવાર વર્ગીકરણને સામેલ કરાયું.
તાજેતરના દાયકાઓમાં, ખાસ કરીને 2001 અને 2011માં આધુનિકતા તરફ જતાં અર્થતંત્ર મુજબ વસ્તીગણતરી કરવામાં આવી. તેમાં મુસાફરીની પૅટર્ન, છૂટક અથવા મુખ્ય કામ, શિક્ષણમાં હાજરી, વિકલાંગતાની વિગતો અને ફર્ટિલિટીના ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
વસ્તીગણતરીને લઈને લોકોના મનમાં હજુ અનેક સવાલો
હવે ઘર-પરિવારને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેના પર નજર રહેશે.
નવી વસ્તીગણતરીમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેલાં દંપતીઓ પોતાના સંબંધોને સ્થિર માનતા હોય તો તેને પરિણીત તરીકે નોંધી શકાય છે, જે બદલાતી સામાજિક વાસ્તવિકતાને સ્વીકારવા તરફનું શાંત પરિવર્તન દર્શાવે છે.
પરંતુ જેમ જેમ ડેટા સંગ્રહનો વ્યાપ વધતો જાય છે, તેમ તેમ આવી માહિતીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે અંગે પણ ચિંતાઓ છે.
કેટલાક વિશ્લેષકો કહે છે કે નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (NPR) સહિત ડેટાબેઝ બનાવવાના તાજેતરના પ્રયાસો અને મતદાર યાદીઓના સઘન સુધારાએ સત્તાવાર વસ્તીગણતરી અંગે લોકોની ચિંતા વધારી દીધી છે, કારણ કે તેને નાગરિકતા અને સમાવેશિતાના સવાલો સાથે સાંકળવામાં આવે છે.
પ્રિન્સ્ટન યુનિવર્સિટી ખાતે ભારતીય વસ્તીશાસ્ત્રી કે.એસ. જૅમ્સ કહે છે, "વસતીગણતરીનો નાગરિકત્વ સાથે કોઈ સંબંધ નથી, છતાં તે ચિંતા પેદા કરી શકે છે. તેના કારણે કેટલાક પરિવારો વસ્તી ગણતરી દરમિયાન ગેરહાજર હોય તેવા પરિવારજનોનાં પણ નામ લખાવે છે જેથી કોઈ બાકાત રહી ન જાય."
આ ઉપરાંત બીજી પણ એક મૂળભૂત સમસ્યા છે: ભારત તાજેતરની વસ્તીની બેઝલાઇનને ધ્યાનમાં રાખ્યા વગર નીતિ ઘડી રહ્યું છે.
નવી વસ્તીગણતરી થઈ ન હોવાના કારણે વપરાશખર્ચથી લઈને લેબરના ડેટા સુધી સૅમ્પલ સર્વે પર આધાર રાખવો પડે છે. આંકડા મંત્રાલય તેને વ્યાપક રીતે રિપ્રેઝન્ટેટિવ રાખવા કરી રહ્યું છે.
અશોકા યુનિવર્સિટીના અશ્વિની દેશપાંડે જેવા અર્થશાસ્ત્રીઓ માટે વસ્તીગણતરી એ ભારતના મૂળભૂત નકશાને અપડેટ કરવા માટે જરૂરી છે, જેથી કોને ગ્રામીણ, શહેરી અથવા પેરી-અર્બન (શહેરની આસપાસનો વિસ્તાર) એરિયા ગણવો તે નક્કી કરી શકાય.
વસ્તીગણતરીથી લોકોને શું ફાયદો થશે?
ઘણાં ક્ષેત્રો બદલાઈ ગયાં હોવાં છતાં વર્ગીકરણનો મોટો ભાગ હજુ પણ 2011ના ડેટા પર આધારિત છે, તેના કારણે પૉલિસીને આકાર આપતી રેખાઓ ધૂંધળી પડી ગઈ છે.
દેશપાંડે કહે છે કે, "તેના કારણે ભારતના વિશાળ કલ્યાણ અને જાહેર ખર્ચ પ્રણાલી પર અસર પડે છે."
યોજનાઓ માટેની પાત્રતા ખોટા અથવા જૂના આંકડા પર આધારિત હોય તો લાભાર્થીઓની સંખ્યાનું ખોટું અનુમાન લાગવાનો ડર રહે છે. તેના કારણે વિતરણમાં ગરબડ થઈ શકે. ઉદાહરણ તરીકે ગ્રામીણ રોજગાર ગૅરંટી જેવી યોજનાઓ એ વાત પર આધારિત છે કે કયાં ક્ષેત્રોને હજુ 'ગ્રામીણ' ન ગણવાં. છેલ્લાં 15 વર્ષોમાં આ શ્રેણીમાં ઘણો ફેરફાર થઈ ગયો છે.
લેટેસ્ટ આંકડા ન હોવાના કારણે લાખો શહેરી પ્રવાસીઓ, જેઓ અનૌપચારિક ક્ષેત્રોમાં કામ કરે છે અને એ પ્રકારનાં મકાનોમાં રહે છે, તેમને નીતિ ઘડતી વખતે સામેલ કરવામાં આવતા નથી. કોવિડ વખતે આ ક્ષતિ સ્પષ્ટ રીતે જોવા મળી હતી.
દેશપાંડે કહે છે કે, "આ વસ્તીગણતરી બહુ મહત્ત્વપૂર્ણ છે. તે ભારતનું સચોટ ચિત્ર રજૂ કરે છે, જેમાં જાતિ અને ધર્મથી લઈને રોજગાર, શિક્ષણ અને સુવિધાઓ સુધી બધું સામેલ છે, તથા આ વસ્તીગણતરી જીવનસ્તરનું સૌથી સંપૂર્ણ ચિત્ર પ્રસ્તુત કરે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન