ગુજરાતમાં આજે કયા જિલ્લામાં વરસાદ પડશે, ક્યાં અસર કરશે નવી સિસ્ટમ?

વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં બીજી એપ્રિલ, ગુરુવારે કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવ્યો હતો જેના કારણે ઠંડો પવન ફૂંકાયો હતો તથા વરસાદનાં ઝાપટાં પણ પડ્યાં છે.

હવામાન વિભાગની અમદાવાદસ્થિત કચેરીના બુલેટિન પ્રમાણે ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમુક જગ્યાએ લઘુતમ તાપમાન સામાન્ય કરતા નીચું રહ્યું છે.

હાલમાં પૂર્વ રાજસ્થાનમાં સમુદ્રની સપાટીથી 1.5 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે.

પૂર્વ રાજસ્થાનથી પૂર્વ મધ્ય અરેબિયન સમુદ્ર સુધી એક ટ્રફ રચાયું છે જે સમુદ્રની સપાટીથી 1.5 કિમીની ઊંચાઈ પર સ્થિત છે .

આ ઉપરાંત પૂર્વ ઈરાન અને પડોશમાં આવેલા અફઘાનિસ્તાન પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રચના થઈ છે જે સમુદ્રની સપાટીથી 3.1 કિમીથી 7.6 કિમીની ઊંચાઈએ આવેલું છે.

આજે ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે?

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. ત્યાર પછી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.

ત્રીજી એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં છૂટાછવાયાં સ્થળે વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે.

ગુજરાતમાં ચોથી એપ્રિલે અમરેલી, ભાવનગર, ભરુચ, દ્વારકા, પંચમહાલ, વડોદરા, મહીસાગર, દાહોદ અને અરવલ્લીમાં વરસાદ પડવાની આગાહી છે.

બીજી એપ્રિલે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકામાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. કલ્યાણપુર તાલુકાના ભાટીયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદના કારણે ભાટિયા માર્કેટિંગ યાર્ડમાં પાક લઈને આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા.

તેવી જ રીતે સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં પણ અમુક જગ્યાએ વરસાદનાં ઝાપટાં પડ્યાં છે.

જામનગર અને ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાથી પાકને નુકસાન થયું છે.

ગીર સોમનાથ અને વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ગુજરાતમાં એપ્રિલમાં ઓછી ગરમી પડશે?

ગુજરાતમાં માર્ચના અંતમાં કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો જેના કારણે તાપમાનમાં વધારો અટકી ગયો હતો. એપ્રિલ મહિનાના મધ્ય સુધી આવી જ સ્થિતિ રહેવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહી છે કે એપ્રિલ મહિનામાં ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં રાહત મળી શકે છે.

એપ્રિલ 2026માં માસિક મહત્તમ તાપમાન દેશના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં નીચે રહી શકે છે. આઈએમડી મુજબ કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં નીચે મધ્યમ તાપમાન નોંધાય તેવી શક્યતા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે અમદાવાદમાં માર્ચ મહિનામાં તાપમાનમાં તીવ્ર વધઘટ નોંધાઈ હતી. 10 અને 11 માર્ચે તાપમાન 41.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું જે સામાન્ય કરતા 7.2 ડિગ્રી વધારે હતું. ત્યાર પછી 19 માર્ચે હળવો વરસાદ પડ્યો અને તાપમાન 31.4 ડિગ્રી પર આવી ગયું હતું.

અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી સેલ્સિયસ હતું જે સામાન્ય કરતાં 1.5 ડિગ્રી વધારે હતું. જ્યારે લઘુતમ તાપમાન 22.5 ડિગ્રી સેલ્સિયસ હતું જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ હતું. હાલમાં ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે, જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે તથા બીજા ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે.

દિલ્હીમાં પણ વરસાદ પડશે

નવી દિલ્હીમાં ત્રીજી અને ચોથી એપ્રિલે હળવા વરસાદના એક-બે રાઉન્ડ આવવાની આગાહી છે.

હવામાન વિભાગ મુજબ શુક્રવારે હવામાન આહ્લાદક રહેશે, પરંતુ શનિવારે વધુ વરસાદ પડવાની સંભાવના છે.

શનિવારે દિલ્હીમાં યલો ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે જે દરમિયાન 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બપોર પછી પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન