You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આજે આકાશમાં 6 ગ્રહો એક સાથે દેખાશે, ભારતમાં તેને ક્યારે જોઈ શકાશે?
- લેેખક, ડૉ. ટી.વી. વેંકટેશ્વરન
- પદ, બીબીસી તમિલ માટે
- વાંચવાનો સમય: 3 મિનિટ
28 ફેબ્રુઆરીએ આકાશમાં એક દુર્લભ ખગોળીય ઘટના જોવા મળશે. છ ગ્રહો જેમાં બુધ, શુક્ર, શનિ, નેપ્ચ્યુન, યુરેનસ અને ગુરુ એક સાથે આકાશમાં દેખાશે. આ ઉપરાંત ચંદ્ર પણ હશે.
ભારત માટે બુધ, શુક્ર, શનિ અને નેપ્ચ્યુન ચારેય ગ્રહો ક્ષિતિજની નજીક લગભગ એક સીધી રેખામાં હશે. આ ગ્રહો સૂર્યાસ્ત થતાંની સાથે થોડી મિનિટો માટે જોઈ શકાશે. તે પછીની થોડીક ક્ષણોમાં ચારેય ગ્રહો અદૃશ્ય થઈ જશે.
જો તમારે આ ઘટના જોવી છે તો તમારે, પશ્ચિમ ક્ષિતિજ પર એવી જગ્યા પસંદ કરવી જોઈએ જે વૃક્ષો, ઘરો અને ટેકરીઓ વચ્ચે ન આવે જેથી આ દૃશ્ય સરળતાથી જોઈ શકાય. ઊંચી ઇમારત કે પર્વતની ટોચ પર ઊભા રહો તો આ દ્રશ્ય સરળતાથી જોઈ શકાશે. આ ઉપરાંત ગુરુ અને યુરેનસ આકાશમાં ઉપર હોવાથી, તેઓ થોડા કલાકો માટે જોઈ શકાશે.
ક્યાં અને ક્યારે જોઈ શકાશે?
ઉદાહરણ તરીકે મદુરાઈ લઈએ તો, તમારે 28 ફેબ્રુઆરીની સાંજે સૂર્યાસ્તના સમયે લગભગ 6:28 વાગ્યાથી પશ્ચિમી ક્ષિતિજ તરફ નજર કરવી જોઈએ, તો આ દૃશ્ય નિહાળી શકાશે.
તે જ રીતે, જે તે વિસ્તારમાં પણ સૂર્ય આથમે છે, ત્યારે તેમણે પણ આ દૃશ્ય માટે પશ્ચિમી ક્ષિતિજ તરફ જોવું જોઈએ.
જેમ જેમ સૂર્ય આથમશે થોડું અંધારું થશે, તેમ સૌ પ્રથમ શુક્ર તેજસ્વી બિંદુ તરીકે દેખાશે. અને જેમ જેમ અંધારું વધશે, શનિ થોડો ઉપર દેખાશે અને નેપ્ચ્યુન શનિની નજીક હશે. પરંતુ તે નરી આંખે જોઈ શકાશે નહીં, તેને જોવા માટે એક શક્તિશાળી ટેલિસ્કોપની જરૂર પડશે.
જેમ જેમ સૂર્ય પ્રકાશ ગાયબ થશે અને રાત થતી જશે, બુધ થોડી મિનિટો માટે ક્ષિતિજની નજીક દેખાશે. આ સાંજે 6:45 વાગ્યા સુધી જ નિહાળી શકાશે. શુક્ર અને બુધ સાંજે 6:55 વાગ્યા સુધીમાં પશ્ચિમમાં અસ્ત થશે. શનિ પણ સાંજે 7:20 વાગ્યાની આસપાસ અસ્ત થશે. આ બધું સૂર્યાસ્તની ખૂબ નજીક નિહાળી શકાશે.
જો તમે આ ત્રણ ગ્રહોને આકાશમાં ઓળખી લીધા હશે, હવે જો તમે તેની ઉપર જોશો, તો તમને ચંદ્ર દેખાશે અને તેની નજીક ગુરુને જોઈ શકાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેમ કે, આજે ચંદ્ર મોટો થઈ રહ્યો હોવાથી, ચંદ્રનો 92% ભાગ પ્રકાશિત થશે. જો તમે ચંદ્રની નજીક ટેલિસ્કોપથી જોશો, તો તમને 'મધમાખીના મધપૂડા' જેવું એક તારામંડળ દેખાશે. આ સૌથી આકર્ષક તારામંડળોમાંનું એક છે. તેમાં 1000થી વધુ તારાઓ છે. આ તારામંડળ લગભગ 577 પ્રકાશવર્ષ દૂર છે.
ગુરુ, ચંદ્રથી લગભગ ચાર ડિગ્રીના અંતરથી જોઈ શકાશે.
ચંદ્ર અને ગુરુથી થોડા અંતરે કાર્તિકેય નક્ષત્ર દેખાતું હોય છે. તેની નજીક જ યુરેનસ આવેલો છે.
યુરેનસ પણ એટલો દૂર છે કે, તે નરી આંખે જોઈ શકાતો નથી. તેને ટેલિસ્કોપ દ્વારા જોઈ શકાય છે. ત્યારે મંગળ સૂર્યાસ્ત થાય પહેલાં જ અસ્ત થઈ જશે. તેથી, તે દિવસે તે આકાશમાં દેખાશે નહીં. આઠ ગ્રહોમાંથી, પૃથ્વી સિવાય છ ગ્રહો રાત્રે આકાશમાં હશે, સાથે ચંદ્ર પણ હશે.
ગ્રહોની આ પરેડ શું છે?
ગ્રહોની પરેડમાં કુલ ચાર ગ્રહો છે, જેમાં નરી આંખે દેખાતા ત્રણ ગ્રહોમાં બુધ, શુક્ર અને શનિ અને ટેલિસ્કોપ દ્વારા દેખાતા નેપ્ચ્યુનનો સમાવેશ થાય છે. જે ક્ષિતિજની બાજુમાં દેખાશે.
પણ હકીકતમાં તો ફક્ત આ એક દૃશ્ય સર્જાયું છે. વાસ્તવિક રીતે આ ગ્રહોની કોઈ ગોઠવણી નથી કે ગ્રહો એકબીજાની નજીક પણ આવી રહ્યા નથી.
આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. કલ્પના કરીએ કે આપણે એક રનિંગ ટ્રેકની વચ્ચે ઊભા છીએ. દોડવીરો પોતાના નિર્ધારિત લેન પર ટ્રેકની આસપાસ દોડી રહ્યા છે.
ઝડપી દોડવીરો એકબીજાથી આગળ નીકળવાનો પ્રયત્ન કરતાં હોય ત્યારે તેઓ એક સીધી રેખામાં હોય તેવું લાગે છે. તે જ રીતે, ગ્રહો સૂર્યની આસપાસ જુદી જુદી ગતિએ પરિક્રમા કરે છે. તેથી, ક્યારેક એક ગ્રહ બીજા ગ્રહથી આગળ નીકળી જાય છે. તે સમયે, ગ્રહો આકાશમાં આસપાસની ક્રમબદ્ધ લાઇનમાં હોય તેવું લાગે છે. ખાસ કરીને જ્યારે તેઓ સૂર્યથી આગળ ભ્રમણ કરી રહ્યા હોય ત્યારે આવું થવાની શક્યતા વધુ હોય છે.
આ ફક્ત એક ભ્રમ છે, અને ભલે તેઓ નજરે એક જ રેખામાં હોય તેવું લાગે, પરંતુ વાસ્તવમાં તેઓ આકાશમાં એક સીધી રેખામાં નથી. બધા ગ્રહો એક જ સમતલમાં ભ્રમણ કરતા નથી, શુક્ર આપણી નજીક છે, તેની સરખામણીમાં શનિ ખૂબ દૂર છે.
બધા આઠ ગ્રહો ક્યારે એક સીધી રેખામાં દેખાશે?
અગાઉ જૂન 2022માં, નરી આંખે દેખાતા પાંચ ગ્રહો બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ એક સીધી રેખામાં જોવા મળ્યા હતા. હવે આ પાંચ ગ્રહો ફરીથી એક રેખામાં 2040માં જ જોવા મળશે.
4 જુલાઈ 2020ના રોજ એક દુર્લભ ઘટના બની હતી, જ્યારે બધા આઠે આઠ ગ્રહો એક રેખામાં દેખાયા હતા. તેની પહેલા આઠ ગ્રહોનું એક રેખામાં 1982માં દેખાયા હતા. હવે તેઓ આ રીતે એક રેખામાં 2161માં દેખાશે.
(લેખક, ડૉ. ટી.વી. વેંકટેશ્વરન, મોહાલી સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચમાં પ્રૉફેસર છે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન