You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ વિમાન કેવી રીતે બીચ ઉપર પહોંચી ગયું અને શા માટે મુસાફરોએ પાણીમાં ચાલવું પડ્યું?
સોમાલિયામાં સ્ટારસ્કાય ઍરલાઇન્સનાં વિમાને દરિયાકિનારે ક્રૅશ-લૅન્ડિંગ કર્યું હતું, જેમાં તમામ 55 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
સોમાલિયાની સિવિલ ઍવિએશન ઑથૉરિટીના (સીએએ) જણાવ્યા અનુસાર, સોમાલિયાની રાજધાની મોગાદીશુથી ફૉકર 50 વિમાન ઊપડ્યું કે થોડી વારમાં જ તેમાં તકનીકી ખામી ઊભી થઈ હતી. એવામાં પાઇલટે સમચસૂચકતા દાખવી હતી, જેના કારણે 50 મુસાફર તથા પાંચ ક્રૂ મૅમ્બરનો આબાદ બચાવ થયો હતો.
સીએએના ડાયરેક્ટર અહમદ મૅક્લેન હસનના જણાવ્યા પ્રમાણે, મંગળવારે સવારે વિમાનમાં ખામી થઈ, એટલે પાઇલટે પરત ફરવાની તથા વિમાનના ઉતરાણ માટે મંજૂરી માગી હતી. વિમાન રનવે ઉપર ઊતર્યું હતું, પરંતુ અટક્યું ન હતું અને ટરમૅકને પાર કરી ગયું હતું એ પછી છીછરા પાણીમાં જઈને ફસાયું હતું.
સ્ટારસ્કાય ઍવિએશનના જણાવ્યા પ્રમાણે, પાઇલટની ત્વરિત નિર્ણયશક્તિને કારણે 50 મુસાફર તથા પાંચ ક્રૂ મૅમ્બરના જીવ બચ્યા હતા.
ઘટના બહાર આવી ત્યારે પ્રારંભિક સમયમાં દુર્ઘટનાના કારણ અંગે કોઈ સ્પષ્ટતા નહોતી થઈ.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર પોસ્ટ કરવામાં આવેલા એક ફૂટેજમાં મુસાફરોને ફસડાઈ ગયેલાં વિમાનમાંથી બહાર નીકળતા અને દરિયાનાં પાણીમાં ચાલતા જોઈ શકાય છે. ક્રૅશ લૅન્ડિંગ થવા છતાં કોઈ મુસાફરને ગંભીર ઈજા નહોતી થઈ.
સોમાલિયા ખાતે આફ્રિકન યુનિયનનાં મિશનના જણાવ્યા પ્રમાણે, યુએન (સંયુક્ત રાષ્ટ્રો) તથા આફ્રિકન સંઘના સૈનિકોને "તત્કાળ તહેનાત" કરવામાં આવ્યા હતા.
ઍક્સ પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે, સોમાલિયાના પરિવહન મંત્રી પણ ઘટનાસ્થળે ધસી ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દુર્ઘના બાદ સ્ટારસ્કાયના પ્રવક્તા હસન મોહમ્મદ એડને કહ્યું હતું, "અમને જણાવતા રાહત થાય છે કે તમામ મુસાફરો તથા ક્રૂના સભ્યો સલામત છે. એવી તે કઈ તકનીકી ખામી થઈ કે જેના કારણે (વિમાને) આપાતકાલીન ઉતરાણ કરવું પડ્યું, તેની તપાસ ચાલી રહી છે."
"પાઇલટની ત્વરિત અને શાંતિપૂર્ણ નિર્ણયશક્તિએ વિમાનમાં રહેલાં તમામની સલામતી સુનિશ્ચિત કરી હતી. તેમણે જે રીતે પરિસ્થિતિને સંભાળી, તેની અમે પ્રશંસા કરીએ છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન