You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા અને ભારતની ટ્રેડ ડીલમાં કોને સૌથી વધુ ફાયદો, બંને દેશોએ શું કહ્યું?
ભારત અને અમેરિકા વચ્ચેની વચગાળાની ટ્રેડ ડીલ વિશે જાહેરાત કરી દેવામાં આવી છે અને બંને દેશ દ્વારા સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.
ભારત સાથેની ટ્રેડ ડીલ વિશે તા. બીજી ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી. આ સાથે જ અમેરિકામાં નિકાસ થતાં ભારતીય સામાન ઉપરનો ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધો હતો.
એ સમયે ટ્રેડ ડીલ વિશે વિસ્તૃત માહિતી આપવામાં નહોતી આવી અને 'આગામી દિવસો'માં આના વિશે સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવશે, એમ જણાવવામાં આવ્યું હતું.
ભારતના વેપાર પ્રધાન પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઉપર એક નિવેદન શૅર કર્યું હતું, સાથે જ કહ્યું હતું કે આ ડીલ ભારતના નિકાસકારો, વિશેષ કરીને એમએસએએમઈ, ખેડૂતો અને માછીમારો માટે 30 ટ્રિલિયન ડૉલરનું બજાર ખોલશે.
વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલા કાર્યકારી આદેશ મુજબ ટ્રમ્પે જણાવ્યું, "ભારતે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે રશિયન ફેડરેશન પાસેથી ઑઇલની આયાત બંધ કરવાની પ્રતિબદ્ધતા દાખવી છે. ભારતે કહ્યું છે કે તે અમેરિકા પાસેથી ઊર્જા ખરીદશે. આ સિવાય આગામી 10 વર્ષ માટે સંરક્ષણક્ષેત્રે સહયોગ વધારવા માટે અમેરિકા સાથે કરાર કરવામાં આવ્યા છે."
અમેરિકાએ કહ્યું છે કે ભારતથી આયાત થતાં ઉત્પાદનો ઉપર લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફના દરને 18 ટકા કરી દેવામાં આવ્યો છે. 25 ટકા ટેરિફ હઠાવવાનો નિર્ણય વૉશિંગ્ટનના સમય મુજબ, રાત્રે 12.01 મિનિટથી ચાલુ થશે.
વ્હાઇટહાઉસના નિવેદન પ્રમાણે, વચગાળાની ટ્રેડ ડીલ માટે ફ્રેમવર્ક તૈયાર થઈ ગયું છે તથા કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે.
ભારત-અમેરિકા વચગાળાની મહત્ત્વપૂર્ણ બાબતો
વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલાં નિવેદન મુજબ, અમેરિકાનાં ટૅક ઉત્પાદનો તથા અમેરિકાનાં કૃષિ ઉત્પદનો ઉપરથી ટેરિફ હઠી જશે અથવા ઘટાડી દેવામાં આવશે. જેમાં ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેઇન્સ, પશુ આહાર માટે લાલ બાજરો. ટ્રી નટ્સ, પ્રોસેસ્ડ ફળ, સોયાબીન તેલ, વાઇન, સ્પિરિટ તથા અન્ય ઉત્પાદનો પણ સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત દ્વારા અમેરિકાનાં ઊર્જા ઉત્પાદનો, વિમાનની સાથે તેના પાર્ટ્સ, કિંમતી ધાતુઓ, ટૅકનૉલૉજી પ્રોડક્ટ્સ અને કોલસો સામેલ રહેશે એવી આશા છે. બંને દેશોની વચ્ચે ટૅકનૉલૉજી ઉત્પાદનોમાં પણ વેપાર વધે તેવી શક્યતા છે.
આમ છતાં ભારતના રોકાણ કરાર અંગે હજુ પણ અસ્પષ્ટતા પ્રવર્તે છે. આગામી પાંચ વર્ષ દરમિયાન 500 અબજ ડૉલરની ખરીદી થશે અને તેમાં ડેટા સેન્ટર તથા ઊર્જા જેવા ક્ષેત્રો પણ સામેલ હશે. સાથે જ કેટલીક વર્તમાન યોજનાઓને પણ તેની સાથે જોડવામાં આવશે.
ભારતના ટેકસ્ટાઇલ, લેધર, ફૂટવૅર, પ્લાસ્ટિક, રબર, ઑર્ગેનિક કેમિકલ્સ, હોમ ડેકોર, હસ્તશિલ્પનાં ઉત્પદાનો ઉપર અમેરિકા દ્વારા 18 ટકાનો ટેરિફ લાદવામાં આવશે.
આગામી સમયમાં અમેરિકા દ્વારા જેનરિક દવાઓ, હીરા અને કિંમતી પથ્થરો, વિમાનના પાર્ટ્સ સહિત અનેક વસ્તુઓ ઉપરનો ટેરિફ ઘટાડવામાં આવશે.
ફાર્મા તથા તેના કાચા માલ માટે સેક્શન 232 હેઠળની તપાસનાં પરિણામોને આધારે ભારતને જેનરિક દવાઓ માટે નક્કી થયેલી શરતો હેઠળ લાભ મળશે.
ભારત અને અમેરિકા પોત-પોતાના હિતોવાળા ક્ષેત્રોમાં એકબીજાને કાયમી ધોરણે પ્રાથમિક બજારમાં પહોંચ અપાવવા માટે પ્રતિબદ્ધ છે.
બંને દેશ દ્વારા 'રૂલ્સ ઑફ ઑરિજિન' નક્કી કરવામાં આવશે, જેથી કરીને આ કરારનો લાભ મુખ્યત્વે અમેરિકા અને ભારતને જ મળે.
અમેરિકા અને ભારત દ્વારા દ્વિપક્ષી વેપારને અસરકર્તા નૉન-ટેરિફ બૅરિયર્સને દૂર કરવામાં આવશે.
અમેરિકાનાં મેડિકલ ઉપકરણોના વેપારસંબંધિત જૂના અવરોધોને દૂર કરવા માટે ભારત તૈયાર થયું છે.
ભારત દ્વારા અમેરિકાનાં આઇટી ઉત્પાદનોને બજારમાં આવવામાં ઢીલ કરનારી કે તેને મર્યાદિત કરનારી આયાત લાઇસન્સ પ્રક્રિયાને ખતમ કરશે.
અમેરિકાનું શું કહેવું છે?
નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે અમેરિકા અને ભારત વાટાઘાટો દ્વારા બજારમાં પહોંચને વધારવાની દિશામાં કામ કરશે.
અમેરિકાએ કહ્યું છે કે વાટાઘાટો દરમિયાન તે ભારતનાં ઉત્પાદનો ઉપર ટેરિફ ઘટાડવાની માંગણી ઉપર વિચાર કરશે.
બંને દેશ આર્થિક સુરક્ષાના તાલમેલને વધુ મજબૂત કરવા માટે સહમત છે, જેથી કરીને સપ્લાય ચેઇન સુદૃઢ બને અને ઇનોવેશનને પણ પ્રોત્સાહન મળે.
તેમાં ત્રીજા પક્ષની બિનવેપારી નીતિઓને પહોંચી વળવા માટેનાં પગલાં, રોકાણ સમીક્ષામાં સહયોગ અને નિકાસ નિયંત્રણ સંબંધિત તાલમેલ પણ સામેલ હશે.
બંને દેશ મજબૂત, મહત્ત્વકાંક્ષી અને પરસ્પર લાભકારક ડિજિટલ વેપાર નિયમો અંગેનો સ્પષ્ટ રસ્તો નિર્ધારિત કરશે.
અમેરિકા અને ભારત આ ફ્રેમવર્કને વહેલી તકે લાગુ કરશે અને વચગાળાના કરારને અંતિમ સ્વરૂપ આપવા માટેની દિશામાં કામ કરશે, જેથી કરીને રોડમૅપ મુજબ, પરસ્પર લાભકારક દ્વિપક્ષીય વાટાઘાટોને પૂર્ણ કરી શકાય.
ભારત અને યુરોપિયન સંઘ વચ્ચેના ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) પછી ભારત અને અમેરિકા વચ્ચેના વેપારકરારની દિશામાં પ્રગતિ થઈ હતી. જે હેઠળ બંને દેશોએ આગામી વર્ષો દરમિયાન આયાત થતી વસ્તુઓ ઉપરના ટેરિફને લગભગ શૂન્ય સુધી ઘટાડવા માટે સહમતિ આપી હતી.
ભારતના વિપક્ષી દળો દ્વારા અમેરિકા સાથેની ટ્રેડ ડીલને ભારતીય ખેડૂતો વિરૂદ્ધની ગણાવવામાં આવી હતી, પરંતુ પીયૂષ ગોયલનું કહેવું છે, "આ કરાર ખેડૂતોના હિતોની સુરક્ષા અને ગ્રામીણ આજીવિકાને જાળવી રાખવાના ભારતના સંકલ્પને પણ દર્શાવે છે. જે હેઠળ સંવેદનશીલ કૃષિ તથા ડેરી ઉત્પાદનોને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જેમાં મકાઈ, ઘઉં, ચોખા, સોયાબીન, પૉલ્ટ્રી, દૂધ, ચીઝ, ઇથેનોલ ઈંધણ, તમાકુ, કેટલીક શાકભાજી તથા માંસ જેવાં ઉત્પાદનો પણ સામેલ છે."
બીજી બાજુ, અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના ઍક્સ હૅન્ડલ ઉપર બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારતે કૃષિ ઉત્પાદનો ઉપરના ટેરિફને ખતમ કરવા કે ઘટાડવા માટે પ્રતિબદ્ધતા દેખાડી છે અને તેણે લાંબા સમયથી ચાલ્યા આવતા નૉન-ટેરિફ અવરોધોને પણ દૂર કરશે.'
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન