You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કારના દરવાજા પર છુપાયેલા હૅન્ડલ પર ચીને કેમ પ્રતિબંધ મૂક્યો?
ચીને ઇલેક્ટ્રિક વાહનો (ઇવી)માં દરવાજાના છુપાયેલા હૅન્ડલ પર પ્રતિબંધ લાદી દીધો છે.
ચીન આ વિવાદાસ્પદ ડિઝાઇન પર રોક લાદનારો પ્રથમ દેશ બન્યો છે. આ પ્રકારનાં હૅન્ડલ ઇલૉન મસ્કની ટેસ્લાએ લોકપ્રિય બનાવ્યાં હતાં.
ભારતમાં પણ કેટલાક બ્રાન્ડની કારો પર આ પ્રકારનાં હૅન્ડલ જોવા મળે છે.
ચીનનો આ નિર્ણય ત્યારે સામે આવ્યો છે જ્યારે સમગ્ર વિશ્વમાં દેખરેખ રાખતી સંસ્થાઓએ ઇલેક્ટ્રિક વાહનોની ગહન તપાસ કરવાનું શરૂ કર્યું છે.
આનું કારણ છે ચીનમાં શાઓમીનાં બે ઇલેક્ટ્રિક વાહનોમાં થયેલી ઘાતક દુર્ઘટનાઓ. આ બંને દુર્ઘટનાઓમાં ઇલેક્ટ્રિક ફેલિયરના કારણે દરવાજા જ નહોતા ખૂલી શક્યા.
આવી જ એક દુર્ઘટનાનો ઉલ્લેખ ચીનના સરકારી મીડિયામાં થયો હતો. એ અનુસાર ગત વર્ષે ઑક્ટોબર માસમાં શાઓમી એસયુ-7 અલ્ટ્રા સિડાન ચાલકનું મૃત્યુ થઈ ગયું હતું. ડ્રાઇવરે બચાવવા માટે રાહદારીઓએ કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરવાજો ખૂલી જ ન શક્યો.
રૉયટર્સ પ્રમાણે, શાઓમીએ આ ઘટના પર કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. ચીનની નવી નીતિ અંગે પણ કંપની તરફથી હાલ કોઈ નિવેદન નથી આવ્યું.
સમગ્ર વિશ્વ પર અસર પડવાની સંભાવના
ચીનના સરકારી મીડિયા પ્રમાણે, નવા નિયમો અંતર્ગત કારોના વેચાણની પરવાનગી ત્યારે જ અપાશે જ્યારે તેના દરવાજા અંદર અને બહાર એમ બંને તરફ મિકેનિકલ રિલીઝ સિસ્ટમ મોજૂદ હોય. આ નિયમ 1 જાન્યુઆરી 2027થી લાગુ થવાના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીન ઉદ્યોગ અને ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી મંત્રાલયના નિયમો પ્રમાણે, બૂટને બાદ કરીને દરેક પૅસેન્જર દરવાજાના બહારના ભાગમાં છ સેમી x બે સેમી x અઢી સેમીથી ઓછા માપવાળો અંદરની તરફ પોલાણવાળી જગ્યા હોય એ જરૂરી હશે, જેથી હૅન્ડલ સુધી પહોંચવાનું સરળ બની શકે
કારની અંદર ઓછામાં ઓછા 1 સેમી x 0.7 સેમી આકારના સંકેત હોવા જોઈએ, જે એ બતાવતા હોય કે દરવાજા કેવી રીતે ખોલી શકાય છે. જે કારોને અધિકારીઓએ પહેલાં જ મંજૂરી આપી દીધી છે એ જે ચાઇનીઝ બજારમાં પ્રવેશના અંતિમ તબક્કામાં છે, તેમણે પોતાના ડિઝાઇનને અપડેટ કરવા માટે બે વર્ષનો વધારાનો સમય મળશે.
છુપાયેલા હૅન્ડલ ચીનના ન્યૂ ઍનર્જી વિહિકલ્સ (એનઇવી) બજારમાં મોટા પાયે ઉપયોગમાં લેવાય છે. તેમાં ઇલેક્ટ્રિક વાહન, હાઇબ્રિડ કાર્સ અને ઈંધણથી ચાલતી કારો સામેલ છે.
સરકારી નિયંત્રણવાળા સમાચારપત્ર ચાઇના ડેઇલીએ આપેલા આંકડા પ્રમાણે, ચીનની ટૉપ 100 સૌથી વધુ વેચાતાં એનઇવીમાંથી લગભગ 60 ટકા આવાં હૅન્ડલ લાગેલાં છે.
નવા નિયમ માત્ર ચાઇનીઝ બજારમાં વેચાતાં મૉડલો પર જ લાગુ થશે, પરંતુ વૈશ્વિક કાર ઉદ્યોગમાં ચીનની મોટી હાજરીનો અર્થ એ છે કે આ પગલાની અસર સમગ્ર વિશ્વ પર પડવાની શક્યતા છે.
અમેરિકામાં ટેસ્લાના દરવાજાના હૅન્ડલની તપાસ પહેલાંથી જ કરાઈ રહી છે. યુરોપમાં પણ આ અંગે નિયમ બનાવવાની ચર્ચા છે.
અમેરિકામાં પણ તપાસ હાથ ધરાઈ
નવેમ્બરમાં અમેરિકન રાષ્ટ્રીય રાજમાર્ગ પરિવહન સુરક્ષા પ્રશાસન (એનએચટીએસએ)એ ટેસ્લાના ઇલેક્ટ્રિક સંચાલિત ડોર હૅન્ડલ પર કેન્દ્રિત તપાસ હાથ ધરી છે.
એનએચટીએસએએ આ તપાસ એ રિપોર્ટોના જવાબમાં શરૂ કરી છે, જેમાં જણાવાયું હતું કે હૅન્ડલ અચાનક કામ કરવાનું બંધ કરી દે છે, જેથી બાળકો કારમાં ફસાઈ જાય છે.
એનએચટીએસએએ કહ્યું કે તેને ટેસ્લાની 2021 'મૉડલ વાઇ'કારોમાં લાગેલાં હૅન્ડલો વિશે કુલ નવ ફરિયાદો મળી છે. મૉડલ વાઇ ટેસ્લા કંપનીનું મુખ્ય મૉડલ છે. મૉડલ વાઇ વિશે મળેલી ચાર ફરિયાદમાં, કારમાલિકોએ સમસ્યાનું સમાધાન કરવા માટે બારી તોડી નાખવાના ઉપાયનો આશરો લીધો.
ભારતમાં કેટલીક કંપીઓ છુપાયેલા ડોર હૅન્ડલવાળી કારો વેચી રહી છે. ટાટા મોટર્સની કેટલીક કારોમાં આવા જ ડોર હૅન્ડલ લાગેલાં છે.
ભારતે કોઈ ચિંતા કરવાની જરૂર ખરી?
દક્ષિણ કોરિયન કાર નિર્માતા કિઆ પણ ભારતમાં પોતાની કેટલીક કારોમાં ફ્લશ-ફિટેડ ડોર હૅન્ડલ આપે છે. મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા (એમઍન્ડએમ)ની કેટલીક કારોમાં આવા જ છુપાયેલાં ડોર હૅન્ડલ છે.
એસઍન્ડપી ગ્લોબર મોબિલિટીમાં ઇન્ડિયા અને આસિયાન ઑટોમોટિવ માર્કેટના ડાયરેક્ટર પુનીત ગુપ્તાએ બિઝનેસટુડેને જણાવ્યું કે, "વિશ્વના સૌથી મોટા કાર નિર્માતા દેશ ચીને આ મુદ્દો ઉઠાવ્યો છે. જો ત્યાં સ્થિતિ ફ્લશ ડોર હૅન્ડલ પર પ્રતિબંધ લાદવા સુધી પહોંચી ગઈ છે, તો તેનો અર્થ એ છે કે તેમને કોઈ વ્યાવહારિક સમાધાન નથી મળ્યું. જો તેઓ ફ્લશ હૅન્ડલ હઠાવવા જેવું મોટું પગલું ઉઠાવી રહ્યા છે, તો ભારતે પણ હિડન ડોર હૅન્ડલ સાથે જોડાયેલી સુરક્ષા ચિંતાઓ અંગે ફરી એક વાર વિચાર કરવાની જરૂર છે."
તેઓ કહે છે કે, "ઇલેક્ટ્રૉનિક રીતે કામ કરતા હૅન્ડલ અકસ્માતો વખતે કામ ન કરે, એવું શક્ય છે. હાઇ-ઍન્ડ કારોમાં વધુ ફીચર્સના કારણે બૅટરી વધુ લોડ હોય છે. તેનાથી બૅટરી ખતમ થવાનો ખતરો રહે છે. આવી સ્થિતિમાં દુર્ઘટના બાદ રાહત અને બચાવમાં લાગેલા લોકો દરવાજા નથી ખોલી શકતા. ઇલેક્ટ્રિક વાહનોમાં આ જોખમ હજુ વધુ ગંભીર છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન