મરીઝ : બે ચોપડી ભણતર, શરાબ અને શાયરીથી ભરપૂર જિંદગી, અલગારી ગઝલકારની કહાણી

    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી ગુજરાતી
  • વાંચવાનો સમય: 8 મિનિટ

ગઝલકાર કૈલાસ પંડિત એક લેખમાં મરીઝની એક રમૂજ નોંધ કરે છે: 'એક કવિને આખો સંગ્રહ થાય એટલી ગઝલો પાણીનાં મૂલે વેચી, તે અરસામાં એક મિત્રે મરીઝને પૂછ્યું, 'તમે જેને આટલી ગઝલો આપી દીધી, એની પાસે એનું પોતાનું કંઈ છે ખરું?' મરીઝે એમની ચિરપરિચિત લાક્ષણિક અદામાં જવાબ વાળ્યો, 'એને બે બાળકો છે ને!'

મરીઝનો પ્રથમ મુશાયરો ઑલ ઇન્ડિયા રેડિયો પર થયો હતો. ગઝલકાર આસિમ રાંદેરી દ્વારા મુશાયરામાં એમનો પ્રથમ પ્રવેશ હતો.

મરીઝ યાદ કરે છે, 'મને યાદ છે કે મારી રૂબરૂમાં જ 'આ કોણ છે?' એને બોલવા દેવામાં ન આવે...' એવું દબાણ ત્રણચાર તે વેળા ગણાતા ગઝલકારોએ ભાઈ આસિમને કરેલું. ભાઈ આસિમનો ટૂંકોટચ જવાબ હતો, 'એનું ઉપનામ 'મરીઝ' છે. નવોદિત ગઝલકાર છે અને તે બોલશે જ.'

'એ પછી દૈનિક 'સાંજ વર્તમાન'માં બીજા દિવસે મુશાયરાનો વૃત્તાંત છપાયો. હેવાલ નિવેદકે એમાં સૌ ગઝલકારોને તરેહતરેહથી બિરદાવેલા. મારા વિશે લખેલું, 'મરીઝ'ની શાયરી પણ મરીઝ જેવી હતી. બીમારી-પાંગળી. એવાઓને શા માટે બોલાવવામાં આવે છે.'

મરીઝના આ પ્રથમ મુશાયરાથી માંડીને તેઓ અનેક ઠેકાણે અપમાનો સહન કરતા રહ્યા, આર્થિક મુશ્કેલીઓ સહન કરતા રહ્યા. એમની ગઝલો થકી તેમના ચાહકો તેમને 'ગુજરાતના ગાલિબ' તરીકે ઓળખે છે.

14 વર્ષની વયે ગઝલો લખવાની શરૂઆત

મરીઝ (મૂળ નામ અબ્બાસ અબ્દુલઅલી વાસી)નો જન્મ સુરતના પઠાણવાડામાં 22 ફેબ્રુઆરી, 1917એ થયો હતો. તેમણે બે ચોપડીનો અભ્યાસ કર્યો હતો. પઠાણવાડાનું મકાન એમના પિતાએ ભાડે લીધું હતું.

એમના પિતાજી અબ્દુલવાસી વાસી સુરતની મદ્રસાહ તૈયબિયાહ હાઈસ્કૂલમાં શિક્ષક હતા. એમને કુલ 10 સંતાન હતાં. ચાર ભાઈ અને સાત બહેન. તેમના પિતાની આર્થિક સ્થિતિ સારી નહોતી અને મરીઝે પણ મોટા ભાગની જિંદગી આર્થિક સંકડામણમાં ગુજારી હતી.

12 વર્ષની વયે મરીઝે ઉર્દૂ ભાષાની પ્રાથમિક તાલીમ એમનાં મોટાં બહેન રૂખૈયા પાસેથી લીધી હતી.

મરીઝે 14 વર્ષની વયે ગઝલો લખવાનું શરૂ કર્યું હતું. મરીઝે એમની પ્રથમ કવિતા એમની ફોઈની દીકરીના જન્મદિવસ પ્રસંગે લખી હતી.

મરીઝનાં માતાનું અવસાન થયું ત્યારે મરીઝ સાત-આઠ વરસના હશે. માતાના અવસાન બાદ મરીઝ સ્કૂલ જવાને બહાને સુરત રેલવે સ્ટેશન જઈ આગગાડીની આવનજાવન જોઈ આનંદ લેતા.

શકીલ કાદરી 'મરીઝ' પુસ્તકમાં આસિમ રાંદેરીને ટાંકે છે, 'ભાઈ મરીઝ, એમ તો મુંબઈની ભરડા હાઈસ્કૂલમાં માત્ર બે ચોપડી ભણ્યા હતા, પણ ભણ્યા કરતાં ગણ્યા વધારે હતા.'

અનીસ, મીર અને મોમીન મરીઝના પ્રિય ઉર્દૂ શાયરો હતા. મરીઝ ખિસ્સામાં 'ચારમિનાર' સિગારેટનું પૅકેટ રાખતા અને ખોખાને ફાડીને અંદર ગઝલો ટપકાવી દેતા.

આર્થિક સંકડામણ છતાં સન્માનના પૈસા મરીઝ પાસે ન પહોંચ્યા

મરીઝ લગ્ન પહેલાં છૂટીછવાઈ નોકરીઓ કરતા રહ્યા. મુંબઈના ભીંડીબજારમાં શરીફઅલી ઍન્ડ સન્સ પુસ્તકવિક્રેતાને ત્યાં સેલ્સમૅનની નોકરી હતી. તેમજ માતૃભૂમિ, જન્મભૂમિ, પયગામ, વતન, ઇન્સાફ વગેરે દૈનિકોમાં કામ કર્યું હતું.

મરીઝ જીવનના અંતિમ દિવસો મુંબઈમાં પસાર થયા હતા.

મોહસીન વાસી લખે છે- '1947માં મારા જન્મ બાદ ઘરખર્ચ વધ્યો, પણ આવક ન વધી. મારી માતા બનતી કરકસરથી ઘરસંસાર અને દુનિયાના વહેવારો સાચવવા પ્રયત્નો કરવા લાગી. 'એક સાંધો તેર તૂટે' જેવી પરિસ્થિતિમાં નાના-મોટા ઝઘડા થવા લાગ્યા અને સમાધાન પણ થતાં રહ્યાં. હું ચાર વરસનો હતો ત્યારે આવા એક ઝઘડા પછી મારી માતાએ કંટાળીને મને લઈને પિયરની વાટ પકડી.'

'જોકે મરીઝે સમાધાનની ભરપૂર કોશિશ કરી, પણ મારી માતા માન્યાં નહીં. જોકે ચારેક મહિનાની મુલાકાતો અને સમજાવટ બાદ મારી માતા એવા નિશ્ચય પર આવ્યાં કે મરીઝ સાથે સમાધાન કરી લેવું ઉચિત છે. પિયરમાં એની જિંદગી આસાન હતી. મરીઝ સાથે ડગલે ને પગલે તકલીફો અને સંઘર્ષ હતાં. કિંતુ મારી માતા એમ નહોતી ઇચ્છતી કે એનો દીકરો પિયરપક્ષનો ઓશિયાળો થઈને રહે.'

મરીઝના પુત્ર મોહસીન વાસી બીબીસી ગુજરાતીને કહે છે, "અમે ઘણી ગરીબાઈમાં ઉછરેલાં છીએ, પણ અમને એનો ક્યારેય અફસોસ નથી થયો. એમનાથી બનતું એટલું કર્યું છે. આર્થિક સંકડામણમાં અમને ભણાવ્યાં છે."

એક નિવેદનમાં મોહસીન વાસી લખે છે, 'મને યાદ છે કે તેમનું (મરીઝ)નું પહેલું સન્માન સાઠના દાયકાના અંતમાં થયું હતું, જેનો હેતુ તે પૈસામાંથી ઘર લેવાનો હતો. ગુજરાતી ગઝલપ્રેમીઓ તરફથી ભરપૂર પ્રતિસાદ મળ્યો હતો. સારી એવી રકમ ભેગી થઈ હતી. કિંતુ તે રકમ અમારા સુધી પહોંચી નહીં ને ઘરનું સપનું અધૂરું રહ્યું.'

જોકે મોહસીન વાસી લખે છે, 'મરીઝનો ચાહકોનો હું આભારી છું કે 1981માં સ્વ. જયવદનભાઈ તક્તાવાલાના અધ્યક્ષપદે તેમનું બીજી વાર (ખરેખર તો પહેલી વાર) સન્માન કરવામાં આવ્યું અને તેમને રૂ. 71,000ની રકમ અર્પણ કરવામાં આવી હતી. શોભિતભાઈ (દેસાઈ)એ આ સન્માન યોજવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.'

મરીઝની ગઝલો બીજા કવિના નામે છપાઈ પણ છેવટે...

મરીઝને જીવન દરમિયાન પૈસાની ઘણી જરૂર રહેતી અને તેમણે એક આખેઆખા સંગ્રહ જેટલી ગઝલો એક કવિને વેચી મારી હતી. એમના નામે આ સંગ્રહ પણ છપાઈ ગયો હતો.

જોકે મરીઝની ગઝલો ખરીદીને સંગ્રહ પ્રકાશિત કરનાર કવિને એ સંગ્રહ પાછો ખેંચવાની ફરજ પાડી હતી.

એ કવિ કોણ હતા એનું નામ લેતા લોકો જાહેરમાં ખચકાટ અનુભવતા હતા, પણ રઈશ મનીઆર જલન માતરીને ટાંકે છે : મરીઝની સ્મૃતિમાં 5 ઑક્ટોબર, 1998ના થયેલી મુશાયરામાં કવિ જલન માતરીએ મરીઝ સાથેનાં પોતાનાં સ્મરણો વાગોળતાં ગાંધીસ્મૃતિ હૉલમાં એ કવિ અને એ સંગ્રહનું નામ જાહેર કરી દીધું હતું.

જલન માતરી બોલ્યા હતા, 'એ વ્યક્તિ હતી ચંદ્રશેખર ઠક્કુર તબીબ'. મરીઝ પાસેથી બે હજાર રૂપિયામાં એ વ્યક્તિએ આખો સંગ્રહ ખરીદી લીધો હતો. આખી હકીકત જાણી ગયેલા શૂન્ય પાલનપુરીએ મને (જલન માતરી) પત્ર લખ્યો કે આનું શું કરવું? બધી માહિતી 'મુંબઈ સમાચાર' પ્રેસ સુધી પહોંચી. ત્યાં શ્રી ચંદ્રશેખર ઠક્કુરને બોલાવવામાં આવ્યા. એમની પાસે આખોઆખો સંગ્રહ પાછો ખેંચી લેવા, રદ કરવાની કબૂલાત લેવાઈ અને એ પ્રકરણ આમ પૂરું થયું.'

જોકે મોહસીન વાસીનું માનવું છે કે ચંદ્રશેખર ઠક્કુરનું નામ જાહેર કરવામાં કવિ શૂન્ય પાલનપુરી અને કવિ કૈલાસ પંડિતનો મોટો ફાળો હતો.

મોહસીન વાસી એ વાત સ્વીકારતાં લખે છે, '1965માં તબીબને ગઝલ લખી આપતી વખતે મરીઝના મનમાં એવીય મનોકામના હતી કે થોડા પૈસા ભેગા કરી પોતાનું ઘર બનાવે. મરીઝનું ઘર કાતરિયા પ્રકારનું હતું. અડધેથી ઘરની છત ઢળી જઈને નીચે આવતી હતી.'

મરીઝ લખે છે :

દર્દ એવું કે કોઈ ના જાણે,

હાલ એવો કે જે બધાં જાણો.

મરીઝ અને શરાબ

મરીઝે કિશોરાવસ્થામાંથી નીકળીને તરુણાવસ્થાના ઉંબરે પગ મૂક્યો ત્યારથી જ શરાબ પીવાનું શરૂ કર્યું હતું.

મોહસીન વાસી લખે છે, '1933થી 1940 સુધી મર્યાદિત પ્રમાણમાં પીતા, પણ 1940 પછી અઠંગ શરાબી બની ગયા. પ્રેમની નિષ્ફળતા વધુ ને વધુ શરાબસેવન તરફ લઈ ગઈ.'

મરીઝ વિશે એવું લખાયું છે અને કહેવાયું પણ છે કે તેમણે 'વ્યસનને પોષવા' માટે કોઈને ગઝલો લખી આપી કે વેચી હતી. જોકે મોહસીન વાસી આ બાબતે સંપૂર્ણ સહમત નથી થતા.

મોહસીન વાસી નોંધે છે, 'મરીઝને શરાબે નુકસાન નહીં પહોંચાડ્યું હોય એના કરતાં વધારે નુકસાન ગુજરાતી ગઝલના વિવેચકોએ કરેલાં મરીઝના સુરાપાનનાં વર્ણનોએ પહોંચાડ્યું છે.'

બીબીસીને મોહસીન વાસી કહે છે, "કારણ વિના બધી જગ્યાએ શરાબની વાત કરવી યોગ્ય નથી. આને આ રીતે મૂલવવું ન જોઈએ. ગઝલો વેચવાનું એમનું અંગત કારણ પણ હોઈ શકે છે. મેં તેમને કહેલું કે તમે શું કામ કોઈને ગઝલો લખી આપો છો. પણ મને કોઈ જવાબ આપ્યો નહોતો. એમની એ આદત હતી. કોઈ ઓળખાણવાળું આવી જાય તો કંટ્રોલ નહોતો રહેતો. જોકે એ બધા પૈસા જ પીવામાં નહોતા વાપરી નાખતા."

એક નિવેદનમાં મોહસીન વાસી લખે છે, શકીલ કાદરી ગ્રંથ-મરીઝમાં પાના નંબર 80 પર નોંધે છે, 'મરીઝે ગઝલો લખી શરાબ માટે અને ગઝલો વેચી તો એ પણ શરાબ માટે...' આ કથન સાથે હું સંપૂર્ણપણે સહમત થતો નથી. શરાબની આદત પોષવા માટે તો એમનો વિશાળ ચાહકવર્ગ જ પૂરતો હતો. કિંતુ અમારા ભણતર માટે અને બીજી સામાજિક જવાબદારીઓ નિભાવવા માટે તેઓ ગઝલ વેચવા મજબૂર થયા હતા, જેનું તેમને ભાન હતું.'

જોકે આ જ શકીલ કાદરી એવું પણ લખે છે- 'શરાબ અને મરીઝ' એ વિષય પર ગુજરાતી ગઝલક્ષેત્રે કેટલાક વિવેચક-સર્જકો દ્વારા એક પ્રકારની 'મિથ' ઊભી કરવામાં આવી છે, ઘણી વાર તો એ બધું વાંચતાં એવી પ્રતીતિ થયા વિના રહેતી નથી કે, આમાં વાસ્તવિકતાને કલ્પનાના રંગે રંગી દેવામાં આવી છે. મરીઝનું શરાબનું 'વ્યસન' અઠંગ શરાબીની હદ સુધીનું હતું, પરંતુ એ મુદ્દાને જ સાહિત્યમાં વિષય બનાવી દઈને મરીઝનું મૂલ્યાંકન કરાય, એમના જીવનને નિરૂપવામાં આવે તો એમના વ્યક્તિત્વને અન્યાયકર્તા લેખાય.'

મોહસીન વાસી લખે છે, 'પૈસાની તંગી એમની મજબૂરી હતી, જે એમને ગઝલો વેચવા લાચાર કરતી હતી. મરીઝ માટે પૈસા કમાવવાનો આ જ સહેલો અને સરળ રસ્તો હતો. કબૂલ, આ લાચારીને ચલાવી ન જ લેવાય, પણ સાથેસાથે આ જ લાચારી શું સમાજ અને એનાં ધોરણો પર ઠુકરાઘાત નથી? મજાક નથી? હજુ આજેય કવિના નામને અથવા તો એની કવિતાને વટાવીને ઘર નથી ભરાતાં?'

નથી કોઈ તારામાં વિધિ મદિરા,

ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા.

મરીઝના બેહદ ચાહક અને વર્તમાનમાં કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મરીઝ પર ત્રણેક વરસ સંશોધન કર્યું છે.

મેવાણીએ 'સાર્થક જલસો' મૅગેઝિનમાં 'મરીઝ : એક તરબતર ઘટના'માં મરીઝના કેટલાક પ્રસંગો લખ્યા છે. જિજ્ઞેશ મેવાણીએ વડોદરામાં રહેતા શાયર ગુલામ અબ્બાસ 'નાશાદ'ને ટાંકી એક કિસ્સો લખ્યો છે - 'મરીઝ જે પ્રકારનું નિષ્કલંક જીવન જીવ્યા, એમનામાં જે ઇન્સાનિયત હતી, એમનામાં જે ઉચ્ચ સ્તરનું ધાર્મિક જ્ઞાન હતું, એમણે જે સુંદર મરસિયા લખ્યા છે એ જોતાં લાગે છે કે જો તેઓ શરાબ ન પીતાં હોત અને થોડા પણ દેખીતી રીતે ધાર્મિક હોય, એટલે કે દાઢી-બાઢી રાખતા હોત તો સો-બસ્સો વરસ પછી વહોરા કોમમાં કદાચ પીર તરીકે પૂજાતા હોત!'

જિજ્ઞેશ મેવાણી બીબીસીને સાથે વાત કરતા કહે છે, "મરીઝ અંગેની એકંદરે છાપ અને છબિ હતી એવા જ મરીઝ મને (સંશોધન સમયે) જોવા મળ્યા."

મરીઝ એક જગ્યાએ લખે છે:

મરણ પછી જે થવાનું છે, તેની ટેવ પડે,

હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.

જિજ્ઞેશ મેવાણી કહે છે, "ગુજરાતના કહેવાતા મેઇનસ્ટ્રીમના સાક્ષરો, વિવેચકો, સાહિત્ય પરિષદના માણસો, આ બધા મરીઝને બહુ વર્ષો સુધી પામી શક્યા નહોતા અને નાના-મોટા સારા પૈકીના એક સમજતા હતા. જોકે ગુજરાતી વાચનારા માણસોએ મરીઝને ખૂબ પ્રેમ આપ્યો છે."

મરીઝની ખૂબી એ હતી કે જે કંઈ કહેવું હોય એ એમની શાયરીમાં કહી દેતા. તેઓ લખે છે:

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં, મને પણ છે કબૂલ,

કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે!

મરીઝનો અંતિમ દિવસ

13મી ઑક્ટોબર, 1983ના રોજ સાંજના સમયે ઘર પાસે એક રિક્ષા સાથે મરીઝનો અકસ્માત થયો હતો. તેઓ રસ્તા પર પડી ગયા અને કમર નીચે થાપામાં મલ્ટિપલ ફ્રૅક્ચર થયું હતું. એમને ઇલાજ માટે ઘાટકોપર નર્સિંગહોમમાં દાખલ કરવામાં આવ્યા.

18મી ઑક્ટોબરે ડૉ. મહેતાએ એમનું સફળ ઑપરેશન કર્યું. ડૉ. મહેતા મરીઝને શાયર તરીકે ઓળખતા હતા. મરીઝે એમને એક શેર પણ સંભળાવ્યો હતો.

એક કલાકના સફળ ઑપરેશન બાદમાં મરીઝને વૉર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. અંદાજે 1.30 કલાકે તેઓ એનેસ્થેસિયાની અસરથી મુક્ત થયા ત્યારે તેમને ઑપરેશનના ભાગે અત્યંત પીડા થવા લાગી.

મોહસીન વાસી લખે છે, 'હાજર સ્ટાફે દર્દશામક ઇન્જેક્શન આપ્યાં, પણ તે કારગત નીવડ્યાં નહીં. હું પલંગ પાસે જ હતો. તેમણે મારો હાથ પકડી નજીક ખેંચીને કહ્યું, 'મોહસીન આઇ એમ ગોઇંગ', ત્યાં જ હૃદયરોગનો એક ભારે હુમલો આવ્યો અને તેઓ મારા હાથ પર ઢળી પડ્યા.

મોહસીન વાસી લખે છે, તેમણે ડૉક્ટરને કદાચ આ આખરી શેર સંભળાવ્યો હતો...

સંદર્ભ:

  • સમગ્ર મરીઝ- સંપાદન, મોહસીન વાસી
  • મરીઝ: અસ્તિત્વ અને વ્યક્તિ- લેખક- રઈશ મનીઆર
  • સમગ્ર મરીઝ- સંપાદન, રાજેશ વ્યાસ 'મિસ્કીન'

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન