IND vs ENG : ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં ભારત માટે ઇંગ્લૅન્ડને હરાવવું સરળ કેમ નથી, નિષ્ણાતો શું કહી રહ્યા છે?

    • લેેખક, મૅથ્યુ હૅનરી
    • પદ, બીબીસીના ખેલ પત્રકાર
  • વાંચવાનો સમય: 3 મિનિટ

ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન માઇકલ વૉનનું માનવું છે કે હૅરી બ્રૂકનું નેતૃત્વ ધરાવતી ઇંગ્લૅન્ડની ટીમ ભારત સામે આજે મુંબઈના વાનખેડેમાં થનારી ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં વિજયી થશે.

માઇકલ વૉને બીબીસી રેડિયો 5ના ટેસ્ટ મૅચ સ્પેશિયલ પૉડકાસ્ટમાં ખાસ વાતચીત કરી હતી.

વૉને કહ્યું હતું કે ઇંગ્લૅન્ડ પાસે ભારતની સરખામણીમાં સ્પિન બૉલિંગની તાકત વધુ સારી છે.

ટુર્નામેન્ટમાં પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઊતરેલી ભારતની ટીમે સુપર-8 મુકાબલામાં દક્ષિણ આફ્રિકા સામે ખરાબ રીતે પરાજયનો સામનો કર્યો છે. ગ્રૂપ સ્ટેજમાં પણ ભારતથી ચૂક થઈ હતી.

ઇંગ્લૅન્ડે પણ હજુ તેની પૂર્ણ ક્ષમતાનું પ્રદર્શન નથી કર્યું. પરંતુ સતત પાંચ જીત સાથે તે સેમિફાઇનલમાં સ્થાન મેળવી ચૂક્યું છે. ઇંગ્લૅન્ડે કાંટાની ટક્કરમાં પોતાને યોગ્ય સાબિત કરી છે.

માઇકલ વૉને પૉડકાસ્ટમાં કહ્યું, "એવું લાગે છે કે તેમણે સફળતાનો ફૉર્મ્યુલા શોધી કાઢી છે."

તેમણે કહ્યું, "ભલે ન્યૂઝીલૅન્ડની સામે મળેલી જીતનું વધુ મહત્ત્વ નહીં હોય, પરંતુ જીતની રેખાને પાર કરવી એક શાનદાર પ્રયાસ હતો."

ઇંગ્લૅન્ડની બૅટિંગ ક્ષમતા

આ ટુર્નામેન્ટમાં ઇંગ્લૅન્ડની બૅટિંગ કંઈ ખાસ નહોતી રહી.

કૅપ્ટન હૅરી બ્રૂક દ્વારા પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકારવા છતાં, ટીમના બૅટ્સમૅન અન્ય મૅચોમાં જિતાડનારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે.

વૉનું કહેવું છે કે ઇંગ્લૅન્ડની બૉલિંગ વધુ મજબૂત છે. આદિલ રાશિદ, ડૉસન અને વિલ જૅક્સનું સ્પિન આક્રમણ સાથે જોફ્રા આર્ચર, સૅમ કરન અને જેમી ઓવરટનની ઝડપી બૉલિંગ, ટીમ માટે મજબૂત આધાર પ્રદાન કરે છે.

ઇંગ્લૅન્ડનું સ્પિન બૉલિંગ આક્રમણ વધુ મજબૂત છે?

વૉને કહ્યું કે "ઇંગ્લૅન્ડનું સ્પિન આક્રમણ ભારત કરતાં વધારે મજબૂત છે."

વૉને કહ્યું કે, "વરુણ ચક્રવર્તી સારું પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ સ્પિન બૉલિંગની વાત કરીએ તો ડૉસન, રાશિદ અને જૅક્સ આ ટુર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ તિકડી છે."

"સ્પિનર વરુણ ચક્રવર્તી ભારતના સૌથી વધુ વિકેટ લેનારા બૉલર છે. પરંતુ તેમણે વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા સામેની મૅચોમાં અનુક્રમે 40 અને 47 રન આપ્યા."

"ભારત કુલદીપ યાદવ પર પણ વિચાર કરી શકે છે."

"જોકે, ઇંગ્લૅન્ડની સામે તમામ ફૉર્મેટોમાં તેમનું પ્રદર્શન સારું રહ્યું છે. છતાં તેમણે આ ટુર્નામેન્ટમાં માત્ર ત્રણ જ ઓવર નાખી છે."

બટલર ફૉર્મમાં આવે તો ભારતને ભારે પડશે

વૉન કહે છે, "ઇંગ્લૅન્ડની ફિલ્ડિંગ પણ અસાધારણ હતી."

તેમણે કહ્યું, "તેમણે સક્રિય થઈ જવાની જરૂર છે. ઇંગ્લૅન્ડની રનિંગ બિટવિન ધ વિકેટ ( બે વિકેટ વચ્ચે રન માટે દોડવું) ઘણી સારી છે. તેઓ ઝડપથી રન લે છે."

વૉન કહે છે, "મને વિચિત્ર અનુભૂતિ થઈ રહી છે. તેઓ (ઇંગ્લૅન્ડ) મુંબઈમાં જીતશે."

ઇંગ્લૅન્ડ સંભવત: ફાંકડા બૅટ્સમૅન જોસ બટલર પર નિર્ભર રહેશે. જો આ ટુર્નામેન્ટમાં સતત પાંચ ઇનિંગ્સમાં ખરાબ ફૉર્મથી ઝઝૂમી રહ્યા છે. વૉને કહ્યું કે બટલર પોતાની તકનીક પર ધ્યાન આપી રહ્યા છે.

વૉને કહ્યું કે, "જ્યારે તમને ખબર છે કે તમે તમારી ઇચ્છા અનુસાર નથી રમી રહ્યા, તો તમે તમારી તકનીકમાં બદલાવ કરો છો."

આ મૅચ આજે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઘરેલુ ટીમને દર્શકોનું ભરપૂર સમર્થન મળશે.

ટી-20 વિશ્વકપમાં બંને ટીમો વચ્ચે આ ત્રીજી સેમિફાઇનલ છે.

ઇંગ્લૅન્ડે 2022માં એડિલેડમાં 10 વિકેટે જીત હાંસલ કરી હતી. ભારતે 2024માં ગુયાનામાં જીત નોંધાવી હતી. બંને ટીમ અનુક્રમે 2022માં અને 2024માં ટી20 વિશ્વકપ જીતી ચૂકી છે.

ઑલરાઉન્ડર સૅમ કરન, જે ગત બે સેમિફાઇનલ રમી ચૂક્યા છે. તેમણે કહ્યું કે 2022ની જીત ઇંગ્લૅન્ડ માટે આદર્શ હતી.

તેમણે બીબીસી સ્પૉર્ટ્સને જણાવ્યું, "જો તમે એક આદર્શ રમતની તલાશ કરો છો. તો તમે તેને આદર્શ તરીકે લઈ શકો છો."

"અમે ભારતમાં ક્રિકેટની રમત રમી છે. ભારત એક સારી ટીમ છે. દબાણ તમામ પક્ષો પર છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન