You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રમજાનમાં ખજૂર ખાઈને કેમ રોજા ખોલવા જોઈએ?
- લેેખક, કેટ બોવી
- પદ, ગ્લોબલ હૅલ્થ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- વાંચવાનો સમય: 3 મિનિટ
આ રમઝાન માસમાં દુનિયાભરના સેંકડો મુસ્લિમો સૂર્યાસ્ત થતાંની સાથે જ ખજૂર ખાઈને રોજા ખોલશે.
એક મહિના સુધી ચાલતા રોજામાં મુસ્લિમો ઇબાદત તેમજ આત્મચિંતનના સમય દરમિયાન વહેલી સવારથી સાંજ સુધી ખાવા-પીવાથી દૂર રહેતા હોય છે, જે ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે.
રોજા ખોલવા માટે ખજૂર ખાવાની સલાહ પયગંબર મોહમ્મદે આપી હતી, ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનમાં પણ તેનો ઘણી વાર ઉલ્લેખ જોવા મળે છે.
જોકે ખજૂર માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય કારણસર પણ મહત્ત્વપૂર્ણ છે. ખજૂર રોજા, વ્રત અને ઉપવાસ છોડવા માટેનું એક ઉત્તમ ફળ છે.
ખજૂર ખાવાના 'વિશિષ્ટ' લાભ કયા છે?
ખજૂરની રચના તેને લાંબા સમય સુધી રાખેલા રોજા પછી ખાવા માટે યોગ્ય બનાવે છે. બ્રિટનસ્થિત રજિસ્ટર્ડ ડાયેટિશિયન શહનાઝ બશીર પોતે રોજા રાખે છે, તેઓ કહે છે, "જ્યારે તમે રોજા ખોલો, ત્યારે શરીર ઊર્જા ઉત્પન્ન કરવા માટે શરીર સૌથી પહેલા ગ્લુકોઝ બનાવવાનો પ્રયાસ કરતું હોય છે."
"ખજૂરમાં શર્કરાનું પ્રમાણ વધુ હોવાથી, તે અન્ય ખોરાક કરતાં તમારા બ્લડશુગરને ઝડપથી વધારે છે, જ્યારે તેની સરખામણીમાં અન્ય ખોરાકને પચવામાં પણ વધારે સમય લાગતો હોય છે."
બશીર જણાવે છે, "ખજૂરની ખાસિયત તે છે કે તેમાં સાધારણ ખાંડ સાથે જટિલ કાર્બોહાઇડ્રેટ્સ પણ હોય છે."
આનો અર્થ એ છે કે, આ ફળ દિવસભર ધીમે-ધીમે શરીરને શક્તિ આપતું રહે છે. જે લોકો લાંબા સમય સુધી ખાવાનું ત્યજતા હોય છે, તેમના માટે ખજૂર યોગ્ય આહાર સાબિત થાય છે. તેમાં વિટામિન "બી6", "એ" અને "કે" તેમજ આયર્ન ભરપૂર માત્રમાં જોવા મળે છે, જે શરીરને ઝડપથી અને ઓછા સમયમાં જરૂરી પોષકતત્ત્વો પૂરાં પાડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શરીરને પાણીની કમીથી બચાવે છે
ખજૂર ડ્રાયફ્રૂટ હોવા છતાં શરીરને હાઇડ્રેટેડ રાખવામાં (શરીરમાં પાણીની માત્રા જાળવવામાં) મદદ કરે છે.
તેમાં કુદરતી રીતે પોટેશિયમની હાજરી હોય છે, જે ઇલેક્ટ્રોલાઇટ તરીકે કામ કરીને શરીરના કોષોમાંથી પાણી ખેંચે છે.
બશીર કહે છે, "ઘણા લોકો ખજૂર સાથે પાણી પીને રોજા ખોલે છે, જે શરીરમાં ઍનર્જી અને હાઇડ્રેશન બંને માટે ઉત્તમ છે, તેથી, ઘણી વાર વધારાના ઇલેક્ટ્રોલાઇટ્સ લેવાની જરૂર પડતી નથી."
વધુ પડતું ખાઈ લઈએ તો...
રમઝાન દરમિયાન અમુક લોકોને વજન ઘટી જવું, જેવા પ્રશ્નો પણ આવતા હોય છે, પરંતુ જો તેઓ ઇફ્તારમાં વધુ પડતો ખોરાક લે તો રોજા કરવાથી વજન વધી પણ શકે છે. પરંપરાગત રીતે, મુસ્લિમો રોજા ખોલતી વખતે એકી સંખ્યામાં ખજૂર ખાતા હોય છે અને પછી તરત જ મગરિબની નમાઝ પઢે છે.
તે પછી તેઓ ઇફ્તાર ભોજન કરે છે. તે દરમિયાન જ્યારે શરીર રેસાવાળી ખજૂરને પચાવવાનું શરૂ કરે છે, ત્યારે વધુ પડતું ખાવાનું મન નથી થતું.
બશીર કહે છે, "આનાથી શરીરને લાગે છે કે, તેણે કંઈક ખાધું છે અને શરીરની પાચન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે."
ખજૂરની પાચન પર અસર
રોજા રાખનાર મુસ્લિમોમાં કબજિયાત અને પેટનું ફૂલવું સામાન્ય બાબત છે, કેમ કે દિવસ દરમિયાન ખાવા-પીવાથી આંતરડા સક્રિય રહેતા હોય છે અને લાંબા સમય સુધી રોજા રાખવાથી આમ થતું નથી.
ખજૂર ફાઇબરનો ઉત્તમ સ્રોત છે, જે મળને આંતરડામાંથી સરળતાથી પસાર થવામાં મદદ કરે છે. બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસ દરરોજ 30 ગ્રામ ફાઇબર ખાવાની સલાહ આપે છે.
બશીર કહે છે, "ક્યારેક રમઝાનમાં આપણને સાદા કાર્બોહાઇડ્રેટ્સની તલબ થતી હોય છે, પરંતુ જો આપણે ભોજનનો પ્લાન અને તૈયારી અગાઉથી કરી લઈએ, તો આપણે આસાનીથી ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ જાળવી શકીએ છીએ."
તમારા ખોરાક પર મેવો અને બીજ ભભરાવવાથી ખોરાકમાં ફાઇબરની પૂરતી માત્રા સુનિશ્ચિત કરી શકાય છે.
જો તમને ખજૂર નાપસંદ છે તો?
ધાર્મિક કારણો ઉપરાંત, ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ, એટલે કે ક્યારેક ક્યારેક રોજા કે ઉપવાસ રાખવા, હવે સારા સ્વાસ્થ્ય માટે પણ લોકપ્રિય બની રહ્યા છે.
બશીર કહે છે, "એ લગભગ એવું લાગે છે કે આપણે રમઝાનમાં રોજા રાખીએ છીએ."
જો તમને ખજૂર પસંદ ન હોય, તો તેમાં ઘણી જાતો જોવા મળે છે, જેમાં કેટલીક ચાવવામાં કઠણ, કેટલીક ખૂબ નરમ, કેટલીક જાડી છાલવાળી તો, કેટલીક પાતળી છાલવાળી ખજૂર બજારમાં ઉપલ્બધ છે.
બશીર સલાહ આપે છે, "આમ તમે વિવિધ પ્રકારની ખજૂરની જાતોનો ઉપયોગ કરી શકો છો."
"અને જો હજુ પણ મન ન થાય, તો તેને સ્મૂધીમાં મિક્સ કરી લઈ શકો છો.
તેઓ કહે છે, "ખજૂર અને દૂધને એકસાથે મિક્સ કરો, તેમાં થોડું દહીં અને ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી મિક્સ કરીને તમે પી શકો છો."
"આ ખરેખર ઉત્તમ ખોરાક છે જે ઘણી મહત્ત્વપૂર્ણ સ્વાસ્થ્યની મહત્ત્વની જરૂરિયાતોને પૂરી કરે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન