You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી અટક કેસ : ફેંસલાને પકડારતી રાહુલ ગાંધીની અરજી પર ચુકાદો 20મી એપ્રિલે
મોદી અટકવાળા કેસમાં સજા મળ્યા બાદ રાહુલ ગાંધીએ ચુકાદાને પડકારતી અરજી સુરતની સેશન્સ કોર્ટમાં કરી હતી. તેના પર જજ રૉબિન મોગેરા રાહુલ ગાંધીના દોષિત હોવા પર રોક લગાવવાની અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. આ મામલે કોર્ટે બંને પક્ષોની રજૂઆતો સાંભળી. કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો સુરક્ષીત રાખ્યો છે. કોર્ટ હવે પોતાનો ચુકાદો 20 એપ્રિલના રોજ સંભળાવશે.
'ઇન્ડિયન ઍક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર રાહુલ ગાંધીના વકીલે આ કેસ મામલે રજુઆત કરતા કહ્યું કે, "આ કેસ મામલે ટ્રાયલ ચાલે તે યોગ્ય નથી. વળી, આ કેસ મામલે મહત્તમ સજા મળે તે પણ યોગ્ય નથી." રાહુલ ગાંધી તરફથી તેમના વકીલ આર. એસ. ચીમા ઉપસ્થિત રહ્યા હતા. ચીમાએ કોર્ટને જણાવ્યું કે તમામ પુરાવાઓ ઇલેક્ટ્રોનિક છે. એક ચૂંટણી પ્રચારના ભાષણના સ્થળના હજારો કિલોમીટર દૂર આવેલા સ્થળેથી કોઈ એક કેસ દાખલ કરે છે.
તો સામે પૂર્ણેશ મોદીના પક્ષે વકીલ હર્ષિત તોલિયાએ કોર્ટને જણાવ્યું કે 'રાહુલ ગાંધીએ તેમના ભાષણ થકી તમામ મોદી અટક ધરાવતા લોકોનું અપમાન કર્યું છે.'
ઉલ્લેખનીય છે કે 19 એપ્રિલ, 2019માં રાહુલ ગાંધીએ એક ચૂંટણીપ્રચાર દરમિયાન મોદી સરનેમ મામલે વિવાદીત નિવેદન આપ્યું હતું. જે મામલે સુરતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમા કેસ દાખલ કર્યો હતો.
સુરતની કોર્ટે આ મામલે રાહુલ ગાંધીને આઈપીસી કલમ 504 અંતર્ગત દોષિત ઠેરવીને બે વર્ષની કેદની સજા ફટકારી હતી. બે વર્ષની કેદની સજા મળતાં જ રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ પણ ખોયું હતું. ત્યારબાદ તેમને સરકારી બંગલો ખાલી કરવાનો પણ આદેશ મળ્યો હતો.
રાહુલ ગાંધીએ સુરતની કોર્ટે જે સજા સંભળાવી હતી તેની સામે સુરતની સેશન્સ કોર્ટમાં નીચલી અદાલતના આદેશને પડકારવામાં આવ્યો હતો. આ મામલે સુરતની સેશન્સ કોર્ટ હવે 20 એપ્રિલે ચુકાદો સંભળાવશે.
અતીક અહમદના પુત્ર અસદનું 'ઍન્કાઉન્ટર'માં મોત, પાંચ લાખનું ઈનામ હતું
લખનૌથી બીબીસી સંવાદદાતા અનંત ઝણાણેના જણાવ્યા અનુસાર,પ્રયાગરાજના ચર્ચિત ઉમેશ પાલ હત્યાકાંડમાં આરોપી અને બાહુબલી નેતા અતીક અહમદના પુત્ર અસદ અહમદનું ઝાંસીમાં એક પોલીસ ઍન્કાઉન્ટર દરમિયાન મોત થયું છે.
આ મામલે અન્ય એક આરોપી ગુલામ મોહમ્મદનું પણ ઍૅન્કાઉન્ટરમાં મોત થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉમેશ પાલ હત્યાકાંડમાં પોલીસને આ બંને આરોપીની તલાશ હતી. આ બંને પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું.
ઉત્તરપ્રદેશ પોલીસના એડીજી અનુસાર, બે ડેપ્યુટી એસપી નવેન્દુ અને વિમલના નેતૃત્વમાં આ 'ઍન્કાઉન્ટર' કરવામાં આવ્યું હતું.
પોલીસ અનુસાર, અસદની ઉંમર લગભગ 20 વર્ષની હતી. પોલીસનો દાવો છે કે આ બંને પાસેથી વિદેશમાં બનેલાં હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યાં છે.
માર્યા ગયેલા બંને અંગે પોલીસનો દાવો છે કે આ બંને ઉમેશ પાલની હત્યામાં શૂટર હતા. તેમના અનુસાર, સીસીટીવીમાં આ બંને ગોળી ચલાવતા જોઈ શકાય છે.
સાત મહિના બાદ કોરોનાના કેસમાં ફરી વધારો
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજારથી વધુ કેસ સામે આવ્યા છે, જે છેલ્લા સાડા સાત મહિનામાં સૌથી વધુ છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાને ટાંકીને આ માહિતી આપી છે.
પીટીઆઈ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 10,158 કેસ નોંધાયા છે, જે છેલ્લા 230 દિવસમાં સૌથી વધુ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, હાલ દેશમાં કોરોનાના 44,4998 સક્રિય કેસ છે.
બુધવારે દિલ્હીમાં કોરોના સંક્રમણના દૈનિક કેસની સંખ્યા 1000ને પાર પહોંચી ગઈ છે.
હાલ દિલ્હીમાં પૉઝિટિવિટી દર 24 ટકાની નજીક છે.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર સાવરકરના પૌત્રે માનહાનિનો કેસ દાખલ કર્યો
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર વિનાયક દામોદર સાવરકરનું અપમાન કરવાનો આરોપ લગાવતા સાવરકરના પૌત્રે પુણેમાં ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
સાવરકરના પૌત્ર સાત્યકિ સાવરકરે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે, "બસ, હવે બહુ થઈ ગયું."
તેઓએ કહ્યું કે, "રાહુલ ગાંધી ગયા મહિને ઇંગ્લૅન્ડ ગયા હતા. ત્યાં તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે વીર સાવરકરે તેમના એક પુસ્તકમાં લખ્યું છે કે તેમણે તેમના 5-6 મિત્રો સાથે મળીને એક મુસલમાનને માર્યો અને એ ઝઘડાની મજા લીધી."
"આ નિવેદન સાવરકરનું અપમાન છે. અમે રાહુલ ગાંધી અને તેમના સમર્થકો પાસેથી તથા કથિત પેન્શન અને અરજી પર ઘણી વાતો સાંભળીએ છીએ. વાસ્તવમાં તે ભરણપોષણ અને દયાની અરજી હતી. અમે કોર્ટનો સંપર્ક કર્યો છે."
આ પહેલાં આરએસએસના એક કાર્યકર્તાએ રાહુલ ગાંધી પર જાન્યુઆરીમાં આપેલા નિવેદનના આધારે સંઘને બદનામ કરવાનો આરોપ લગાવતા હરિદ્વારમાં એફઆઈઆર નોંધાવી છે.
આ ફરિયાદમાં ગાંધીના નિવેદનને આધાર બનાવવામાં આવ્યો છે, જેમાં રાહુલ ગાંધીએ આરએસએસને 21મી સદીના કૌરવ ગણાવ્યા હતા.
ઉત્તર કોરિયાની મિસાઇલ લૉન્ચિંગ બાદ જાપાને નાગરિકોને શું કહ્યું?
ઉત્તર કોરિયા તરફથી છોડવામાં આવેલી ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલિસ્ટિક મિસાઇલના કારણે જાપાને હોક્કાઇડોના નાગરિકોને ક્યાંક છુપાઈ જવાની ચેતવણી આપી છે.
સમાચાર એજન્સી એએફપી અનુસાર, જાપાન સરકારે હોક્કાઇડોના નાગરિકોને તાત્કાલિક તેમના ઘર ખાલી કરીને સુરક્ષિત સ્થળે જવાની ચેતવણી જારી કરવી પડી હતી.
આ ચેતવણી સંદેશમાં હોક્કાઇડોના રહેવાસીઓને સુરક્ષિત ઇમારત અથવા ભૂગર્ભ જગ્યાએ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
જોકે બાદમાં જાપાનના વડા પ્રધાન ફુમિયો ફિશિદાએ કહ્યું છે કે ઉત્તર કોરિયાની મિસાઇલ 'જાપાનના ક્ષેત્રમાં નથી પડી'.
એએફપી અનુસાર, જાપાનના રક્ષામંત્રીએ કહ્યું કે તે એક ઇન્ટરકૉન્ટિનેન્ટલ મિસાઇલ છે.
ઉત્તર કોરિયાના મિસાઇલ લૉન્ચિંગ બાદ દક્ષિણ કોરિયાએ પણ નિવેદન જાહેર કર્યું છે.
એએફપી અનુસાર, તેમણે કહ્યું છે કે ઉત્તર કોરિયાએ કદાચ નવી ઘન ઇંધણ સંચાલિત બૅલિસ્ટિક મિસાઇલ લૉન્ચ કરી છે.
હજુ સુધી ઉત્તર કોરિયા તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો