ભરઉનાળે ભારતમાં પાણીના ભાવ પણ વધ્યા, કારણ શું છે?

    • લેેખક, શૅરિલેન મોલન
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ભારતમાં ઉનાળો દસ્તક દઈ રહ્યો છે અને આગામી મહિનામાં દેશના કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રીને પાર થઈ જશે એવી સંભાવના છે.

એવામાં ઈરાન યુદ્ધને કારણે ભારતના છ અબજના બૉટલબંધ પાણીના ઉદ્યોગને તકલીફ પડી રહી છે. ઉત્પાદકને જરૂરી એવો કાચો માલ ન મળવાથી તેમને મુશ્કેલી પડી રહી છે.

છેલ્લા મહિનામાં આ માર્કેટની લીડર કંપની ગણાતી બિસલેરીએ પાણીના ભાવમાં 11 ટકાનો વધારો કર્યો છે. તેના કારણે 12 બૉટલના એક બૉક્સની કિંમતમાં 24 રૂપિયાનો વધારો થયો છે.

રૉયટર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, બેઇલી અને ક્લિયર જેવી અન્ય બ્રાન્ડ્સે પણ તેમના ભાવમાં વધારો કર્યો છે.

ડેટા ફૉર ઇન્ડિયાના એક અભ્યાસ અનુસાર, 15 ટકા શહેરી પરિવારો અને છ ટકા ગ્રામીણ પરિવારો બૉટલબંધ પાણી પર નભે છે અને તેનાથી જે તેની પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરે છે.

બૉટલબંધ પાણી એ ગ્રામીણ વિસ્તારોના પરિવારોને હકીકતમાં મોંઘું પડે છે, પરંતુ ચોખ્ખું પાણી મળી શકવું એ પણ ભારતના ઘણા ભાગોમાં મોટો પડકાર છે. ખાસ કરીને ઉનાળામાં પાણીની તંગીને કારણે, જમીનમાં પાણીના તળ નીચે જવાને કારણે અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમીને કારણે આ તકલીફ વધુ વ્યાપક થઈ જાય છે.

બૉટલબંધ પાણીના ભાવમાં વધારાનું કારણ શું છે?

પીવાના પાણીની બ્રાન્ડ્સ અને બૉટલના ઉત્પાદકોનું કહેવું છે કે યુદ્ધ વધુ લાંબુ ચાલશે તો તેના કારણે પીવાનું પાણી મોંઘું થઈ શકે છે.

વિશ્વનો 20 ટકા ઑઇલ અને એલપીજીનો જથ્થો હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહ્યો છે અને તે ઈરાન યુદ્ધને કારણે લગભગ બંધ જેવી હાલતમાં છે. તેના કારણે વૈશ્વિક વ્યાપારને મોટી અસર થઈ રહી છે.

ભારત ત્યાંથી આવતાં ગૅસ અને ઑઇલ પર ઘણું નિર્ભર હોવાથી અસર અહીં વર્તાઈ રહી છે.

મહારાષ્ટ્ર બૉટલ્ડ વૉટર મૅન્યુફેક્ચરર્સ ઍસોસિયેશનના પ્રમુખ વિજયસિંહ દુબ્બલ કહે છે કે, "બૉટલબંધ પાણીના ભાવમાં વધારાનું મુખ્ય કારણ એ છે કે પાણી પ્લાસ્ટિકની બૉટલમાં અપાય છે. પ્લાસ્ટિકની બૉટલો મોંઘી થઈ ગઈ છે કારણે કે ક્રૂડઑઇલના ભાવ વધી રહ્યા છે."

તાજેતરમાં આ બ્રૅન્ટ ક્રૂડઑઇલનો ભાવ 119 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો હતો. અમેરિકા-ઇઝરાયલના ઈરાન સાથેના યુદ્ધ પછી આ સૌથી મોટો વધારો હતો.

ક્રૂડઑઇલનો ઉપયોગ પોલિઇથિલીન ટેરેપ્થૅલેટ(પીઇટી) રેઇઝિન પૅલેટ્સ ગ્રેન્યુઅલ્સ બનાવવામાં થાય છે જેને ગરમ કરવામાં આવે છે અને પીઇટી પ્રીફૉર્મ્સ બનાવવા માટે મૉલ્ડ્સમાંથી તેને પસાર કરવામાં આવે છે. આ પ્રીફૉર્મ્સ પ્લાસ્ટિક ટેસ્ટટ્યૂબ્સ જેવા લાગે છે અને તેને વિવિધ બૉટલ ઉત્પાદકો અને બ્રાન્ડ્સને આપવામાં આવે છે. ત્યારબાદ તેનો વિવિધ આકાર અને કદની પ્લાસ્ટિક બૉટલ્સ બનાવવામાં ઉપયોગ થાય છે.

દુબ્બલ કહે છે, "પ્રીફૉર્મ્સની કિંમતો 115 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 180 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. પ્રીફૉર્મ્સના સપ્લાયમાં પણ તંગી છે. મહારાષ્ટ્રમાં બૉટલ ઉત્પાદકોના 20 ટકા પ્લાન્ટ્સ હંગામી ધોરણે બંધ થઈ ગયા છે."

સમગ્ર પૅકેજિંગ ઉદ્યોગને થશે અસર

કેટલીક કંપનીઓએ ભાવમાં વધારો કર્યો છે, પરંતુ દુબ્બલ કહે છે કે ઘણી બ્રાન્ડ્સ અને વિક્રેતાઓએ અત્યાર સુધીમાં ભાવમાં વધારો કર્યો નથી, જેના કારણે ગ્રાહકો ટકી રહ્યા છે. આથી, એક લિટર પીવાના પાણીની બોટલ, જે લગભગ 20 રૂપિયામાં વેચાય છે, અથવા પાંચ લિટરની બૉટલ કે જે લગભગ 60-70 રૂપિયામાં વેચાય છે, તેની કિંમત મોટાભાગે યથાવત્ રહી છે.

તેઓ કહે છે, "પરંતુ કંપનીઓ માટે આ વધારાનો ખર્ચ વેઠવો એ લાંબાગાળા સુધી શક્ય નહીં બને. જો પરિસ્થિતિ વધારે બગડે તો ગ્રાહકોને તેની અસર વર્તાશે."

તેઓ ઉમેરે છે કે પુરવઠા પરનો ભાર આનાથી ખરાબ સમયે આવી શકે નહીં, કારણ કે સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં બૉટલબંધ પાણી અને આલ્કોહૉલિક પીણાંની માગમાં વધારો થાય છે. ભારતમાં ઉનાળાના મહિનાઓ લાંબા ચાલે છે.

ભારતમાં પીઇટી પ્રીફૉર્મ્સના સૌથી મોટા સપ્લાયર્સ પૈકી એક એવા કેમકો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર વૈભવ સારાઓગી કહે છે કે, "પ્રીફૉર્મ્સના ભાવમાં વધારો ફક્ત બૉટલબંધ પાણી જ નહીં, પરંતુ સમગ્ર પૅકેજિંગ ઉદ્યોગને અસર કરશે."

ભારતનું પીઇટી પૅકેજિંગ માર્કેટ એ 2024માં 1.5 અબજ ડૉલરનું હતું અને એ 2033 સુધીમાં 2.2 અબજ ડૉલર સુધી પહોંચી જશે એવું મનાઈ રહ્યું છે. બૉટલબંધ પાણી સિવાય અન્ય પીણાંઓમાં પણ અને બ્યૂટી, ફાર્માસ્યુટિક્લ્સ તથા રેસ્ટોરાં અને ફૂડ ડિલિવરી ઇન્ડસ્ટ્રીમાં પણ તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.

કાચની બૉટલો બનાવનારા લોકો પર પણ યુદ્ધને કારણે અસર થશે.

ગત મહિને બ્રૂઅર્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાએ રૉયટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે કાચની બૉટલોના ભાવમાં પણ 20 ટકાનો વધારો થઈ ગયો છે. આ ઍસોસિયેશનમાં હૅઇનકેન અને કાર્લબર્ગનો પણ સમાવેશ થાય છે. તેણે ઍસોસિયેશનની સભ્ય કંપનીઓને જણાવી દીધું છે કે તે બિયરમાં 12થી 15 ટકાનો ભાવવધારો કરવાનું જે-તે રાજ્યને કહી દે. (ભારતમાં દારૂનો ભાવ જે-તે રાજ્ય નિયંત્રિત કરે છે)

કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન આલ્કોહોલિક બેવરેજ કંપનીએ પણ રાજ્યોને ભાવ વધારવા માટે અરજી કરી છે.

ઈરાન યુદ્ધની અસર પાણીથી લઈને દવાઓ સુધી

વિટ્રમ ગ્લાસ એ ઍમ્બર ગ્લાસ બૉટલોના ઉત્પાદનમાં મોટી કંપની છે. તેના સીઇઓ વિઠોબ શેટે કહ્યું હતું કે, "કુદરતી ગૅસના સપ્લાયમાં બાધાને કારણે ભાવવધારો થઈ રહ્યો છે."

કુદરતી ગૅસનો ઉપયોગ એ કાચની બૉટલોના ઉત્પાદકો તેમની ભઠ્ઠીઓ ચલાવવા માટે કરે છે. આ ભઠ્ઠીમાં રેતી, સોડાએશ, લાઇમસ્ટોન અને રિસાઇકલ્ડ ગ્લાસને પીગળાવીને મોલ્ટન ગ્લાસ બ્લૉહ બનાવાય છે અને અંતે તેને બૉટલોનો આકાર મળે છે.

ભારતે પણ યુદ્ધ શરૂ થયા પછી તેના કુદરતી ગૅસ પરનાં નિયંત્રણોને વધુ મજબૂત કર્યા છે. તેણે ઘરેલુ ગૅસ અને કેટલાંક કૉમર્શિયલ એકમોને અગ્રતા આપી છે.

વિટ્રમ ગ્લાસ જેવી કેટલીક કંપનીઓ ઑઇલનો ઉપયોગ કરી રહી છે પરંતુ ક્રૂડના વધી રહેલા ભાવને કારણે ઉત્પાદનનો ખર્ચ વધી રહ્યો છે.

ભારતની સરકારે કહ્યું છે કે ભારતના ઑઇલ, ગૅસનો પુરવઠો નિયંત્રણમાં છે પરંતુ કેટલીક કૉમર્શિયલ રેસ્ટોરાં યુદ્ધની શરૂઆત પછી રાંધણગૅસની અછતને કારણે બંધ થઈ ગઈ છે.

પુરવઠાની તંગીને કારણે ભારતનાં સિરામિક અને ખાતરનાં કારખાનાંને પણ અસર પડી રહી છે. ઍવિએશન ઇન્ડસ્ટ્રી પણ જેટ ફ્યૂઅલના વધતા ભાવોને કારણે દબાણમાં છે.

વિઠોબ શેટ કહે છે, "આ પરિસ્થિતિ ગંભીર છે. પાણી અને દવાઓ જેવી વસ્તુઓ જરૂરિયાતની ચીજવસ્તુઓના સપ્લાયમાં પણ આંશિક અસર થઈ શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન