ઈરાનમાં તોડી પડાયેલા એફ-15 ફાઇટર પ્લેનના પાઇલટને બચાવવા માટે અમેરિકાનું ઑપરેશન ચાલુ - રિપોર્ટ

    • લેેખક, બર્ન્ડ ડેબુસમૅન જુનિયર
    • પદ, વ્હાઇટ હાઉસથી
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ઘણા પ્રારંભિંક મીડિયા રિપોર્ટો પ્રમાણે ઈરાન ઉપર તોડી પડાયેલા અમેરિકન એફ-15 ફાઇટર પ્લેનના પાઇલટને બચાવી લેવાયો છે. જો તેની પુષ્ટિ થાય, તો તે દાયકાથી ચાલી રહેલી અમેરિકન કૉમ્બેટ સર્ચ ઍન્ડ રેસ્ક્યૂ મિશનોની લાંબી પરંપરાની વધુ એક કડી હશે.

બીબીસીના અમેરિકન પાર્ટનર સીબીએસ ન્યૂઝ પ્રમાણે, બીજા ક્રૂ મેમ્બરની શોધ માટે ઈરાનની અંદર ઊંડાણપૂર્વકનું શોધખોળ અભિયાન હજુ પણ ચાલુ છે.

કૉમ્બેટ સર્ચ ઍન્ડ રૅસ્ક્યૂ (સીએસએઆર) મિશનને સૌથી જટિલ અને સમયની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ સૈન્ય અભિયાનો પૈકી એક મનાય છે, જેની તૈયારી અમેરિકા અને તેના સહયોગી દેશ કરે છે.

અમેરિકામાં વાયુસેનાનાં વિશેષ યુનિટ્સને સીએસએઆર મિશનો માટે ખાસ તાલીમ અપાય છે અને તેમને ઘણી વાર પહેલાંથી જ એવા વિસ્તારો પાસે તહેનાત કરી દેવાય છે, જ્યાં સંઘર્ષ દરમિયાન વિમાન તૂટી પડવાની આશંકા હોય છે.

કૉમ્બેટ સર્ચ એન્ડ રૅસ્ક્યૂ શું હોય છે?

સીધા શબ્દોમાં કહીએ તો સીએસએઆર મિશન એવાં સૈન્ય ઑપરેશન હોય છે, જેનો હેતુ જરૂરિયાતમંદ સૈનિકોની શોધખોળ, તેમની મદદ કરવી અને તેમને સુરક્ષિત બહાર કાઢવાનો હોય છે, જેમ કે, તોડી પડાયેલા પ્લેનના પાઇલટ કે અલગ પડી ગયેલા સૈનિક.

પ્રાકૃતિક આપત્તિ કે માનવીય રાહત દરમિયાન થનારા સામાન્ય સર્ચ ઍન્ડ રૅસ્ક્યૂ ઑપરેશનથી અલગ સીએસએઆર મિશન દુશ્મન કે સંઘર્ષવાળા વિસ્તારોમાં હાથ ધરાય છે.

અમુક મામલમાં આ મિશન દુશ્મન કે વિસ્તારની ઘણી અંદર સુધી જઈને કરાય છે. જેમ કે, શુક્રવારે ઈરાન અંગે બતાવાયેલું ઑપરેશન.

આ મિશન સમયની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોય છે, કારણ કે જે વિસ્તારોમાં બચાવ ટીમ પોતાના સૈનિકો શોધી રહી હોય છે, એ જ જગ્યાએ દુશ્મન સૈન્ય પણ તેમને પકડવાના પ્રયાસ કરી રહી હોય છે.

આજના સમયમાં સીએસએઆર મિશન ઘણી વાર હેલિકૉપ્ટર મારફતે હાથ ધરાય છે. તેની સાથે ઈંધણ ભરનારાં વિમાન અને બીજાં સૈન્ય વિમાન પણ રહે છે, જે જરૂર પડ્યે ત્યારે હુમલો કરી શકે છે કે વિસ્તાર પર નજર રાખી શકે છે.

ખાસ વાર એ છે કે શુક્રવારે ઈરાન સામે આવેલા કેટલાક ઑથેન્ટિક વીડિયોમાં અમેરિકન સૈન્ય હેલિકૉપ્ટર અને ઓછામાં ઓછું એક ઈંધણ ભરતું વિમાન ખુજેસ્તાન પ્રાંતની ઉપર કામ કરતાં દેખાયાં હતાં.

સીએસએઆર મિશનોનો ઇતિહાસ

હવાઈ હુમલા અને યુદ્ધ દરમિયાન થતાં બચાવ મિશનોનો ઇતિહાસ ઘણો જૂનો છે. તેની શરૂઆત પ્રથમ વિશ્વ યુદ્ધના સમયથી થઈ હોવાનું મનાય છે, જ્યારે પાઇલટ ફ્રાન્સમાં અચાનક લૅન્ડિંગ કરીને પોતાના નીચે પડી ગયેલા સાથીઓને બચાવતા હતા.

અમેરિકન સૈન્યનાં પૅરા-પૅસ્ક્યૂ યુનિટ્સનાં મૂળ 1943ના એક મિશન સુધી જાય છે, જ્યારે બે સૈન્ય સર્જન પૅરાશૂટ વડે ત્યારના બર્મા (હાલ મ્યાનમાર)માં ઊતર્યા હતા, જેથી ઈજાગ્રસ્ત સૈનિકોની મદદ કરી શકે.

સ્મિથસોનિયન ઍર એન્ડ સ્પેસ મૅગેઝિન પ્રમાણે, વિશ્વનું પ્રથમ હેલિકૉપ્ટર રૅસ્ક્યૂ એક વર્ષ બાદ થયું હતું, જ્યારે એક અમેરિકન લેફ્ટનન્ટે જાપાની સૈન્યની લાઇન પાછળથી ચાર સૈનિકોને બચાવ્યા હતા. આ ઘટના યુદ્ધમાં હેલિકૉપ્ટરના પહેલવહેલા ઉપયોગનું પણ ઉદાહરણ હતી.

યુદ્ધ બાદ અમેરિકામાં પ્રથમ વખત ઔપચારિક સર્ચ એન્ડ રૅસ્ક્યૂ યુનિટ્સ બનાવાયા, પરંતુ આધુનિક સીએસએઆર મિશનોની અસલ શરૂઆત વિયેતનામ યુદ્ધ દરમિયાન થઈ.

"બૅટ 21" નામક મિશનમાં ઉત્તર વિયેતનામની બૉર્ડરની પેલે પાર તોડી પડાયેલા વિમાનના એક પાઇલટને બચાવવાની કોશિશ દરમિયાન ઘણાં વિમાન ગુમાવવાં પડ્યાં અને ઘણા અમેરિકન સૈનિક મૃત્યુ પામ્યાં.

આ યુદ્ધ દરમિયાન સીએસએઆર મિશનોનાં વ્યાપ અને જટિલતા બંને ઘણાં વધ્યાં. આ અનુભવ આધારે સૈન્યે પણ પોતાની વ્યૂહરચના અને પ્રક્રિયાઓને બહેતર બનાવી,જે આજ દિન સુધી બચાવ અભિયાનોના પાયા તરીકે જળવાયેલી છે.

અમેરિકન વાયુસેનાની પૅરા-રૅસ્ક્યૂ ટીમો

પૅરા-રૅસ્ક્યૂનો આધિકારિક નારો છે : "અમે આ બધું કરીએ છીએ જેથી અન્યો જીવતા રહી શકે." તેમના કામને એ વાયદાનો ભાગ માનવામાં આવે છે કે કોઈ પણ અમેરિકન સૈનિકને પાછળ નહીં છોડવામાં આવે.

આ સૈનિકો લડાઈ અને મેડિકલ એમ બંને કામોમાં પારંગત હોય છે. તેમણે અમેરિકન સૈન્યની સૌથી કપરી ટ્રેનિગ સિસ્ટમો પૈકી એકમાંથી પસાર થવું પડે છે.

પસંદગી અને ટ્રેનિંગની પ્રક્રિયા લગભગ બે વર્ષ સુધી ચાલે છે. જેમાં પૅરાશૂટ ટ્રેનિંગ, ડાઇવિંગ, પાણીની અંદર કામ કરવાની ટ્રેનિંગ, સર્વાઇવલ ટ્રેનિંગ, દુશ્મનથી બચાવ અને નીકળવાની ટ્રેનિંગ, અને સિવિલિયન પૅરામેડિક કોર્સ પણ સામેલ હોય છે.

આ સિવાય તેમને યુદ્ધના મેદાનમાં મેડિકલ મદદ, જટિલ બચાવ ઑપરેશન અને હથિયારોની ખાસ ટ્રેનિંગ પણ અપાય છે.

મિલિટરી ન્યૂઝ વેબસાઇટ સોફરેબ પ્રમાણે, સામાન્યપણે લગભગ 80 ટકા ઉમેદવાર આ ટ્રેનિંગને પૂરી નથી કરીશ શકતા, અને ઘણી વાર આ સંખ્યા તેના કરતાં પણ વધુ હોય છે.

જમીન પર આ ટીમોનું નેતૃત્વ કૉમ્બેટ રૅસ્ક્યૂ ઑફિસર્સ કરે છે, જેઓ સંપૂર્ણપણે તાલીમબદ્ધ હોય છે અને બચાવ મિશનોની યોજના બનાવવા, તાલમેલ બેસાડવા અને તેને અંજામ આપવાની જવાબદારી સંભાળે છે.

હાલનાં અમેરિકન બચાવ મિશન

પૅરા-રૅસ્ક્યૂ ટીમોને ઇરાક અને અફઘાનિસ્તાનનાં યુદ્ધો દરમિયાન મોટા પાયે તહેનાત કરાઈ હતી. તેમણે હજારો મિશન ચલાવીને અમેરિકન અને સહયોગી દેશોના એ સૈનિકોને બચાવ્યા, જેઓ ઈજાગ્રસ્ત થયા હતા કે જેમને ત્યાંથી કાઢવાની જરૂર હતી.

ઉદાહરણ તરીકે વર્ષ 2005માં વાયુસેનાની પૅરા-રૅસ્ક્યૂ ટીમોને એક અમેરિકન નેવી સીલને બચાવવા માટે મોકલવામાં આવી હતી, જેણે અફઘાનિસ્તાનમાં એક ગામમાં શરણ લીધી હતી.

આ સીલની ટીમ પર અચાનક હુમલો થયો હતો, જેમાં તેના અન્ય સાથીદારો માર્યા ગયા હતા. આ ઘટના પર બાદમાં 'લોન સર્વાઇવર' નામની ફિલ્મ પણ બની.

હાલના દાયકામાં તોડી પડાયેલાં વિમાનોના અમેરિકન પાઇલટોને બચાવવા માટેનાં મિશનોની સંખ્યા ઘણી ઘટી છે.

1999માં સર્બિયાની ઉપર તોડી પડાયેલા એફ-117 સ્ટેલ્થ ફાઇટર પાઇલટને પૅરા-રૅસ્ક્યૂ ટીમોએ શોધીને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.

એવી જ રીતે 1995માં બૉસ્નિયામાં એક ચર્ચિત ઘટનામાં અમેરિકન પાઇલટ સ્કૉટ ઑ ગ્રેડીને બચાવાયા હતા.

તેમનું વિમાન તોડી પડાયું હતું અને તેમણે છ દિવસ સુધી દુશ્મનથી બચીને પોતાની જાતને છુપાવી રાખ્યા.

બાદમાં વાયુસેના અને મરીન કૉરના સંયુક્ત સીએસએઆર મિશનમાં તેમને સુરક્ષિત બચાવી લેવાયા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન