ઈરાનનાં સસ્તાં ડ્રૉન ઇઝરાયલના ઍર ડિફેન્સને કેવી રીતે આપી રહ્યાં છે માત, ભારતે તેમાંથી શો બોધપાઠ લેવો જોઈએ?

ઇમેજ સ્રોત, Morteza Nikoubazl/NurPhoto via Getty Images
- લેેખક, સુચેત વીરસિંહ
- પદ, સંરક્ષણ નિષ્ણાત, બીબીસી હિંદી માટે
- વાંચવાનો સમય: 6 મિનિટ
'ઑપરેશન એપિક' ફ્યૂરી શરૂ થયા પછી પશ્ચિમ એશિયામાં વિનાશ કરવા અને જટિલ રીતે તૈયાર કરવામાં આવેલી ઍર ડિફેન્સ સિસ્ટમને નિષ્ફળ કરવામાં ઈરાનના ઓછો ખર્ચ ધરાવતાં 'કામિકાજે શાહેદ ડ્રૉન' ખૂબ જ અસરકારક સાબિત થયાં છે. આ ડ્રૉન્સે આધુનિક યુદ્ધ અને તેનાં આર્થિક સમીકરણોમાં યુદ્ધનું એક નવું સમીકરણ ઉમેરી દીધું છે.
ઈરાને આખા પશ્ચિમ એશિયામાં સેન્સરો, રડારો, સૈન્ય છાવણીઓ, તેલ ગૅસનાં પાયાનાં માળખાં, બંદરો, હવાઈ મથકો અને રહેણાક વિસ્તારોને આક્રમક રીતે નિશાન બનાવવા માટે બૅલેસ્ટિક મિસાઇલોની સાથે જ તેના શાહેદ ડ્રૉનનો ઉપયોગ કર્યો છે.
છેલ્લા એક મહિનામાં ખાડી ક્ષેત્રમાં ફેલાયેલી અરાજકતાએ એક વખત ફરીથી સાબિત કરી દીધું છે કે આધુનિક યુદ્ધક્ષેત્રમાં ડ્રૉન અને હવાઈશક્તિની ભૂમિકા કેટલી મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. 2022માં રશિયા–યુક્રેન યુદ્ધ શરૂ થયા પછીથી આ સૈન્યસિદ્ધાંત દરેક જગ્યાએ અપનાવવામાં આવી રહ્યો છે.
શાહેદ ડ્રૉન વડે થયેલું મોટું નુકસાન એ વાતને ઉજાગર કરે છે કે ઓછા ખર્ચવાળા કામિકાજે ડ્રૉનને મોટાં પ્રમાણમાં સૈન્ય હથિયારોના ભંડારમાં સામેલ કરવાનો વ્યૂહાત્મક લાભ કેટલો મોટો હોઈ શકે છે.
ભારત માટે આ પાઠ ઘણો મહત્ત્વપૂર્ણ છે. કેમ કે, આ વર્તમાન સંઘર્ષનો વિસ્તાર ભલે થોડા હજાર માઇલ દૂર હોય, પરંતુ તેની સરહદો 'દુશ્મનો'થી ઘેરાયેલી છે.
અસંતુલિત આર્થિક ગણિત

ઇમેજ સ્રોત, Lockheed Martin
28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછીથી ઈરાન ડ્રૉનના ઝુંડોનો ઉપયોગ કરીને નિશાન સાધી રહ્યું છે. ખાડી ક્ષેત્રમાં અમેરિકન અને ઇઝરાયલી ઍર ડિફેન્સ સિસ્ટમ પર દબાણ ઊભું કરવા માટે મુખ્યત્વે શાહેદ 136, શાહેદ 107 અને શાહેદ 238 ડ્રૉનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
શાહેદ 136 અને શાહેદ 107 પિસ્ટન એન્જિનવાળા એકતરફી હુમલો કરનાર લૉયટરિંગ મ્યૂનિશન છે (એવાં હથિયાર જે લક્ષ્યક્ષેત્રમાં ફરતાં રહે છે), જ્યારે શાહેદ 238 જેટ એન્જિન દ્વારા ચાલતો લૉયટરિંગ મ્યૂનિશન છે.
ઈરાની ડ્રૉનની સૌથી મોટી તાકાત એ છે કે તે સસ્તાં છે અને સરળતાથી બનાવી શકાય છે. યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવેલા શાહેદ ડ્રૉનની કિંમત 20,000થી 50,000 ડૉલર પ્રતિ ડ્રૉન થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેનાથી વિપરીત તેને રોકવા માટે તહેનાત અમેરિકન અને ઇઝરાયેલી ઍર ડિફેન્સ સિસ્ટમ ખૂબ જ મોઘી છે. અનુમાન છે કે અમેરિકાની ટર્મિનલ હાઈ ઍલ્ટિટ્યૂડ એરિયા ડિફેન્સ (થાડ) સિસ્ટમ કે પૅટ્રિએટ મિસાઇલ સિસ્ટમ (પીએસી 3) દ્વારા કરવામાં આવેલા દરેક ઇન્ટરસેપ્શન (હુમલો કરનાર મિસાઇલ કે ડ્રૉનને રસ્તામાં તોડી પાડવા) માટે 10 લાખથી 40 લાખ ડૉલર સુધીનો ખર્ચ થાય છે.
આ ખર્ચના મોટા અંતરની સાથે બીજી જટિલતાઓ પણ છે; જેમ કે, ઇન્ટરસેપ્ટર મિસાઇલોનું ઝડપથી ખતમ થવું અને તેને ફરીથી બનાવવા અને તહેનાત કરવાની લાંબી પ્રક્રિયા. રિપોર્ટ્સ અનુસાર, સપ્લાય ચેઇનની નબળાઈના કારણે યુદ્ધમાં છોડવામાં આવેલી ટૉમહૉક મિસાઇલોની ભરપાઈમાં પાંચ વર્ષ કરતાં વધારે સમય લાગી શકે છે.
યુદ્ધના શરૂઆતના દિવસોમાં અમેરિકા અને તેના સહયોગીઓએ ઈરાની ડ્રૉન અને મિસાઇલોને અટકાવવા માટે 800થી વધારે ઇન્ટરસેપ્ટર મિસાઇલો વાપરી નાખી. તેનાથી ઊલટું, લૉકહીડ માર્ટિને આખા વર્ષ—2025—માં માત્ર 620 પીએસી 3 મિસાઇલનું જ નિર્માણ કર્યું હતું.
હકીકતમાં, ઈરાનના ડ્રૉન ઝુંડ મોકલવાનો ખર્ચ અને તેને નિષ્ક્રિય કરવા કે રોકવા માટે અમેરિકા, ઇઝરાયલ અને તેના સહયોગીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ઇન્ટરસેપ્ટર સિસ્ટમના ખર્ચ વચ્ચે ઘણો મોટો તફાવત છે.
ઓછા ખર્ચે ભારે નુકસાન પહોંચાડતાં ડ્રૉન

ઇમેજ સ્રોત, Gailan Haji / Middle East Images / AFP via Getty Images
ખર્ચનું આ સંતુલન, જેને સપ્લાય ચેઇનની માળખાગત સીમાઓ અને રિપ્લેસમેન્ટની મુશ્કેલીઓએ વધારે ઘેરી કરી દીધી છે અને આ સંઘર્ષમાં એક પ્રતિકૂળ આર્થિક સ્થિતિ ઊભી કરી દીધી છે. તેનાથી ઈરાનને સંયુક્ત વિરોધની સામે પોતાની તુલનાત્મક સૈન્ય નબળાઈઓની ભરપાઈ કરવાની તક મળી ગઈ છે.
યુદ્ધનાં બદલાયેલાં આર્થિક સમીકરણોએ ઈરાનને એવી રણનીતિઓ અપનાવવામાં મદદ કરી છે, જે તેના માટે લાભકારક સાબિત થઈ છે.
ઇન્ટરસેપ્ટરની સરખામણીએ ઈરાની ડ્રૉન ખૂબ ઓછી કિંમતનાં છે અને તેને બનાવવાની સાથે જ ફરીથી તહેનાત કરવાં સરળ છે. તેથી ઇઝરાયલ, અમેરિકા અને ખાડી દેશો માટે ઇન્ટરસેપ્ટર છોડવાનો નિર્ણય અને તેની સાથે સંકળાયેલો આર્થિક બોજ, બંનેની અસર ખૂબ વધી ગઈ છે.
ખર્ચની આ પ્રતિકૂળ આર્થિક સ્થિતિ એટલી પ્રભાવી છે કે કેટલાક ખાડી દેશોએ પોતાના ઇન્ટરસેપ્ટર ભંડારને બચાવીને રાખવા માટે વૈકલ્પિક રણનીતિઓ અપનાવવી પડી છે.
ખાડી દેશોએ શાહેદ ડ્રૉન તોડી પાડવાં માટે એફ 16 યુદ્ધવિમાનોને સક્રિય કર્યાં છે. જોકે, આ રીત ઘણી મોઘી છે – એક એફ-16ને હવામાં ઊડતું રાખવા માટે લગભગ 25,000 ડૉલર પ્રતિ કલાકનો ખર્ચ થાય છે. તેથી યુદ્ધની બદલાયેલી આર્થિક તસવીર વધારે જટિલ બની ગઈ છે.
વર્તમાન સ્થિતિમાં ખર્ચ-વિનિમયનો ગુણોત્તર ઈરાનના પક્ષમાં છે અને પશ્ચિમી ઔદ્યોગિક ક્ષમતા પર નવાં હથિયાર અને ઇન્ટરસેપ્ટર ઉપલબ્ધ કરાવવાનું દબાણ વધી ગયું છે.
યુદ્ધનું આ બદલાયેલું આર્થિક સમીકરણ એ વાતને રેખાંકિત કરે છે કે તકનીકી રીતે અદ્યતન અને સારી એવી મૂડી ધરાવતી સેનાઓને પણ ઓછા ખર્ચવાળી શસ્ત્ર પ્રણાલીઓથી સજ્જ ચાલાક અને કુશળ વિરોધી પડકારી શકે છે.
ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ, સેટેલાઇટ ઇમેજરી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે યુદ્ધના તકનીકી માળખામાં વધારે ઊલટફેર કરી દીધો છે.
જોકે, તકનીકી રીતે અદ્યતન વિકલ્પ સેનાઓની ક્ષમતાને ચોક્કસપણે અનેક ગણી વધારી દે છે, પરંતુ હવે આ સેનાઓને ભવિષ્યનાં યુદ્ધો માટે ઓછા ખર્ચવાળા આક્રમક અને સુરક્ષાત્મક વિકલ્પોની પણ જરૂર પડશે.
તેનો એ અર્થ નથી કે ઓછી મૂડી અને નિમ્ન સ્તરીય તકનીક ધરાવતી સેનાઓ જ વિજયી બનશે, પરંતુ તેનાથી યુદ્ધનાં મેદાન ચોક્કસ ખૂબ જ વધારે જટિલ બની જાય છે. આ અસમાનતાની અસર કેવળ પશ્ચિમ એશિયાના વર્તમાન યુદ્ધ સુધી જ સીમિત નહીં રહે, પરંતુ ભવિષ્યમાં દૂરગામી અસર પણ કરશે.
ભારત માટે મધ્યપૂર્વના યુદ્ધમાંથી બોધપાઠ

ઇમેજ સ્રોત, Nasir Kachroo/NurPhoto via Getty Images
ભારત પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધથી ભલે દૂર છે, પરંતુ તેના આર્થિક અને ઊર્જા ઝટકાથી સંપૂર્ણ રીતે બચેલું નથી. ભારત માટે આ યુદ્ધના ઘણા અર્થ છે.
જેમ કે, ગયા વર્ષે ઉનાળામાં ભારત–પાકિસ્તાન વચ્ચે થયેલી હવાઈ અથડામણમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે, ડ્રૉન્સનાં ઝુંડ હવે દક્ષિણ એશિયાનાં યુદ્ધોમાં પણ એક કેન્દ્રીય ભૂમિકા ભજવી રહ્યાં છે.
એટલે સુધી કે, મ્યાંમારમાં પણ જુંટા અને વિદ્રોહીઓ વચ્ચે ડ્રૉન યુદ્ધ જોવા મળી રહ્યું છે. પશ્ચિમ એશિયાના વર્તમાન યુદ્ધ દરમિયાન જોવા મળી રહેલી ઝડપી તકનીકી પ્રગતિ અને વિષમ ડ્રૉન રણનીતિઓ ઉપખંડમાં ડ્રૉન યુદ્ધને વધારે જટિલ બનાવી દેશે.
ભારતીય સેનાના ડ્રૉન શસ્ત્રભંડારમાં ઘણાં બધાં હાઈ ટેક ડ્રૉન છે. તેમાં ઇઝરાયલનાં ટોહી ડ્રૉન આઇએઆઇ સર્ચર અને હાર્પર સામેલ છે. તદ્ ઉપરાંત, ઇઝરાયલથી જ આવેલા લૉયટરિંગ મ્યૂનિશન, જેવા કે, હારોપ અને હાર્પી, પણ છે. જેનો ઉપયોગ 'ઑપરેશન સિંદૂર' દરમિયાન કરવામાં આવ્યો હતો.
હાર્પીનું એક વૅરિયન્ટ – સ્કાય સ્ટ્રાઇકર ભારતમાં સહ-ઉત્પાદન હેઠળ બનાવવામાં આવે છે. અમેરિકા નિર્મિત એમક્યૂ-9 રીપર ડ્રૉન પણ સમયની સાથે ભારતીય શસ્ત્રભંડારમાં સામેલ કરવામાં આવશે. સ્વદેશી કામિકાજે ડ્રૉન, જેવા કે નાગસ્ત્ર 1ને પણ 'ઑપરેશન સિંદૂર' દરમિયાન તહેનાત કરવામાં આવ્યાં હતાં.
જોકે, ભારતીય શસ્ત્રભંડારમાં એક મોટી અને સ્પષ્ટ ઊણપ એ છે કે સસ્તા અને સરળતાથી બનાવી શકાય તેવાં કામિકાજે ડ્રૉન ખૂબ મર્યાદિત સંખ્યામાં છે.
નાગસ્ત્ર જેવાં સ્વદેશી સમાધાન અને વર્તમાન પરિયોજનાઓ કાલ (KAL) અને શેષનાગ જેવાં ડ્રૉન હોવાં છતાં, ભારતે કામિકાજે ડ્રૉન્સ ખરીદવાં માટે નિર્માણ અને ખરીદી, બંને યોજનાઓને નોંધપાત્ર રીતે વધારવાની જરૂર છે. કેમ કે, નાની-નાની અને ટુકડે-ટુકડે કરાયેલી ખરીદીથી તે મોટા પાયે ઉપયોગલાયક નથી બની શકતાં.
ભવિષ્યમાં યુદ્ધની રણનીતિ બદલાઈ જશે

ઇમેજ સ્રોત, Imad Basiri/Anadolu via Getty Images
જરૂર એ વાતની છે કે સેના લાખોની નહીં તો હજારોની સંખ્યામાં ઓછા ખર્ચવાળા કામિકાજે ડ્રૉન્સ ઑર્ડર કરે. વર્તમાન પદ્ધતિમાં મર્યાદિત સંખ્યામાં ઑર્ડર અપાય છે અને તે મળવામાં લાંબો સમય લાગે છે. તેથી, નિર્માતાઓ માટે, ખાસ કરીને નાણાકીય દૃષ્ટિએ, લાંબો સમયગાળો લાભકારક નહીં બને.
ભવિષ્યમાં, યુદ્ધોમાં ઓછા ખર્ચવાળા લૉયટરિંગ મ્યૂનિશનનો ઉપયોગ વધવાનો છે, જેને ઈરાનની રણનીતિઓના લીધે વધારે ગતિ મળી છે.
એટલે સુધી કે અમેરિકાએ પણ વર્તમાન સંઘર્ષમાં ઈરાનની વિષમ રણનીતિઓનો સામનો કરવા માટે લો કૉસ્ટ અનમૅન્ડ કૉમ્બેટ અટૅક સિસ્ટમ (LUCAS) તહેનાત કરી છે. અમેરિકાનાં વિશાળ સૈન્ય ઔદ્યોગિક માળખાને જોતાં ભારત માટે તેનું મહત્ત્વ ઘણું વધી જાય છે.
પશ્ચિમ એશિયામાંથી મળતો બીજો એક મહત્ત્વપૂર્ણ બોધપાઠ એ છે કે સસ્તી અને ખર્ચઅસરકારક કાઉન્ટર ડ્રૉન સિસ્ટમને વ્યાપક રીતે વિકસાવવાં, બનાવવાં અને ખરીદવાંની જરૂર છે, બિલકુલ એ રીતે જ, જે રીતે યુક્રેન–રશિયા યુદ્ધ દરમિયાન આવી સિસ્ટમ વિકસાવવામાં આવી છે.
ખાડી દેશો પાસે આ પ્રકારની સિસ્ટમ્સની અછત છે, જેની નકારાત્મક અસર વર્તમાન યુદ્ધમાં જોવા મળી છે. આ ઓછા ખર્ચવાળી કે સસ્તી સિસ્ટમ, વર્તમાન ઍર ડિફેન્સ સિસ્ટમ્સની ઉપર એક વધારાના આવરણ તરીકે કામ કરશે.
તેનાથી મોઘી ઍર ડિફેન્સ સિસ્ટમનો વધુ સારો ઉપયોગ સુનિશ્ચિત કરી શકાશે અને દુશ્મનનાં ઓછા ખર્ચવાળાં કામિકાજે ડ્રૉનનો સામનો કરવામાં તેનો ઉપયોગ મર્યાદિત રહેશે.
આ ઉપાયોને લાગુ કરવા માટે ભારતમાં સંસ્થાગત અને રાજકીય, બંને સ્તરે ઇચ્છાશક્તિની જરૂર પડશે.
તે એ વાત પર આધારિત રહેશે કે સેના કેટલી ઝડપથી અને અસરકારક રીતે મોટા પ્રમાણમાં ખરીદ પ્રક્રિયા શરૂ કરી શકે છે. પરંતુ વાસ્તવિક ગૂંચ આ જ છે, કેમ કે, આખું સમીકરણ ખરીદ પ્રક્રિયા પર ટકેલું છે, અને આ પ્રક્રિયા દરેક સ્તરે ગૂંચવણભરી અને જટિલ હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























