ઈરાન યુદ્ધ : ખરેખર ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા છે કે આ જોખમને વધારીને કહેવાય છે?

મધ્યપૂર્વ એશિયા તણાવ, શું ત્રીજું વિશ્વયુદ્ધ થશે, ઇરાન અને અમેરિકા-ઇઝરાયલ યુદ્ધ, વિશ્વયુદ્ધ ક્યારે અને કેવી રીતે થાય, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, રાતો સમુદ્ર, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Stringer/Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનમાં તેલના ભંડાર ઉપર અમેરિકા-ઇઝરાયલના હવાઈ હુમલા પછી આગ લાગી, તે સમયની તસવીર
    • લેેખક, અહમન ખ્વાજા
    • પદ, ગ્લોબલ જર્નાલિઝમ ટીમ
    • લેેખક, ધ ગ્લોબલ સ્ટોરી પૉડકાસ્ટ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ઈરાન ઉપર ઇઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધને એક મહિના કરતાં વધુનો સમય થઈ ગયો છે. એવી આશંકા થઈ રહી છે કે મધ્યપૂર્વ એશિયાનું હાલનું સંકટ વ્યાપક સ્વરૂપ ધારણ ન કરી લે.

આ યુદ્ધ અસર માત્ર ઈરાનને જ નથી થઈ, પરંતુ અન્ય ડઝનબંધ દેશોને પણ તેની ઝાળ લાગી છે.

જેમ કે, સંયુક્ત આરબ અમીરાત, બહરીન, કુવૈત, સાઉદી અરેબિયા, ઓમાન, અઝરબૈજાન, કબજાવાળો વેસ્ટ બૅન્ક, સાઇપ્રસ, સીરિયા, કતર તથા લેબનોન.

કેટલાક લોકોને ચિંતા છે કે વર્તમાન સંઘર્ષ પ્રાદેશિક યુદ્ધમાંથી આગળ વધીને વિશ્વયુદ્ધનું સ્વરૂપ ધારણ ન કરી લે.

વિશ્વયુદ્ધ ઉશ્કેરનારી પરિસ્થિતિ

મધ્યપૂર્વ એશિયા તણાવ, શું ત્રીજું વિશ્વયુદ્ધ થશે, ઇરાન અને અમેરિકા-ઇઝરાયલ યુદ્ધ, વિશ્વયુદ્ધ ક્યારે અને કેવી રીતે થાય, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, રાતો સમુદ્ર, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાને પહેલી એપ્રિલને ઇરાકના કૂર્દિસ્તાન વિસ્તારમાં ક્રૂડઑઇલના ભંડારમાં આગ ચાંપી દીધી હતી

બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય ઇતિહાસનાં પ્રોફેસર ઍમેરિટસ માર્ગરેટ મૅકમિલને બીબીસી ગ્લોબલ સ્ટોરી પૉડકાસ્ટમાં કહ્યું, "સામાન્ય લોકો એવું માનતા હોય છે કે યુદ્ધ ખૂબ જ યોજનાબદ્ધ રીતે થાય છે તથા જે દેશો યુદ્ધમાં ઝંપલાવે છે, તેને ખબર હોય છે કે તે ખરેખર શું કરી રહ્યા છે."

પ્રો. મૅકમિલન કહે છે, "ખરેખર તો તમે અગાઉનાં યુદ્ધો ઉપર નજર કરો, દાખલા તરીકે પહેલું વિશ્વયુદ્ધ... તો એમાં ઘણું બધું અચાનક જ થયું હતું અને વિરોધી દેશોને એકબીજાને માટે ગેરસમજ થઈ હતી, જેના કારણે તે યુદ્ધ થયું હતું."

મૅકમિલન કહે છે કે તે ઑસ્ટ્રિયા-હંગેરીના સમ્રાટ ફ્રાંઝ જોસેફના ભત્રીજા આર્ચડ્યૂક ફ્રાંઝ ફર્ડિનેન્ડની હત્યાએ 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ શરી કરનારી ઘટનાઓની હારમાળા શરૂ કરી હતી.

અમુક અઠવાડિયાંમાં જ ગઠબંધનોના સમૂહે સમગ્ર યુરોપને આ સંઘર્ષમાં ખેંચી લીધું. સર્બિયા વિરુદ્ધ ઑસ્ટ્રિયા-હંગેરીએ પગલાં લીધા. એ પછી જર્મનીએ ઑસ્ટ્રિયાના સમર્થનમાં અને રશિયાએ સર્બિયાની હિમાયત કરતા સૈન્ય તૈયારીઓ શરૂ કરી.

બીજી બાજુ, ફ્રાન્સે રશિયાને સાથ આપ્યો તથા બ્રિટને સન્માન તથા વ્યૂહરચનાના નામે યુદ્ધમાં ઝંપલાવ્યું.

તેઓ કહે છે, "એ પછી જે કંઈ થયું, તે વૈશ્વિક તારાજી બની ગયું."

લંડનની કિંગ્સ કૉલેજ ખાતે આંતરરાષ્ટ્રીય ઇતિહાસના પ્રોફેસર જો માઇલોનું કહેવું છે કે જ્યારે તમામ મુખ્ય શક્તિશાળી દેશો તેમાં સામેલ થાય, એટલે વિશ્વયુદ્ધ શરૂ થાય છે.

તેમણે બીબીસીને જણાવ્યું, "પહેલા વિશ્વયુદ્ધમાં યુરોપની સામ્રાજ્યવાદી શક્તિઓ હોત તથા બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા, જાપાન અને ચીન હોત."

કેટલાક લોકોનું માનવું છે કે મધ્યપૂર્વ એશિયામાં જે તણાવ પ્રવર્તી રહ્યો છે, તે પ્રાદેશિક સમસ્યા છે, પરંતુ શું તે વ્યાપક રીતે વૈશ્વિકસ્તરે ફેલાઈ શકે છે?

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ફેબ્રુઆરી મહિનામાં બીબીસીને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેમનું માનવું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને અગાઉથી જ ત્રીજું વિશ્વયુદ્ધ ચાલુ કરી દીધું છે, એટલે રશિયાને પીછેહઠ કરવા માટે મજબૂર કરવું જોઈએ.

ઝેલેન્સ્કીએ કહ્યું હતું, "મને લાગે છે કે પુતિને પહેલાંથી જ તેની શરૂઆત કરી દીધી છે. સવાલ એ છે કે તેઓ કેટલા વિસ્તાર ઉપર કબજો કરી શકશે તથા તેમને કેવી રીતે અટકાવવામાં આવે... રશિયા વિશ્વ ઉપર અલગ જ પ્રકારનું જીવન થોપવા માગે છે તથા લોકોએ પોતાને માટે જે પ્રકારનું જીવન પસંદ કર્યું છે, તેને બદલવા માગે છે."

ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ

મધ્યપૂર્વ એશિયા તણાવ, શું ત્રીજું વિશ્વયુદ્ધ થશે, ઇરાન અને અમેરિકા-ઇઝરાયલ યુદ્ધ, વિશ્વયુદ્ધ ક્યારે અને કેવી રીતે થાય, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, રાતો સમુદ્ર, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલના હુમલાને કારણે લેબનોનમાં લગભગ 10 લાખ લોકો બેઘર થઈ ગયા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શું વિશ્વ ઉપર ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે, તેના જવાબમાં મૅકમિલન કહે છે, "જે દેશ તેને વકરાવી શકે છે, તે કદાચ ઈરાન છે અથવા તો ઈરાનના સહયોગીઓ છે, જેમ કે, યમનના હૂતી."

મૅકમિલનનું કહેવું છે કે હોર્મુઝની સામુદ્રધુની અથવા દરિયાઈ વેપારના અન્ય માર્ગો ઉપર ઈરાનની કાર્યવાહી વૈશ્વિક અસર ઊભી કરી શકે છે. તેના કારણે વૈશ્વિક ઊર્જાનો પુરવઠો ખોરવાઈ શકે છે અને વિશ્વની મોટી સત્તાઓ તેમાં ઝંપલાવી શકે છે.

તેઓ ઉમેરે છે કે તેમાં અમેરિકાની સામેલગીરી પણ સ્થિતિને વધારે છે. અન્ય દેશ ઉપર ભલે સીધી અસર ન થાય, પરંતુ આર્થિક કે વ્યૂહાત્મક રીતે તેમને પણ અસર થઈ શકે છે.

તેઓ કહે છે કે વિશ્વના એક ભૂભાગનો તણાવ એ અન્ય વિસ્તારમાં તણાવનું કારણ બની શકે છે.

દાખલા તરીકે પશ્ચિમી દેશો મધ્યપૂર્વ એશિયામાં વ્યસ્ત છે, ત્યારે ચીન તાઇવાનમાં કોઈ પગલું લેવાની વ્યૂહરચના અપનાવી શકે છે, અથવા યુક્રેન સામેની કાર્યવાહીમાં રશિયા આક્રમક થઈ શકે છે, કારણ કે હાલમાં વિશ્વનું ધ્યાન બીજે ખેંચાયેલું છે.

મૅકમિલન કહે છે, "વિશ્વના કોઈ એક ભૂભાગમાં શરૂ થયેલો સંઘર્ષ બહાર અન્ય કોઈ પ્રદેશમાં ફેલાય તેની શક્યતા હંમેશાં રહેલી હોય છે. કારણ કે આંશિક રીતે બહારના ક્ષેત્રના લોકો આ સંઘર્ષમાં તક જુએ છે. તેમને લાગે છે કે જે લોકો તેમને અટકાવી શકે એમ છે, તેઓ હાલ વ્યસ્ત છે."

પ્રો. માઇલોનું માનવું છે કે આ સંઘર્ષ પ્રાદેશિક જ રહે છે તથા તેમાં સાઉદી અરેબિયા સહિતના ગલ્ફ કૉ-ઑપરેશન કાઉન્સિલના સભ્ય દેશો ઝંપલાવી શકે છે. પ્રો. માઇલોનું માનવું છે કે ચીન અને રશિયા આ યુદ્ધમાં સામેલ નહીં થાય.

તેમણે કહ્યું, "દુનિયામાં ક્યાંક કશુંક થશે એટલે ચીન દ્વારા તાઇવાનની ઉપર હુમલો કરી દેવામાં આવશે, એ વિચાર સંપૂર્ણપણે કાલ્પનિક છે, પરંતુ જો આપણે ત્રીજા વિશ્વયુદ્ધની વાત કરી રહ્યા હોઈએ, તો મને નથી લાગતું કે ચીન અથવા રશિયાની આ યુદ્ધમાં પ્રત્યક્ષપણે ઝંપલાવવાની કોઈ ગણતરી હોય. અને યુરોપ આ યુદ્ધમાં જોડાય તેવી સંભાવના એથી પણ ઓછી છે."

પ્રો. માઇલોનું કહેવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કૂટનીતિ બાબતે ચીનની અલગ યોજના છે. "જ્યારે તમારો વિરોધી દેશ વ્યૂહાત્મક ભૂલ કરી રહ્યો હોય, ત્યારે તેને એમ કરવા દો."

ક્રૂડઑઇલના ભાવોમાં થતો ચઢાવ-ઉતાર ચીનને સીધી જ અસર કરે છે, ત્યારે હાલના સંઘર્ષમાં કોઈ કૂટનીતિક ભૂમિકા નહીં ભજવીને તે બરાબર કરી રહ્યું છે?

તેના જવાબમાં પ્રો. માઇલો કહે છે કે તે ખૂબ જ નાની કિંમત છે. "વ્યૂહાત્મક હિતોએ ચીનની પ્રાથમિકતા છે. અમેરિકા મધ્યપૂર્વ એશિયામાં અટવાયેલું રહે, એ ચીન માટે તેલના ભાવો કરતાં ઘણું વધુ મહત્ત્વપૂર્ણ છે."

નેતાઓની ભૂમિકા

મધ્યપૂર્વ એશિયા તણાવ, શું ત્રીજું વિશ્વયુદ્ધ થશે, ઇરાન અને અમેરિકા-ઇઝરાયલ યુદ્ધ, વિશ્વયુદ્ધ ક્યારે અને કેવી રીતે થાય, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, રાતો સમુદ્ર, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાન્યુઆરી-2025માં ઈરાન તથા રશિયાએ વ્યૂહાત્મક ભાગીદારી કરી હતી, પુતિન તથા પેઝેશ્કિયાનની (ડાબે) ફાઇલ તસવીર

મૅકમિલન કહે છે કે ઇતિહાસમાં યુદ્ધો ઘણી વાર ગર્વ, સન્માનની ભાવના અથવા વિરોધીઓના ડરથી શરૂ થાય છે.

તેમણે એ પણ નિર્દેશ કર્યો છે કે ઇતિહાસ બતાવે છે કે વ્યક્તિગત નેતાઓ ઘટનાઓની દિશા નક્કી કરી શકે છે.

"પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રેન્ચ વડા પ્રધાન ક્લેમેન્સોએ કહ્યું હતું કે યુદ્ધ કરતાં શાંતિ જાળવી રાખવી વધુ મુશ્કેલ છે."

મૅકમિલનના મતે, ઘણી વાર એવી દલીલ કરાય છે કે જ્યારે નોંધપાત્ર મોટી જાનહાનિ થાય કે ઘણા લોકો માર્યા જાય, ત્યારે નેતાઓ નક્કી કરે છે કે તેમણે "યુદ્ધ જીતવા માટે ચાલુ રાખવું" જોઈએ.

તેઓ કહે છે કે નેતાઓ માટે ગર્વ એક મુખ્ય પરિબળ હોઈ શકે છે અને પુતિનને ઉદાહરણ તરીકે નિર્દેશ કરે છે અને કહે છે કે, "તેમણે સ્પષ્ટપણે યુક્રેન પર આક્રમણ કરવાનો પ્રયાસ કરીને ગંભીર ભૂલ કરી છે."

તેઓ કહે છે કે ચાર વર્ષ પહેલાં હુમલા શરૂ થયા પછી તરત જ પુતિને કહ્યું હતું કે તેમનો ધ્યેય યુક્રેનને "નિઃશસ્ત્રીકરણ અને નાઝીવાદથી મુક્ત" કરવાનો હતો, પરંતુ ચાર વર્ષ પછી પણ રશિયા કહે છે કે યુક્રેનમાં તેના સૈન્ય ઉદ્દેશ્યો હજુ સુધી પૂરા થયા નથી.

બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયનો અંદાજ છે કે રશિયાને કુલ 12.5 લાખ જાનહાનિનું નુકસાન થયું છે. આ સંખ્યા બહુ ઓછી આંકવામાં આવી છે.

બ્રિટિશ સશસ્ત્ર દળોના પ્રધાનના મતે, આ સંખ્યા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાને થયેલી કુલ જાનહાનિ કરતાં વધુ છે.

મૅકમિલન ઉમેરે છે કે જે નેતાઓ નિષ્ફળતા સ્વીકારવાનો કે પીછેહઠ કરવાનો ઇનકાર કરે છે તેઓ સંઘર્ષોને લંબાવી શકે છે અને વધારી શકે છે.

તેઓ એ પણ નોંધે છે કે ભૂતકાળમાં ઍડોલ્ફ હિટલર જેવા નેતાઓ હાર નિશ્ચિત થયા પછી પણ લડતા રહ્યા. તેમનું આ પગલું વિચારધારા, ગર્વ અથવા ભ્રમ દ્વારા પ્રેરિત હતું.

આવા નિર્ણયો સીમિત સંઘર્ષોને વિનાશક યુદ્ધોમાં ફેરવી શકે છે.

તણાવ ખતમ કરવાના ઉપાય

મધ્યપૂર્વ એશિયા તણાવ, શું ત્રીજું વિશ્વયુદ્ધ થશે, ઇરાન અને અમેરિકા-ઇઝરાયલ યુદ્ધ, વિશ્વયુદ્ધ ક્યારે અને કેવી રીતે થાય, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, રાતો સમુદ્ર, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલે ચોથી માર્ચ 2026ના રોજ બૈરુત ઉપર હુમલો કર્યો, તે સમયની તસવીર

મૅકમિલન કહે છે કે તણાવ ઓછો કરવા માટે કૂટનીતિ બહુ જરૂરી છે, "તમારે અન્ય પક્ષો અંગે જાણવું જોઈએ... અને તેમના સંપર્કમાં રહેવું જોઈએ."

તેઓ કહે છે કે શીતયુદ્ધના અંતિમ તબક્કામાં અને નાટોની ભાગીદારી સાથે બધા પક્ષો વચ્ચે સારો સંવાદ થયો હતો.

મૅકમિલન કહે છે, "ઘણાં ઉદાહરણ છે, જ્યાં લોકોએ કહ્યું કે થોભો... આ બહુ ખતરનાક થતું જઈ રહ્યું છે. તેમણે સમજ્યું કે સ્થિતિ બહુ અસ્થિર થઈ રહી છે અને તેને તેમણે શાંત કરવી પડશે."

જ્યારે મોટી શક્તિઓ સામેલ હોય છે, ત્યારે તણાવ ઓછો કરવાની નીતિઓમાં પરમાણુ શસ્ત્રોની હાજરી હંમેશાં મુખ્ય પરિબળ હોય છે.

વીડિયો કૅપ્શન, ઈરાનનો એ ટાપુ જે ટ્રમ્પ કબજે કરવા માગે છે

પ્રોફેસર માઇલો સંમત થાય છે, "ઇઝરાયલ, અમેરિકા અને ઈરાનમાં એ સમજવું જરૂરી છે કે તે તેમની ક્ષમતાઓની સીમા સુધી પહોંચી ગયા છે."

તેઓ કહે છે કે યુદ્ધ ચાલુ રાખવાથી કોઈ પણ પક્ષ માટે "ઇચ્છિત પરિણામો" પ્રાપ્ત નહીં થાય.

"પ્રતિબંધો હઠાવવા અંગે કેટલીક વ્યવસ્થા કરવી પડશે, કેટલીક સુરક્ષા વ્યવસ્થા સ્થાપિત કરવી પડશે અને વૈશ્વિક રાજકારણમાં ઈરાનની ભૂમિકા અંગે કેટલીક સમજણ કેળવવી પડશે."

માઇલો કહે છે કે માત્ર મધ્યસ્થી જ યુદ્ધને અટકાવી શકે છે અને પછી તેને કાયમી વ્યવસ્થામાં પરિવર્તિત કરી શકે છે.

આ અહેવાલ બીબીસી વર્લ્ડ સર્વિસ પૉડકાસ્ટ, ધ ગ્લોબલ સ્ટોરીના એક એપિસોડ પર આધારિત છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન