You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બુટ્ટાસિંહ અને ઝૈનબની પ્રેમકહાણી, ભાગલા વખતે ભારતમાં પાંગરી પણ પાકિસ્તાનમાં દુઃખદ અંત આવ્યો
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
- વાંચવાનો સમય: 6 મિનિટ
"સમજ સકે ના લોગ સિયાને ઇશ્ક કા રુતબા"
"ઇશ્ક કા રુતબા, ઇશ્ક હી જાને"
ફિલ્મ 'શહીદ-એ-મોહબ્બત બુટ્ટાસિંહ'ના અંતભાગમાં આ પાકિસ્તાની ગાયક નુસરત ફતેહ અલી ખાનના અવાજમાં કવ્વાલી સંભળાય છે, પિક્ચર પૂરું થવા છતાં મગજમાં ગૂંજતી રહે છે.
કવ્વાલીની સાથે સ્ક્રીનની ઉપર લખાણ વંચાય છે, "આ ફિલ્મ એ તમામ મહિલા-પુરુષોને સમર્પિત છે જેમના હાલ બુટ્ટાસિંહ અને ઝૈનબ જેવા થયા છે."
'સાચી ઘટનાનું નાટ્યાત્મ ચિત્રણ' હોવાનો દાવો કરતી આ ફિલ્મમાં પંજાબી ગાયક ગુરુદાસ માન તથા ફિલ્મ અભિનેત્રી દિવ્યા દત્તાએ મુખ્ય પાત્ર ભજવ્યાં હતાં.
ત્યારે બુટ્ટાસિંહ અને ઝૈનબ કોણ હતાં, જેમની પ્રેમકહાણી, હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇતિહાસ રચનારી અનેક ફિલ્મોનો આધાર બની હતી.
કોણ હતાં બુટ્ટાસિંહ અને ઝૈનબ?
લૅરી કૉલિન્સ તથા ડૉમિનિક લાપિએરે ભારતમાં બ્રિટિશરાજનાં છેલ્લાં વર્ષ, તત્કાલીન રજવાડાંની પ્રતિક્રિયા અને તે સમયની નોંધપાત્ર ઘટનાઓ ઉપરથી 'ફ્રિડમ ઍટ મિડનાઇટ' નામનું પુસ્તક લખ્યું છે.
જેમાં બુટ્ટાસિંહ તથા ઝૈનબની પ્રેમકહાણીનો ઉલ્લેખ છે. તેઓ લખે છે: બુટ્ટાસિંહની ઉંમર 55 વર્ષ હતી. બુટ્ટાસિંહે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લૉર્ડ માઉન્ટબેટન સાથે બર્માના મોરચે લડાઈ લડી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બુટ્ટા સિંહ એક દિવસ (સપ્ટેમ્બર-1947 આસપાસ) અમૃતસરમાં પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં એક યુવતી દોડતી-દોડતી આવી. તેની પાછળ કેટલાક શીખ યુવક પડ્યા હતા. યુવતીએ બુટ્ટાસિંહ પાસે મદદની કાકલૂદી કરી.
અનુભવી બુટ્ટાસિંહને આ પહેલાં શું થયું હશે, તે સમજતા વાર ન લાગી. પાસેથી મુસલમાનોનો કાફલો પસાર થઈ રહ્યો હતો, જેની ઉપર હુમલો થયો હતો અને આ મુસલમાન યુવતી જીવ બચાવીને ભાગી રહી હતી.
બુટ્ટાસિંહે તરત જ પૂછ્યું, "કેટલા?"
સામેથી જવાબ આવ્યો, "પંદરસો રૂપિયા."
બુટ્ટાસિંહે કોઈ ભાવતાલ ન કર્યો કે દલીલ ન કરી. તે ઘરમાં ગયા અને તરત જ પૈસા કાઢીને હુમલાખોરોને ગણી આપ્યા. આ રકમ એ યુવતીની ખરીદીની કિંમત હતી.
જેનું નામ ઝૈનબ હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. તેનો પરિવાર રાજસ્થાનમાં ભાગે ખેતર રાખીને ખેતીકામ કરતો. પાકિસ્તાન જવાના રસ્તે તેની સાથે બળાત્કાર અને મારઝૂડ થયા હતા.
ઝૈનબનું ભાવિ હવે 'નવા માલિક'ને હવાલે હતું. બુટ્ટાસિંહ ઉંમરલાયક હતા, ત્યારે તેનો પરિવાર ગરીબ હતો એટલે તેઓ દુલહન ખરીદી નહોતાં શક્યાં અને સ્વભાવે શરમાળ બુટ્ટાસિંહ પોતાનાં લગ્નની વ્યવસ્થા કરી શકે તેમ ન હતા.
પ્રેમના અંકુર ફૂટ્યા
કૉલિન્સ તથા લાપિએરે લખે છે: એકલતા સાથે ઝૂરતા બુટ્ટાસિંહના ઝૂંપડી જેવા ઘર અને જીવનમાં ઝૈનબના આગમનથી નવી બહાર આવી હતી. દિવસભર ખેતરમાં કામ કરે. ક્યારેક ઝૈનબ માટે સાડી, સાબુ કે જરીવાળી મોજડી લાવે. ઝૈનબ પણ કૃતજ્ઞ હતાં.
ટૂંક સમયમાં તેઓ બુટ્ટાસિંહના જીવનનો આધાર બની ગયાં હતાં. સમયની સાથે ઉંમર તથા બંને વચ્ચેનું અંતર કપાઈ ગયું.
એક સાંજે ગામજનો અને સગાસંબંધી એકઠાં થયાં અને ગ્રંથિસાહેબની હાજરીમાં બંને વચ્ચે લગ્ન થઈ ગયાં.
એક દિવસ ઝૈનબે જાહેરાત કરી કે તેઓ ગર્ભવતી છે. લગ્નના 11 મહિના પછી તેમને ત્યાં દીકરી જન્મી. બુટ્ટાસિંહે દીકરીને તનવીર એવું નામ આપ્યું.
જીવનના એક તબક્કે સંતાન તો શું, લગ્ન થશે એવી પણ આશા છોડી ચૂકેલા બુટ્ટાસિંહ માટે આ બધું 'ચમત્કાર'થી ઓછું ન હતું.
બીજી બાજુ, તેમના ઘરથી 16 માઇલ દૂર ગ્રાન્ડ ટ્રન્ક રોડ ઉપર નિરાશ્રિતોના ઘોડાપૂર નવા સર્જાયેલા પાકિસ્તાન અને ભારતમાંથી ઊમટી રહ્યા હતા. વિભાજનની વિભિષીકાની આગ આ દંપતીને પણ દઝાડવાની હતી.
ભારત પાકિસ્તાને જ્યારે લોકોને તેમના પરિવારો સાથે મેળવવાનું શરૂ કર્યું
સુપ્રીમ કોર્ટના વિખ્યાત વકીલ કેટીએસ તુલસીએ 'ધ ટ્રિબ્યૂન'માં ફિલ્મ 'શહીદ-એ-મોહબ્બત' વિશે લખ્યું હતું.
કેટીએસ તુલસી લખે છે કે તા. છઠ્ઠી ડિસેમ્બર 1947ના રોજ થયેલી ઇન્ટર-ડૉમિનિયન ટ્રિટી તથા 'ઍબ્ડક્ટેડ પર્સન્સ રિક્વરી ઍન્ડ રિસ્ટોરેશન ઍક્ટ, 1949' ઘડવા અને તેના અમલીકરણ પાછળના વિવેક ઉપર સવાલ ઉઠાવે છે.
જે મુજબ, તા. પહેલી માર્ચ 1947 પછી જો કોઈ મહિલા વિધર્મી પુરુષ સાથે રહેતી જણાય કે તેની સાથે લગ્ન કર્યાં હોય, તો એવું ધારી લેવામાં આવ્યું હતું કે તેની સાથે બળજબરી થઈ હતી અથવા તેનું અપહરણ થયું હતું.
આ તારીખ પછી થયેલાં બધાં લગ્ન અને ધર્માંતરણને બળજબરીપૂર્વકના માની લેવામાં આવ્યાં હતાં અને બંનેમાંથી એક પણ સરકારે તેને માન્યતા નહોતી આપી. આ મહિલાઓને તેમના પરિવાર પાસે પરત મોકલી દેવાની હતી. ચાહે મહિલા વિરોધ કરે કે કંઈ પણ કહે. આ મુદ્દે તેની કોઈ મરજી ન હતી.
આ તારીખ પછી જન્મેલાં બાળકો, તેમનું અપહરણ કે અન્ય કોઈ બાબત વિશે કઈ જોગવાઈ નહોતી કરવામાં આવી. તેના અમલીકરણ ઉપર પણ સવાલ હતા.
'ફ્રિડમ ઍટ મિડનાઇટ'માં જણાવ્યા મુજબ: અમુક વર્ષો પછી બુટ્ટાસિંહની સંપત્તિ મેળવવાની લાલચમાં તેમના ભત્રીજાઓ એ જ ઝૈનબ વિશેની માહિતી સરકારી તંત્રને આપી દીધી હતી. એક દિવસ સત્તાવાળા આવીને ઝૈનબને લઈ ગયાં અને તેમને કૅમ્પમાં મોકલી દેવાયાં.
બંને દેશો વચ્ચે નક્કી થયેલી વ્યવસ્થા મુજબ, અહીંથી ઝૈનબને પાકિસ્તાન મોકલી દેવાનાં હતાં. બુટ્ટાસિંહ તાત્કાલિક દિલ્હી ધસી ગયા.
પાકિસ્તાનના હાઇકમિશનમાં પત્નીને મેળવવા માટે અરજી કરી શકે તે માટે તેમણે કેશ ત્યજી દીધા અને ઇસ્લામ ધર્મનો અંગીકાર કરીને જમીલ અહમદ નામ ધારણ કર્યું. જોકે, તેનો કોઈ ફાયદો ન થયો, કારણ કે બંને દેશની સરકાર આના વિશે મક્કમ હતી.
એવામાં એક દિવસ માહિતી મળી કે ઝૈનબના પરિવારજનો મળી ગયા છે, એટલે તેમને પાકિસ્તાન મોકલી દેવાયાં. બુટ્ટાસિંહે મુસ્લિમ હોવાના નાતે પાકિસ્તાન હિજરત કરી જવા તથા વિઝાની અરજી હાઇકમિશને નકારી દીધી.
છેવટે બુટ્ટાસિંહે તેમની દીકરીને સુલતાના એવું નામ આપીને ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો. દીકરીને લાહોરમાં મૂકીને તેઓ લાહોરમાં ઝૈનબનાં ગામ નૂરપુર ધસી ગયા.
બે જીવ, બે અંત
કૉલિન્સ તથા લાપિએરે લખે છે: બુટ્ટાસિંહે જાણ્યું કે ઝૈનબે પાકિસ્તાન આવતાની સાથે જ તેમના પિત્રાઈ ભાઈ સાથે નિકાહ કરી લીધા હતા. ઝૈનબના પતિ અને પિત્રાઈ ભાઈઓએ બુટ્ટાસિંહને ખૂબ માર માર્યો અને ગેરકાયદેસર ઘૂસણખોરને પોલીસને હવાલે કરી દીધો.
ટ્રાયલ દરમિયાન બુટ્ટાસિંહે દાવો કર્યો કે તેઓ મુસલમાન છે અને પોતાની પત્નીને પરત સોંપી દેવા કાકલૂદી કરી. જજ પણ તેમની વાત સાંભળવા તૈયાર થયા. એક અઠવાડિયા પછી સુનાવણી થઈ, ત્યારે જુબાની આપવા જૈનબ અદાલતમાં આવ્યાં.
આ કિસ્સો સ્થાનિક અખબારોમાં ખૂબ જ ચર્ચામાં હતો એટલે લોકો અને અખબારવાળાઓમાં આ કિસ્સા અંગે ભારે ઉત્કંઠા હતી. આ ચકચારને કારણે ઝૈનબના પરિવારજનો બુટ્ટાસિંહ ઉપર ગુસ્સે ભરાયેલા હતા.
ભરી અદાલતમાં ઝૈનબે સ્વીકાર્યું કે બુટ્ટાસિંહ તેમના પ્રથમ પતિ છે. જોકે, ઝૈનબે તેની સાથે ભારત જવાનો ઇનકાર કર્યો. આ સાંભળીને બુટ્ટાસિંહ ભાંગી પડ્યા. થોડીવાર પછી તેમણે પોતાની દીકરી સુલતાના માતા ઝૈનબને સોંપવાની વાત કહી અને પોતાની પાસે રહેલા પૈસા આપવા માંડ્યા.
જોકે, ઝૈનબે તેમનો કબજો લેવાનો ઇનકાર કર્યો. બુટ્ટાસિંહની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને ભાંગી પડ્યા.
થોડીવાર પછી તેઓ અદાલતમાંથી બહાર નીકળ્યા અને લાહોરની ગંગબક્ષ દરગાહમાં આશરો લીધો.
બુટ્ટાસિંહ અહીં રડતા રહ્યા અને ઇબાદત કરી. બાપ-દીકરી અહીં જ ઊંઘી ગયાં. સવારે બુટ્ટાસિંહ તેમની દીકરી પાસેની બજારમાં લઈ ગયાં અને નવાં કપડાં અને મોજડી અપાવ્યાં.
બંને લાહોરના સાહદરા સ્ટેશને પહોંચ્યાં. થોડીવાર પછી ત્યાં ટ્રેન આવી.
ત્યારે બુટ્ટાસિંહે દીકરી સુલતાનાને બાથમાં ભરી લીધી અને ટ્રેનની આગળ ઝંપલાવી દીધું.
એક અંત, અનેક દાસ્તાન
બુટ્ટાસિંહનું શરીર ક્ષતવિક્ષત થઈ ગયું હતું. સ્ટેશન ઉપર હાહાકાર મચી ગયો. જોકે, બધાના આશ્ચર્ય વચ્ચે સુલતાનાને કંઈ નહોતું થયું. પોલીસને બુટ્ટાસિંહના શરીર પાસેથી લોહીભીની છેલ્લી ચિઠ્ઠી મળી. જેમાં તેમણે નૂરપુર ગામમાં દફનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
બુટ્ટાસિંહની આત્મહત્યાને કારણે લાહોરવાસીઓમાં ભાવનાઓનું ઘોડાપૂર ઊમટ્યું હતું.
તા. 22 ફેબ્રુઆરી 1957ના રોજ બુટ્ટાસિંહને નૂરપુરમાં દફનાવવાનો પ્રયાસ થયો, પરંતુ ઝૈનાબના બીજા પતિ તથા સ્થાનિકોના વિરોધને પગલે મૃતદેહને ગામમાં પ્રવેશવા ન દીધો.
હિંસા અને હુલ્લડ થવાની આશંકાએ સત્તાધીશોએ મૃતદેહને લાહોર પરત લઈ જવાના નિર્દેશ આપ્યા.
લાહોરના મિયાની કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા. ત્યાં પણ તેમની કબરને ફરીથી ખોદી કાઢવાનો પ્રયાસ થયો, ત્યારે હજારો લાહોરવાસીઓ આ કબરનો પહેરો ભરવા સ્વેચ્છાએ આગળ આવ્યા.
બુટ્ટાસિંહ તથા ઝૈનબની કહાણીની અનેક આવૃત્તિઓ છે. ઉર્વશી બુટાલિયા તેમના પુસ્તક 'ધ અધર સાઇટ ઑફ સાઇલન્સ: વૉઇસિસ ફ્રૉમ ધ પાર્ટિશન ઑફ ઇન્ડિયા'માં લખે છે કે દંપતીને બે દીકરીઓ હતી.
સત્તાધીશો જ્યારે ઝૈનબને લઈ ગયાં, ત્યારે તેઓ પોતાની નાની દીકરીને સાથે લઈ ગયાં હતાં. જ્યારે ઝૈનબને પાકિસ્તાન મોકલી દેવાયાં, ત્યારે બુટ્ટાસિંહે તેમની જમીન વેચીને પાકિસ્તાન જવાના પ્રયાસ હાથ ધર્યા. બુટ્ટાસિંહને પાકિસ્તાન જવા માટેના ટૂંકી મુદ્દતના વિઝા મળ્યા હતા.
ઝૈનબનાં માતાપિતા મૃત્યુ પામ્યાં હતાં. ઝૈનબ તથા તેમનાં બહેનને લ્યાલપુર ખાતે જમીન આપવામાં આવી હતી.
પાસે જ તેમના પરિવારજનની જમીન હતી. જમીન પરિવારમાં જ રહે, તે માટે તેને પોતાના દીકરા સાથે પરણાવી દીધાં. ઝૈનબ શીખ પુરુષ પાસે રહ્યાં હોવાથી પિત્રાઈ ભાઈએ લગ્ન નહોતાં કરવા, પરંતુ અનિચ્છાએ લગ્ન કરી લીધાં.
બુટાલિયા લાહોર પહોંચીને તેમણે પોલીસને જાણ ન કરી હોવાથી, જ્યારે ઝૈનબના નવા પતિ તથા ગ્રામજનોએ તેમને માર મારીને પોલીસને સોંપ્યા ત્યારે પોલીસે તેમને પકડી લીધા.
અદાલતમાં ઝૈનબે ન કેવળ બુટ્ટાસિંહ સાથે જવાનો ઇનકાર કર્યો, પરંતુ પોતાની સાથે આવેલી દીકરીને પણ આપી દેવાની વાત કહી.
કેટલાકના કથન મુજબ, જ્યારે બુટ્ટાસિંહે તનવીરની સાથે ટ્રેનની સામે ઝંપલાવ્યું, (જેનો બચાવ થયો હતો) પરંતુ બીજી દીકરીનું શું થયું, તે સ્પષ્ટ નથી. લાહોર હાઇકોર્ટનાં મહિલા બૅરિસ્ટરે પાંચ વર્ષીય તનવીરને દત્તક લીધાં, ભણાવ્યાં અને પરણાવ્યાં.
આગળ જતાં તનવીરનાં લગ્ન લિબિયાસ્થિત એંજિનિયર સાથે થયાં અને ત્રણ સંતાનોનાં માતા બન્યાં. 'ગદર: એક પ્રેમકથા' અને 'વીરઝારા' સરહદપારનાં પ્રેમીઓની દાસ્તાનનું 'ઇન્ટરપ્રિટેશન' છે.
કેટલાક માને છે કે ઝૈનબે નિઃશંકપણે પરિવારના દબાણ હેઠળ નિવેદન આપ્યું હતું, પરંતુ ઝૈનબ શું માનતાં હતાં, તેમની વાત ક્યાંય સાંભળવામાં નથી આવી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન