You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તણાવમાં હો ત્યારે અચાનક ત્વચા શુષ્ક પડી જાય છે, ચહેરા પર ખીલ દેખાવા લાગે છે, શું છે કનેક્શન?
- લેેખક, ઍલન ત્સાંગ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- વાંચવાનો સમય: 5 મિનિટ
ઘર બદલતાં જ અચાનક ચહેરા પર ખીલ ફૂટી નીકળે છે? કે પછી બ્રેક-અપ થયું હોય, ત્યારે ખરજવું વકરે છે? તો સમજી લો કે કદાચ આ વાતો સંયોગ ન પણ હોય.
તણાવની અસર આપણી ત્વચા પર પડતી હોવાનું લાંબા સમયથી માનવામાં આવે છે. જોકે, તાજેતરના દાયકાઓમાં થયેલાં સંશોધનોમાં ત્વચા અને મન વચ્ચેનું જોડાણ કેવી રીતે કામ કરે છે, તેની વિગતો શોધવામાં આવી છે અને ત્વચાની સમસ્યાની સારવાર તેમજ ત્વચાના આરોગ્ય ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
ત્વચા પર તણાવની અસરો ખીલ થવાથી માંડીને ત્વચા શુષ્ક, સંવેદનશીલ થઈ જવી અને સંક્રમણનું જોખમ વધવાથી માંડીને ખરજવું, સોરાયસિસ અને શીળસ જેવી સ્થિતિ ઉત્તેજિત થવા સુધીની વ્યાપક સ્તરની હોઈ શકે છે.
સાઇકૉડર્મેટોલોજીનાં લંડનસ્થિત સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આલિયા અહમદના જણાવ્યા અનુસાર, "તમારી ત્વચા શારીરિક તણાવો તથા ભાવનાત્મક તણાવોથી પ્રભાવિત થતી હોય છે."
ઉલ્લેખનીય છે કે, સાઇકૉડર્મેટોલોજી એ ઊભરતું ક્ષેત્ર છે, જેમાં મન અને ત્વચાને એક સાથે ધ્યાને લેવામાં આવે છે.
તેઓ જણાવે છે કે, તેઓ તેમના દર્દીઓની મનોવૈજ્ઞાનિક સુખાકારીની સાથે તેમનાં શારીરિક લક્ષણો ચકાસે છે, મૂડ, ચિંતા કે ઊંઘની પદ્ધતિ, આહાર તથા વ્યાયામ વિશે પણ વિગતો મેળવે છે.
તેઓ કહે છે, "ડર્મેટોલોજિસ્ટ્સ (ચામડીના રોગના નિષ્ણાતો)ને ઘણી વખત જાસૂસ હોવાની લાગણી થાય છે, કારણ કે, શરીરનું સૌથી મોટું અંગ એવી ત્વચા વ્યક્તિના સર્વાંગી આરોગ્યની સૂચક બની શકે છે."
તણાવ ત્વચાને કઈ રીતે પ્રભાવિત કરે છે?
ગર્ભ ભ્રૂણ અવસ્થામાં હોય, ત્યારે ત્વચા અને મસ્તિષ્ક સમાન કોષોમાંથી વિકાસ પામે છે અને તે નિકટતાપૂર્વક જોડાયેલાં હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે આપણે તણાવ અનુભવીએ છીએ, ત્યારે મસ્તિષ્ક શ્રેણીબદ્ધ પ્રતિક્રિયાઓ આપે છે, જે રક્તમાં કોર્ટિસોલ અને એડ્રેનલિન જેવા હોર્મોન્સ મુક્ત કરે છે.
ટૂંકા ગાળા માટે, આ પ્રતિક્રિયા આપણને વધુ સજાગ બનાવે છે.
જોકે, ઉત્પન્ન થયેલાં હોર્મોન્સ તથા અન્ય રસાયણો સોજો વધારી શકે છે, જેના કારણે ત્વચાની સોજાની સ્થિતિ વધુ કથળે છે.
ડૉક્ટર અહમદ જણાવે છે કે, તેના કારણે ત્વચાનું બાહ્ય રક્ષણાત્મક સ્તર પણ કમજોર થઈ શકે છે. તેને પગલે, ત્વચાનો ભેજ બહાર નીકળી જાય છે અને પોલિન અને ફ્રેગરન્સ જેવાં બળતરા પેદા કરતાં તત્વો અને ઍલર્જન અંદર પ્રવેશ કરી શકે છે. તેના લીધે ત્વચા શુષ્ક અને સંવેદનશીલ થઈ શકે છે.
તેની સાથે જ, જંતુઓનો નાશ કરતા ત્વચાના નાના અણુઓ - ઍન્ટિમાઇક્રોબાયલ પેપ્ટાઇડ્ઝનું પ્રમાણ તણાવને કારણે ઘટી જાય છે અને ચેપ લાગવાની સંભાવના વધી જાય છે.
તેનાથી ખીલની સમસ્યા વકરતી હોવાના પણ અમુક પુરાવા મોજૂદ છે, જેમાં સીબમ તરીકે ઓળખાતા તૈલી પદાર્થનું ઉત્પાદન વધી જતાં ત્વચાનાં છિદ્રો બંધ થઈ જાય છે અને ડાઘ-મસામાં વધારો થઈ શકે છે.
ડૉક્ટર અહમદ નોંધે છે કે, તણાવને કારણે આપણી ઊંઘ પણ બગડી શકે છે અને તેના લીધે સ્વયંની મરામત કરવાની ત્વચાની ક્ષમતાને નુકસાન થાય છે.
વિષચક્ર
તાણના સંકેતો ત્વચાની અંદરના કોષોમાં હિસ્ટમાઇન જેવાં રસાયણો મુક્ત કરે છે. તેના કારણે આપણને ખંજવાળ આવે છે, જેના લીધે ખંજવાળની પ્રક્રિયા વધી જાય છે.
ડોક્ટર અહમદ સમજાવે છે, "તમને ખંજવાળ આવે છે, તમે ખંજવાળો છો અને આ રીતે ત્વચાને વધુ નુકસાન પહોંચે છે, જેના પરિણામે તમને વધુને વધુ ખંજવાળ આવવા માંડે છે. તે પછી તમે સ્વયં પર ખીજાઓ છો કે, મારું ખંજવાળવાનું બંધ કેમ નથી થતું? તમે તમારા તણાવના સ્તરને વધારી રહ્યા છો અને તેના કારણે ફરીથી ખંજવાળ ઉત્તેજીત થાય છે."
તેઓ સમજાવે છે કે, ત્વચાની સમસ્યા હોવાનો અનુભવ સ્વયં પણ તણાવ જગાવનારો હોય છે. ખરજવા જેવી સ્થિતિનું ઉદાહરણ ટાંકતાં તેઓ કહે છે, "તમે ખંજવાળો છો. તમારા જીવનની ગુણવત્તા પર તેની વિપરિત અસર પડે છે. તમને તેના વિશે સારી લાગણી નથી થતી, કારણ કે, લોકો ટિપ્પણી કરતાં હોય છે અને તેના લીધે તમે વધુ તણાવ અનુભવો છો. આમ, આખું વિષચક્ર ચાલતું રહે છે."
શું તણાવ ઘટાડવાથી મદદ મળી શકે?
યેલ યુનિવર્સિટી ખાતે સાઇકિયાટ્રી, ન્યૂરોસાયન્સ અને બાળકોને લગતા અભ્યાસનાં પ્રોફેસર રાજીતા સિંહા કહે છે, "જ્યારે આપણને લાગવા માંડે કે તાણ પર નિયંત્રણ મૂકી શકાય એમ નથી, તે સમયે તે વધુ નુકસાનકારક બની શકે છે."
તે તબક્કે માથું દુખવું, પેટની સમસ્યા જેવા શારીરિક સંકેતો કે પછી ચીજો ભૂલી જવી, ચીડિયાપણું કે ઊંઘવામાં મુશ્કેલી જેવાં લક્ષણો જોવા મળે છે.
તેઓ સહાય મેળવવી અને વધુ વ્યાયામ કરવા સહિતનાં પગલાંની ભલામણ કરે છે. નિયમિત વ્યાયામથી કોર્ટિસોલનું મૂળભૂત સ્તર ઘટતું હોવાના અને સખત વ્યાયામ તણાવને લીધે વધતું કોર્ટિસોલનું સ્તર નિયંત્રિત કરવામાં મદદરૂપ થતો હોવાના કેટલાક પુરાવા છે.
પ્રોફેસર સિંહા સભાનતાપૂર્વકના ધ્યાનની કોશિશ કરવાની પણ ભલામણ કરે છે. અભ્યાસો સૂચવે છે કે, આ પ્રકારનું ધ્યાન નિયમિતપણે કરવાથી મસ્તિષ્કનો - તર્ક જેવાં ઉચ્ચ સ્તરનાં કાર્યો માટે જવાબદાર ભાગ પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ મજબૂત બની શકે છે, તેની જાડાઈ વધે છે અને મસ્તિષ્કના અન્ય ભાગો સાથેનું તેનું જોડાણ પણ સુધરે છે.
દર્દીના જીવનની ગુણવત્તા સુધારવામાં અને ત્વચાની અમુક સ્થિતિનાં શારીરિક લક્ષણોમાં સભાનતા આધારિત ઉપચારોનાં આશાસ્પદ પરિણામો જોવા મળ્યાં છે. ઉદાહરણ તરીકે, સોરાયસિસના દર્દીઓ પરના એક અભ્યાસમાં જેમણે સામાન્ય સારવારની સાથે સભાનતા આધારિત થૅરપી મેળવી હતી, તે દર્દીઓમાં આવી થૅરપી ન મેળવનાર દર્દીઓની તુલનામાં બહેતર પરિણામો જોવા મળ્યાં હતાં.
શું હું ખરેખર તણાવમાં છું?
ડૉક્ટર અહમદ કહે છે કે, તેઓ તેમનાં દર્દીઓને તણાવને નાથવા માટે વિવિધ વિકલ્પો અજમાવવાની ભલામણ કરે છે, જેથી કયો ઉપાય અસરકારક છે, તે જાણી શકાય.
તેમાં ઊંઘતાં પહેલાં પથારીમાં કરવામાં આવતી હળવાશ અનુભવવા માટેની કસરતોથી લઈને વધુ સક્રિય લોકો માટે વૉકિંગ મેડિટેશન કે પછી સતત વિચારોમાં ખોવાયેલા રહેતા લોકો માટે ગ્રાઉન્ડિંગ ટૅકનિક જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
પરંતુ, હકીકતમાં કેટલીક વખત રિલેક્સ થવું લાગે છે એટલું સરળ નથી હોતું.
તેઓ કહે છે, "મારા ક્લિનિકમાં ઘણાં હાઇ-પર્ફોર્મિંગ (ખૂબ વ્યસ્ત) લોકો આવતા હોય છે, જેમાં કાર્યસ્થળે કે ઘરે (બાળકો કે વૃદ્ધ માતાપિતાની સંભાળ લેતા લોકો) મોટી જવાબદારી ધરાવતા લોકોનો સમાવેશ થાય છે."
કેટલાક લોકો કહે છે કે, તેઓ રિલેક્સ થવા માટે રોજ વૉક કરવા જતા હોય છે કે જિમમાં જતા હોય છે, પણ જ્યારે ડૉક્ટર અહમદ તેમને વધુ સવાલો પૂછે, ત્યારે જાણવા મળે છે કે, આવી પ્રવૃત્તિ કરતી વખતે પણ તેમનું દિમાગ સતત કરવાનાં કામો વિશે વિચારતું હોય છે. તેઓ કહે છે કે, "તે પ્રવૃત્તિઓ કરવા દરમિયાન તમારા મનને પણ આરામ મળવો જોઈએ."
વ્યાપક ચિત્ર
ડૉક્ટર અહમદ તણાવ ઘટાડવાની સાથે ત્વચાની યોગ્ય સંભાળ, પોષણયુક્ત આહાર, નિદ્રા, જીવનશૈલી તથા આવશ્યક તબીબી સારવાર પર પણ ભાર મૂકે છે.
તેઓ કહે છે કે, ત્વચાની તંદુરસ્તીમાં સતત સુધારો થાય, તે માટે ઉપરોક્ત બાબતોને લાંબા સમય સુધી જાળવી રાખવી જરૂરી છે - તેના કારણે દર્દી ત્વચાની સમસ્યાઓને ઉત્તેજિત કરતાં અન્ય પરિબળો જાણવા માટે પણ સક્ષમ બની શકે છે.
ડૉક્ટર અહમદનું માનવું છે કે, સાઇકૉડર્મેટોલોજીનો સર્વગ્રાહી અભિગમ પણ વ્યાપક સુધારો લાવી શકે છે. "મારા દર્દીઓની ત્વચામાં સુધારો દેખાતો હોય છે, એટલું જ નહીં, તેઓ મને કહેતા હોય છે કે, તેમની માનસિક સ્થિતિ પણ બહેતર થઈ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન