You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બૅન્કની તિજોરીમાં વર્ષો સુધી રાખવામાં આવેલી એમએફ હુસૈનની શ્રેષ્ઠ કૃતિઓની લિલામી શા માટે થવાની છે?
- લેેખક, શેરીલેન મોલન
- પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ
- વાંચવાનો સમય: 4 મિનિટ
વિશ્વના સૌથી પ્રખ્યાત આધુનિક કળાકારો પૈકીના એકના લગભગ બે ડઝન પેન્ટિંગ્સ, જે એક સમયે કળાજગતના વિક્રમસર્જક ડીલનો હિસ્સો હતા, તેની આ અઠવાડિયે પહેલીવાર હરાજી થશે.
વિખ્યાત ચિત્રકાર મકબૂલ ફિદા હુસૈન આ 25 પેન્ટિંગ્સ બે દાયકા કરતાં વધારે સમય પહેલાં બનાવ્યાં હતાં અને 12 જૂને મુંબઈની એક આર્ટ ગૅલરીમાં આ દુર્લભ કૃતિઓનું લિલામ કરવામાં આવશે.
એક અગ્રણી ઉદ્યોગપતિ તેમણે લીધેલી બૅન્ક લોનની ભરપાઈ ન કરી શક્યા, એટલે તેમની પાસેના આ પેન્ટિંગ્સ સત્તાવાળાઓએ જપ્ત કર્યા હતા. બૅન્કના વોલ્ટમાં બંધ આ ચિત્રોની 2008 પછી પહેલી ઝલક 12 જૂને જોવા મળશે.
લિલામ પંડોલે આર્ટ ગૅલરીમાં યોજાવાનું છે. ગૅલરીના આર્ટ ડિરેક્ટર દાદીબા પંડોલે કહે છે, "આ પેન્ટિંગ્સે ફરીને મૂળ સ્થાને આવ્યાં હોય તેવું લાગે છે."
આ પેટિંગ્સ હુસૈનની મહત્ત્વાકાંક્ષી 100 પેન્ટિંગ સિરીઝનો હિસ્સો હતાં અને હુસૈને તેના સર્જન માટે આ ગૅલરીનો ઉપયોગ પોતાના સ્ટુડિયો તરીકે કર્યો હતો. હુસૈન તેમની 100 પેન્ટિંગ્સ સિરીઝ ક્યારેય પૂર્ણ કરી શક્યા ન હતા.
આ લીલામીમાંથી કેટલી આવક થશે?
ઘણીવાર "ભારતના પિકાસો" તરીકે ઓળખાવવામાં આવતા હુસૈન દેશના સૌથી વિખ્યાત અને વિવાદાસ્પદ કળાકારો પૈકીના એક હતા.
તેમની કૃતિઓએ કરોડોની કમાણી કરી હતી, પરંતુ તેમની બોલ્ડ થીમ વારંવાર ટીકાનું કારણ બની હતી. 2011માં 95 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
'એમ.એફ. હુસૈન: એન આર્ટિસ્ટ્સ વિઝન ઑફ ધ XX સેન્ચુરી' શિર્ષક હેઠળના પંડોલે આર્ટ ગૅલરીમાંના 25 પેન્ટિંગ્સ ટેક્નૉલૉજી, રાજકારણ અને સંસ્કૃતિની હરણફાળમાં આકાર પામેલી એક પરિવર્તનકારી સદી વિશેના તેમના વિચારોની ઝલક પ્રસ્તુત કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંડોલે માને છે કે આ લિલામમાંથી લગભગ 2.9 કરોડ ડૉલરની (અંદાજે રૂ. 248.08 કરોડ) આવક થઈ શકે છે.
હુસૈનનું એક અન્ય શીર્ષકહીન (ગ્રામયાત્રા) પેન્ટિંગ થોડા મહિના પહેલાં ન્યૂ યૉર્કમાં ક્રિસ્ટીના લિલામમાં 13.8 મિલિયન ડૉલરમાં વેચાયું હતું. તે લિલામ થયું હોય તેવી સૌથી મોંઘી ભારતીય કળાકૃતિ બન્યું હતું. એ ઘટના પછી પંડોલેમાં લિલામ યોજાઈ રહ્યું છે.
તે ઓઈલ-કેનવાસ માસ્ટરપીસે નૉર્વેની એક હૉસ્પિટલની દિવાલોને લગભગ પાંચ દાયકા સુધી શોભાવી હતી. લિલામ ગૃહને 2013માં આ પેન્ટિંગની હયાતીની જાણ થઈ તે પહેલાં સુધી કળા જગત ભૂલી ગયું હતું.
આગામી દિવસોમાં જેનું લિલામ થવાનું છે એ પેન્ટિંગ્સની સ્થિતિ પણ આવી જ છે.
પંડોલેના જણાવ્યા મુજબ, હુસૈને 2000ના દાયકાના પ્રારંભે ખૂબ જ ઉત્સાહ અને જોશ સાથે આ પેન્ટિંગ પર કામ શરૂ કર્યું હતું.
પંડોલે ઉમેરે છે, "હુસૈન પેન્ટિંગ કરતા હોય ત્યારે તેમને કશું ખલેલ પહોંચાડી શકતું ન હતું. આસપાસ શું થઈ રહ્યું છે તેનાથી તેમને કોઈ ફરક પડતો ન હતો."
હુસૈને 2004માં અબજો રૂપિયાના સોદાના ભાગના પ્રથમ તબક્કામાં એક અબજોપતિને 25 પેન્ટિંગ્સ વેચ્યા હતા.
વીસમી સદીનો ચિતાર આપતા 25 પેન્ટિંગ્સ
'એમ.એફ. હુસૈનઃ ધ જર્ની ઑફ અ લિજન્ડ'ના લેખક કિશોર સિંહે ઇન્ડિયન એક્સપ્રેસ અખબારમાં એ ડિલ વિશે લખ્યું છે.
"હુસૈન સાથી કળાકારોની ઇર્ષ્યા કરતા ન હતા, સ્પર્ધા કરતા હતા," એવું લખવાની સાથે કિશોર સિંહ નોંધે છે, તૈયબ મેહતાનો કાલી પેન્ટિંગ સેટ 2002માં દોઢ કરોડ રૂપિયામાં વેચાયો હતો અને તેમણે ભારતની સૌથી મોંઘી પેન્ટિંગ માટે નવો રેકૉર્ડ સર્જ્યો હતો. એ પછી તરત જ હુસૈને ઉપરોક્ત સોદો કર્યો હતો.
હુસૈને ઉદ્યોગપતિ ગુરુ શ્રીવાસ્તવ સાથે આ સિરીઝના પેન્ટિંગ્સ માટે એક અબજ રૂપિયાનો સોદો કર્યો હતો.
મીડિયાએ તેને 'ભારતનો સૌથી મોટો કળા સોદો' ગણાવ્યો હતો અને એ કારણે શ્રીવાસ્તવ સૅલિબ્રિટી કળા સંગ્રાહક તરીકે રાતોરાત ખ્યાતિ પામ્યા હતા.
અલબત, એ ઘટનાના બે વર્ષ પછી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને શ્રીવાસ્તવના બિઝનેસ બાબતે તપાસ શરૂ કરી હતી. સીબીઆઈનો આરોપ હતો કે શ્રીવાસ્તવે અને તેમના સહયોગીઓએ સરકાર સમર્થિત કૃષિ સંસ્થા પાસેથી લીધેલી લોનનો દુરુપયોગ કર્યો હતો.
સીબીઆઈનો આરોપ હતો કે શ્રીવાસ્તવે લોનના પૈસાનો ઉપયોગ રિઅલ ઍસ્ટેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને હુસૈનના પેન્ટિંગ્સ માટે કર્યો હતો. શ્રીવાસ્તવ તથા તેમની કંપનીએ બધા આરોપોને નકારી કાઢ્યા છે અને આ કેસ કોર્ટમાં વિચારાધીન છે.
2008માં એક ટ્રિબ્યૂનલે સરકાર સમર્થિત કૃષિ સંસ્થાને શ્રીવાસ્તવની એક અબજ રૂપિયાની અક્સામતો જપ્ત કરવાની મંજૂરી આપી હતી. એ અસ્કામતોમાં હુસૈનના 25 પેન્ટિંગ્સનો સમાવેશ થાય છે.
લોનની રિકવરી માટે પેન્ટિંગ્સની હરાજી કરવાનો માર્ગ એક અદાલતે આ વર્ષે ફેબ્રુઆરીમાં મોકળો કર્યો હતો. તેથી વર્ષો સુધી બૅન્કના વોલ્ટ્સમાં બંધ રહેલાં 25 પેન્ટિંગ્સ આખરે ચર્ચામાં આવ્યાં છે.
લેખક તથા પત્રકાર તારા કૌશલને 2018માં આપેલી એક મુલાકાતમાં શ્રીવાસ્તવે કળાકાર સાથેના તેમના અટકી પડેલી ડીલની વાત કરી હતી.
શ્રીવાસ્તવે કહ્યું હતું, "મેં પહેલા 25 પેન્ટિંગનું વેચાણ કરીને બાકીના પેન્ટિંગ્સ માટે હુસૈનને પૈસા ચૂકવવાની યોજના બનાવી હતી? પરંતુ કાનૂની ગૂંચવણને કારણે સમસ્યા સર્જાઈ હતી."
"હુસૈને મને 2008માં ફોન કરીને જણાવ્યું હતું કે તેમના પેન્ટિંગ્સ લંડન અને પેરિસમાં તૈયાર છે. તમે સંમત કિંમતે તે ખરીદી શકો છો. મારી પાસે તેમને ચૂકવવાના પૈસા ન હતા. તેઓ સમજી ગયા હતા."
ભારતના કુલીન કળાજગતમાં જેને કોઈ જાણતું નથી એવી વ્યક્તિને પોતાના પેન્ટિંગ વેચવાનો નિર્ણય હુસૈને શા માટે કર્યો હતો? એવા સવાલના જવાબમાં પંડોલે કહે છે, "પોતાના પેન્ટિંગ વેચાતા હોય ત્યાં સુધી હુસૈનને તેની કોઈ પરવા ન હતી."
નિષ્ફળ રહેલા સોદા અથવા પોતાની અપૂર્ણ ટ્વેન્ટીએથ સેન્ચુરી સિરીઝ વિશે હુસૈન શું માનતા હતા, એ જાણી શકાય તેમ નથી, પરંતુ આ ઘટના તેમની ઘટનાપ્રચૂર કારકિર્દીમાં એક નોંધપાત્ર બાબત છે.
આ 25 ઍક્રેલિક ઓન કેનવાસ પેન્ટિંગ્સ વીસમી સદીની મુખ્ય ઘટનાઓ અને સામાજિક વલણનો પ્રતિબિંબિત કરવાની સાથે હુસૈનની બોલ્ડ શૈલી દર્શાવે છે.
એક પેન્ટિંગમાં બેન્ચ પર બેસીને વાતચીત કરતા લોકોના જૂથને દર્શાવવામાં આવ્યું છે, જે વૈશ્વિક શક્તિઓ વચ્ચે શાંતિપૂર્ણ સંવાદ અને સહઅસ્તિત્વ માટેના હુસૈનના આહ્વાનનું પ્રતીક છે.
એક અન્ય પેન્ટિંગ ચાર્લી ચેપ્લિનનું સન્માન કરે છે, જ્યારે રૉકેટ લૉન્ચને સામાજિક તથા આર્થિક અસમાનતાઓ તથા જંગી સરકારી ખર્ચ વચ્ચેના અંતરને ઉજાગર કરવા માટે દર્શાવવામાં આવ્યું છે.
એક અન્ય પેન્ટિંગમાં ગરીબી સામે ઝઝૂમતી દુનિયા, ખીણોમાં સૈનિકો અને બીજા વિશ્વ યુદ્ધ, વિભાજન તથા પ્રલય જેવી દુર્ઘટનાઓનો સામનો કરતી માનવજાતને દર્શાવવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન