You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : 'હું નાથુરામ' નાટકનો શો રદ, ગાંધીવાદીઓએ કઈ વાત કરી
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 5 મિનિટ
અમદાવાદમાં આજે ભજવાનાર નાટક 'હું નાથુરામ'નો શો રદ કરી દેવામાં આવ્યો છે.
ગુજરાત કૉંગ્રેસના નેતાઓ તેમજ એનએસયુઆઈના કાર્યકર્તાઓના વિરોધને પગલે આ શો રદ કરવામાં આવ્યો હતો.
એ પહેલાં રાજકોટમાં પણ કૉંગ્રેસના વિરોધ બાદ નાટકનો શો રદ કરવામાં આવ્યો હતો. કથિતપણે ત્યાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હોવાના વીડિયો પણ વાઇરલ થયા હતા.
એક તરફ નાટકના નિર્માતા તેમજ કલાકારોનું કહેવું છે કે આ નાટક મારફતે તેઓ મહાત્મા ગાંધીની હત્યા માટે જેને ફાંસીની સજા થઈ હતી, તે નાથુરામ ગોડસેની વાત મૂકી રહ્યા છે તો બીજી તરફ કૉંગ્રેસના નેતાઓનું કહેવું છે કે આ નાટક દ્વારા ગોડસેને 'ખલનાયકથી નાયક' બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પ્રોડ્યુસરોનો દાવો છે કે આ નાટક માટે તેમણે સેન્સર સર્ટિફિકેટ, રાજ્ય સરકારની પરવાનગી અને પોલીસ પરમિશન વગેરે લીધાં હતાં. આ અગાઉ ગુજરાતમાં જ વડોદરા, ભાવનગર અને જામનગરમાં આ નાટકનો એક-એક શો યોજાઈ ચૂક્યો છે, જ્યારે રાજકોટ અને અમદાવાદના શો વિરોધને પગલે રદ કરી દેવામાં આવ્યા છે. આ નાટક મરાઠીમાં પણ ભજવાયેલું છે અને તેની સાથે પણ વિવાદો જોડાયેલા રહ્યા છે.
ત્યારે વિગતે જાણીએ કે નાટક સાથે જોડાયેલા લોકો, કૉંગ્રેસના કાર્યકર્તાઓ તથા ગાંધીવાદી લોકોનું આ મુદ્દે શું કહેવું છે.
નાટક સાથે જોડાયેલા લોકોનું શું કહેવું છે?
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં આ નાટકના પ્રસ્તુતકર્તા પરિતોષ પેન્ટરે જણાવ્યું હતું કે, "અમે આ નાટકમાં ગોડસેને હીરો નથી બતાવ્યો, પરંતુ કોર્ટમાં અને પોલીસસ્ટેશનમાં તેણે જ કહ્યું હતું તેનું જ નાટ્ય રૂપાંતરણ કર્યું છે. અમે કોઈનો પક્ષ લીધા વગર આ નાટકને એક તટસ્થ નાટક બનાવીને લોકો સમક્ષ મૂક્યું છે. આ નાટક ગુજરાતી પહેલાં અંગ્રેજી, હિન્દી અને મરાઠીમાં ભજવાઈ ચૂક્યું છે."
મરાઠીમાં આ નાટક 'મી નાથુરામ ગોડસે બોલ્તોય' નામથી ભજવાયું હતું. આ નાટકને લઈને પણ તે સમયે અનેક વિવાદો થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ વધુમાં કહે છે કે, "આ નાટકમાં ગોડસેએ ગાંધીની હત્યા કરી તે પહેલાં તેમના ગાંધીજી વિશેના વિચારો અને ગાંધીજી પ્રત્યે તેમના આદર વિશેની પણ વાતો છે. ગોડસેનો ગાંધી સાથેનો વિરોધ માત્ર ભારત-પાકિસ્તાનના ભાગલાનો હતો, જે તેમણે કોર્ટમાં કહ્યું હતું, તે અમે નાટકમાં રજૂ કર્યું છે."
પરિતોષ કહે છે કે, "નાટકમાં એવું નથી કે અમે ગાંધીજીની હત્યાને વાજબી કહી રહ્યા છીએ. ગોડસે ક્યારેય હીરો ન હોઈ શકે, અને તે આ નાટકનો હીરો નથી. હું તો માત્ર એટલું કહેવા માગું છું કે, આ નાટકનો વિરોધ કરતા લોકો એક વખત આ નાટક જુએ તો તેમને ખબર પડે કે ખરેખર આ નાટક શું કહેવા માગે છે, અને પછી જો લાગે તો તેનો વિરોધ કરે."
કૉંગ્રેસે નાટકનો ખુલીને વિરોધ કેમ કર્યો?
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, "આ નાટક દ્વારા ગુજરાતની ભાજપ સરકાર ગાંધીના હત્યારાનું નાટક બતાવી રહી છે. કોઈપણ સંજોગોમાં આ પ્રકારનું નાટક રાજ્યમાં ન ભજવાવું જોઈએ."
આ બાબતે જ્યારે ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલ પટેલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, તો તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. તેમનો સંપર્ક થાય અને તેમનો પક્ષ જાણવા મળે તો અહીં તેને ઉમેરવામાં આવશે.
આ વિરોધ મુખ્યત્વે કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ કરી રહ્યા છે.
આ અંગે જ્યારે બીબીસી ગુજરાતીએ એનએસયુઆઈના નેતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે, "અમુક લોકોને ખરાબ લાગી આવ્યું હતું અને આક્રોશમાં આવી ગયા હતા, એટલે તોડફોડ કરવામાં આવી હતી."
જોકે, તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, "અમારો વિરોધ આ નાટકથી છે અને રહેશે. ગોડસેનો પક્ષ મૂકીને આ લોકો શું સાબિત કરવા ઇચ્છે છે? નાટકમાં લોકો કહે છે કે ગોડસેએ ગાંધીનો વધ કર્યો હતો. આપણી સંસ્કૃતિમાં 'વધ' શબ્દ અસુરોના ખાત્મા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ શબ્દથી જ ખબર પડે છે કે તેમનો ઉદ્દેશ ગોડસેને ખલનાયકથી નાયક બનાવવાનો છે."
તેમણે કહ્યું કે, રાજ્યમાં કોઈ પણ સ્થળે આ પ્રકારના નાટકનું મંચન થશે તો તેઓ તેનો વિરોધ કરશે.
શું કહે છે ગાંધીવાદીઓ?
સોશિયલ મીડિયા પર એક પક્ષ આ નાટકના પક્ષમાં 'અભિવ્યક્તિની આઝાદી'ની દલીલ આપી રહ્યો છે તો બીજો પક્ષ ગોડસેને 'કીર્તિમાન સ્થાપિત કરનારી વ્યક્તિ' તરીકે રજૂ કરવાની વાતને લઈને વિરોધ કરી રહ્યો છે. તો એ પણ ચર્ચા છે કે ગાંધીના ગુજરાતમાં તેના હત્યારાનું નાટક ભજવીને લોકોને શું સંદેશ અપાઈ રહ્યો છે?
વરિષ્ઠ ગુજરાતી લેખક અને ગાંધીવાદી વિચારધારા સાથે જોડાયેલા પ્રકાશ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "આ અભિવ્યક્તિ નથી, પરંતુ ચતુરાઈ છે, જેમાં પોલીસ કે કોર્ટમાં રજૂ કરાયેલા ગોડસેના જુઠ્ઠાણાનું નાટ્ય રૂપાંતરણ કરવામાં આવ્યું છે. એક તરફ છળ અને ચતુરાઈનો વ્યવહાર છે અને બીજી બાજુ ગાંધી છે. આ નાટકમાં ગાંધીની વાત મૂકવાનો પ્રયાસ થયો છે, પરંતુ એ ગાંધીનો વિરોધ કરવા માટે થયો છે."
જોકે, તેઓ માને છે કે આ નાટકનો વિરોધ કરતી વખતે જે હિંસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે નહોતો થવો જોઈતો.
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, "ગાંધીના માર્ગે જ ગાંધીની વાત મૂકવાનો પ્રયાસ થવો જોઈએ."
અમદાવાદની એચ.કે. આર્ટ્સ કૉલેજના ભૂતપૂર્વ પ્રોફેસર હેમંતકુમાર શાહ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર આત્મન શાહ ગુજરાતમાં અનેક જગ્યાએ 'ગોડસે ને ગાંધી કો ક્યું મારા - વાચિકમ્' કાર્યક્રમો કરે છે. આ વાચિકમ્ અશોકકુમાર પાંડેયના પુસ્તક 'ઉસને ગાંધી કો ક્યું મારા' પર આધારિત છે.
તાજેતરમાં જ તેમના વાચિકમ્ કાર્યક્રમનો શો સુરતમાં રદ કરવો પડ્યો હતો. બીજી તરફ 'હું નાથુરામ' નાટક ભજવાઈ રહ્યું છે.
હેમંતકુમાર શાહ કહે છે કે, "ગોડસેની વાત કરીએ તો સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે તેણે ગાંધીજીની હત્યા કેમ કરી હતી? તે હિન્દુરાષ્ટ્રની વિચારધારા ધરાવતો માણસ હતો, તેને અખંડ ભારત જોઈતું હતું, અને ગોડસે અનુસાર મહાત્મા ગાંધી તે માટે સૌથી મોટો અવરોધ હતા. આ વિષય પર અમે વાચિકમ્ તૈયાર કર્યું છે."
જોકે, અમદાવાદમાં ગોડસેના આજના નાટક માટે હેમંતકુમાર શાહે ટિકિટ પણ ખરીદી હતી. તેમણે કહ્યું હતું કે, "હું આ નાટક જોવા ઇચ્છતો હતો. જો ગોડસેના 52 પાનાંના કોર્ટના સ્ટેટમેન્ટ પર જ આ નાટક બન્યું હોય, તો કહી શકાય કે આ નાટકમાં કોઈ તથ્ય નહીં હોય. કારણ કે તે સ્ટેટમેન્ટમાં તો માત્ર જુઠ્ઠાણાં જ હતાં."
જોકે, હેમંતકુમાર શાહ કહે છે કે, "ગુજરાતમાં આજ સુધી એવું બનતું આવ્યું છે કે હિન્દુ વિચારધારા ધરાવતી સંસ્થાઓએ કોઈ નાટક, ફિલ્મ વગેરેના શો રદ કરાવ્યા હોય. પરંતુ ઘણા વર્ષો બાદ આવું કદાચ પહેલી વાર બની રહ્યું છે કે કૉંગ્રેસને કારણે આ પ્રકારનો કોઈ શો રદ થયો હોય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન