'અંતે અમારા દેશમાં તબાહી સિવાય બીજું કશું નહીં બચે', ઈરાનને 'પાષાણ યુગ'માં લઈ જવાની ટ્રમ્પની ધમકી વિશે શું બોલ્યા ઈરાનીઓ?

ઇમેજ સ્રોત, WANA via REUTERS

ઇમેજ કૅપ્શન, ગુરુવારે જ્યારે ઘણા લોકો તહેરાનના પશ્ચિમમાં આવેલા એક સસ્પેન્શન બ્રિજ પાસે પિકનિક મનાવી રહ્યા હતા, ત્યારે અમેરિકન ફાઇટર પ્લેને એ પુલને બે વખત નિશાન બનાવ્યો
    • લેેખક, ગોન્ચેહ હબીબીજાદ
    • પદ, વરિષ્ઠ સંવાદદાતા, બીબીસી ફારસી
  • વાંચવાનો સમય: 5 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે 'જો તેના નેતાઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે તેમની શરતો પર સહમત નહીં થાય, તો ઈરાનનાં પુલો અને વિજળી સંયંત્રો પર હુમલા કરવામાં આવશે.'

આ નિવેદન તે સમયે આવ્યું છે, જ્યારે ઈરાની મીડિયાએ જણાવ્યું કે ગુરુવારે તહેરાનના પશ્ચિમમાં આવેલા કરજ શહેરમાં બાંધકામ હેઠળના એક પુલ પર બૉમ્બમારામાં આઠ લોકોનાં મોત થયાં અને અંદાજે 100 લોકો ઘાયલ થયા.

નવરોઝની રજાના 13મા દિવસે, અનેક લોકો બી1 સસ્પેન્શન બ્રિજ પાસે પિકનિક મનાવી રહ્યા હતા, ત્યારે અમેરિકી લડાકુ વિમાનોએ પુલને બે વખત નિશાન બનાવ્યો.

ટ્રંપે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, "અમારી સેના, જે દુનિયાની સૌથી મહાન અને સૌથી શક્તિશાળી છે, તેણે ઈરાનમાં જે કંઈ બચ્યું છે તેને નષ્ટ કરવાનું હજી શરૂ પણ કર્યું નથી."

"નવું નેતૃત્વ જાણે છે કે શું કરવું છે, અને તેને આ કામ ખૂબ ઝડપથી કરવું પડશે."

જોકે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ પોતાના ઍક્સ એકાઉન્ટ પર કહ્યું, "અધૂરા પુલો સહિત નાગરિક માળખાં પર કરવામાં આવેલા હુમલાઓ ઈરાનીઓને આત્મસમર્પણ કરવા મજબૂર નહીં કરી શકે."

તેમણે કહ્યું કે પુલ પર કરવામાં આવેલો હુમલો "અરાજકતાથી ભરેલા દુશ્મનની હાર અને નૈતિક પતનને જ દર્શાવે છે."

તેમણે કહ્યું કે, અમેરિકાની વૈશ્વિક વિશ્વસનીયતાને થયેલું નુકસાન હવે "ક્યારેય સુધારી શકાય તેમ નથી."

અરાગચીએ ટ્રમ્પે આપેલા અગાઉનાં નિવેદનોનો પણ જવાબ આપ્યો, જેમાં ટ્રમ્પે બૉમ્બમારો કરીને ઈરાનને 'ફરી પાષાણ યુગમાં મોકલી દેવાની' ધમકી આપી હતી.

તેમણે પૂછ્યું કે શું રાષ્ટ્રપતિ ખરેખર "ઘડિયાળને પાછળ ફેરવીને" તે સમયગાળામાં પાછા જવા માગે છે, "જ્યારે મધ્ય-પૂર્વમાં તેલ અથવા ગૅસનું ઉત્પાદન જ થતું નહોતું".

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

સામાન્ય ઈરાનીઓ શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તહેરાનમાં રહેતાં એક 20 વર્ષીય યુવતીએ કહ્યું, "અમારા પુલ પર હુમલા અંગે (ટ્રમ્પ) બેશરમ બનીને પોસ્ટ કરી રહ્યા છે"
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈરાનની અંદર લોકો સાથે સંપર્ક સાધવો હજી પણ અત્યંત મુશ્કેલ છે, કારણ કે ઈરાની સત્તાધિશોએ લગાવેલા ઇન્ટરનેટ બ્લૅકઆઉટને હવે 35 દિવસ થઈ ચૂક્યા છે.

જોકે, કેટલાક લોકો સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ જેમ કે સ્ટારલિંક અને અન્ય માધ્યમોથી સંપર્ક કરવામાં સફળ થયા છે, પરંતુ આ સેવાની કિંમત ખૂબ ઊંચી છે.

સ્ટારલિંકનો ઉપયોગ કરવો કે તેને પોતાના પાસે રાખવા બદલ બે વર્ષ સુધીની જેલ સજા થઈ શકે છે.

ઈરાનની અંદરથી બીબીસી ફારસી સાથે વાત કરનાર બધા લોકો હાલની સત્તાની વિરોધમાં હતા.

તહેરાનમાં રહેતી 20 વર્ષની એક યુવતીએ કરજના પુલ પર થયેલા હુમલા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી. તેને હજુ ચિંતા છે કે અમેરિકા હવે પછી શું-શું નિશાન બનાવશે.

વૉઇસ મેસેજ દરમિયાન જ તે રડી પડેલી.

તેણે કહ્યું, "મને ખૂબ નિરાધાર હોવાની લાગણી થાય છે. અમારા પુલ પર હુમલા અંગે (ટ્રમ્પ) બેશરમીથી પોસ્ટ કરી રહ્યા છે. મને ખબર નથી આ હજી કેટલા સમય સુધી ચાલશે."

"કોઈ પણ તેમની વિરુદ્ધમાં કેમ ઊભું નથી થઈ શકતું? તેઓ અમને ખરેખર પાષાણ યુગમાં પાછા લઈ જઈ રહ્યા છે."

તહેરાનમાં રહેતા 20 વર્ષના એક યુવકે કહ્યું, "અંતમાં અમારી પાસે માત્ર એક તબાહ દેશ જ બચશે. મને સૌથી વધુ નિરાશા અને દુઃખ એ વાતનું છે કે હું એવી સ્થિતિમાં ઊભો છું જ્યાં હું મારા દેશને નષ્ટ થતો જોઈ રહ્યો છું અને કંઈ પણ કરી શકતો નથી. મારો દેશ દરરોજ વધુ ને વધુ તબાહ થઈ રહ્યો છે."

'તેમનો ઉદ્દેશ ઈરાનને તબાહ કરવાનો છે'

ઇમેજ સ્રોત, Anadolu via Getty Images

ઇમેજ કૅપ્શન, કરજમાં પુલ પર થયેલા હુમલાએ એક એવા સ્થાનિક રહેવાસીને પણ ચિંતામાં ધકેલી દીધા, જેઓ પોતાની જાતને 'યુદ્ધના સમર્થક' ગણાવે છે

કરજમાં પુલ પર થયેલા હુમલાએ એવા એક સ્થાનિક રહેવાસીને પણ ચિંતિત કરી દીધો, જે પોતાને 'યુદ્ધનો સમર્થક' કહે છે.

20 વર્ષના તે યુવકે કહ્યું, "આ પુલ શહેરમાં ટ્રાફિક ઘટાડવામાં મદદ કરી શકતો હતો. બીજા હુમલામાં તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેવામાં આવ્યો. આ હુમલાએ મને અસ્વસ્થ કરી દીધો છે. મને સમજાતું નથી કે તેમણે તેને કેમ નિશાન બનાવવામાં આવ્યો."

અમેરિકા ઇઝરાઇલના સૈન્ય અભિયાનને સમર્થન આપતી તહેરાનમાં રહેતી 40 વર્ષની એક મહિલાએ કહ્યું, "મને ખરેખર આશ્ચર્ય થયું કે તેમણે એક પુલ પર હુમલો કર્યો. પરંતુ મારું માનવું છે કે તેના પાછળ કોઈ કારણ જરૂર હશે."

કરજમાં થયેલા હુમલા અને ટ્રમ્પની ટિપ્પણીઓની કટ્ટરપંથી અને સત્તા સમર્થક ઈરાનીઓએ પણ સોશિયલ મીડિયામાં નિંદા કરી.

ઘણા લોકોએ માંગ કરી કે ઈરાનની સશસ્ત્ર સેના પડોશી દેશોમાં હાજર અમેરિકી સૈન્ય ઠેકાણાં ધરાવતા દેશોના પુલોને નિશાન બનાવીને જવાબી હુમલો કરે.

કેટલાક અન્યોએ ચેતવણી આપી કે પુલ પર હુમલો એ વાતનો વધુ એક સંકેત છે કે અમેરિકા અને ઇઝરાઇલનો ઉદ્દેશ ઈરાનની સૈન્ય ક્ષમતાને નહીં, પરંતુ "ઈરાનને તબાહ કરવાનો" છે.

બીબીસીના જણાવ્યા અનુસાર, વર્તમાન ઇન્ટરનેટ બ્લૅકઆઉટ છતાં, કેટલાક સરકારી અધિકારીઓ, સત્તા સમર્થક સોશિયલ મીડિયા યુઝર્સ અને પત્રકારો પાસે હજી પણ ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે.

ટ્રમ્પે શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તહેરાનમાં 1 એપ્રિલના રોજ થયેલા હુમલામાં બિલ્ડિંગ પાસેથી ધુમાડો ઊઠતો દેખાયો હતો

ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ધમકી આપી હતી કે અમેરિકા આવનારાં અઠવાડિયાઓમાં ઈરાન પર બૉમ્બમારો કરશે અને તેને 'પાષાણ યુગ'માં પહોંચાડી દેશે.

ગુરુવારની સવારે વ્હાઇટ હાઉસમાં પોતાના ભાષણમાં તેમણે કહ્યું, "અમે આવનારાં બે થી ત્રણ અઠવાડિયામાં તેમના (ઈરાન) પર ખૂબ જ મોટો હુમલો કરવાના છીએ. અમે તેમને પાષાણ યુગમાં પાછા લઈ જઈશું, જે તેમની જગ્યા છે."

ટ્રમ્પે પુનરાવર્તન કર્યું હતું કે અમેરિકા આગામી બે ત્રણ અઠવાડિયામાં ઈરાન યુદ્ધમાંથી બહાર નીકળી જશે.

ટ્રમ્પ પ્રશાસને ઈરાન યુદ્ધ શરૂ થતાં સમયે કહ્યું હતું કે સંઘર્ષ ચારથી છ અઠવાડિયા કરતાં વધુ લંબાશે નહીં.

ટ્રમ્પે પોતાના 19 મિનિટના ભાષણમાં દાવો કર્યો હતો કે ઈરાન વિરુદ્ધ યુદ્ધનો ઉદ્દેશ્ય પૂર્ણ થવાની ઘણી નજીક છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાના ભાષણમાં કહ્યું હતું, "અમે ઇઝરાઇલને અને મધ્ય-પૂર્વમાં અમારા અન્ય સાથી દેશો જેમ કે સાઉદી અરેબિયા, બહેરિન, કતાર, કુવૈત અને યુએઈને તેમના સહયોગ માટે આભાર માનીએ છીએ."

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, કોઈ પણ ઉશ્કેરણી વિના ઈરાને આ દેશો પર હુમલો કર્યો, જે સાબિત કરે છે કે તે આ પ્રદેશ માટે કેટલો મોટો ખતરો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ આ ભાષણ એટલા માટે આપી રહ્યા છે જેથી લોકો સમજી શકે કે "એપિક ફ્યૂરી" અમેરિકા અને દુનિયાની સુરક્ષા માટે કેમ જરૂરી છે.

અમેરિકાએ ઈરાન વિરુદ્ધ પોતાની સૈન્ય કાર્યવાહીનું નામ 'એપિક ફ્યૂરી' રાખ્યું છે.

ટ્રમ્પે કહ્યું હતું કે 'છેલ્લાં 47 વર્ષોમાં ઈરાન અથવા તેના દ્વારા સમર્થિત જૂથોએ અનેક ઉગ્રવાદી હુમલા અને અન્ય પ્રવૃત્તિઓ કરી છે.'

તેમણે ઈરાનની સત્તાને "હત્યારી" ગણાવી.

તેમણે તાજેતરમાં ઈરાનમાં થયેલાં વિરોધપ્રદર્શનો પર કરવામાં આવેલી કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં કેટલાક લોકોનાં મોત થયાં હતાં.

તેમણે કહ્યું હતું કે આવા નેતાઓને પરમાણુ હથિયારો મેળવવાની મંજૂરી આપી શકાય નહીં.

"હું એવું ક્યારેય થવા નહીં દઉં."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન