કયા ગીત પછી રફીનો અવાજ ફાટી ગયો હતો અને લોકોને લાગ્યું કે તેઓ 'હવે કદાચ નહીં ગાઈ શકે'?

બોલીવૂડ, બીબીસી ગુજરાતી, મોહમ્મદ રફી, સંગીત, કલા, બૉમ્બે, મહારાષ્ટ્ર
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 7 મિનિટ

સંગીતકાર નૌશાદ ઘણી વાર મોહમ્મદ રફી વિશે એક રસપ્રદ કિસ્સો સંભળાવતા હતા. એક વખત એક ગુનેગારને ફાંસી અપાઈ રહી હતી. તેને તેની અંતિમ ઇચ્છા પૂછવામાં આવી તો તેણે ન તો પોતાના પરિવારને મળવાની ઇચ્છા પ્રગટ કરી અને ન તો કશું ખાસ ખાવાની ફરમાઇશ કરી.

તેની માત્ર એક જ ઇચ્છા હતી જેને સાંભળીને જેલ કર્મચારી દંગ રહી ગયા. તેણે કહ્યું કે તે મરતાં પહેલાં રફીનું 'બૈજુ બાવરા' ફિલ્મનું ગીત 'અય દુનિયા કે રખવાલે' સાંભળવા માગે છે. આ ઇચ્છા મુજબ એક ટેપ રેકૉર્ડર લાવવામાં આવ્યું અને તેના માટે તે ગીત વગાડવામાં આવ્યું.

શું તમને ખબર છે કે આ ગીત ગાવા માટે મોહમ્મદ રફીએ 15 દિવસ સુધી રિયાઝ કર્યો હતો અને રેકૉર્ડિંગ થયા પછી તેમનો અવાજ એટલી હદે ફાટી ગયો હતો કે કેટલાક લોકોએ કહેવાનું શરૂ કરી દીધું હતું કે રફી કદાચ ક્યારેય પોતાનો અવાજ પાછો નહીં મેળવી શકે.

શ્રીલંકામાં રફી

ત્રિનિદાદમાં એક શો દરમિયાન મોહમ્મદ રફી

ઇમેજ સ્રોત, YASMIN K RAFI

ઇમેજ કૅપ્શન, ત્રિનિદાદમાં એક શો દરમિયાન મોહમ્મદ રફી

પરંતુ રફીએ લોકોને ખોટા સાબિત કર્યા અને ભારતના સૌથી લોકપ્રિય પાર્શ્વગાયક બન્યા. 4 ફેબ્રુઆરી 1980એ શ્રીલંકાના સ્વતંત્રતા દિવસના પ્રસંગે મોહમ્મદ રફીને શ્રીલંકાની રાજધાની કોલંબોમાં એક શો માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તે દિવસે તેમને સાંભળવા માટે 12 લાખ કોલંબોવાસી એકઠા થયા હતા, જે તે સમયનો વિશ્વ રેકૉર્ડ હતો.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ જેઆર જયવર્ધને અને વડા પ્રધાન પ્રેમદાસા ઉદ્‌ઘાટન પછી તરત કોઈ બીજા કાર્યક્રમમાં ભાગ લેવા માટે જવાના હતા, પરંતુ રફીના જબરજસ્ત ગાયને તેમને ત્યાં જ રોકાઈ જવા મજબૂર કરી દીધા અને તેઓ કાર્યક્રમ સમાપ્ત થયા સુધી રોકાઈ ગયા.

મોહમ્મદ રફીનાં પુત્રવધૂ અને તેમના ઉપર એક પુસ્તક લખનાર યાસ્મીન ખાલિદ રફી કહે છે કે રફીની ટેવ હતી કે જ્યારે તેઓ વિદેશના કોઈ શોમાં જતા હતા, તો ત્યાંની ભાષામાં એક ગીત જરૂર સંભળાવતા હતા. તે દિવસે કોલંબોમાં પણ તેમણે સિંહલામાં એક ગીત સંભળાવ્યું.

રફીના ભાથામાં બધાં તીર

મોહમ્મદ રફી તેમનાં પત્ની બિલ્કીસ સાથે

ઇમેજ સ્રોત, YASMIN K RAFI

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ રફી તેમનાં પત્ની બિલ્કીસ સાથે

પરંતુ જેવું તેમણે હિન્દી ગીત સંભળાવવાનું શરૂ કર્યું, ભીડ અનિયંત્રિત થઈ ગઈ અને આવું ત્યારે થયું, જ્યારે ભીડમાં ભાગ્યે જ કોઈ હિન્દી સમજતા હતા. જો એક ગીતમાં ઇઝહાર–એ–ઇશ્કની એકસોએક વિધાઓ દર્શાવવાની હોય તો તમે માત્ર એક જ ગાયક પર તમારા પૈસા લગાવી શકો છો અને તે છે મોહમ્મદ રફી.

પછી ભલે તે કિશોર પ્રેમનું અલ્લડપણું હોય, દિલ તૂટવાની વ્યથા હોય, પરિપક્વ પ્રેમના ઉદ્‌ગાર હોય, પ્રેમિકાને પ્રણય નિવેદન હોય કે માત્ર તેની સુંદરતાની પ્રશંસા… મોહમ્મદ રફીની કોઈ બરાબરી નહોતી.

પ્રેમને બાદ કરી દો તોપણ, માનવીય લાગણીઓનાં જેટલાં પણ પાસાં હોઈ શકે છે… દુઃખ, ખુશી, આસ્થા કે દેશભક્તિ અથવા તો પછી ગાયકીનું કોઈ પણ રૂપ હોય – ભજન, કવ્વાલી, લોકગીત, શાસ્ત્રીય સંગીત કે ગઝલ – મોહમ્મદ રફીના ભાથામાં બધાં તીર હાજર હતાં.

રેઝ ઑફ ધ નૅશન

રફીના પુત્ર ખાલિદની શાદીમાં (ડાબેથી જમણે) બિલ્કીસ, સંગીતકાર એસડી બર્મન, રફી, ખાલિદ અને તેમનાં પત્ની યાસ્મીન

ઇમેજ સ્રોત, YASMIN K RAFI

ઇમેજ કૅપ્શન, રફીના પુત્ર ખાલિદની શાદીમાં (ડાબેથી જમણે) બિલ્કીસ, સંગીતકાર એસડી બર્મન, રફી, ખાલિદ અને તેમનાં પત્ની યાસ્મીન

રફીને પહેલો બ્રેક આપ્યો હતો શ્યામસુંદરે; પંજાબી ફિલ્મ 'ગુલબલોચ'માં. મુંબઈની તેમની પહેલી ફિલ્મ હતી 'ગાંવ કી ગોરી'. નૌશાદ અને હુસ્નલાલ ભગતરામે તેમની પ્રતિભાને ઓળખી અને તે જમાનામાં શર્માજીના નામથી જાણીતા આજના ખય્યામે ફિલ્મ 'બીવી'માં તેમની પાસે ગીત ગવડાવ્યાં.

ખય્યામ યાદ કરે છે, "1949માં મારી તેમની સાથે પહેલી ગઝલ રેકૉર્ડ થઈ, જેને વલીસાહેબે લખી હતી. અકેલે મેં વહ ઘબરાતે તો હોંગે, મિટા કે વહ મુઝકો પછતાતે તો હોંગે. રફીસાહેબના અવાજનું શું કહેવું! જે રીતે મેં ઇચ્છ્યું, એ રીતે તેમણે તે ગાયું. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે આ ગીત રેઝ ઑફ નૅશન બની ગયું."

મોહમ્મદ રફીની કરિયરનો સૌથી શ્રેષ્ઠ સમય હતો 1956થી 1965 સુધીનો સમય. આ દરમિયાન તેમણે કુલ છ ફિલ્મફેર પુરસ્કાર જીત્યા અને રેડિયો સિલોન પરથી પ્રસારિત થતા બિનાકા ગીત માલામાં બે દાયકા સુધી છવાયેલા રહે.

'આરાધના'થી રફીને ઝટકો

દેવ આનંદ અને મોહમ્મદ રફી (ડાબેથી જમણે)

ઇમેજ સ્રોત, MOHAN CHURIWALA

ઇમેજ કૅપ્શન, દેવ આનંદ અને મોહમ્મદ રફી (ડાબેથી જમણે)

રફીની કરિયરને 1969માં ઝટકો લાગ્યો, જ્યારે 'આરાધના' ફિલ્મ રિલીઝ થઈ. રાજેશ ખન્નાની આભાએ આખા ભારતને ચકિત કરી દીધું અને આરડી બર્મને મોટા સંગીતકાર બનવા તરફ પોતાનું પહેલું મોટું પગલું ભર્યું.

'ઇલસ્ટ્ર્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયા'ના પૂર્વ સહ-સંપાદક રાજુ ભારતન કહે છે, "આરાધનાનાં બધાં ગીતો પહેલાં રફીએ જ ગાવાનાં હતાં. જો એસડી બર્મન બીમાર ન પડ્યા હોત અને આરડી બર્મને તેમનું કામ ન સંભાળ્યું હોત, તો કિશોરકુમાર સામે આવ્યા જ ન હોત. અને આમ પણ 'આરાધના'ના પહેલા બે ડ્યૂએટ રફીએ જ ગયાં હતાં."

ભારતન જણાવે છે, "પંચમે ઘણા સમય પહેલાં સ્પષ્ટ કરી દીધું હતું કે જો તેમને તક મળી તો તેઓ રફીની જગ્યાએ કિશોરને લાવશે. જ્યાં સુધી રફીની લોકપ્રિયતામાં ઘટાડો થવાની વાત છે તો તેનાં કેટલાંક કારણ હતાં. જે અભિનેતાઓ માટે રફી ગાતા હતા – દિલીપકુમાર, ધર્મેન્દ્ર, જિતેન્દ્ર અને સંજીવકુમાર – તેઓ જૂના થઈ ગયા હતા અને તેમની જગ્યા નવા અભિનેતા લઈ રહ્યા હતા અને તેમને નવા અવાજની જરૂર હતી. આરડી બર્મન જેવા સંગીતકાર ઊભરીને સામે આવી રહ્યા હતા અને તેમણે કંઈક નવું કરીને બતાવવું હતું."

રફીની દરિયાદિલી

પુત્રવધૂ યાસ્મીનની સાથે મોહમ્મદ રફી

ઇમેજ સ્રોત, YASMIN K RAFI

ઇમેજ કૅપ્શન, પુત્રવધૂ યાસ્મીનની સાથે મોહમ્મદ રફી

સિત્તેરના દાયકાની શરૂઆતમાં સંગીતકારોએ મોહમ્મદ રફીનો સાથ છોડવાનું શરૂ કરી દીધું હતું, સિવાય કે લક્ષ્મીકાંત–પ્યારેલાલ. લક્ષ્મીકાંત તો હવે રહ્યા નથી, પરંતુ પ્યારેલાલ છે, જેઓ કહે છે કે તેમણે રફીનો નહીં, પરંતુ રફીએ તેમનો સાથ ન છોડ્યો.

જાણીતા બ્રૉડકાસ્ટર અમીન સયાનીએ મોહમ્મદ રફી અને લક્ષ્મીકાંત–પ્યારેલાલ વિશે એક રસપ્રદ કહાની સંભળાવી હતી.

સયાની કહે છે, "એક વાર લક્ષ્મીકાંતે મને જણાવ્યું કે જ્યારે તેઓ પહેલી વાર રફી પાસે ગીત રેકૉર્ડ કરાવવા માટે ગયા ત્યારે તેમણે તેમને કહ્યું કે અમે લોકો નવા છીએ, તેથી અમને કોઈ પ્રોડ્યૂસર વધારે પૈસા પણ નહીં આપે. અમે તમારા માટે એક ગીત બનાવ્યું છે, જો તમે એને ઓછા પૈસામાં ગાઈ આપો તો તમારી ઘણી મહેરબાની."

"રફીએ ધૂન સાંભળી. તેમને ખૂબ ગમી અને તેઓ તેને ગાવા માટે સંમત થઈ ગયા. રેકૉર્ડિંગ પછી થોડા પૈસા લઈને તેઓ રફીની પાસે ગયા."

"રફીએ એમ કહીને પૈસા પાછા આપી દીધા કે આ પૈસા તમે વહેંચી લો અને આ જ રીતે વહેંચીને ખાતા રહો."

"લક્ષ્મીકાંતે મને જણાવ્યું કે એ દિવસ પછીથી તેમણે રફીની એ વાત હંમેશાં યાદ રાખી અને હંમેશાં વહેંચીને ખાધું."

સ્ટાઇલિસ્ટ ઘડિયાળો અને કારોના શોખીન

હજયાત્રા દરમિયાન મોહમ્મદ રફી

ઇમેજ સ્રોત, YASMIN K RAFI

ઇમેજ કૅપ્શન, હજયાત્રા દરમિયાન મોહમ્મદ રફી

રફી ઓછાબોલા, જરૂર કરતાં કંઈક વધારે વિનમ્ર અને પ્રેમાળ વ્યક્તિ હતા. તેમનાં પુત્રવધૂ યાસ્મીન ખુર્શીદ જણાવે છે કે તેઓ દારૂ કે સિગારેટ નહોતા પીતા અને પાન પણ નહોતા ખાતા.

બોલીવૂડની પાર્ટીઓમાં જવાનો પણ તેમને કશો શોખ નહોતો. ઘરે તેઓ માત્ર ધોતી-કુર્તા જ પહેરતા હતા, પરંતુ જ્યારે રેકૉર્ડિંગ પર જતા હતા ત્યારે હંમેશાં સફેદ શર્ટ અને પાટલૂન પહેરતા હતા.

તેમને સ્ટાઇલિસ્ટ ઘડિયાળો અને ફૅન્સી કારોનો ખૂબ જ શોખ હતો. લંડનની કારોના રંગોથી તેઓ ખૂબ જ પ્રભાવિત રહેતા હતા, તેથી એક વાર તેમણે પોતાની ફીએટ કારને પોપટી રંગ કરાવી દીધો હતો.

તેમણે એક વાર મજાક પણ કરી હતી કે તેઓ પોતાની કારને એ રીતે સજાવે છે જે રીતે દશેરામાં બળદને સજાવવામાં આવે છે.

દાવત આપવાના શોખીન

પુત્ર ખાલિદની સાથે મોહમ્મદ રફી

ઇમેજ સ્રોત, YASMIN K RAFI

ઇમેજ કૅપ્શન, પુત્ર ખાલિદની સાથે મોહમ્મદ રફી

રફી ક્યારેક ક્યારેક પતંગ પણ ચગાવતા હતા અને ઘણી વાર પડોશી મન્ના ડે તેમનો પતંગ કાપી નાખતા હતા. તેઓ ખૂબ સારા યજમાન પણ હતા. દાવતો આપવાનો તેમને ખૂબ શોખ હતો.

તેમના નિકટના મિત્ર ખય્યામ જણાવે છે કે રફીસાહેબે ઘણી વાર તેમને અને તેમનાં પત્ની જગજિતકોરને સાથે જમવા બોલાવ્યાં હતાં અને તેમના ત્યાંનું જમવાનું ખૂબ સ્વાદિષ્ટ રહેતું.

યાસ્મીન ખાલિદ જણાવે છે કે એક વાર તેઓ બ્રિટનમાં કૉવેન્ટ્રીમાં શો કરી રહ્યા હતા. જ્યારે તેઓ તેમના પતિ ખાલિદની સાથે તેમને મળવા ગયાં ત્યારે તેઓ થોડા ખરાબ મૂડમાં હતા, કેમ કે ત્યાં તેમને સારું ભોજન નહોતું મળતું.

માત્ર ભોજન કરવા લંડન ગયા હતા…

સંગીતકાર આરડી બર્મને ‘આરાધના’ ફિલ્મનું સંગીત આપ્યું હતું

ઇમેજ સ્રોત, PANCHAM UNMIXED

ઇમેજ કૅપ્શન, સંગીતકાર આરડી બર્મને 'આરાધના' ફિલ્મનું સંગીત આપ્યું હતું

તેમણે પૂછ્યું કે અહીંથી લંડન જવામાં કેટલો સમય થશે? ખુર્શીદે જવાબ આપ્યો, લગભગ ત્રણ કલાક.

પછી તેઓ યાસ્મીન તરફ ફર્યા અને પૂછ્યું, શું તમે એક કલાકમાં દાલ-ચાવલ અને ચટની બનાવી શકો છો? યાસ્મીને જ્યારે 'હા' કહ્યું ત્યારે રફી બોલ્યા, "ચાલો, લંડન જઈએ. કોઈને કહેવાની જરૂર નથી. આપણે સાત વાગ્યે શો શરૂ થતાં પહેલાં કૉવેન્ટ્રી પાછા આવી જઈશું."

રફી, ખાલિદ અને યાસ્મીન કોઈને કશું જણાવ્યા વગર લંડન ગયાં. યાસ્મીને તેમના માટે ઝટપટ દાલ, ચાવલ, ચટની અને ડુંગળી-ટામેટાંનું સલાડ બનાવ્યાં.

રફીએ ખાવાનું ખાઈને યાસ્મીનને ખૂબ દુઆ આપી અને એવું લાગ્યું જાણે કોઈ બાળકને તેનું ગમતું રમકડું મળી ગયું હોય.

જ્યારે તેમણે કૉવેન્ટ્રી પાછા જઈને આયોજકોને જણાવ્યું કે તેઓ માત્ર ભોજન કરવા લંડન ગયા હતા, તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

મોહમ્મદ અલી સાથે મુલાકાત

મોહમ્મદ રફી બૉક્સર મોહમ્મદ અલીના જોરદાર ચાહક હતા

ઇમેજ સ્રોત, YASMIN K RAFI

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ રફી બૉક્સર મોહમ્મદ અલીના જોરદાર ચાહક હતા

રફીને બૉક્સિંગના મુકાબલા જોવાનો ખૂબ જ શોખ હતો અને મોહમ્મદ અલી તેમના ગમતા બૉક્સર હતા.

1977માં જ્યારે તેઓ એક શો માટે શિકાગોમાં ગયા ત્યારે આયોજકોને રફીના આ શોખ વિશે ખબર પડી. તેમણે રફી અને અલીની એક મુલાકાત કરાવવાની કોશિશ કરી. પરંતુ એ એટલું આસાન કામ પણ નહોતું.

પરંતુ, જ્યારે અલીને જણાવવામાં આવ્યું કે રફી પણ ગાયક તરીકે એટલા જ ખ્યાતનામ છે, જેટલા તેઓ એક બૉક્સર તરીકે છે, એટલે અલી તેમને મળવા માટે તૈયાર થઈ ગયા.

બંનેની મુલાકાત થઈ અને રફીએ બૉક્સિંગ પોઝમાં મોહમ્મદ અલી સાથે તસવીર પડાવી.

પદ્મશ્રી કરતાં ઘણા વધારે સન્માનના હકદાર

સંગીતકાર નૌશાદ અને લતા મંગેશકર બંનેની સાથે રફીએ ઘણું કામ કર્યું

ઇમેજ સ્રોત, LATA CALANDER

ઇમેજ કૅપ્શન, સંગીતકાર નૌશાદ અને લતા મંગેશકર બંનેની સાથે રફીએ ઘણું કામ કર્યું

મેં રાજુ ભારતનને પૂછ્યું કે શું રફીને તેમના જીવનકાળમાં એ સન્માન મળી શક્યું જેના તેઓ હકદાર હતા?

ભારતનનો જવાબ હતો, "કદાચ ના, પરંતુ રફીએ સન્માન મેળવવા માટે ક્યારેય લૉબિંગ ન કર્યું. એ જોતાં કે તેમને માત્ર પદ્મશ્રી જ મળી શક્યું, હું માનું છું કે તેમને તેમનો હક નથી મળ્યો. તેમને આના કરતાં ઘણું વધારે મળવું જોઈતું હતું.

1967માં જ્યારે તેમને પદ્મશ્રી મળ્યો ત્યારે તેમણે કેટલાક સમય સુધી વિચાર્યું કે તેનો અસ્વીકાર કરી દે, પરંતુ પછી તેમને સલાહ આપવામાં આવી કે તમે એક ખાસ સમુદાયમાંથી આવો છો અને જો તમે એવું કરશો તો તમને ખોટા સમજવામાં આવશે. તેમણે આ સલાહ માની લીધી, પરંતુ તેમણે એવું નહોતું કરવું જોઈતું. જો તેમણે પદ્મભૂષણની રાહ જોઈ હોત, તો તેમને જરૂર મળ્યો હોત અને તેઓ ચોક્કસ તેના હકદાર પણ હતા."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન