ભારતની પડોશમાં જ્યારે બળવો થયો અને રાજીવ ગાંધીએ ભારતીય સૈનિકો મોકલી રાષ્ટ્રપતિને બચાવી લીધા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિન્દી માટે
- વાંચવાનો સમય: 7 મિનિટ
3 નવેમ્બર 1988ના રોજ માલદીવના રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમ ભારતની યાત્રાએ આવવાના હતા. તેમને લાવવા માટે એક ભારતીય વિમાન દિલ્હીથી માલે માટે ઉડાન ભરી ચૂક્યું હતું. હજી તે અડધે રસ્તે જ હતું, એવામાં ભારતના વડા પ્રધાન રાજીવ ગાંધીએ અચાનક એક ચૂંટણીની બાબતે દિલ્હીથી બહાર જવું પડ્યું. રાજીવ ગાંધીએ ગયૂમ સાથે વાત કરીને એ નક્કી કર્યું કે તેઓ ફરી ક્યારે ભારત આવશે.
પરંતુ ગયૂમની વિરુદ્ધ વિદ્રોહની યોજના ઘડનાર માલદીવના વેપારી અબ્દુલ્લા લુથુફી અને તેમના સાથી સિક્કા અહમદ ઇસ્માઈલ માનિકે નક્કી કર્યું કે બળવાને સ્થગિત કરવામાં નહીં આવે.
પહેલાં તેમની યોજના હતી કે બળવાની શરૂઆત ત્યારે થાય, જ્યારે રાષ્ટ્રપતિ ગયૂમ માલેમાં ન હોય. તેમણે શ્રીલંકાના ચરમપંથી સંગઠન 'પ્લોટ' (પીપલ્સ લિબરેશન ઑર્ગેનાઇઝેશન ઑફ તમિલ ઈલમ)ના ભાડાના યોદ્ધાઓને પર્યટકોના વેશમાં સ્પીડ-બોટ દ્વારા પહેલાં જ માલેમાં પહોંચાડી દીધા હતા. તે સમયે માલદીવમાં ભારતના હાઈકમિશનર એકે બેનરજી હતા. તેઓ ગયૂમની પહેલાંથી નક્કી ભારતયાત્રા બાબતે દિલ્હી આવ્યા હતા.
ભારતમાંથી સૈનિક મોકલવાની અપીલ

ઇમેજ સ્રોત, Getty Images
એકે બેનરજી યાદ કરે છે, "હું દિલ્હીના મારા ઘરમાં ધાબળો ઓઢીને ગાઢ ઊંઘમાં સૂતો હતો. એવામાં સવારે 6:30 વાગ્યે મારા ફોનની ઘંટડી રણકી." તેમણે આગળ કહ્યું, "માલેસ્થિત મારા સચિવે જણાવ્યું કે ત્યાં વિદ્રોહ થઈ ગયો છે અને રસ્તા ઉપર લોકો ગોળીઓ છોડતા આમતેમ ફરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ગયૂમ એક સેફ-હાઉસમાં છુપાયેલા છે અને તેમણે ભારતને અપીલ કરી છે કે તેઓ તેમને બચાવવા માટે તરત પોતાના સૈનિકો મોકલે."
આ બાજુ, વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ રહેલા કુલદીપ સહદેવની પાસે પણ માલેના ભારતીય હાઈકમિશનમાંથી ફોન આવ્યો. તેમણે તરત તેની જાણ વડા પ્રધાન કાર્યાલયમાં સંયુક્ત સચિવ રોનેન સેનને કરી. તેમણે તેમને સાઉથ બ્લૉકમાં આર્મી ઑપરેશન રૂમમાં થતી ઉચ્ચ સ્તરીય બેઠકમાં બોલાવી લીધા, જેમાં કલકત્તાથી પાછા આવતાં જ વડા પ્રધાન રાજીવ ગાંધી પણ ભાગ લેવાના હતા.
'ઇન્ડિયન એક્સ્પ્રેસ'ના સહ-સંપાદક સુશાંત સિંહ તેમના પુસ્તક 'મિશન ઓવરસીઝ: ડેરિંગ ઑપરેશન્સ બાય ધ ઇન્ડિયન મિલિટરી'માં લખે છે, "રાજીવ ગાંધી રોનેન સેન અને કુલદીપ સહદેવની સાથે મિલિટરી ઑપરેશન રૂમમાં પ્રવેશ્યા. ગૃહ નાયબ મંત્રી પી. ચિદમ્બરમે ત્યાં 'નેશનલ સિક્યૉરિટી ગાર્ડ્સ' મોકલવાનો પ્રસ્તાવ કર્યો, પરંતુ સેનાએ તેનો અસ્વીકાર કર્યો." તેમણે આગળ જણાવ્યું, "રૉ પ્રમુખ આનંદ સ્વરૂપ વર્માએ કહ્યું કે તેમની પાસે માહિતી છે કે માલેના હુલહુલે ઍરપૉર્ટ પર સેંકડો વિદ્રોહીઓએ કબજો કરી લીધો છે. રોનેન સેને તેમને ચૂપ રહેવા કહ્યું. હકીકતમાં માલેમાં જે કંઈ થઈ રહ્યું હતું, તેની સાચી માહિતી રોનેન સેન પાસે હતી."
ટેલિફોન ક્રૅડલ પર કેમ રાખવામાં ન આવ્યો?

સુશાંત સિંહ લખે છે, "માલદીવના વિદેશ સચિવ ઝકીએ 7 RCR પર સીધો ફોન જોડ્યો હતો, જેને સેને પોતે ઉઠાવ્યો હતો. ઝકીએ તેમને જણાવ્યું કે વિદ્રોહીઓએ તેમના ઘરની બરાબર સામે ટેલિફોન એક્સ્ચેન્જ પર કબજો કરી લીધો છે. સેને તેમને સલાહ આપી કે તેઓ ટેલિફોન ન મૂકે, કેમ કે જેવું તેઓ એમ કરશે, ટેલિફોન એક્સ્ચેન્જના સ્વિચ બોર્ડની લાઇટ બંધ થઈ જશે અને વિદ્રોહીઓને ખબર પડી જશે કે તેઓ કોઈ સાથે ટેલિફોન પર વાત કરી રહ્યા છે. આ ટેલિફોન ત્યાર પછીના 18 કલાક, આખું અભિયાન સમાપ્ત થયું ત્યાં સુધી ટેલિફોન ક્રેડલ પર મૂકવામાં ન આવ્યો."
બેઠકમાં પહેલાં નક્કી થયું કે આગરાની 50 પેરા બ્રિગેડના સૈનિકોને માલેમાં પેરાશૂટ દ્વારા ઉતારવામાં આવશે. પરંતુ આ યોજનામાં એક સમસ્યા હતી. તેમને એક એવા 'ડ્રોપિંગ ઝોન'ની જરૂર હતી, જ્યાં જો તેમના પેરાશૂટ ફેલાઈ જાય તોપણ તેઓ જમીન પર ઊતરે, નહિ કે સમુદ્રના પાણી પર.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમને સુરક્ષિત ઊતરવા માટે 12 ફૂટબોલના મેદાન જેટલા ક્ષેત્રની જરૂર હતી, જે માલેમાં સંભવ નહોતું. એ વાતની ઘણી સંભાવના હતી કે સૈનિકોના પેરાશૂટ સમુદ્રમાં પડે. અને જો એવું થાય તો સૈનિક તેજ પ્રવાહવાળા પાણીમાં પોતાના પેરાશૂટ ખોલી ન શકે અને એક વજનદાર પથ્થરની જેમ સમુદ્રની સપાટી પર જઈ પહોંચે.
તેથી આ યોજનાનો અમલ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. બેઠકમાં હાજર લોકોને એ પણ ખબર નહોતી કે હુલહુલે ઍરપૉર્ટની લંબાઈ કેટલી હતી? જોકે તેને એક ભારતીય કંપનીએ બનાવ્યું હતું. રાજીવ ગાંધીએ રોનેન સેનને સૂચના આપી કે તેઓ ઇન્ડિયન ઍરલાઇન્સના એવા પાઇલટ્સનો સંપર્ક કરે જેઓ માલે સુધી ઉડાન ભરતા રહે છે.
બેઠક પછી નાયબ સેનાધ્યક્ષ લેફ્ટનન્ટ જનરલ રોડ્રિગ્સે બ્રિગેડિયર ફારુક બુલ બલસારાને ફોન કરીને પૅરાટ્રૂપ્સને તૈયાર રાખવાનું કહ્યું. બલસારાએ આની પહેલાં માલદીવનું નામ પણ સાંભળ્યું નહોતું. તેમના ઇન્ટેલિજન્સ ઓફિસર લાઇબ્રેરીમાંથી એક એટલાસ ઉઠાવી લાવ્યા. જેમાંથી તેમને જાણવા મળ્યું કે માલદીવ 1,200 ટાપુઓનો એક સમૂહ છે, જે ભારતના સુદૂર દક્ષિણ કિનારાથી 700 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં છે.
ભારતીય સેનાની તૈયારી પર્યાપ્ત નહોતી

ઇમેજ સ્રોત, Getty Images
બલસારાએ પોતાના બે અધિકારીઓને આગરાનાં પર્યટન કેન્દ્રોમાં મોકલીને માલદીવ વિશે શક્ય હોય તેટલી માહિતી પ્રાપ્ત કરવાનું કહ્યું. આ દરમિયાન બ્રિગેડિયર વી.પી. મલિક, જેઓ પછીથી સેનાધ્યક્ષ બન્યા, માલદીવમાંના ભારતીય હાઈકમિશનર એકે બેનરજીને એક સૈન્ય વિમાનમાં લઈને આગરા પહોંચી ગયા.
એકે બેનરજી જણાવે છે, "જ્યારે હું ઑપરેશન રૂમમાં પહોંચ્યો, ત્યારે ટેબલ પર હુલહુલે ઍરપૉર્ટનો નકશો ફેલાયેલો હતો, જે માલેથી 3 કિલોમીટર દૂર હતું. જોતાં જ મેં બૂમ પાડી, આ ખોટો નકશો છે. સ્પષ્ટ છે કે આટલા મોટા અભિયાન માટે ભારતીય સૈનિકોની તૈયારી પૂરતી નહોતી."
સુશાંત સિંહ જણાવે છે કે, "બલસારાની યોજના હતી કે જો ત્યાં સુધીમાં હુલહુલે ઍરપૉર્ટ પર વિદ્રોહીઓનો કબજો ન થયો હોય, તો તેઓ વિમાનને ત્યાં ઉતારી દેશે. પરંતુ જો એવું ન હોય, તો તેઓ પેરાશૂટ દ્વારા સૈનિકોને ઍરપૉર્ટ પર કબજો કરવા માટે નીચે ઉતારશે. ત્યારે જ બ્રિગેડિયર મલિકે કહ્યું કે આપણે હાઈકમિશનર બેનરજીને આ અભિયાનમાં આપણી સાથે લઈ જઈએ, કેમ કે તેમને માલે વિશે સંપૂર્ણ માહિતી છે, જે આપણને કામમાં આવશે."
બેનરજીએ માલદીવ જવા માટે બે શરતો મૂકી
બેનરજીએ માલદીવ જવા માટે બે શરતો મૂકી. બેનરજી જણાવે છે, "મેં સાથે જવા માટે બે શરત મૂકી. પહેલી એ કે આના માટે તમારે વિદેશ મંત્રાલયની મંજૂરી લેવી પડશે; અને બીજી એ કે મને એક સેફ્ટી રેઝર આપવામાં આવે, કેમ કે હું મારા દિવસની શરૂઆત દાઢી કર્યા વગર નથી કરતો. પહેલી શરત તરત પૂરી થઈ ગઈ, પરંતુ બીજી શરત પૂરી કરવા માટે રાત્રે જ આર્મી કેન્ટીન ખોલાવવામાં આવી અને મારા માટે એક શેવિંગ કિટ, ટૂથ બ્રશ અને ટુવાલ કઢાવ્યા."
આ પહેલો પ્રસંગ હતો, જ્યારે વિદેશ મંત્રાલયના એક મોટા અધિકારી એક મોટા સૈનિક અભિયાનમાં ભારતીય સૈનિકોની સાથે ભાગ લઈ રહ્યા હતા. છત્રીધારી સૈનિકોથી ભરેલા વિમાને જેવું આગરાના ખેરિયા ઍરબેઝના રનવે પર દોડવાનું શરૂ કર્યું, તેમાં બેઠેલા 6 પેરાના સૈનિકોએ સૂત્ર પોકાર્યું, 'છતરી માતા કી જય!'
હજુ વિમાનને હવામાં આવ્યે થોડીક જ મિનિટ થઈ હતી કે બ્રિગેડિયર બલસારા સૂવા જતા રહ્યા. તેમણે પોતાના પૅરા કમાન્ડોના શરૂઆતના દિવસોમાં જ એ પાઠ શીખી લીધો હતો કે કોઈ પણ મોટા અભિયાન પહેલાં સારી ઊંઘ લેવી જરૂરી છે.
બીબીસીએ ભારતીય સૈન્ય અભિયાનને બ્રેકિંગ આપ્યું

ઇમેજ સ્રોત, NARINDER NANU/AFP via Getty Images)
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એ વિમાનમાં સવાર લેફ્ટનન્ટ જનરલ વિનોદ ભાટિયા જણાવે છે, "જેવા અમે ભારતની સીમાની બહાર નીકળ્યા, બ્રિટિશ ઍરવેઝનું એક વિમાન અમને જોઈ ગયું અને અમારે તેને જણાવવું પડ્યું કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. કદાચ આ જ કારણ હતું કે બીબીસીએ પોતાના 7 વાગ્યાના બુલેટિનમાં જણાવી દીધું કે માલદીવના રાષ્ટ્રપતિને બચાવવા માટે ભારતે સૈનિક અભિયાન શરૂ કરી દીધું છે."
જ્યારે ભારતીય વિમાન લૅન્ડ થયું, ત્યારે ઍરપૉર્ટ પર ગાઢ અંધારું હતું. જેવું આઈએલ-76 વિમાન અટક્યું, મિનિટોમાં 150 ભારતીય સૈનિક અને ઘણી જીપો બહાર આવી ગયાં. થોડી વારમાં બીજું વિમાન ઊતર્યું અને તેણે ફટાફટ એટીસી, જેટી અને હવાઈ પટ્ટીના ઉત્તર અને દક્ષિણ છેડા પર નિયંત્રણ કરી લીધું. એટીસી દ્વારા જ બ્રિગેડિયર બલસારાએ રાષ્ટ્રપતિ ગયૂમ સાથે તેમના ગુપ્ત ઠેકાણે રેડિયોથી સંપર્ક કર્યો.
સુશાંત સિંહ જણાવે છે, "ગયૂમે બલસારાને કહ્યું કે જેટલી જલદી થઈ શકે ત્યાં પહોંચે, કેમ કે વિદ્રોહીઓએ તેમના સેફ-હાઉસને ઘેરી લીધું છે અને તેઓ નજીકમાં ફાયરિંગના અવાજો સાંભળી શકે છે. બલસારાએ કહ્યું, મિસ્ટર પ્રેસિડેન્ટ અમે પહોંચી ગયા છીએ અને તમને સુરક્ષિત બહાર કાઢવા માટે એડીચોટીનું જોર લગાવી દઈશું."
જ્યારે ભારતીય સૈનિક સેફ-હાઉસની નજીક પહોંચ્યા, ત્યારે ત્યાં જોરદાર ગોળીબાર થઈ રહ્યો હતો. બલસારાએ રાષ્ટ્રપતિ ગયૂમને કહેલું કે તેઓ પોતાના સેફ-હાઉસની બહાર ગાઈડ્સ તહેનાત કરી દે, જેથી તેઓ જ્યારે ત્યાં પહોંચે તો સીધા તેમને તેમની પાસે લઈ જવામાં આવે. પરંતુ માલદીવની નેશનલ સિક્યૉરિટી સર્વિસના લેફ્ટનન્ટ સુધી ગયૂમનો સંદેશો પહોંચી ન શક્યો.
ગયૂમનાં સુરક્ષા દળોએ ભારતીય સૈનિકોને આગળ વધતાં અટકાવી દીધા. બલસારા ગોળી છોડવાનો આદેશ આપવા જ જતા હતા, એવામાં તેમના ગાર્ડ્સે ભારતીય સૈનિકોને આગળ વધવાનો માર્ગ આપી દીધો. જ્યારે ભારતીય સૈનિક રાષ્ટ્રપતિ ગયૂમની પાસે પહોંચ્યા, ત્યારે સવારના 2 વાગ્યા ને 10 મિનિટ થઈ ગઈ હતી. તેમણે રાષ્ટ્રપતિને વિનંતી કરી કે તેઓ તેમની સાથે હુલહુલે ઍરપૉર્ટ આવે, પરંતુ તેમણે ત્યાં જવાની ના પાડી દીધી. તેમણે જીદ કરી કે તેમને નેશનલ સિક્યૉરિટી સર્વિસની મુખ્ય કચેરીએ લઈ જવામાં આવે.
3 વાગ્યા ને 15 મિનિટે જ્યારે બલસારા અને એકે બેનરજી એનએસએસના મુખ્ય કાર્યાલયે પહોંચ્યા ત્યારે ભવનની ચારેબાજુ વિદ્રોહીઓનાં શબ પડેલાં હતાં, ભવન પર સેંકડો ગોળીઓનાં નિશાન ચાડી ખાતાં હતાં કે વિદ્રોહીઓએ તેના પર નિયંત્રણ મેળવવાની ભરપૂર કોશિશ કરી હતી.
બેનરજીને યાદ છે, "ગયૂમ ડરી ગયેલા દેખાતા હતા, પરંતુ તેઓ સંપૂર્ણ નિયંત્રિત હતા અને અમને જોઈને તેઓ ખૂબ ખુશ થયા. તેમણે અમારો આભાર માન્યો અને કહ્યું કે તેઓ રાજીવ ગાંધી સાથે વાત કરવા માગે છે."
સવારે બરાબર 4 વાગ્યે સેટેલાઇટ ફોન દ્વારા રાજીવ ગાંધી સાથે સંપર્ક થયો. રોનેન સેનને હજુ પણ યાદ છે કે રાજીવ ગાંધી એ સમયે પોતાના કમ્પ્યૂટરની સામે બેઠા હતા અને હંમેશની જેમ એક હાથે ટાઇપ કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ ગયૂમ સાથે વાત કર્યા પછી જ રાજીવ સૂવા ગયા.
જ્યારે રોનેન સેન રાજીવની ઑફિસમાંથી બહાર જવા લાગ્યા ત્યારે રાજીવે તેમને કહ્યું, સુરક્ષામંત્રીને મારા તરફથી આ સફળ અભિયાન માટે અભિનંદન પાઠવજો. પરંતુ, પછી તેઓ હસીને બોલ્યા, "જવા દો, આ સમયે તો તેઓ સૂઈ રહ્યા હશે."
(આ લેખ 8 ફેબ્રુઆરી 2018એ પહેલી વાર પ્રકાશિત કરવામાં આવ્યો હતો.)




























