ધંધુકા: હત્યાના ત્રણ દિવસ બાદ શહેરમાં કેવી પરિસ્થિતિ છે?
ઇમેજ સ્રોત, Sachin Pithhva
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ગત શનિવારે 'બાઇક અથડાવા મામલે યુવાનો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી' બાદ એક યુવકની હત્યા થઈ હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં હુલ્લડ ફાટી નીકળ્યું હતું. તણાવભર્યા માહોલ વચ્ચે આગચંપીના બનાવો બન્યા હતા અને માલ-મિલકતને ભારે નુકસાન થયું હતું.
આ ઘટનાના ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં ગામમાં હજુ પણ 'ભારેલા અગ્નિ' જેવી સ્થિતિ છે. શહેરના અનેક વિસ્તારોમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ દુકાનોની બહાર ટાયરો સળગાવવાના બનાવો સામે આવ્યા છે, જેના ધુમાડાથી વાતાવરણ ગંભીર બન્યું છે. જ્યાં ઘટના બની હતી તે વિસ્તારમાં તો જાણે કર્ફ્યુ જેવી સ્થિતિ પ્રવર્તે છે.
લોકો ભયના માહોલમાં પોતાના ઘરોને તાળા મારીને બહાર ચાલ્યા ગયા છે. બીબીસીના સહયોગી સચિન પીઠવાએ સ્થાનિક રહેવાસીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોકોએ કૅમેરા સામે બોલવાનો ઇનકાર કર્યો હતો. મહિલાઓએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, "સાંજના પાંચ વાગ્યા પછી ઘરમાં રહેતા પણ ડર લાગે છે અને બાળકોની સુરક્ષાની ચિંતા સતાવી રહી છે."
આ ઘટનાથી વેપારીઓને આર્થિક નુકસાન થયું છે. આગમાં દુકાનો બળી જતાં કેટલાય પરિવારોની રોજીરોટી ખોરવાઈ ગઈ છે. એક વેપારીએ વ્યથા ઠાલવતા કહ્યું કે, લોન પર ચાલતી દુકાનનો તમામ માલ બળી ગયો છે. અન્ય એક દુકાનદારે જણાવ્યું કે દુકાનની વસ્તુઓ સાથે તેની મહેનતની કમાણીના રોકડ રૂપિયા પણ બળી ગયા છે, હવે પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું તે મોટો પ્રશ્ન છે.
ભોગ બનેલા દુકાનદારોનું શું કહેવું છે?
ઇમેજ સ્રોત, Sachin Pithhva
બીબીસીએ આ હિંસામાં ભોગ બનેલા સ્થાનિક દુકાનદારો સાથે વાતચીત કરી હતી.
ઈમરાનભાઈ શેખ નામના દુકાનદારે જણાવ્યું કે શનિવારે હત્યાની ઘટના બાદ તોફાની તત્ત્વોએ વિસ્તારમાં આગચંપી કરી હતી, જેમાં તેમની ચાર ગાડીઓ અને એક વર્કશોપને ભારે નુકસાન થયું છે. તેમણે ઉમેર્યું, "જે પણ ઘટના બની તે યોગ્ય નથી. કોઈ પણ વિવાદના નિવારણ અને ન્યાય માટે પોલીસ છે, કોઈએ કાયદો હાથમાં લેવો જોઈએ નહીં."
બાજરડા ગામના રહેવાસી બળવંતસિંહે જણાવ્યું કે, "ઘટના બાદ નિર્દોષ લોકોને નુકસાન થયું તે ખૂબ ખોટું છે. આ વિસ્તારમાં આશરે 10થી 15 દુકાનોને નુકસાન પહોંચ્યું છે."
દુકાનદાર રવજીભાઈ પ્રજાપતિ, જેમની દુકાનમાં 80 હજાર રૂપિયા રોકડા બળી ગયા છે, તેઓ કહે છે: "બે યુવકોની વ્યક્તિગત માથાકૂટનું આ ભયાનક પરિણામ આવ્યું છે. હું બૅન્કમાંથી 80 હજાર ઉપાડીને આવ્યો હતો અને ગલ્લામાં 5 હજારનો વકરો હતો, તે બધું જ બળી ગયું. દુકાનમાં રિપેરિંગ ચાલતું હોવાથી ફ્રીજ, ટેબલ, ખુરશી વગેરે બહાર કાઢ્યાં હતાં, તે પણ સળગી ગયાં. કુલ 7 લાખનું નુકસાન થયું છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "મેં ટોળાને વિનંતી કરી હતી પણ તેમણે મને ધમકી આપી અને પેટ્રોલ છાંટીને બધું સળગાવી દીધું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બિહારના વતની અને અહીં દોઢ વર્ષથી કામ કરતા મોહમ્મદ સાબિર કહે છે, "મારી દુકાનમાં રાખેલા 22 હજાર રૂપિયા રોકડા અને નવો માલ બળીને ખાખ થઈ ગયો છે. મારા પરિવારમાં પત્ની, ત્રણ બાળકો, માતા અને બહેન છે. તેઓ બિહારમાં ખૂબ ચિંતિત છે. મેં લોન લઈને આ કામ શરૂ કર્યું હતું, હવે મારી પાસે પહેરેલા કપડાં સિવાય કશું જ બચ્યું નથી."
એસઆઈટીની રચના અને તપાસ
ઇમેજ સ્રોત, Sachin Pithhva
ધંધુકા હત્યા કેસમાં તપાસ તેજ કરવા રાજ્ય સરકાર દ્વારા SIT ની રચના કરવામાં આવી છે. મુખ્ય આરોપી સમીર યુસુફની ધરપકડ કરી લેવામાં આવી છે. DySP ના નેતૃત્વમાં બે PI અને એક PSI ની ટીમ તપાસ કરી રહી છે.
ઘટના મુજબ, ભરવાડ સમાજના 35 વર્ષીય યુવક ધર્મેશ ગમારાની હત્યા કરવામાં આવી હતી. આ બનાવ બાદ 100થી વધારે લોકોના ટોળાએ હિંસક પ્રતિક્રિયા આપી હતી, જેમાં તોડફોડ અને આગચંપી થઈ હતી. હાલ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મૃતક ધર્મેશના સંબંધી પુનાભાઈ ભરવાડે જણાવ્યું કે, "ધર્મેશ ચાર ભાઈઓમાં સૌથી નાનો હતો અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો હતો. વાહન ધીમે ચલાવવા જેવી નજીવી બાબતે થયેલો ઝઘડો આટલો વકર્યો તે દુઃખદ છે. અમે માંગ કરીએ છીએ કે સરકાર પક્ષપાત વગર તપાસ કરે."
બીજી તરફ, મુસ્લિમ અગ્રણીઓએ કેમેરા સામે બોલવાનો ઇનકાર કર્યો હતો પરંતુ મૌખિક રીતે જણાવ્યું કે, જે બન્યું તે ખોટું છે. તેમના જણાવ્યા મુજબ, સામે પક્ષના લોકોનું ટોળું આરોપીના ઘર સુધી પહોંચ્યું હતું જેના કારણે મામલો બિચક્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
નવાજૂની
બીબીસી વિશેષ
સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી