પાકિસ્તાનના વડા પ્રધાન અને ઈરાનના રાષ્ટ્રપતિ વચ્ચે ફોન પર શું વાતચીત થઈ? - ન્યૂઝ અપડેટ

ભારત, અમેરિકા, ઈરાન, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Iranian Presidency / Handout/Anadolu via Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના પીએમ શહબાઝે ઈરાની રાષ્ટ્રપતિને સાઉદી અરેબિયા, કતાર અને તુર્કીના નેતાઓ સાથેની તેમની મુલાકાતો વિશે માહિતી આપી (ફાઇલ ફોટો)
વાંચવાનો સમય: 2 મિનિટ

પાકિસ્તાની વડા પ્રધાન શહબાઝ શરીફે રવિવારે સાંજે ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી.

પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલયે ઍક્સ પોસ્ટમાં લખ્યું કે, "બંને નેતાએ લગભગ 45 મિનિટ સુધી વર્તમાન ક્ષેત્રીય સ્થિતિ પર વિગતવાર ચર્ચા કરી. શહબાઝ શરીફે 11-12 એપ્રિલે વાતચીત માટે ઇસ્લામાબાદમાં પ્રતિનિધિમંડળ મોકલવા બદલ રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન અને ઈરાની નેતૃત્વનો આભાર માન્યો હતો."

"પીએમ શહબાઝે ઈરાની રાષ્ટ્રપતિને સાઉદી અરેબિયા, કતાર અને તુર્કીના નેતાઓ સાથેની તેમની મુલાકાતો વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે આ બેઠકો ક્ષેત્રમાં કાયમી શાંતિ લાવવા માટે સંવાદ અને રાજદ્વારી પ્રક્રિયાને આગળ વધારવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ."

વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, "વડા પ્રધાને પુનરોચ્ચાર કર્યો કે પાકિસ્તાન, મિત્રો અને સહયોગીઓ સાથે મળીને ક્ષેત્રીય શાંતિ અને સુરક્ષાને આગળ વધારવા માટે ઈમાનદાર અને સાચા પ્રયાસોમાં સંપૂર્ણ જોડાયેલું રહેશે."

ઍક્સ પોસ્ટમાં લખ્યું, "ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને વડા પ્રધાન શહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીરનો આભાર માન્યો."

"તેમજ કહ્યું કે પાકિસ્તાન તરફથી કરાતા શાંતિના પ્રયાસો સરાહનીય છે. તેમણે પણ ખાતરી આપી કે આવનારા દિવસોમાં ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો મજબૂત બનશે."

પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા મધ્યસ્થી કરી રહ્યું છે. ઇસ્લામાબાદમાં વાટાઘાટનો એક રાઉન્ડ થઈ ચૂક્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે એક અમેરિકાનું પ્રતિનિધિમંડળ પણ વાટાઘાટના બીજા રાઉન્ડ માટે ઇસ્લામાબાદ જશે.

હોર્મુઝ સ્ટ્રેટ પર 'નિયંત્રણ' પર એક વરિષ્ઠ ઈરાની સાંસદે શું કહ્યું?

ભારત, અમેરિકા, ઈરાન, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ઈરાની સાંસદ ઇબ્રાહીમ અઝીઝી ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કોરના પૂર્વ કમાન્ડર છે

ઈરાને કહ્યું છે કે તે હોર્મુઝ સામુદ્રધુની પર નિયંત્રણ છોડશે નહીં. એક વરિષ્ઠ ઈરાની સાંસદે તેને 'ઈરાનનો અધિકાર' ગણાવી છે.

ઈરાની સાંસદ અને ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કોરના પૂર્વ કમાન્ડર ઇબ્રાહીમ અઝીઝીએ બીબીસીને જણાવ્યું હતું કે, "ઈરાન નક્કી કરશે કે જહાજોને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થવા દેવાશે કે નહીં."

તેમણે દાવો કર્યો હતો કે આ સંબંધિત એક કાયદો હવે બનાવાઈ રહ્યો છે અને આ અંગેનું એક બિલ સંસદમાં રજૂ થવાનું છે.

ઇબ્રાહીમ અઝીઝીએ હોર્મુઝ સામુદ્રધુનીને "દુશ્મનનો સામનો કરવા માટે ઈરાન પાસે રહેલી શક્તિઓમાંની એક" ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે હોર્મુઝ સામુદ્રધુની ખૂલી ગઈ છે.

જોકે, ઈરાની રાજ્ય મીડિયાએ પાછળથી જણાવ્યું હતું કે હોર્મુઝ સામુદ્રધુનીને ફરીથી બંધ કરી દેવાઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન