ગુજરાતમાં માર્ચની જેમ એપ્રિલમાં પણ વરસાદ પડશે, હવે કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ગુજરાત, સૌરાષ્ટ-કચ્છ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીના મોટા ભાગના વિસ્તારોમાં પહેલી એપ્રિલ, બુધવારે હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું હતું.
આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ કોઈ મોટો ફેરફાર નથી થયો.
ઉત્તર ગુજરાતમાં પણ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું હતું. વલ્લભ વિદ્યાનગરમાં 37.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જે આ રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન હતું.
ગુજરાતના હવામાનની અત્યારની સ્થિતિ

ઇમેજ સ્રોત, IMD
અમદાવાદસ્થિત હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ઉત્તરપૂર્વ રાજસ્થાન અને પડોશના વિસ્તારોમાં એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 1.5 કિમીની ઊંચાઈએ સ્થિત છે.
પાકિસ્તાનના દક્ષિણપૂર્વ ભાગ તથા કચ્છની ઉપર સમુદ્રની સપાટીથી 1.5 કિમીની ઊંચાઈએ અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે.
પૂર્વ ઈરાન અને પડોશના વિસ્તારમાં પણ સમુદ્રની સપાટીથી 3.1 કિમીની ઊંચાઈએ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રચાયું છે. આ તમામ પરિબળો ગુજરાત અને ભારતનાં બીજાં કેટલાંક રાજ્યોમાં છૂટોછવાયો વરસાદ લાવી શકે છે.
હવે ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગ મુજબ આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ તે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. ત્યાર પછી કોઈ મોટા ફેરફારની આગાહી નથી.
બીજી એપ્રિલ, ગુરુવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્રીજી એપ્રિલ, શુક્રવારે પણ ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદનાં ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ તથા દીવમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.
ચોથી એપ્રિલે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ભરુચમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક હશે. તેની સાથે સાથે અમરેલી, ભાવનગર અને કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે.
માર્ચની જેમ એપ્રિલમાં પણ વરસાદ?

ઇમેજ સ્રોત, IMD
દેશમાં અત્યારે હવામાનની જે પૅટર્ન રચાઈ છે તેના પરથી લાગે છે કે માર્ચ મહિનામાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં જે રીતે વરસાદ પડ્યો હતો, તે રીતે એપ્રિલમાં પણ વરસાદ પડશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં વરસાદ અને હિમવર્ષાનો અનુભવ થશે અને તાપમાનમાં ઘટાડો નોંધાશે. ઉનાળાની ખરી શરૂઆત એપ્રિલના મધ્ય પછી જ જોવા મળે તેવી શક્યતા છે.
પહેલી એપ્રિલના હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ત્રીજી અને ચોથી એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સૌથી વધારે રહેશે. ખાસ કરીને કાશ્મીર ખીણમાં હિમવર્ષા થવાની આગાહી છે.
મધ્ય ભારતમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહી છે જે 6 એપ્રિલ સુધી ચાલશે. ગયા મહિનાના છેલ્લા પખવાડિયામાં પણ આવી જ સ્થિતિ હતી જેમાં દિલ્હી સહિતના ભાગોમાં વરસાદ પડ્યો હતો અને તાપમાનનો પારો ઘટી ગયો હતો.
દેશના બાકીના ભાગોમાં વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય હવામાન વિભાગની સોશિયલ મીડિયા પોસ્ટ પ્રમાણે હજુ 6થી 7 એપ્રિલ સુધી દેશના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગને ટાંકીને મિન્ટના અહેવાલ પ્રમાણે પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં આગામી બે દિવસ સુધી વરસાદ પડશે. જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 3થી 5 એપ્રિલ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં 4 અને 5 એપ્રિલે વરસાદ પડશે.
પૂર્વ રાજસ્થાનમાં આગામી બે દિવસ સુધી વરસાદ પડશે જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં 4 એપ્રિલ સુધી અને પછી 6 અને 7 એપ્રિલે હળવાથી મધ્યમ વરસાદ પડશે.
પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં 5 એપ્રિલ, બિહારમાં 5 અને 6 એપ્રિલ, ઝારખંડમાં 4 અને 5 એપ્રિલ તથા ઓડિશામાં પાંચમી એપ્રિલે વરસાદની આગાહી છે.
આંધ્ર પ્રદેશ, તેલંગણા અને કર્ણાટકમાં આગામી ચાર દિવસ તથા કેરળ, તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડી શકે છે.
મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ચોથી એપ્રિલ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન































