ઈરાનને 'પાષાણ યુગ'માં પહોંચાડવાની ટ્રમ્પની ધમકી પર અમેરિકાના સાંસદોએ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકન સંસદના રિપબ્લિકન નેતાઓએ ટ્રમ્પના ભાષણની પ્રશંસા કરી, જ્યારે ડેમૉક્રેટ્સે તેની આકરી ટીકા કરી છે (ફાઇલ ફોટો)
વાંચવાનો સમય: 5 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે અમેરિકા આગામી દિવસોમાં ઈરાન પર 'મોટો હુમલો' કરશે અને તેને 'પાષાણ યુગ'માં પહોંચાડી દેશે.

આ ધમકીની કેટલાક અમેરિકન સાંસદોએ આકરી ટીકા કરી છે, જ્યારે કેટલાક સાંસદોએ તેને સમર્થન આપ્યું છે.

અમેરિકન સંરક્ષણ મંત્રી પીટ હૅગસેથે ઍક્સ પર લખ્યું કે "ફરી પાષાણ યુગમાં".

જ્યારે ઍરિઝોનાનાં ડેમૉક્રેટ સાંસદ યાસ્મિન અંસારીએ કહ્યું કે "તેઓ નવ કરોડની વસતી ધરાવતા દેશની વાત કરે છે. આ ઘૃણાસ્પદ, ભયંકર અને બહુ ખરાબ છે."

મૅરીલૅન્ડના સેનેટર ક્રિસ વેન હોલેને પણ ભાષણની ટીકા કરી હતી. તેમણે ટ્રમ્પને "અમેરિકા અને દુનિયા માટે જોખમ"ગણાવ્યા હતા.

ડેમૉક્રેટ નેતા વેન હોલેને કહ્યું કે "ટ્રમ્પ હંમેશાની જેમ આપણી સાથે જુઠું બોલ્યા. બે અઠવાડિયા અગાઉ કહ્યું કે આપણે જીતી ગયા છે. જો એવું હોય તો પછી આપણે હજુ ત્યાં શા માટે છીએ? હવે શું થશે? આપણે ટ્રમ્પ પાસે વધુ જુઠની અપેક્ષા રાખી શકીએ છીએ."

જ્યારે લુઇઝિયાનાના રિપબ્લિકન સાંસદ સ્ટીવ સ્કેલીઝે ભાષણના વખાણ કરતાં કહ્યું કે "રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઑપરેશન એપિક ફ્યુરી અંગે દેશ સામે નક્કર તર્ક મૂક્યો છે. ઈરાની શાસનના આતંક અને અમેરિકનોની હત્યાનો લાંબો ઇતિહાસ દર્શાવે છે કે તેમને પરમાણુ હથિયારો મેળવતા અટકાવવા કેમ જરૂરી હતા."

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

'ઈરાનમાં શું હાંસલ કરવું તે હજુ સ્પષ્ટ નથી', ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાને આવું કેમ કહ્યું?

ઇમેજ સ્રોત, EPA

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બનીઝે કહ્યું છે કે તેમનો દેશ 'ઈરાનને પરમાણુ હથિયાર હાંસલ કરવાથી રોકવાના ઉદ્દેશ'નું સમર્થન કરે છે. જોકે, તેમણે એ પણ કહ્યું કે "હવે એ સ્પષ્ટ નથી કે આ યુદ્ધમાં આગળ વધુ શું હાંસલ કરવાનું છે અને તેનું અંતિમ લક્ષ્ય શું છે."

તેમની આ ટિપ્પણી નૅશનલ પ્રેસ ક્લબમાં આવેલા સંબોધનમાં આવી, જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણના સમયે જ થઈ રહ્યું હતું.

અલ્બનીઝે ખાસ કરીને સમયસીમાને લઈને સવાલ કર્યો, જે ટ્રમ્પે સંઘર્ષ સમાપ્ત કરવા માટે બતાવી છે. તેના પર તેમણે કહ્યું કે "યુદ્ધ પહેલાં ઑસ્ટ્રેલિયા પાસેથી કોઈ સલાહ લેવામાં નહોતી આવી."

તેમણે કહ્યું, "હું પહેલાં પણ કહી ચૂક્યો છું કે અમે તણાવ ઓછો કરવા માગીએ છીએ. અમે એ પણ ઇચ્છીએ છીએ કે તે કેવી રીતે સમાપ્ત થશે. તેના પર વધુ સ્પષ્ટતા થાય."

અગાઉ તેમણે ઑસ્ટ્રેલિયાના લોકોને સાવધાન કર્યા હતા કે "તેમનો દેશ ભલે આ યુદ્ધમાં સામેલ નથી પરંતુ આવનારા દિવસોમાં ઑસ્ટ્રેલિયાના લોકોને ભાવવધારાનો સામનો કરવાનો આવી શકે છે."

ઈરાની રાષ્ટ્રપતિએ અમેરિકાના લોકોને લખ્યો પત્ર, તેમણે શું લખ્યું?

ઇમેજ સ્રોત, WANA/Reuters

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈરાનના રાષ્ટ્પતિ મસૂદ પેઝેશ્કિયાને 'અમેરિકાના લોકો'ને સંબોધિત કરતો એક પત્ર લખ્યો છે. આ પત્રને તેમણે બુધવારે સોશિયલ મીડિયા પર શૅર કર્યો.

ઈરાની રાષ્ટ્રપતિએ તેમના પત્રમાં લખ્યું, "ઈરાને ક્યારેય કોઈ યુદ્ધ શરૂ નથી કર્યું. તેમનો દેશ લાંબા સમયથી 'કબજા અને હુમલા'નો સામનો કરે છે."

આ પત્ર એ દાવાના કેટલાક કલાક બાદ સામે આવ્યો જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે "ઈરાનના નવા શાસનના રાષ્ટ્રપતિ"એ અમેરિકા પાસે યુદ્ધવિરામની માગ કરી છે. જોકે, ટ્રમ્પે એ સ્પષ્ટ નહોતું કહ્યું કે તેઓ કોની વાત કરી રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ પર ટ્રમ્પે કહ્યું કે અમેરિકા યુદ્ધવિરામ પર ત્યારે જ વિચાર કરશે જ્યારે હોર્મુઝ ખોલવામાં આવશે.

તેમણે કહ્યું, "હોર્મુઝ નહીં ખૂલે ત્યાં સુધી અમે ઈરાનને પૂરી રીતે તબાહ કરી દીશું, જેમ હાલ કરવામાં આવી રહ્યું છે. તેને પાછા પાષણ યુગમાં મોકલી દઈશું."

જોકે, પેઝેશ્કિયાને પોતાના પત્રમાં યુદ્ધવિરામનો ઉલ્લેખ ન કર્યો.

તેમણે કહ્યું, ઈરાની લોકોની અમેરિકા, યુરોપ કે પાડોશી દેશોના લોકો પ્રત્યે કોઈ દુર્ભાવના નથી. અંતમાં તેમણે કહ્યું, "ટકરાવ અને સંવાદ વચ્ચે લેવામાં આવેલો નિર્ણય આવનારી પેઢીઓના ભવિષ્યને નક્કી કરશે."

ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધન બાદ ક્રૂડઑઇલની કિંમતોમાં વધારો

ઇમેજ સ્રોત, Jason Alden/Bloomberg via Getty

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં સંબોધન બાદ વૈશ્વિક ઑઇલની કિંમતોમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે. તેમનું સંબોધન ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ પર હતું.

બીબીસી સંવાદદાતા પીટર હૉકિન્સના જણાવ્યા પ્રમાણે, જ્યારે ટ્રમ્પ પોતાનું સંબોધન કરી રહ્યાં હતાં તે પહેલાં બેન્ચમાર્ક બ્રેંટ ક્રૂડની કિંમત લગભગ 100 ડૉલર પ્રતિ બેરલ હતી, પરંતુ ભાષણ દરમિયાન તેમાં ભારે ઉતાર-ચઢાવ થયો.

સંબોધન સમાપ્ત થતા તેની કિંમત વધી રહી છે. હાલ તેની કિંમત લગભગ 4 ટકા વધીને 105.38 ડૉલર પર પહોંચી ગઈ છે.

એવું મનાતું હતું કે હોર્મુઝ સ્ટ્રેટને લઈને તેઓ કોઈ ઍલાન કરશે, પરંતુ તેની સાથે જોડાયેલું કોઈ અપડેટ ન આવવાને કારણે ઑઇલની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો.

હોર્મુઝ સામુદ્રધુની વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે મહત્ત્વની છે. કારણકે દુનિયાનો લગભગ 20 ટકા ઊર્જા વ્યાપાર આ સાંકડા સમુદ્ર માર્ગથી થાય છે.

28 ફેબ્રુઆરીના રોજ યુદ્ધ શરૂ થયા બાદ આ માર્ગ લગભગ બંધ છે. કારણકે ઈરાને અમેરિકા અને ઇઝરાયલી હુમલાના જવાબમાં આ રસ્તા પરથી પસાર થનારાં જહાજો પર હુમલા કરવાની ધમકી આપી છે.

ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભૂકંપનું કેન્દ્ર તેરનાતેથી લગભગ 120 કિમી દૂર હતું

ઇન્ડોનેશિયામાં ગુરુવારે સવારે 7.4ની તીવ્રતાનો એક તીવ્ર ભૂકંપ આવ્યો, જે બાદ સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે.

અમેરિકન જિયૉલૉજિકલ સર્વે અનુસાર, ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 7.8 નોંધાઈ હતી. સ્થાનિક સમય પ્રમાણે સવારે 6:48 વાગ્યે મુલુક્કા સાગરમાં આ ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપનું કેન્દ્ર તેરનાતે શહેરથી લગભગ 120 કિમી દૂર હતું, જે એક નાનો, પરંતુ ગીચ વસતીવાળો દ્વીપ છે અને જેની વસતી બે લાખ કરતાં વધુ છે.

હવાઈસ્થિત સુનામી વૉર્નિંગ સિસ્ટમે કહ્યું કે ભૂકંપના કેન્દ્રથી એક હજાર કિમીની ત્રિજ્યામાં ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને મલેશિયાના કાંઠા વિસ્તારોમાં મોજાં ઊઠવાની સંભાવના છે.

ગંગા નદીમાં ચિકન બિરયાની ફેંકવાના આરોપમાં પકડાયેલા 14 લોકોની જામીન અરજી ફગાવાઈ

ઇમેજ સ્રોત, Sushant Mukharjee

ઇફ્તાર બાદ બચેલી ચિકન બિરયાની ગંગા નદીમાં ફેંકવાના આરોપમાં પકડાયેલા તમામ મુસ્લિમ યુવાનોને બુધવારે વારાણસી સેશન્સ કોર્ટે જામીન આપવાનો ઇન્કાર કરી દીધો છે.

લાઇવ લૉ પ્રમાણે, કોર્ટના આદેશ આપતા પહેલાં કહ્યું કે, "વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવો પ્રાથમિકપણે એ વાત સાબિત કરે છે કે આ ઘટના સામાજિક સૌહાર્દને પ્રભાવિત કરવાના ઉદ્દેશ સાથે કરાઈ છે."

"ધાર્મિક ભાવનાઓને ભડકાવવી અને તેને સોશિયલ મીડિયા થકી પ્રસારિત કરવી એ ગુનાની ગંભીરતાને વધારી દે છે. આ તથ્ય નકારી ન શકાય કે ઇફ્તાર બાદ ઈદ અને અન્ય તહેવાર ઊજવવાના હતા."

વારાણસીના કોતવાલી સ્ટેશનને 16 માર્ચના રોજ મળેલી એક ફરિયાદના આધારે અજ્ઞાત વિરુદ્ધ એફઆઇઆર નોંધાઈ હતી, જે બાદ આ કાર્યવાહી કરાઈ છે.

આ ફરિયાદ વારાણસીમાં ભારતીય જનતા યુવા મોરચાના નગર અધ્યક્ષ રજત જયસ્વાલે કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન