સુરત : 'કામ મળવાનું બંધ થયું ને સિલિન્ડરના ભાવ ત્રણ ગણા થયા', ઉધના સ્ટેશને ભયંકર અંધાધૂંધી કેમ સર્જાઈ?

ઇમેજ સ્રોત, UCC

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 4 મિનિટ

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ગત રવિવારે ટ્રેનમાં ચઢવા માટે હજારો સ્થળાંતરિત મજૂરોની ભારે ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન એવી અંધાધૂંધી સર્જાઈ હતી કે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે 'હળવો' લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે ઉધના રેલવે સ્ટેશને ભાગદોડને કારણે ગંભીર દુર્ઘટના સર્જાતાં સહેજમાં રહી ગઈ હતી.

કેટલાક મુસાફરોએ બીબીસીને જણાવ્યું હતું કે, હાલમાં મધ્યપૂર્વના યુદ્ધની અસરને કારણે સુરતના ઘણા ઉદ્યોગોની સ્થિતિ કફોડી છે. વળી, શ્રમિકોને ઊંચા ભાવે એલપીજી સિલિન્ડર ખરીદવા પડે છે, જેના કારણે આર્થિક ભીંસ અનુભવતા હજારો મજૂરો સુરત છોડીને પોતાના વતન પરત ફરી રહ્યા છે.

આ ઘટના બાદ રેલવેની વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઊઠી રહ્યા છે, કારણ કે ઉધના સ્ટેશન પર દર વર્ષે તહેવારો દરમિયાન ભારે ભીડ ઊમટે છે અને મુસાફરોએ કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ઉધના રેલવે સ્ટેશને શું બન્યું?

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

રવિવારે સવારના સમયે બિહાર જતી સ્પેશિયલ ટ્રેન માટે હજારો મુસાફરો પ્રતીક્ષામાં હતા ત્યારે અચાનક અફરાતફરી મચી ગઈ હતી. અસહ્ય ગરમી અને બફારાને કારણે કેટલાક લોકો બેભાન જેવી સ્થિતિમાં મુકાયા હોવાના અહેવાલ પણ સાંપડ્યા છે, જેમાં ખાસ કરીને મહિલાઓની હાલત વધુ કફોડી બની હતી. સ્ટેશન પર પાણીની પૂરતી સગવડ ન હોવાની ફરિયાદ પણ ઊઠી હતી.

એક તરફ શાળાઓમાં વૅકેશન છે અને બીજી તરફ કેટલાંક એકમોમાં કામ ઓછું હોવાથી શ્રમિકો પરિવારો સાથે વતન જઈ રહ્યા છે. મુકેશ કુમાર નામના એક કામદારે જણાવ્યું કે, "હું સુરતની ટૅક્સ્ટાઈલ કંપનીમાં કાર્યરત્ હતો, પરંતુ હવે કામ મળવાનું બંધ થતાં અને ગૅસના સિલિન્ડર ત્રણ ગણા વધારે ભાવે મળતાં બિહાર પરત જવાનો નિર્ણય લીધો છે." તેમણે ઉમેર્યું કે, કામ વગર સુરતમાં રહેવા કરતાં વતનમાં મજૂરી કરવી વધુ બહેતર છે.

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

પોલીસના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ ત્વરિત નિયંત્રણમાં લેવામાં આવી હતી. કેટલાક લોકોએ બૅરિકેડ કૂદીને ટ્રેન તરફ દોટ મૂકતાં પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.

સુરત રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. મીઠાપરાએ જણાવ્યું કે, "રવિવારે અંદાજે 20 થી 22 હજાર મુસાફરો ટ્રેનમાં ચઢ્યા હતા, છતાં પાંચથી સાત હજાર જેટલા લોકો રહી ગયા હતા. કેટલીક વધારાની સ્પેશિયલ ટ્રેનો દોડાવવા છતાં છેલ્લી ટ્રેનમાં જગ્યા ન મળતાં લોકોમાં ભાગદોડ મચી હતી. રેલવે પોલીસે સ્પષ્ટતા કરી કે પાંચ મિનિટમાં જ સ્થિતિ થાળે પાડી દેવામાં આવી હતી."

પ્રવાસી મજૂરોની ઉપેક્ષાનો આરોપ

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

ઇમેજ કૅપ્શન, ઉધના રેલવે સ્ટેશન

ડાયમંડ અને ટેક્સ્ટાઈલ ઉદ્યોગ માટે જાણીતા સુરતને માઇગ્રન્ટ કામદારોનું શહેર પણ કહેવામાં આવે છે. જેઓ વતન જાય તેમને ભારે હાલાકીઓ ભોગવવી પડતી હોય છે. એક અંદાજ પ્રમાણે અહીં લગભગ 42 લાખથી વધારે માઇગ્રન્ટ કામદારો વસે છે અને શહેરની કુલ વસતીમાં તેમનો 58 ટકા જેટલો હિસ્સો છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ વિશે સુરતસ્થિત બિહાર વિકાસ પરિષદના પ્રમુખ ધર્મેશ સિંહે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે "ઘણાં વર્ષોથી આ સમસ્યા છે. અમે રેલવે મંત્રાલયને અનેક વખત પત્રો લખ્યા છે. સ્પેશિયલ ટ્રેનો તો તાત્કાલિક વ્યવસ્થા છે, પરંતુ અમને રેગ્યુલર ટ્રેનો જોઈએ છે. તેમને મજૂર સિવાય બીજું કંઈ ગણતા નથી."

એક દલીલ એવી પણ થાય છે કે રેલવે મંત્રાલય જે ઝડપથી વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનોની સંખ્યા વધારે છે, તેટલી ઝડપથી જનરલ ટિકિટ વાળીટ્રેનોની સુવિધા વધતી નથી.

એક અહેવાલ પ્રમાણે 2030 સુધીમાં રેલવે 800 વંદે ભારત ટ્રેનો દોડાવવાની યોજના ધરાવે છે, જેની સંખ્યા 2047 સુધીમાં 4500 સુધી લઈ જવાનું આયોજન છે.

આ વિશે ભૂતપૂર્વ રાજ્યકક્ષાના રેલવે મંત્રી નારણ રાઠવાએ બીબીસીને જણાવ્યું કે, "વૅકેશન, છઠ્ઠ પૂજા, હોળી વગેરે તહેવારો માટે રેલવેએ અલગથી આયોજન કરવું જોઈએ તથા ભીડને ધ્યાનમાં રાખીને વધારે ટ્રેનો દોડાવવી જોઈએ. પૂરતી સંખ્યામાં સ્પેશિયલ ટ્રેનો રાખવામાં ન આવે ત્યારે આવી સ્થિતિ સર્જાય છે."

તેમણે કહ્યું કે "હાલમાં રેલવે દ્વારા પ્રીમિયમ ટ્રેનો પર ફોકસ કરવામાં આવે છે, તેનો વિરોધ નથી. પરંતુ 75 ટકાથી વધુ લોકો સામાન્ય ટ્રેનોમાં પ્રવાસ કરવાના છે, તેથી તેમના પર ધ્યાન આપવું જોઈએ."

ધર્મેશ સિંહનું કહેવું છે કે યુપી બિહારના મજૂરોને સ્પેશિયલ ટ્રેનો આપવામાં આવે છે, પરંતુ તે આઠથી 10 કલાક મોડી પહોંચે છે. સ્લીપર ક્લાસમાં મજૂરોને બહુ અપમાનિત કરીને બેસાડવામાં આવે છે. તેમાં સ્વચ્છતા કે બીજી સુવિધાઓ પણ નબળી હોય છે.

તેમણે કહ્યું કે "યુપી-બિહાર માટે રોજની પાંચથી છ રેગ્યુલર ટ્રેનો દોડાવવી જોઈએ. તેની સામે માત્ર એક અથવા બે રેગ્યુલર ટ્રેન દોડે છે. સુરત, નવસારી અને બારડોલીમાં મળીને સાત લાખ બિહારી અને લગભગ 10 લાખ ઉત્તર પ્રદેશના લોકો રહે છે. આ બે રાજ્યના 17 લાખ લોકો વસતા હોય ત્યારે તેમના માટે ટ્રેનોની સગવડ વધારવી જોઈએ."

ભીડનું નિયંત્રણ કેટલું મુશ્કેલ

રેલવે સ્ટેશનો પર એક સાથે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી પહોંચે ત્યારે તેનું નિયંત્રણ કેવી રીતે કરાય છે તે વિશે બીબીસીએ પશ્ચિમ રેલવેના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ (વડોદરા) અભય સોની સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું કે, "ઉધના સ્ટેશનેથી વધુ માઇગ્રન્ટ પ્રવાસીઓ ચઢે છે કારણ કે દક્ષિણ ગુજરાતનું તે મૂવમેન્ટ પોઈન્ટ છે. તેના કારણે વલસાડ, વાપી, અંકલેશ્વર અને ભરૂચના ઉદ્યોગોમાં કામ કરતા ઉત્તર ભારતના લોકો પણ ટ્રેન પકડવા ઉધના સ્ટેશને જ આવે છે."

તેમણે જણાવ્યું કે, "વર્ષોથી અમે પ્રવાસીઓની લાઈન બનાવીને તેમને એક પછી એક ટ્રેનમાં બેસાડવાની વ્યવસ્થા અપનાવી છે. દિવાળી, હોળી, છઠ પૂજા વગેરે તહેવારો વખતે આવી જ રીતે વ્યવસ્થા કરવામાં આવે છે." રવિવારની ઘટના વિશે તેમણે કહ્યું કે, "કોઈએ વાત ફેલાવી કે આ ટ્રેન પછી કોઈ ટ્રેન નથી, તેના કારણે કેટલાક પ્રવાસીઓ ટ્રેનમાં ચઢવા માટે ઉતાવળા બન્યા હતા."

તેમણે જણાવ્યું કે સ્પેશિયલ ટ્રેનોમાં લોકો જનરલ ટિકિટ પર મુસાફરી કરતા હોય છે, તેથી કેટલા મુસાફરો આવી જશે તેનો અંદાજ નથી હોતો તે એક પડકાર હોય છે. જોકે, પશ્ચિમ રેલવેના એસ.પી. અભય સોનીએ એમ પણ કહ્યું કે, આ પદ્ધતિમાં કેટલાક સુધારા કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, "ઉધના સ્ટેશને પ્રવાસીઓ માટે હોલ્ડિંગ એરિયા વધારવાની અને વ્યવસ્થિત બૅરિકેડિંગ કરવાની યોજના છે જે બે-ત્રણ મહિનામાં થઈ જશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન